બીજાના હિતની વાત કરો… – જયવદન પટેલ

(‘શક્તિ દર્શનમ્‍’ સામયિકના મે-જૂન – ૨૦૧૫ના અંકમાંથી)

અમારી પડોશના ઘરમાં એક નવું કુટુંબ રહેવા આવ્યું છે. એ કુટુંબના વડાનું નામ આમ તો બીજું જ છે પણ આપે તેમને હરસુખરાય કહીશું. આ કુટુંબ ઘરનું બારણું આખો દહાડો બંધ રાખે. હરસુખરાયનાં પત્ની માયાબહેન અને એમની મોટી દીકરી હેમા અડોશપડોશમાં કોઈની સાથે હળેમળે નહીં કે વાતો કરે નહીં. હરસુખરાયને અમે એક દિવસ એવું કહેતા સાંભળ્યા કે, અમને અમારામાં રસ છે. પારકા લોકોમાં અને પારકી વાતોમાં રસ નથી. હરસુખરાય સવારે છાપાં વાંચે, એ પછી ઓફિસ અને ઓફિસથી ઘર. પોતાના પરિવારમાં અને પોતાના પ્રશ્નોમાં જ રસ.

હરસુખરાય જેવા સ્વકેન્દ્રી માણસો એમના આ સ્વભાવને કારણે જિંદગીના એક વિશેષ આનંદથી વંચિત રહે છે. તમે જ્યારે તમારી અડોશપડોશના લોકોમાં, એમના સુખદુઃખમાં, એમના પ્રશ્નો કે મૂંઝવણોમાં રસ લેતા નથી કે બતાવતા નથી, ત્યારે તમે ઘણું ગુમાવો છો. તમે જ્યારે તમારા મિત્રો, પડોશીઓ, તમારી આસપાસના લોકોનાં સુખમાં-દુઃખમાં સહભાગી બનો છો ત્યારે તમારું સુખ વધી જાય છે અને દુઃખમાં ઘટાડો થાય છે. જાણીતા માનશાસ્ત્રી આલ્ફ્રેડ એડલરે પણ “વોટ લાઈફ શુડ મીન ટુ યુ” એટલે કે “તમારે મન જિંદગીનો શો અર્થ છે ?” એ પુસ્તકમાં લખ્યું છે : “જે માણસ પોતાના મિત્રો, સ્નેહી-સ્વજનોમાં રસ લેતો નથી એ પોતે સુખી થઈ શકતો નથી. એટલું જ નહીં બીજાઓ માટે પણ મુશ્કેલીરૂપ બની રહે છે.”

તમારે સારા સફળ વેપારી બનવું છે ? તમારે સફળ ઉદ્યોગપતિ કે રાજપુરુષ બનવું છે ? તમારે સેલ્સમેન તરીકે નામના મેળવવી છે ? તમારે સારા લેખક કે તંત્રી બનવું છે ? તમે તમારા પોતાના જ હિતનો, સ્વાર્થનો, સુખનો, લાભનો વિચાર કરશો તો કદી સફળ થવાના નથી. સાધારણ માણસો માટે પણ આ વાત એટલી જ મહત્વની છે ! બીજાઓમાં રસ લો અને તમારા મનને ન વર્ણવી શકાય તેવું સુખ મળશે. બીજાઓની અવગણના કરશો તો તમે પોતે જ બીજાઓથી ઉપેક્ષિત બની જશો.

