- ReadGujarati.com - http://www.readgujarati.com -

ઈ મારી મા છે – નિખિલ દેસાઈ

(‘અખંડ આનંદ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

ધરતી સંધ્યાના રતૂમડા ઉજાસમાં ઘેરાતી જાય છે. દિવસની ચહલ-પહલ સામે સાયંકાળ ઝાંખો ને ગમગીન હોય છે. બારીમાંથી બહાર દેખાતા વિશાળ ફળિયામાં કંકુ ડોશી ત્રીજી વારનું વાસીદું કાઢી રહી છે. ખાટલામાં બેથાં બેઠાં એભલ બારીમાંથી ડોશીની ગતિ-વિધિ નિહાળી રહ્યો છે. હાડકાંના માળા જેવી આ ડોશી સામે પાંચ હાથ પૂરો ને પાંચને પહોંચી વળે એવો એભલ, સામેથી હાલ્યો આવતો હોય તો સામેથી આવનાર રસ્તો ચાતરી જાય એવો ભારાડી. જેલમાં જવું – છૂટવું – પાછા જવું – એવું સાહજિક પણ એવા અભલની ડોશી પાસે કારી ફાવતી નથી – હારી રહ્યો છે એભલ – આ તો જાણે વાઘ-સસલાં સામે હારી રહ્યો છે. સંધ્યાકાળે કલબલાટ કરી ઝાડની ઘટામાં ભરાતાં પક્ષીઓ પણ કલબલાટ કરી ડોશી અને એભલની ચર્ચા કરી રહ્યાં છે – ને એભલની મશ્કરી કરી રહ્યાં છે. જાણે.

એભલ વિચારે છે – આ ડોશી જાણે જક્કી ખરી, પૂરેપૂરી જક્કી. બાકી દીપચંદ શેઠ ડોશીને એના આ ખખડધજ મકાનની સામે નવું પાકું મકાન આપે છે ને એ પણ ગામની વચાળે – પાછા ઉપરથી માગે એટલા પૈસા આપવા પણ તૈયાર છે પણ ડોશી માનતી નથી, ડોશીને આમ તો ફરતે એકાદશી ને વચમાં ગોકળ આઠમ જેવી સ્થિતિ છે – બટકું રોટલાનાય સાંસા છે પણ તોય વાઈડાઈમાંથી હાથ કાઢતી નથી. ને એનું ઘર શેઠને વેચવા તૈયાર નથી.

ગોડી દરવાજા પાસે ડોશીના ઘરની બાજુમાં દીપચંદ શેઠનું એક જૂનું ઘર છે, એક ફળિયામાં જ કહોને. બાજુમાં દીપચંદ શેઠનો એક વાડો પણ છે. જો ડોશી આ મકાન દીપચંદ શેઠને આપી દે તો ત્યાં દીપચંદ શેઠ જૂનાં બંને મકાન પાડીને મોટું હવેલી જેવડું મકાન બનાવવાની વેતરણમાં છે. પણ ડોશી મચક આપતી નથી. સામ-દામ-દંડ-ભેદની નીતિ પૈકી સામ અને દામ અપનાવી જોયા, દંડનનું શસ્ત્ર તો ડોશીની ઉંમર જોઈને અજમાવી શકાતું નથી, ભેદનું શસ્ત્ર બાકી રહ્યું. શેઠે સંજોગોની ચોપાટ ઉપર ભેદના અવળા પાસા ફેંકવાનું વિચાર્યું. એભલનો સાથ લીધો. બાજુના તાલુકાના ગામનો એભલ માથાભારે માણસ, કોઈનાં મકાન ખાલી કરાવવાં, કોઈની ઉઘરાણી વસૂલ કરાવવી, કોઈનાં હાડકાંપાંસળાં ભાંગી નાખવાં એવાં એનાં કામો. શેઠે કહ્યું : ‘જોઈએ એટલા પૈસા લે પણ ડોશી પાસે આ મકાન ખાલી કરાવ.’ એભલ માટે એ કોઈ મોટી વાત નથી. ડોશીને થોડી હેરાન કરી કે થાશે હાલતી. એ ઉદ્દેશથી એભલ ડોશીના ઘરની બાજુમાં રહેવા આવી ગયો.

