સ્મરણાંજલી : મૃગેશભાઈના વિચારબિંદુઓ (ભાગ-૮)

[આસપાસના જગતને જોતાં, વિચારતા મૃગેશભાઈને જે સ્ફૂર્યું તેને તેમણે ‘ફેસબુક’ પર વહેંચવાનું શરૂ કરેલું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ ભાગ – ૧ થી ૫ રૂપે પ્રકાશિત કર્યા હતાં જે એ પછીથી પુસ્તિકારૂપે ઉપલબ્ધ થયા હતા. ત્યારપછીથી લખાયેલા કેટલાક વિચારબિંદુઓનો ભાગ – ૬ અને ૭ માં સમાવેશ થયો હતો. અહીં જે વિચારબિંદુઓ પ્રસ્તુત છે તે ‘ફેસબુક’ પરથી લીધા છે. ૧૯ ડિસેમ્બર ૨૦૧૨ થી ૮ મે ૨૦૧૪ સુધી મૃગેશભાઈ શાહે જેટલા વિચારો મૂક્યા હતા તેનો અહીં સમાવેશ કરી ‘વિચારબિંદુઓ (ભાગ-૮)’ હેઠળ મૂકવાનો નમ્ર પ્રયાસ છે. ફેસબુક પરથી આ સંકલન કરવા બદલ સોનિયાબેન ઠક્કરનો આભાર. મૃગેશભાઈને તેમના પોતાના વિચારોથી વધુ સ્મરણાંજલી તો કઈ આપી શકીએ? તેમની આપણી વચ્ચેથી વિદાયને આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આપણે સૌ તેમને અને તેમના વિચારવિશ્વને યાદ કરીએ.]

[1] રામાયણના રાવણને, ટીવી સિરિયલોના વિલન પાત્રને કે પછી એનિમેશન ફિલ્મોના રાક્ષસને ધ્યાનપૂર્વક જોજો… તેઓ ખૂબ જ જોરથી ખડખડાટ હસતા હોય છે. રાક્ષસો પણ જો પ્રસન્ન રહી શકતા હોય તો આપણે કેમ નહિ ?

[2] ડૉક્ટર તમને એમ કહે કે તમારા પેટના રોગ માટે બહારનું જંકફૂડ અને અયોગ્ય ખોરાક બંધ કરો. તો એટલી પરેજી તમારે દવા સાથે પણ પાળવી પડે છે. ગમે તે ખોરાક ચાલુ રાખીને યોગ્ય ઉપચાર થઈ શકે નહિ. દિલ્લી-રેપકેસની બાબતમાં પણ આ સમજવાની જરૂર છે. ઉપચાર-સજા ચોક્કસ થવી જોઈએ પરંતુ એ વિચારોને ઉશ્કેરનારા હોર્ડિંગો, ફિલ્મો, સામાયિકો સહિત સમાજની મનોવૃત્તિ બગાડનારા તમામ તત્વો એટલા જ જવાબદાર છે. એની પરેજી વગર ઉપચારની દવા અસર નહીં કરે. ચારેતરફ મનને બગાડનારા તત્વો હોય એની વચ્ચે પણ મન સાત્વિક જ રહેવું જોઈએ…! એ તો ઋષિમુનિઓનું પણ નથી રહ્યું, કાળામાથાના માનવીનું કેટલું ગજું ? બિમારીને મૂળમાંથી મટાડવાની જરૂર છે.

[3] અંતરિયાળ ગામડામાં જઈએ તો એમ વિચાર આવે કે માણસ બુદ્ધિ નથી વાપરતો એટલે જ પરેશાન થાય છે. એ જ રીતે, અતિ વિકસિત અદ્યતન શહેરોમાં જઈને જોઈએ તો એમ વિચાર આવે છે કે માણસ માત્ર બુદ્ધિ જ વાપરે છે એથી જ પરેશાન થાય છે !