એક સેલ્સમેનની વાત છે. એ કોઈપણ સ્ટોરમાં, દુકાનમાં કે પેઢીમાં જાય છે ત્યારે એ સીધો જ પોતે પોતાનો માલ વેચવા આવ્યો છે એવી વાત કરતો નથી. એ મેનેજરને મળે છે, માલિકને કે મેનેજરને કયા વિષયમાં રસ છે, એ વાત તરત જ પકડી પાડે છે, અને એ વિષય અંગે ચર્ચા કરે છે અને એ રીતે એ અમારી સોસાયટીના નાકે એક પ્રોવીઝન-સ્ટોરના સંચાલકના મનમાં પોતાના માટેનું સ્થાન અંકિત કરી લઈ પછી પોતાના હેતુની-માલની વાત એની આગળ મૂકે છ. અને તરત જ એને ઓર્ડર મળી જાય છે. બન્ને વચ્ચે કાયમી સંબંધ બંધાઈ જાય છે. કોઈની પણ આગળ, કોઈને પણ મળવા જાઓ ત્યારે સીધી જ સ્વાર્થની વાત કરવા માંડશો નહીં. સ્ટોર છે, એક ઓછું ભણેલી મહિલા સ્ટોર ચલાવે છે. એના હાથ નીચે ત્રણથી ચાર માણસો કામ કરે છે. એ બહેનનું નામ ભાગીરથીબહેન છે. નાની સરખી દુકાન એમના પતિએ શરૂ કરી હતી. પતિનું એકાએક અવસાન થયું અને ભાગીરથીબહેને દુકાને બેસવાનું શરૂ કર્યું. લોકો શરૂઆતમાં ટીકા કરતા હતા અને કહેતા હતા : “ભાગીરથીબહેન દુકાન વેચી નાખો. દુકાન ચલાવવી એ બૈરાં માણસનું કામ નહીં.” પણ ભાગીરથીબહેને લોકોની વાત કાને ધરી નહીં. એમણે દુકાને બેસવા માંડ્યું. બાઈ ઓછું ભણેલી પણ સમજ અને સૂઝ ભારે. દુકાન ધમધોકાર ચાલવા માંડી. નફો પણ સારો થવા માંડ્યો. ઘરાકી પણ વધી ગઈ. મોટા ભાગના કાયમી ગ્રાહકો હતા. પછી તો એ દુકાનનું એમણે અદ્યતન પ્રોવીઝન સ્ટોરમાં રૂપાંતર કર્યું. આજે એ સ્ટોરનું અમારા વિસ્તારમાં નામ છે.

મૂળ વાત એ હતી જે ભાગીરથીબહેન ગ્રાહકોમાં રસ લેતાં હતાં. કોઈ પણ ગ્રાહક આવે એટલે ગ્રાહકના હિતની વાત કરે, ગ્રાહકને વધારે ફાયદો થાય તેવી વાત કરે : “ચોખા વરસ માટેના ભરવા છે ને ? તો જરા થોભી જાવ. ભાવ ઘટે તેવા સંજોગો છે. થોડા દહાડામાં શું ખાટું-મોળું થઈ જવાનું છે ? અને તેલ ? તેલ વધે એવું લાગે છે. આજે જ લઈ લો. ફાયદો છે.” ભાગીરથીબહેન કાયમી ગ્રાહકોને બરાબર ઓળખી ગયાં હતાં. એ આવે ત્યારે એમના કુટુંબની ખબર અંતર પૂછે. બાળકોને નિશાળમાં એડમિશન મળી ગયું કે નહીં, નાની દીકરી માંદી પડી હતી તો સાજી સારી થઈ કે નહીં એવા ખબર પૂછે. કોઈ વાર ગ્રાહકને ઘેર જાતે જઈ આવે. ગ્રાહકો સાથે આત્મીયતાને માળો એમણે ઊભો કર્યો હતો એટલે એમનો સ્ટોર સરસ ચાલતો હતો. અને એ બહેન સારા વેપારી તરીકે પુરવાર થયાં હતાં. કોઈની પણ સાથે નવો સંબંધ બાંધો ત્યારે એની આગળ તમારા સ્વાર્થની કે મતલબની વાત કરશો નહીં. વાત કરવી જ હોય તો સામા માણસના હિતની વાત કરજો. એના સુખદુઃખની વાત કરજો. અને એને ઉપયોગી બનવા પ્રયાસ કરજો. ધંધામાં કે નોકરીમાં સફળ થવું હોય તો આ જ એક ગુરુચાવી છે. બીજાનો વિચાર કરો, બીજાઓમાં રસ લો.