ફળિયામાં રહેલાં લીમડા-પીપળા-આંબલીનાં, ઝાડમાંથી રોજ પાંદડાં-ડાખળાં એવો કચરો ફળિયામાં જમા થાય. રોજ સવારમાં ઊઠીને ડોશી કચરો વાળીને ખૂણામાં કચરાનો ઢગલો કરી દે પણ હમણાં હમણાં ખૂણામાં ભેગો કરેલ કચરો પાછો ફળિયામાં વેરાઈ જવા લાગ્યો. આથી હમણાં હમણાં ડોશીને રોજ ત્રણ-ચાર વાર ફળિયું વાળવું પડે છે. જેવું વાળીચોળીને સાફ કર્યું કે પાછું તેમનું તેમ. કૂવામાંથી પાણી સીંચવાની બાલદીની રસ્સી કોઈ રોજ છોડી જવા લાગ્યું અને રસ્સી પાછી ગુમ થઈ જાય. કોઈ વાર કચરાના ઢગલામાં છુપાયેલી મળી આવે. કોઈ વાર પથરા નીચે સંતાડેલી હોય. કોઈ વાર ઝાડની ડાળીએ લટકતી હોય. પાણી ભરી રાખેલ બાલદી ઢોળાઈ જવા લાગી. આવી રોજની રામાયણ થઈ ગઈ – આમ ને આમ મહિનો થઈ ગયો.

ડોશી શાંત ચિત્તે કોઈ પણ રાવ-ફરિયાદ વગર મૂંગા મૂંગા પોતાનું કામ કર્યે જાય છે. ન ટંટો, ના ફીસાદ, ન કોઈ સાથે ઊંચા અવાજે વાત કરવી – ન કોઈ સાથે ઝઘડો કરવા જવું. જિંદગીભરનાં દુઃખ, દર્દ, પીડા, ટંચાઈ, અભાવ એવા તાણા-વાણાથી જિંદગીનું પટંતર વણાયું છે કે હવે તેને નથી હર્ષ કે નથી શોક, નથી ગમગીની કે નથી સાંત્વાના. પણ કોણ જાણે આવી તંગ ને વિકટ પરિસ્થિતિમાં પણ કોણ જાણે ક્યા ભાવથી અને કઈ આશામાં આ બધું સહન કરી રહી હશે ? ઘણીવાર એભલ ડોશીની નજર સામે કચરાનો ટોપલો ફળિયામાં ઠલવી દેતો ને ડોશીના દેખતાં પાણીની બાલદી ઢોળી નાખતો, પણ ડોશી ગજબની. એક મહિનાથી ડોશી આ બધું સહન કર્યે જાય છે કોઈ જાતના વલોપાત વગર. નથી કોઈ દિવસ બબડાટ કરતી, નથી કોઈ દિવસ ઝઘડો કરવા આવી. હવે આને પહોંચવું કેમ ?

અસ્ત્રીના માલીપાની વાત અસ્ત્રી સમજે. હવે રૂખીને બોલાવવી પડશે. ડોશી પાસે જઈ કંઈક મનની વાત બહાર કઢાવે. પણ રૂખીને કહેવું કેમ ? બે પૈસા કમાવવાની લાલચમાં આ કામ હાથમાં લીધું એમ કહેવું ? પણ હવે મોં છુપાવ્યે કંઈ નહીં વળે. હવે તો આગળ સમંદર ને પાછળ ખાઈ છે. રસ્તા બધા પૂરા થઈ ગયા છે. ને રૂખી પાસે બધી વાત કરી દીધી ને એક મહિનાથી ડોશી આવું સહન કરે છે પણ હરફ કાઢતી નથી. કાં જમાનાની ખાધેલ છે કાં બહુ પક્કી ને ખંધી છે ને કાં ગાંડી છે.

અરે કોઈ કોઈ વાર તો આ બારીમાંથી ડોશી ઉપર સીધો પાણીનો કોગળો કર્યો છે. એક-બે વાર તો રાતના અંધકારમાં ડબલું લઈને એના ફળિયામાં પણ જઈ આવેલો, હું તો હારી ગયો આ ડોશીથી.

રૂખીએ શાંત ચિત્તે બધી વાત સાંભળી પછી કહ્યું, ‘બે પૈસા કમાવાની લાલચમં આવાં ગલઢાં માણાંને નો કોચવાય મારા વીરા.’

