આંબે આવ્યા મોર… – વર્ષા તન્ના

(‘અખંડ આનંદ’ સામયિકના મે – ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

મારા ઘરના બેડરૂમમાંથી ઝૂમતો આંબો દેખાયા જ કરે. મુંબઈ ગામમાં આવો આંબો દેખાય એ એક મોટો જલસો છે. મારા ઘરની આજુબાજુ વૃક્ષોનો વૈભવ ઘણો. તેમાં પણ બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં જ આંબો અને તે પણ બેડરૂમની બારીમાંથી મને બોલાવ્યા કરે મસ્ત મિત્રની જેમ. મારો દીકરો નાનો હતો ત્યારે ત્યારે બિલ્ડિંગમાં સમવયસ્કની મોટી ફોજ. એક જણ રમવા નીચે ઊતરે એટલે બીજાને બૂમો પાડીને ચોક્કસ બોલાવવાના. આખી ફોજ ભેગી થાય પછી જ આગળનો વ્યૂહ નક્કી થાય. તેમ આ મારો દોસ્ત આંબો મને તો બોલાવે, બીજા કેટલાયને પણ હાથ લાંબા કરી કરી બોલાવે છે.

નાની હતી ત્યારે પપ્પાએ કહેલી એક નાની વાર્તા યાદ આવે છે. એક દાદાજી જ્યારે આંબો વાવતા હતા ત્યારે કોઈ એક વ્યક્તિએ તેમને કહ્યું ‘તમે આંબો વાવો છો પણ તમને આની કેરી ખાવા નહીં મળે.’ ત્યારે તે દાદાજીએ સ્મિત કરતાં કહ્યું, ‘મને નહીં પણ મારા દીકરા અને પછી તેના દીકરાને તો મધ જેવી મીઠી કેરી મળશે…’ બસ, આ વાત આ આંબો કોણે વાવ્યો હશે ? આ બિલ્ડિંગમાં તો કેટલાય આવ્યા અને ગયા. પણ આંબો તો મજાનો ઊભો છે પેલા સ્થિતપ્રજ્ઞ ઋષિની જેમ માત્ર આપવા માટે. શિયાળો હજુ પૂરો થયો ના હોય ત્યાં તેનાં પાન મલકવા લાગે. જાણે થડમાં પણ જીવ આવ્યો હોય તેમ તેની ડાળીઓ ઝૂલવા લાગે જાણે વસંતને બોલાવતી હોય.

તમે કોઈએ વસંતને હરખાતાં જોઈ છે ? આકાશમાં તારાઓની સભા તો વાદળ વગરની રાતમાં ભરાયા જ કરે છે. પણ ધરતીનો રિવાજ સાવ નોખો છે. અહીં એકલતા અને સંગત બધું મળે છે. પાનખરમાં ઝાડનાં પાન ખરી જાય, ઓલા પક્ષીઓ હિજરતીઓની જેમ એકાદ ફોટાની પાછળ કે એસીની બારીમાં પોતાનું નવું ઘર બનાવે ત્યારે ઝાડ વિચાર કરતું હશે, જૂનું ઘર ખાલી કરતાં પંખીઓ પોતાના માળાનાં તણખલાં કેવી રીતે ગોઠવતાં હશે ? દુઃખ થતું હશે કે નહીં ! ઝાડને આ પંખીઓનો ઝુરાપો લાગે છે પણ આ પક્ષીઓને લીલીછમ માયાનો ઝુરાપો લાગે છે કે નહીં તે પૂછવું જ રહ્યું. પક્ષી ભલે ક્યાંય પણ પોતાનું ઘર બનાવે પણ તેને પરદેશમાં આવે વતન ઝુરાપો જરૂર લાગતો હશે. મા જેમ સુખડી બનાવી વૅકેશનમાં પોતાનાં ટાબરિયાંની રાહ જુએ છે તેમ મીઠાં ફળ ઉગાડીને ઝાડ પણ પોતાનાં વહાલસોયાં પંખીઓની રાહ જોતું હશે. વૅકેશનમાં ગામનું ઘર જેમ કલબલાટથી ભરાઈ જાય ને માનું આખું બોખું મોઢું સ્મિતથી ભરાઈ જાય તેવી રીતે ઝાડ પણ પંખીઓના કલરવથી અને પાંદડાંના સ્મિતથી છલકાઈ જાય છે. થડ પરથી ડાળી પર અને પછી ઘરની બારી પર ફરતી ખિસકોલીઓ પર હાથ ફેરવી રામની આંગળી પકડી હોય તેમ લાગવા લાગે. તેમાં પણ મારા આંબા પર આમ્રમંજરીઓ કોળવા લાગે એટલે આંબો માત્ર સ્મિત જ ન કરે પણ ખડખડાટ હાસ્ય વેરે. આ આંબા પર નજર કરીએ તો આ આમ્રમંજરીનો વસંતવિલાસ નજરે ચડે.