એક શિક્ષિકાનું નામ છે ગોપીબહેન. પિતાને લકવો થઈ ગયો છે. વૃદ્ધ મા કાયમ બીમાર રહે છે. મોટી બહેનનું લગ્ન થયું પણ બીજા જ વરસે એ વિધવા થઈને પિયર પાછી આવી છે. ગોપીબહેન પર આ આખા કુટુંબનો ભાર છે. દુઃખ તો ઘણુંય છે પણ એ આનંદમાં રહે છે. ખૂબ દિલ દઈને છોકરાઓને ભણાવે છે. કોઈ બાળક સાજું-માદું હોય તો એને ઘેર જઈ એના ખબર અંતર પૂછે છે. બાળકનાં મા-બાપ સાથે વાતો કરે છે. એમની મુશ્કેલીઓ જાણવા મથે છે અને પોતાની રીતે મદદરૂપ થવા પ્રયાસ કરે છે. કોઈ બાળક બીમાર હોય એની સંભાળ લેનાર કોઈ ન હોય તો જાતે જ એને દવાખાને લઈ જાય છે. ગામમાં પણ કોઈને નાનુંમોટું કામ હોય તો ગોપીબહેન વગર બોલાવે હાજર થઈ જાય છે. કોઈ અભણ ખેડૂતને શહેરમાં રહેતા પોતાના દીકરાનો કાગળ આવ્યો હોય તે વંચાવવો હોય તો ગોપીબહેન પાસે દોડી જાય છે. ગોપીબહેન હસતાં હસતાં તેનું કામ કરે છે. આખું ગામ ગોપીબહેન માટે આદરભાવ ધરાવે છે. એ શિક્ષિકા બહેન કહે છે : “હું ગામને ચાહું છું અને ગામ મને ચાહે છે. ગામનું અને લોકોનું કામ કરવામાં મારું દુઃખ હું ભૂલી જાઉં છું અને મને એક પ્રકારનો સંતોષ મળે છે.”

યાદ રાખો તમે માત્ર તમારા સ્વાર્થની વાત કરો છો, ત્યારે સામા માણસની આંખમાંથી તમે ઊતરી જાઓ છો. તમે જ્યારે સામા માણસના હિતની વાત કરો, ત્યારે તમારે માટે એ માણસના મનમાં આદરભાવ પેદા થાય છે. કોઈ કર્મચારી પોતાના શેઠ આગળ કાયમ પગાર વધારાની કે બઢતીની માગણી કર્યા કરે છે ત્યારે શેઠને અળખામણો થઈ પડે છે. શેઠને ક્યારેક મળવાનું થાય કે શેઠની મુલાકાત થાય ત્યારે કર્મચારીએ કંપનીની પ્રગતિ અને કંપનીના લાભની ચર્ચા કે વાતો પણ શેઠની સાથે કરવી જોઈએ. કંપની વખતે પગાર આપતી હોય, જે શેઠે તમને નોકરીએ રાખ્યા હોય, એ શેઠ કે કંપની સ્વાભાવિક છે કે તમે કંપનીને વફાદાર રહો અને પગાર પ્રમાણે કામ કરો એવું ઈચ્છે. તમે કદાચ વધારે કામ ન કરો પણ જેટલો પગાર મળે છે તેના પ્રમાણમાં તો કામ કરો એવી કંપની તમારી પાસે અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. કંપનીની અપેક્ષા તમે પૂરી ન કરો તો કંપની તમારી અપેક્ષાઓ પર ધ્યાન આપે ખરી ? તમે જેવો વ્યવહાર કંપની સાથે, માલિક સાથે કરશો એવો જ વ્યવહાર એ લોકો તમારી સાથે કરશે. બીજાઓ તમારી અપેક્ષાઓ પૂરી કરે એવું તમે ઈચ્છતા હોવ તો તમારે બીજાઓની અપેક્ષાઓ પણ પૂરી કરવી જોઈએ. તેમના દુઃખમાં સહભાગી થવું જોઈએ. જે લોકો લોકપ્રિય છે, જેમને સમાજમાં માન-સન્માન અને ઈજ્જત મળે છે એ મફતમાં મળતી નથી. એને માટે એમણે કિંમત ચૂકવી હોય છે. જે ઘસાતા નથી કે ઘસાવાની તૈયારી રાખતા નથી. એના નસીબમાં તો કટાઈ જવાનું જ લખાયેલું હોય છે. ઊજળા થવા ઘસાવું પડે છે.