‘તે હું કાંઈ એવો ગાંડો છું ? મેં કંઈ નહીં વિચાર્યું હોય ? મેં જોયું કે ડોશીનું મકાન ઝાઝું ટકે એમ નથી. ભારે ચોમાસું થયું તો મકાન ઢબી જવાનું ને ડોશીયે એમાં દબાઈ જાય ને ઓલ્યા શેઠ આ ખંડેર સામે નવું નકોર પાકું મકાન આપે છે ને ઉપરથી પૈસા પણ આપે છે એટલે કામ હાથમાં લીધું. મને એમ કે થોડી હેરાન થશે એટલે ઉચાળા ભરશે પણ આ તો જક્કી નીકળી. ખોટી જીદ કરે છે પણ હવે તું જ એને સમજાવ એના રૂદિયાની વાત જાણી લાવ એટલે પત્યું.’

કોઈએ કહ્યું છે કે આ દુનિયા એક રંગભૂમિ છે અને આપણે રંગભૂમિ પર વિવિધ પાત્રો ભજવનાર છીએ. દુનિયાની રંગભૂમિ ઉપર ‘કંકુ ડોશી’ નામના નાટકમાં રૂખીએ ડોશીની ભત્રીજીનું પાત્ર ભજવવાનું નક્કી કર્યું-બનાવટી ભત્રીજી.

‘….કાંઈ કંકુ ફુઈ કેમ છો ?’ ડેલી ખોલી ફળિયામાં પ્રવેશતાં રૂખીએ ટહુકો કર્યો.

‘…આંય ગામેથી નીકળી તે થયું કે લાવ ફુઈને પાયલાગણ કરતી જાઉં.’

આંખ ઉપર હાથનું નેજું કરતાં ડોશી બહાર ઓસરીમાં આવ્યાં, ‘કોણ બેટા… મને હવે કંઈ ઓહાણ રે’તું નથી ને ભળાય સે પણ ઓસું… ને આમાં હવે કોઈ આવતુંય નથી.’

‘હું રૂખી સખપરથી આવી સું ભૂલી ગ્યાં ?’

‘હશે બેટા, બેસ અમારું તો હવે બધું એવું.’

‘ફુઈ આ ફળિયું જોતાં પહેલામ તો મને થયું કે આ કંકુ ફુઈનું ઘર ન હોય, ઈના ફળિયામાં આટલો કચરો ન હોય, કંકુ ફુઈનું ઘર-ફળિયું બધું ચકાચક હોય.’

ડોશી આવીને બાજુમાં બેઠાં, ‘હવે તો બેટા અવસ્થા થઈ ને.’

‘પણ ફુઈ આ તો લાગે કે જાણે પંદર દિવસથી વાસીદું કાઢ્યું જ નથી.’

ડોશી ફળિયામાં કચરાના ઢગલા સામે જોઈ રહ્યાં પછી બાજુના મકાન તરફ હાથ લંબાવતાં બોલ્યાં, ‘ઈ તો ગગી હમણાં આ બાજુના ઘરમાં એક કટંબ રહેવા આવ્યું સે ઈમાં એક જણા આપણા કિસન જેવો સે.’

‘કિસન !… કિસન જેવો ?’ રૂખીને થયું આ નવું પાત્ર ક્યાંથી આવ્યું ?.

ડોશી બોલ્યાં, ‘કાં ભૂલી ગઈ તારા કિસનભાઈને ?’

‘હા… હા… કિસનભાઈ…’ રૂખીને થયું આ કિસન ક્યાંય દેખાતો નથી, અહીં બે-ત્રણ દિવસથી બાજુના ઘરમાં રહેવા આવી છે પણ ડોશી સિવાય બીજું કોઈ આ ઘરમાં દેખાયું નથી.
રૂખી આખો દિવસ કંકુ ડોશી સાથે રહી. ઘરકામ કરતાં, રસોઈ કરતાં જમતાં છૂટક છૂટક વાતો થતી રહી ને વાતો કરતાં કરતાં કંકુ ડોશીનો ભૂતકાળ ઊખળતો રહ્યો.