[4] વિનોબાજીને કોઈએ પૂછ્યું કે શું શાળાઓમાં સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ ? વિનોબાજીએ હસીને કહ્યું કે “એ કામ તો કુદરત કરે જ છે. ઢોર-ઢાંખર, પશુ-પંખી બધાને કુદરત શીખવે છે. તમારે જો શાળાઓમાં કંઈક શીખવવું હોય તો સંયમનું એજ્યુકેશન શીખવો.” માણસની શોભા પ્રકૃતિથી ઉપર ઉઠવામાં છે…. પ્રકૃતિ સાથે ઢસડાઈ જવામાં નહિ !

[5] બિમાર વ્યક્તિને ગ્લુકોઝના બોટલ ચઢાવવામાં આવે છે ત્યારે ધીમે-ધીમે એક એક ટીપુ લાંબા સમય સુધી આપવામાં આવે છે જેથી અસર વધુ સમય રહે. પૂજા, પ્રાર્થના, મંત્રજાપ કે અન્ય કંઈ પણ સાધના કરનારે આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. સ્તુતિનો અર્થ જ છે કે એકદમ મૃદુતાથી, ભાવથી… ધીમે ધીમે થાય. આ વાત વાંચનમાં પણ લાગુ પડે છે. ધીમી ગતિથી વાંચનાર લેખનો મર્મ જલ્દી પકડી શકે છે. તેનું મનન આપોઆપ ચાલુ થાય છે. ધીમે ધીમે ભોજન કરનારનું પાચન સુવ્યવસ્થિત થાય છે. માણસની ઉંમરથી લઈને બધુ જ આ સૃષ્ટિમાં ટીપે ટીપે ચાલે છે. ધીરા સો ગંભીર !

[6] સંબંધ સ્થાપવાથી પોતીકાપણું અનુભવાય છે. આપણે કંઈ આપણા પરિચિતોને પાંચ ફૂટ હાઈટ વાળા, જાડા, પાતળા ભાઈ કહીને બોલાવતા નથી. આપણે એમને ‘કાકા’, ‘મામા’, ‘માસા’ જેવું સંબંધનું નામ આપીએ છીએ. માતા-સંતાન વચ્ચે એક સંબંધ છે એથી પોતાનું બાળક જેવું હોય તેવું માતાને વહાલું લાગે છે. આ સૃષ્ટિ સાથે એવો સંબંધ બાંધી શકાય. ચાંદાને આપણે ‘મામા’ કહીએ છીએ, સૂરજને ‘દાદા’ કહીએ છીએ, સાગરને દેવ કહીએ છીએ… એમને માત્ર અગ્નિના ગોળા, કે સમુદ્રના પાણી રૂપે જ જોઈશું તો પોતાપણું નહીં અનુભવી શકીએ. બાળવાર્તાઓમાં પ્રકૃતિ અને પ્રાણીઓ પાસેથી સંવાદ બોલાવવા પાછળનો મૂળ વિચાર આ છે કે બાળક નાનપણથી સૌ સાથે જોડાઈ જાય. અંતે તો માણસે સંબંધોના સહારે જ જીવવું પડે છે. પોતાના સંબંધીઓ દેવલોક પામે ત્યારે પ્રકૃતિ સાથેના સંબંધો કામ આવે છે.

[7] આ સમયમાં સમાજના દરેક ક્ષેત્રોમાં વ્યર્થ ચર્ચા, વાદ, વિવાદ કરનારાઓનો એક બહુ મોટો વર્ગ છે. હકીકતે તો તેઓ પોતાના મનની અશાંતિ જ વ્યક્ત કરતા હોય છે. પોતાના મતને વળગી રહેવાના અહંકારનું એ માત્ર પ્રદર્શન હોય છે. જેમણે મનની શાંતિ જાળવી રાખવી હોય તેમણે આ પ્રકારના લોકો સાથે વ્યર્થ વિવાદ કરવાનું ટાળવું જોઈએ. એમની વાતમાં ‘હા’ કહીને આગળ નીકળી જવામાં મજા છે. નાના બાળકને બે દડા રમાડીને ખુશ કરી લેવા જેવી આ વાત છે !