આમ તો વસંતનો વૈભવ સાવ નોખો છે અનોખો છે. ચારે બાજુ રંગનો અને સુગંધનો પટારો ખૂલી જાય છે. ચારે બાજુ ફૂલો મલક્યા કરે અને પર્ણો પણ કલશોર કર્યા કરે છે. તેના ગણગણાટનો અવાજ પેલી આંબા પર બેઠેલી કોયલ તેના ટહુકામાં ઘોળ્યા કરે. આથી આંબો જાણે હરખમાં વધુ ને વધુ ડાળીઓ હલાવી પોતાની ખુશી વ્યક્ત કરે છે. આવા હરખપદુડા આંબાને જોઈ આપણે તેને વસંતદૂત કહી સંબોધવો કે નહીં તે વિચારીએ ને તો વધુ ને વધુ ગૂંચવાઈએ. પછી મનને મનાવી લેવું પડે કે ‘નામમેં ક્યા રખા હૈ ?’ કાલીદાસે આ હરખપદુડાને મંથનાલય કહ્યો છે. કોઈએ તેને પિકરાગ તો કોઈ તેને મધ્યાવાસ, રસાલ, સુમદન, ભૃંગાભીષ્ટ કહીને પણ લાડ લડાવ્યાં છે. આમ્રમંજરી કોળવાથી આંબો સૌંદર્યની એક નવી પરિભાષા લખતો હોય તેમ મલક્યા કરે. આ મલકાટમાં જ મને ઓમકારનું ગીત સંભળાવા લાગે. નિર્દોષ, નિખાલસ અને વહાલસોયો. તેની તૂરી અને ખાટીમીઠી સુગંધનો નશો ચોમેર પ્રસરવા લાગે. આ સુગંધને મારી નજરથી પી લઉં છું. આ મીઠાશને કોઈની નજર ન લાગે એટલે મૌનમાં કસુંબાની જેમ ઘોળ્યા કરું. આ પરિમલને મારા શ્વાસમાં ભરી લઉં છું.

આંબો આખો લીલોછમ, તેની વચ્ચે સફેદ ઝીણાં ફૂલ રૂપે ઊગેલી આ આમ્રમંજરી આખા ઝાડને અનોખું રૂપ આપે છે. આ રૂપકડી આમ્રમંજરી સાથે જો આંબો દર્પણ જુએ તો ચોક્કસ ગર્વીલી માનુની બની જાય. આ આમ્રમંજરીમાં મહાલવા પોપટનું ટોળું આવે. એક ડાળેથી બીજી ડાળે ઊડાઊડ કરે. ક્યાંક જો મંજરીમાંથી ટચૂકડી કેરી દેખાય તો તે વધુ હરખાય અને પોતાના હાથમાં કોઈ ખજાનો આવ્યો હોય તેમ કિલકારી કરી સૌને બોલાવે. કેરીને ચુંબન કરવાનો એકહથ્થુ અધિકાર માત્ર પેલા લીલચટ્ટા પોપટને જ છે. અરે, તેણે ચુંબન કરેલી કેરી ચોક્કસ મીઠી હોય જ. આ પોપટ જેવી તેવી કેરીને અડકે પણ નહીં. ચકલી, મેના અને કબૂતર બધાં કેરી ખાય ના ખાય પણ પેલી આમ્રમંજરીની સાથે રમે, તેને વહાલ કરે અને વાતાવરણમાં વૈભવનો નવો રંગ ભરે.