આ જગતમાં કોઈના ભાગે કંઈ દુઃખ ભોગવવાનું આવ્યું ન હોય તો ઈશ્વરે એના ભાગમાં કંઈક ઓછું આપ્યું છે જાણવું કેમ કે એકલા સુખથી સુખપ્રમેહ થઈ જાય. સાથે દુઃખ રૂપી મારણ-કડવાણી જરૂરી-ભાગ ત્યારે સંપૂર્ણ બને પણ કંકુને જાણે ઈશ્વરે તેના પાલવમાં દુઃખ જ ઠાલવ્યું. અલપઝલપ સુખ આપી હાથતાળી આપી ગયું.

પરણીને આવી ત્યારે રવજીને ડુંગરા નદીપાર કોતરોમાં વાડી હતી જાણે હસતાં રમતાં આંગણું લીપે એમ સખત મહેનત કરીને વાડીને લીલીછમ લુંબેઝુંબે કરેલ. કંકુના ફૂલ જેવા કોમળ હાથ બરછટ બનેલ. વાડી હતી, ઘોંસલા સમ ઘર હતું. પછી તો નાનું બાળ પણા હતું – પતિની શીળી છાંય હતી. આ બધી માયા-મહેલાત ગૂંથતા વર્ષો વીતેલ. સંધ્યાના ગોરજની અલપ-ઝલપ છાંયમાં માથા પર ઘાસનો પૂળો લઈ ઝડપભેર ઘેર પહોંચવાની કંકુને અને ગૌરી ગાયને જાણે હોડ લાગતી. ઘેર પહોંચતી ત્યાં બા-બા કરતો નાનો કિસન દોડતો આવીને કંકુને વળગી પડતો અને ગૌરી ગાય પણ દોડતી વાછડા પાસે પહોંચીને તેને ચાટીને વહાલ વર્ષાવતી.

પણ આ બધું સુખ જેમ જાદુથી બનેલ માયાનગરી સંકેલાઈ જાય તેમ અલોપ થઈ ગયું. રવજીને ખેતરમાં કામ કરતાં એરુ આભડી ગયો ને રવજી મોટે ગામતરે હાલી નીકળ્યો. એકલી થઈ ગઈ કંકુ. રવજીના ગયા પછી ઓરડા-ઓસરી વાડી બધાં સૂના થઈ ગયાં. ઊડી ગયું પંખી ને ટહુકા રહી ગયા. જાણે શૂન્યાવકાશ ને અંધકાર ફેલાઈ ગયો. જ્યાં જ્યાં નજર પડે ત્યાં દારુણ પરિસ્થિતિ. જાણે આગના લબકારા, એને લાગ્યું જાણે દુનિયાનો કોલાહલ શાંત થઈ ગયો છે. પરણીને આવી ત્યારે મીઠાં મધુરાં સપનાં લઈને આવી હતી, સુખના અમૃતનો કટોરો હાથમાં હતો એમાં જાણે ઝેર ઘોળાઈ ગયું પણ આ બધી પરિસ્થિતિ સામે ઝઝૂમવા અને જેની સામે જોઈને આ બધાં સામે લડવા શક્તિ મેળવી શકાય એવું એક બળ હતું – નાનો કિસન. એની સામે જોઈ જિંદગી કાઢી નાખી.

વર્ષો વીત્યાં, કિસન પણ હવે જુવાન થઈ ગયો. બધાં કામ હાથમાં લઈ લીધાં. સવાર સવારમાં ઘરમાં સંજવારી કાઢવી, ફળિયામાં વાસીદું કાઢવું, કૂવેથી પાણી ભરી લાવવાં, વાસણ-કૂસણ સાફ કરવા કપડાં ધોવા- કંકુ કામને હાથ લગાડવા જાય તો કહેતો, ‘મા તેં આખી જિંદગી બહુ ઢસરડા કર્યા છે. હવે આરામ કર. હવે બધું કામ હું જ કરીશ.’
પણ હજુ કંકુ ઉપર વજ્રાઘાત થવો બાકી હતો.

ધીમે ધીમે કેમ કરીને પણ કિસનમાં પરિવર્તન આવતું ગયું. દુનિયાના ગમા-અણગમા, સુખ-દુઃખ, ચીડ અને તાણના વાતાવરણમાંથી મુક્ત થઈ ગયો. જાણે છુટકારો મળી ગયો અને દુનિયાથી પર થઈ ગયો – નિજાનંદમાં મસ્ત થઈ ગયો. કિસન સાવ ગાંડો થઈ ગયો.

