મૃગેશભાઈની પ્રથમ પુણ્યતિથિએ….

Mrugesh Shahગત તારીખ ૫મી જૂન 2014ના રોજ આપણી વચ્ચેથી દૂર થયેલા મૃગેશભાઈના અવસાનને જોતજોતામાં એક વર્ષ થઈ ગયું, સમય તેની ગતિએ સરતો રહે છે, બદલાવ એ દુનિયાનો નિયમ છે અને મૃત્યુ તો અકળ છે એવી બધી વાતો ખબર હોવા છતાં એક સહ્રદય મિત્ર, એક સ્પષ્ટવક્તા સલાહકાર અને સરળ વ્યક્તિત્વને ગુમાવવાનો વસવસો ઓછો થતો નથી. અને એ ફક્ત મારા માટે જ છે એવું નથી, કેટલાયને માટે મૃગેશભાઈ પથદર્શક બનતા ગયા છે.

અનેક સર્જકોની જેમ મારા સર્જનને, મારા લેખનને પણ ડાયરીની સીમાઓમાંથી અચાનક જ ઇન્ટરનેટના આકાશનો અનુભવ કરાવનાર મૃગેશભાઈએ ૨૦૦૫માં સર્વપ્રથમ વખત મારી બે કાવ્યરચનાઓ મૂકી હતી. ‘રીડગુજરાતી’ પર આવે એટલે તમારી કલમમાં કાંઈક તો જરૂર હશે એવો વાચકો અને એ જ ક્રમે લેખક બનેલા ઘણાંયનો અનુભવ મને પણ એ જ રીતે અક્ષરનાદ સુધી લઈ ગયો. મનનો ખોરાક અને હ્રદયની વાતોને વાચા આપતી કૃતિઓ સભર રીડગુજરાતીએ અનેક સર્જકોને મંચ આપ્યો છે, અનેકોની કલમને માર્ગ દેખાડ્યો છે અને એ સત્કાર્ય કરનાર મૃગેશભાઈ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે પણ રીડગુજરાતી તેમણે શરૂ કરેલા કાર્યને અખંડ આગળ વધારશે જ. રીડગુજરાતીનું સંચાલન હાથમાં લીધા બાદ આવા અનેક મિત્રોના ફોન દ્વારા મૃગેશભાઈ સાથેના તેમના ઋણાનુબંધ અને સ્નેહની વાત થાય ત્યારે લાગે કે મૃગેશભાઈએ એક અખંડ દીવો પ્રગટાવ્યો હતો જે અનેક દીવાઓને પોતાની જ્યોત આપતો ગયો છે.

આજે પ્રથમ પુણ્યતિથિએ…. મૃગેશભાઈ, દોસ્ત… જ્યાં જ્યાં વંચાય રીડ ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત…

‘કૃષ્ણં શરણં ગચ્છામી..’

– જીજ્ઞેશ અધ્યારૂ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “મૃગેશભાઈની પ્રથમ પુણ્યતિથિએ….”

Copy Protected by Chetan's WP-Copyprotect.