આંબાની કેરી પણ જેવી લીલીછમ હોય છે, પાનને ખોટું ન લાગે માટે. આ પોપટનો રંગ લીલો, આંબાનાં પાન પણ લીલાછમ અને તેની પાર આવતી કેરી પણ લીલી. આંબા પર લીલોછમ ત્રિવેણી સંગમ આપોઆપ રચાઈ જાય છે. આંબો લાગણીની લ્હાણી કરે છે. તેની બાજુમાં ઊભેલો રતુમડો ગુલમહોર પણ પોતાની શોભા ભૂલીને તે આંબા સામે જોઈ મહાલે. બિલ્ડિંગની પાસે જ ઊગેલો આંબો અને રસ્તા પર ઊભેલો ગુલમહોર રસ્તા પર આવતાં જતાં સૌને ખુશ કરે છે. પણ પોતે જ ખુશ થઈને ગુલમહોર અને આંબો એકમેકને જ્યારે બથ ભરે ત્યારે સીમાભેદ અને જાતિભેદ ક્યાંય ઊડી જાય છે. ગુલમહોરનાં રતૂમડાં ફૂલ આંબાની ડાળીઓ વચ્ચેથી ડોકિયાં કરીને જાણે પેલા લીલાછમ પોપટને બોલાવતાં હોય તેમ લાગે છે. જ્યારે આંબાની ડાળીઓ ગુલમહોરના લાલચટક ફૂલને ચૂમીને વસંતને વધાવતી હોય તેવું લાગે છે. આ વૃક્ષોનો પ્રેમાલાપ સાંભળવા માટે મારે કાન સરવા રાખવા પડે, આ પ્રેમ ગોષ્ઠિ બંનેની સાવ અંગત હોય, જાણે ‘આંખો હી આંખો મેં ઈશારા હો ગયા.’

રાત પડે આંબો સૂઈ ગયો હોય તેમ શાંત થઈ જાય છે. તેની પરનાં પક્ષીઓનું જતન કરતો હોય તેમ તે રાત્રે મહેક્યા કરે છે અને ધીમો ધીમો વીંઝણો વીંઝ્યા કરે છે. પેલી આમ્રમંજરી માનુનીની જેમ પોતાના અહંકારના મદમાં મસ્ત થઈ પોતાની સુંદરતા દર્પણમાં જોયા કરતી હોય તેવું લાગ્યા ક્રે છે. આ મંજરીમાંથી કોળેલી નાની કેરીને આંબો લાડ લડાવતો હોય ને હાલરડું ગાતો હોય તેમ પોતાની ડાળીઓને હલાવ્યા કરે છે. અમરાપુરીમાં જે સંજીવની વૈદ્ય છે તેની સાથે આંબો ગોષ્ઠિ કરતો હશે કે તું ભલે સ્વર્ગનું અમૃત, પણ ધરતી પર તેનો ઈજારો મારો છે. એટલે આ માનવે મને ફળોનો રાજા બનાવ્યો છે.

આંબાની શોભા તેના પાન અને પેલી મલકતી આમ્રમંજરી તો ખરી જ. તેનું થડ ભલે ચૂપચાપ લાગે પણ ડાળીઓ જાણે બધાની આંગળી પકડીને ખેંચતી હોય તેવું લાગ્યા કરે. આ ડાળીઓ પર ભલે વડની વડવાઈની જેમ આપણે હીંચકા ન ખાઈ શકીએ પણ પોપટ તો સીતારામ બોલતાં બોલતાં ડાળીઓ પર ઝૂલ્યા કરે.