મા તારે કંઈ કામ કરવાનું નથી – હવે આરામ કર એમ કહેનાર કિસન હવે કંકુનું કામ વધારવા લાગ્યો. ફળિયું વાળીને કચરો ખૂણામાં ભેગો કર્યો હોય તે પાછો ફળિયામાં વેરવા લાગ્યો – પાણી સીંચવાની ડોલ-રસ્સી ગુમ કરી દેવા લાગ્યો. ફળિયાને નવરાવું છું એમ કહી કંકુએ પાણી ભરેલ વાસણો ફળિયામાં ઢોળી નાખતો.

રૂખી એક ચિત્તે ડોશીની વાત સાંભળી રહી – પાસે બેસી ડોસીમાનો હાથ હાથમાં લઈ અનુકંપામાં ડૂબી ગઈ… માડી રે કેટલાં દુઃખ સહન કર્યા છે આ બાઈએ. પ્રશ્ન થયો તો પછી અત્યારે કિસન ક્યાં હશે ? પણ પૂછવાની હિંમત ન ચાલી. પછી કહ્યું, ‘પણ માડી તમે કહો છો કે બાજુમાં કોઈ કિસન જેવો જણ રહેવા આવ્યો છે અને એ તમને આટલો હેરાન કરે છે તે કહેવા કેમ નથી જતાં ? કિસન તો ઠીક છે તમારો દીકરો હતો પણ આ નવા માણસને તો કંઈ કહેવાય ને !’

‘અરે દીકરી આવાં જુવાન માણાંને આવું કરવું ગમતું હોય ? પણ એનેય માલિપા કંઈ વલોપાત થીયો હશે, કાળજું વલોવાયું હશે, રૂદિયા ઉપર ઘા પડ્યા હશે તંયે જ આવી અવસ્થા થઈ હશે ને ! ને એને તો સમજ નથી પણ આપણે તો સમજીયેં સીંયે ને. એમાં ઈ બચાડાનો કાંઈ વાંક નથી. મને તો ઈયે બચાડો મારા કિસન જેવો લાગેસે.’ ડોશીને કિસનની યાદ આવી. ગળું ભરાઈ આવ્યું.

આંખ ભરાઈ આવી. બોલ્યાં : ‘મારાં કિસનોય આમ જ ક્યાંક રખડતો હશે ને !’

રૂખી પાસે આવી ડોસીમાને બાથમાં લીધાં ને ડોશીના બધા બંધ છૂટી પડ્યા.

‘કિસના. મને એકલી મૂકીને તું ક્યાં હાલ્યો ગયો… પાસો… આવી જા.. બેટા.’

ખૂબ રોવા દીધાં ડોશીને, પછી પાણી આપ્યું. સ્વસ્થ થયાં પછી પૂછ્યું,

‘પણ ફુઈ તમે અહીં ઉજ્જડ વિસ્તારમાં એકલાં રહો છો તે ઓલ્યા શેઠ તમને ગામની વચ્ચે નવું મકાન આપે છે ત્યાં જતાં રહો ને !’

‘ઈ વાત બોલાતી જ નહીં દીકરી, મારો કિસનો કોક દિવસ તો પાસો આવશે જ ને ! હું રોજ એને યાદ કરું સું તો એકાદ વાર તો એને આ ઘરડી મા યાદ આવશે ને ! ને ઈ આ ગામમાં આવે તો સીધો આ ઘરમાં જ આવે. આંયાં મને નો જુએ તો પાસો હાલ્યો જાય… ના માડી.. ના, હું આંયાથી ક્યાંય જવાની નથી, મારે બંગલો ને કોથળો ભરીને રૂપિયા નથી જોતા, મને મારો કિસનો જોઈએ.’