[8] એ શિક્ષણ જ કેવું જે આપણને એવું વિચારવા પ્રેરે છે કે “હું મારું ભવિષ્ય સિક્યોર કરી લઉં… હું કમાઈ લઉં…. હું મારી કેરિયર બનાવી લઉં !!” શિક્ષણ તો એને કહેવાય જે બીજાનો વિચાર કરવા પ્રેરે. કેળવણી તો એ છે કે બીજાના દુઃખને આપણે અનુભવી શકીએ. આજના શિક્ષણના પરિણામે આપણે કારકિર્દી બનાવીને કદાચ બંગલા તો બનાવી શકીએ છીએ પરંતુ એ બંગલાના રૂમમાં આપણે એકલા પડી જઈએ છીએ. કારણ કે આ શિક્ષણે આપણને બીજાનો વિચાર કરતા જ નથી શીખવ્યું. એકલપેટા બનવાની શીખ આપે એવું શિક્ષણ જીવનમાં સુખ આપી શકતું હશે, શાંતિ તો નહીં જ આપી શકે.

[9] માણસનું મન અળવીતરું છે. દેશમાં રહેનારને થાય છે કે પરદેશના લોકો તો કેટલા સુખી ! ચોખ્ખા હવા-પાણી, શુદ્ધ ખોરાક, સ્વચ્છતા, બમણી આવક, ઉત્તમ શિક્ષણ વગેરે. પરદેશ સ્થાયી થયેલા લોકોને એમ લાગે છે કે બધું જ છે પરંતુ માણસો ક્યાં ? એ તહેવારોની મજા, વાતો કરવાનો આનંદ, પડોશીઓની હૂંફ, સગાં-સ્નેહીનો ભાવ… એના આગળ તો બધી સંપત્તિ ધૂળ બરાબર ! સરવાળે માણસને સામે કિનારે સુખ દેખાય છે. જે પરિસ્થિતિ છે તે કોઈને ગમતી નથી. બધાને અન્ય થવું છે. મન આવા બધા ખેલ કર્યા જ કરે છે ને આમ ને આમ અજંપામાં જીવન વીતી જાય છે ! સમજપૂર્વક જીવીએ તો ઝૂંપડામાં પણ રહીને સુખી થઈને અંતરનો આનંદ અનુભવી શકીએ.

[10] માનવીના જીવનમાં ઘણીવાર ન સમજાય તેવી ઘટનાઓ બને છે. કેટલાય પ્રસંગોમાં બુદ્ધિનો છેડો આવી જાય છે. આ પરિસ્થિતિમાં માણસને સ્થિર રાખી શકતા ઉપાયોમાનું એક છે વાંચન. સાહિત્ય માણસને આધાર આપે છે. વાંચન એ સમય પસાર કરવાનું માધ્યમ નથી. એ જીવનઘડતરનું એક મજબૂત સાધન છે. જેઓ નિયમિત વાંચે છે તેઓ ધીમે ધીમે જીવનના ઊંડાણને પામતા જાય છે.

[11] ‘અમે અમારા સંતાનોને ક્વોલિટી ટાઈમ આપીએ છીએ’ એમ કહીને મન મનાવનારા માતા-પિતાઓ શું પોતાના ઘરના કૂંડામાં અઠવાડિયે-પંદર દિવસે મિનિરલ વોટર રેડતા હશે ?
[12] ‘હું તને પ્રેમ કરું છું’ એ વાક્ય જ આમ તો મૂળમાંથી ખોટું છે ! કારણ કે જ્યાં ‘હું’ અને ‘તું’નો ભાવ (અહંકાર) રહ્યો હોય ત્યાં પ્રેમ હોઈ શકે ખરો ? વેદાંતની ભાષામાં તો જ્યાં દ્વૈત છે ત્યાં ભ્રમ છે. ‘હું તે જ છું’ એવો ભાવ પ્રગટ થાય ત્યાર પછી કોઈ અંતર રહેતું નથી. એટલે જ સાચો પ્રેમ કોઈના સાનિધ્યની પણ પરવા નથી કરતો. એ તો બસ હોય છે.