વૅકેશન એટલે રોજની ડાયરીનું ખોવાયેલું પાનું. આ પાનું મળી જાય એટલે ભણતરને મૂકી ગણતરની ગાડીમાં બેસવાની ગમ્મત. શિયાળો એટલે સ્વેટર અને રજાઈમાં લપાઈ જવાના દિવસો તો ચોમાસું એટલે રેઈનકોટ કે છત્રીને બથ ભરવાનો સમય. જ્યારે ઉનાળો એટલે તડકો, તડકો એટલે તરવરાટની ઋતુ. તડકામાં વચ્ચે કોઈ આવરણ નહીં. આ ઋતુમાં માત્ર વસંતનો મિજાજ જ રજવાડી નથી હોતો પણ અત્યારે વૅકેશનના રાજમાં દરેક બાળક રાજિયો હોય છે. કાચી કેરી ચોરવાનો અને પાકી કેરી ખાવાનો વજીફો તો માત્ર વૅકેશનનું બોનસ છે. આંબા પર ચડવું, કેરી પાડવી, તેની પર બેઠેલા પોપટ સાથે સીતારામની રટ લગાવવી. નાની નાની કેરી મોટી થાય તેની મીઠાશ ઘોળાતી જાય. વૅકેશનના સમયમાં કાચી કેરીને જેમ પોપટ ચાંચ મારે તેમ નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે. છોકરાઓથી જો એકાદ કેરી પડે તો તેઓને પતંગ કાપ્યા જેટલી ખુશી થાય. હા, આ હરીફાઈમાં કેરી તૂટે અને માથાં પણ ફૂટે, સાથે સાથે લીલીછમ લાગણી થોડી રતૂમડી બની જાય અને માવડીઓનો જીવ પડીકે બંધાયેલ રહે. આ બધું અહીં મુંબઈમાં જોવા મળતું નથી. અહીં જો એવું દ્રશ્ય સર્જાય તો હોરર મૂવી જોતા હોય તેવો તમાશો થઈ જાય. નાના ગામમાં તો કેટલી કેરી પાડી અને કેટલાં માથાં ફૂટ્યાં તેની ગણતરીનો તાળો મેળવાય અને તે પણ ગર્વભેર. તેમાંથી તે જ આંબા નીચે મહાભારત રચાઈ જાય. કોયલના ટહુકાને બદલે માણસોના બૂમબરાડા જીતી જાય.

નાની કેરી મોટી થવા લાગે. ઝાડ પરથી નીચે પડી જાય, કદાચ ડાળીઓ મીઠાશનું વજન ઝીલી શકતી નહીં હોય એટલે તે નીચે નમી જાય છે. ઘણી બધી કેરીને તે આંબાનો માલિક ઉતારી લે. કેરી ઊતર્યા પછી પણ આંબાની શોભા જરા પણ ઓછી થતી નથી. ઋષિ દધીચિએ જેમ પોતાનાં હાડકાં આપી દીધાં હતાં તેવી જ રીતે આમ્રમંજરી પોતાનું સર્વસ્વ આંબાને આપીને ગઈ. જાણે કહેતી હોય ‘આંબે આવ્યા મોર વાર્તા કહેશું પોર’. બસ બીજા વર્ષની રાહ જોતાં જોતાં હું લીલોછમ આંબો જોયા કરું છું.

= વર્ષા તન્ના

સંપર્ક – ૧૦૧, વિંડરમેટ, પહેલે માળે, નોર્થ એવન્યુ રોડ, સાંતાક્રુઝ (પ), મુંબઈ – ૪૦૦ ૦૫૪ મો. ૦૯૮૨૦૭ ૩૮૪૬૭

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “આંબે આવ્યા મોર… – વર્ષા તન્ના”

Copy Protected by Chetan's WP-Copyprotect.