રૂખીને હવે મનમાં વાતની ગડ પડવા લાગી. ધીમે ધીમે બધી વાત સમજમાં આવી. એભલ ડોશીને આટલી હેરાન કરે છે છતાં ડોશી કેમ બધું સહન કર્યે જાય છે ! – દીપચંદ શેઠ આટલાં પ્રલોભનો આપે છે – નવું ઘર, ડોશી માટે એટલા પૈસા છતાં ડોશી કેમ આ ઘર ખાલી કરવાની ના પાડે છે ! બધી જિજ્ઞાસા ઢોળાઈ ગઈ ને પછી અનુકંપા અને સહાનુભૂતિથી ભરાઈ ગયો. ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે બનાવટી ભત્રીજી થઈને આવેલ પણ જતી વખતે સાચી ભત્રીજી થઈને ગઈ. ઘેર આવીને એભલને બધી વાત કરી. કંકુમાને એભલમાં એનો ગુમ થઈ ગયેલો ગાંડો દીકરો કિસન દેખાય છે એટલે બધું સહન કર્યે જાય છે એ વાત સાંબળીને એભલના મનમાં એક વાત ઠસી ગઈ કે ડોશી એને દીકરા જેવો સમજે છે ને એના દીકરા જેવો માને છે.

રૂખીએ કહ્યું, ‘ભાઈ, આપણાથી કંકુમાને આ ઘર ખાલી કરાવવાનું પાપ ન થાય. જાઓ અત્યારે જ દીપચંદ શેઠને એના પૈસા પાછા આપી આવો.’
એભલના મગજમાં આ વાત ઊતરી ગઈ. એ ચાલ્યો શેઠની દુકાને.

દીપચંદ શેઠની દુકાને બે-ચાર જણા ભેગા થયા છે. હવે એકાદ મહિનામાં ડોશીનું મકાન આવી જાય પછી કેમ કરવું તેના પ્લાન થઈ રહ્યા છે, પાછળના ભાગમાં બે વિશાળ ગોડાઉન, આગળના ભાગમાં ડબલ ગાળાની દુકાન પોતાને માટે રાખવી અને બાકીની બારેક દુકાનો બારોબાર ભાડે આપી દેવાની અને ઉપરને માળે બંને ભાઈઓ માટે રહેવાની વ્યવસ્થા, આમ વાતો ચાલે છે ત્યાં એભલ આવતો દેખાયો.

‘આવો આવો એભલભા, બરાબર ટાઈમસર આવ્યા છો. આ તમને આપવાની બીજા હપતાની રકમ તૈયાર જ રાખી છે.’

‘શેઠ, હું પૈસા લેવા નહીં પણ પૈસા પાછા આપવા આવ્યો છું.’

‘કેમ ? પાછા શું કામ ?’ બધા આશ્ચર્યથી એભલ સામે જોઈ રહ્યા.

‘આપણી વચ્ચે થયેલ કરાર ફોક કરવો છે એટલે.’

કંઈ સમજાયું ન હોય તેમ બધાં એકબીજા સામું જોઈ રહ્યા.

‘પણ શા માટે ?’ શેઠને બધા પ્લાન ઊંધા પડતા દેખાયા.

‘કારણ કે ડોશીને દીકરો મળી ગયો છે.’

‘તે ઈ ડોશી અને એનો દીકરો જાણે, તમારે ને ડોશીને શું ?’

‘શેઠ, હવેથી કંકુમા મારી મા છે. એટલે હવે પછી મકાન ખાલી કરાવવાના કોઈ પેંતરા કરતા નહીં… મારી મા મકાન ખાલી નહીં કરે ને જો તમે એવો કોઈ ચાળો કર્યો તો પછી મારો જેવો ભૂંડો કોઈ નથી ને પછી તમે છો ને હું છું એટલું યાદ રાખજો.’ આટલું કહી એભલ પગથિયાં ઊતરી ગયો. બધા કાપો તો લેહી ન નીકળે એવા સજ્જડ થઈ ગયા, ને એકબીજા સામે ઉજ્જડ ચહેરે જોઈ રહ્યા ને માતેલા સાંઢ જેવા એભલને જતો જોઈ રહ્યા. દીપચંદ શેઠના કાનમાં એભલના શબ્દો ઘણની જેમ ઝીંકાઈ રહ્યા – એ મારી મા છે.

– નિખિલ દેસાઈ

સંપર્ક : બી-૪૦૭, જનક્લ્યાણ એપાર્ટમેન્ટ, રાજકોટ – ૩૬૦ ૦૦૨