[13] વસ્ત્રોનું બહુ મોટું વિજ્ઞાન છે. માણસનામાં જેવી જેવી વૃત્તિઓ રહેલી હોય તેવા તેવા વસ્ત્રો માણસ પસંદ કરતો હોય છે. અમુક વસ્ત્રોમાં માણસ આપોઆપ આદર મેળવે છે. એટલે જ તો શાળામાં વેશભૂષા હરિફાઈ યોજવામાં આવે છે. બાળકને કંઈ સ્વામી વિવેકાનંદનો ઉપદેશ ગોખાવવામાં આવતો નથી. એ ફક્ત એવો પહેરવેશ ધારણ કરે એટલે એનામાં શુભવૃત્તિનું આરોપણ થઈ જાય છે. પહેરવેશ પ્રત્યે સભાન રહેવું એ પણ એક જાગૃત માનવીનું લક્ષણ છે. (ફેશનને જ સર્વસ્વ માનનારાના ચરણોમાં અર્પણ !)

[14] ગુરુનો કોઈ ચોક્કસ પહેરવેશ જ હોય એવું જરૂરી નથી. જે આપણો પથપ્રદર્શિત કરે, માર્ગદર્શન કરે અને જીવનને સારા માર્ગે વાળવામાં મદદરૂપ થાય તે પણ એક રીતે ગુરુ જ છે. એ કામ જો કોઈ વેબસાઈટથી થતું હોય તો એ વેબસાઈટ ગુરુ છે. એ કામ જો ગૂગલથી થતું હોય તો ગૂગલ પણ ગુરુ છે !

[15] કાર સારી રીતે કોઈને નુકશાન ન થાય તે રીતે ચલાવવી એ ‘ધર્મ’ છે. કારમાં પેટ્રોલ ભરાવવા માટે પૈસા તો જોઈએ જ વળી, એટલે તેનું ઈંધણ એ અર્થ’ છે. ‘કામ’ સિવાય કોઈ ગાડી લઈને શું કરવા નીકળે ? કામ પર જવાની ક્રિયા એ ‘કામ’ છે અને પહોંચીને કાર છોડી દેવી એ મોક્ષ છે. બધું જ હોય પણ જો એમાંથી મુક્ત ન થવાતું હોય તો ? કારમાં જ બેસી રહીએ એ તો કંઈ ઠીક ન કહેવાય. આ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

[16] માત્ર થિયેટર, નાટક, મેરેજહૉલ, પાર્ટીપ્લોટ કે હોટલોમાં જ એડવાન્સ બુકિંગ થાય છે એવું નથી, હોસ્પિટલોમાં પણ એડવાન્સ બુકિંગ થતું હોય છે. જ્યારે આપણે કંઈક ખોટું કામ કરીએ છીએ ત્યારે ત્યાં આપોઆપ બુકિંગ થઈ જાય છે….. કશુંય એડવાન્સ આપ્યા વગર !

[17] દવાઓના પેકેટ પર લખેલું હોય છે ‘As directed by Physician’. દવાઓ આપણે મૉલની જેમ નથી ખરીદી શકતા. એની માટે ડૉક્ટરની જરૂર રહે છે. બરાબર એ જ રીતે પુસ્તક અને ગ્રંથ વચ્ચેનો તફાવત સમજી લેવો જોઈએ. ગ્રંથ પણ ‘As Explained by Guru’ હોય છે. પુસ્તકની જેમ તેના અર્થો કરવા જઈએ તો અનર્થ સર્જાય છે. વેદ, પુરાણથી લઈને આપણું અનેક પૌરાણિક સાહિત્ય માત્ર અનુવાદને આધારે ન સમજી શકાય. એ અનુભૂતિથી પામી શકાય છે અને એટલા માટે જ કોઈ માર્ગદર્શકની જરૂર રહે છે.