એમને બધા દેસાઈ સાહેબ તરીકે ઓળખે છે. એ નિવૃત્ત જીવન ગાળે છે. અગાઉ ઈન્કમટેક્ષ કચેરીમાં ઈન્સ્પેક્ટર તરીકે હતા. દેસાઈ સાહેબ પાસે હવે સમય હતો. એ જૂના મિત્રો-સગાં વહાલાંઓને પત્ર લખી લખીને યાદ કરતા હતા. એમને ઈન્કેમટેક્ષ અંગેનો અનુભવ હતો એટલે જે કોઈ સલાહ લેવા આવે, માર્ગદર્શન માટે આવે એને મફત સલાહસૂચન અને દોરવણી આપતા હતા. એ સામેથી બીજાઓના પ્રશ્નોમાં રસ લેતા હતા અને ઉપયોગી થવા પ્રયાસ કરતા હતા. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કંપની એમને પગારથી રોકવા માગતી હતી, પણ એમણે કહી દીધું : “મારે પૈસાની જરૂર નથી. પૂરતું પેન્શન મળે છે અને બે દીકરા સારું કમાય છે. મને તો લોકોને ઉપયોગી થવાનો આનંદ જોઈએ છે. હું લોકોમાં રસ લઉં છું. તો લોકો કેટલા વિશ્વાસથી મારી સાથે મન ખોલીને વાતો કરે છે. બસ મને સંતોષ છે.”

એક ઓફિસના સફળ સંચાલકે એની સાથેની વાતચીતમાં કહ્યું હતું : મારી ઓફિસના નાનામોટા કર્મચારીઓ પાસેથી હું ધાર્યું કામ લઉં છું. એ નિષ્ઠાથી ઓફિસના કામ કરે છે, એટલા માટે કે હું તેમનામાં રસ લઉં છું. તેમના પ્રશ્નોમાં રસ લઉં છું. એમને કોઈને કોઈ નિમિત્તે મળું છું. એમનાં અંગત કે કૌટુંબિક સુખ-દુઃખ જાણવાનો પ્રયાસ કરું છું અને મારી રીતે એ પ્રશ્નોમાં મદદરૂપ થાઉં છું. કોઈ કર્મચારીના બાળકની જન્મતિથિ હોય અને એ મને આમંત્રણ આપે તો હું અનુકૂળ પ્રેઝન્ટ કે ગીફ્ટ લઈને એને ઘેર પહોંચી જાઉં છું. કર્મચારીને ઘેર પુત્ર કે પુત્રીનું લગ્ન હોય અને મને ખબર પડે તો હું સામેથી પૂછું છું : તારે કોઈ મદદની જરૂર છે ? હોય તો વિના સંકોચે કહેજે. બસ મારા આ સ્વભાવને કારણે જ કર્મચારીઓ મને વફાદાર રહે છે. તમે કર્મચારીઓને લોન આપો કે પૈસા આપો કદાચ એ ન આપી શકે કે વહેલું મોડું થાય, થોડા પૈસા ઘલાઈ જાય પણ ખરા. પણ એથી શું ? થોડા પૈસા કદાચ જાય પણ એનાથી અનેકગણો બદલો તમને પ્રોડક્શનમાં મળી રહે છે. કર્મચારીઓને જ્યાં હળવાશ હોય છે, મન પર બોજ કે ચિંતા હોતી નથી. એમને મનનો સંતોષ અને સુખ હોય છે ત્યાં ઉત્પાદન સારું થાય છે. તમે કર્મચારીઓના જીવનમાં રસ લો તો જ આ શક્ય છે. બસ, મારા આ સ્વભાવને વળગી રહું છું. અને કર્મચારીઓ કદી મારો બોલ કે આદેશ ઉથામતા નથી.”

તમારે સફળ થવું છે ? સુખી થવું છે ? લોકોમાં ઈજ્જત મેળવવી છે ? તો જ્યારે પણ કોઈને મળો ત્યારે તમારા સ્વાર્થની વાત કરશો નહીં. એ માણસના સ્વાર્થની એના હિતની એને મનગમતી વાત કરજો. આપોઆપ તમે તમારા હેતુમાં સફળ થશો.

– જયવદન પટેલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “બીજાના હિતની વાત કરો… – જયવદન પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.