[18] સાવ સાદી, સીધી અને સરળ વાત છે કે સપનામાં આપણું માથું કપાઈ ગયું હોય તો એનું દુઃખ જાગીએ નહીં ત્યાં સુધી દૂર ન થાય. જીવનની સમસ્યાઓ અને તમામ દુઃખોનો ઉકેલ પણ એ જ છે કે અંદરથી જાગી જવું. આ ‘અંદરથી જાગી જવું એટલે શું ?’ એવો પ્રશ્ન થવો એ જાગવા તરફનું પહેલું પગથિયું છે. આ પ્રશ્નનો ઉકેલ મેળવવા આપણે મહાપુરુષોના જીવનચરિત્રો વાંચવા રહ્યા.

[19] કડકડતી ઠંડીમાં પણ ટેકનોલોજીના માણસો તો પંખો ચાલુ જ રાખે છે, ઘરનો નહીં…… લેટટૉપમાંથી ગરમ ગરમ હવા ફેંકતા ‘કુલિંગ ફૅન’ની આ વાત છે !

[20] કોઈ પણ કલા જીવનમાં ઈન્સ્યોરન્સ પૉલિસી કરતાં પણ વધુ અગત્યની છે કારણ કે ઈન્શૉરન્સ પૉલીસી તો મુશ્કેલીના સમય પછી કામ લાગે છે જ્યારે કલા તો સમસ્યાઓને જ મન પર હાવી નથી થવા દેતી.

[21] અકારણ જે વ્યક્તિ વારંવાર પોતાના મોબાઈલ સામે જોઈ રહેતું હોય અને સતત અસમંજસ અવસ્થામાં રહેતું હોય તેના ચારિત્ર્ય પર શંકા થયા વિના રહેતી નથી.

[22] જેમને જમાના પ્રમાણે રહીને ઉત્તમ સુખો ભોગવવાની ઈચ્છા હોય તેમણે જમાના પ્રમાણે આવતા અવનવા દુઃખો ભોગવવાની તૈયારી પણ રાખવી જોઈએ.

[23] સામાન્યતઃ એવું મનાય છે કે યાદશક્તિ કેળવવા માટે ખૂબ પરિશ્રમ કરવો પડે છે. પરંતુ માણસ જેમ જેમ સમજતો થાય છે એમ એમ તેને ખ્યાલ આવે છે કે સ્મૃતિ કરતાં વિસ્મૃતિ કેળવવા માટે ભારે પરિશ્રમની જરૂર પડે છે.

[24] આજના સમયમાં તો આ ધરતી પર એક લગ્ન પણ થાય તો તે ઈશ્વરનો ચમત્કાર ગણાવો જોઈએ. એની જગ્યાએ રોજેરોજ અનેક લગ્નો સતત થતાં જ રહે છે…. ઈશ્વરના અસ્તિત્વની આથી વધુ મોટી કઈ સાબિતી હોઈ શકે ?

[25] ક્રોધ આમ તો દુર્ગુણ છે પરંતુ તે છતાં એના સારા પાસા વિશે વિચાર કરવો હોય તો એમ કહી શકાય કે આપણો ક્રોધ દૂધને ઊભરો લાવવા માટે વધારેલા ગેસના તાપ જેટલો હોવો જોઈએ. ઉભરો બરાબર આવી જાય પછી તાપ ધીમો કરી દેવાનો વિવેક જાળવવો રહ્યો. સાવ બધું દૂધ ઉભરાઈ જાય અને તપેલી બળી જાય એવો ક્રોધ નક્કામો !

[26] કોઈકે સરસ કહ્યું છે કે ટીવી એ આંખોની ચ્યુઈંગમ છે !

[27] આનંદ એ મનનો ઑક્સિજન છે !

[28] બહાર કયો યુગ ચાલે છે એ મહત્વનું નથી, આપણા મનમાં કયો યુગ ચાલે છે એ મહત્વનું છે. જે રીતે ભર વરસાદ કે તાપ હોવા છતાં, આપણે જો સુરક્ષિત જગ્યાએ હોઈએ તો આપણને અસર કરતાં નથી એ રીતે મનમાં જો સાત્વિક શાંતિ અને પ્રસન્નતા હોય તો અત્યારે પણ સતયુગનો અનુભવ કરી શકાય છે.

[29] જીવનમૂલ્યોની સમજ એ એક વાત છે, એ સમજમાં નિષ્ઠા હોવી એ જુદી જ વાત છે, એ જીવનમૂલ્યોને આત્મસાત કરવા એ તો વળી એનાથીયે અલગ વાત છે અને એ મૂલ્યોને આત્મસાત કર્યા બાદ એકદમ સહજ રહેવું તેને તો ઈશ્વરની કૃપા જ ગણવી જોઈએ. મૂલ્યનિષ્ઠ જીવન એ માનવતાનું શિખર છે.

[30] માણસ પોતાની જીભ પર એટલે કે પોતાની ભાષા પર કાબૂ રાખતા શીખે તો આ જગતની તો નહીં પરંતુ એના પોતાના જીવનની મોટાભાગની સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય.

[31] માણસ ગમે તેટલી ચતુરાઈ કરે પરંતુ સત્ય એ એક એવું તત્વ છે જે તમામ પ્રકારની ચતુરાઈને પકડી પાડે છે. ચતુરાઈ એટલે બુદ્ધિપૂર્વક ઉચ્ચારાયેલું જૂઠ. જ્યારે સત્યરૂપી સૂર્યનો ઉદય થાય છે ત્યારે જૂઠ રૂપી અંધકાર આપોઆપ નાશ પામે છે. ચતુરાઈ એ હોંશિયારીને છેતરપિંડીમાં પરિવર્તિત કરી નાખે છે. માટે કોરા બૌદ્ધિક થવા કરતા હાર્દિક થવું વધુ સારું !

[32] વર્ષો અગાઉ તો એવા ઘણા ગીતો આવતા કે જેનો ભક્તિ પરક અર્થ લઈ શકાય. પરંતુ અર્વાચીન સમયનું ‘આશિકી-2’નું ‘તુમ્હી હો…’ ગીત આવા ઉચ્ચ ભાવોને પ્રદર્શિત કરી શકે તે પ્રકારનું છે.

[33] “જેટલો પણ પ્રયત્ન કરશો, જીવનમાં કંઈક ને કંઈક તો છૂટી જ જશે, તો પછી આપણે જ્યાં છીએ ત્યાંની જ મજા લેવી જોઈએ ને !” “યે જવાની હૈ દિવાની”માં દિપીકાએ ઉચ્ચારેલું જીવનનું એક ઉચ્ચ સત્ય ! સત્ય જ્યાંથી પણ મળે ત્યાંથી સ્વીકારવું જોઈએ ને !

[34] નોકરી કરનાર વ્યક્તિને એનો પગાર તેનો માલિક ચૂકવે છે. સમાજસેવા કરનારનો પગાર ઉપરવાળો માલિક ચૂકવે છે. આમ, નોકરી કરનારને તો પગાર નોકરીમાંથી જ મળે છે. સમાજસેવાના ક્ષેત્રમાં એવું નથી. તમે જેની સેવા કરતા હોવ તે તમને આપવા સક્ષમ ન હોય પણ કુદરત કોઈ બીજાના હાથે તમારા કામનું વળતર તમને ચૂકવી જ દે છે. આજકાલ તો નોકરીમાં પણ પગારનું વહેલુંમોડું થાય છે, એથી જેને આટલી મોટી સૃષ્ટિ સંભાળવાની છે એ થોડું મોડું કરે તો સેવા ક્ષેત્રને વરેલા વ્યક્તિઓએ થોડી ધીરજ રાખવી જ રહી.

[35] એમ કહેવાયું છે કે જ્યાં જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. નીતિકારો એમ કહે છે કે દરેક શબ્દનો અર્થ દેશકાળ પ્રમાણે કરવો જોઈએ. એટલે રમૂજમાં એમ કહી શકાય કે ‘દેવતા’ શબ્દનો એક અર્થ શબ્દકોશમાં ‘અગ્નિ’ થાય છે ! ટૂંકમાં પતિ-પત્નિ વચ્ચે ચકમક ઝરે તો એમ સમજવું કે આપણે ત્યાં ખરેખર દેવતાનો વાસ છે !

[36] પાણીપૂરી ડાયેટિંગ કરવાનું છોડી દે ત્યારે કચોરી બની જાય છે ! કચોરી એ જાણે કે પાણીપૂરીનું વિરાટરૂપ છે !

[37] આંસુ એ ઈશ્વર સાથેનું ‘સ્પીડ ડાયલ’ કનેક્શન છે !

[38] પેટ આપણી કદી ન ભરાય એવી હાર્ડડિસ્ક છે અને મન (મેમરી) આપણી RAM છે. એટલે તો આપણે જેનામાં બુદ્ધિ ઓછી હોય એને ‘રામ (RAM) ઓછા છે’ એમ કહીએ છીએ !….

[39] માતા એ આપણા જીવનનું ઓઝોનનું પડ છે. જ્યાં સુધી તેની હયાતી હોય છે ત્યાં સુધી જગતના તાપ, સંતાપની આપણને ખબર નથી હોતી. તેની ગેરહાજરી બાદ જ આપણને જગતની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે.

[40] લોકોના કડવા શબ્દોને સસ્મિત ગળે ઉતારી જવા એ માનસિક સ્વસ્થતા માટે એટલા જ ગુણકારી છે જેટલો ચૈત્ર માસમાં લીમડો !

[41] જે કોઈ પણ ફિલ્મી ગીત આપણને પ્રસન્ન્તા, શાંતિ, આનંદ અને સ્ફુર્તિ આપે તે આપણા માટે ભજન જ છે. ભજન, પ્રાર્થના, ગીત કે ફિલ્મી ગીત વચ્ચે આભડછેટ ન હોવી જોઈએ.

[42] સમજદારીનું સર્વોચ્ચ શિખર દયા, અનુકંપા કે કરુણા જ હોઈ શકે. જે સમજે છે તે સહન કરે છે અને સામેની વ્યક્તિ ગમે તેવી હોય છતાં તે તરફ સદભાવ રાખે છે; જેમ માતા…. બાળક ગમે તેટલી નાસમજ ભરી પ્રવૃત્તિઓ કરે તો તેને ટકોર કરવાની સાથે એની તરફ વ્હાલ અને કરુણા જ વ્યક્ત કરે છે.

[43] જેમને બહુ કોમ્પ્યુટર વાપરતાં આવડતું નથી તેવા અલ્પશિક્ષિત લોકોને પણ ફેસબુક વાપરતા જોઉં છું ત્યારે મને એમ થાય છે કે આવો ઉમંગ, ઉત્સાહ ગુજરાતી ભાષાના વાંચન માટે ક્યારે પ્રગટશે ? કે પ્રગટશે પણ ખરો કે નહીં ? શું અંગ્રેજી માધ્યમમાં ભણતો બાળક પોતાના માતા પિતાને ક્યારેય એમ કહેશે ખરો કે તમે મને ગુજરાતી શીખવો કારણ કે મારા મિત્રો મોબાઈલ પર ગુજરાતીમાં રોજ કંઈક વાંચે છે……

– મૃગેશ શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “સ્મરણાંજલી : મૃગેશભાઈના વિચારબિંદુઓ (ભાગ-૮)”

Copy Protected by Chetan's WP-Copyprotect.