હેર-ડાઈ કરવાથી દાદરનાં પગથિયાં ઓછાં થાય છે ? – વિનોદ ભટ્ટ

(‘જનકલ્યાણ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

ઉંમરના દરેક તબક્કે આપણા હિતચિંતકો દ્વારા આપણને અમુક સવાલો અચૂક પૂછાતા હોય છે; ઉ.ત. પચ્ચીસીથી પાંત્રીસની વચ્ચે પહોંચીએ ત્યારે પૂછવામાં આવે છે કે તમે તો સરકારી નોકરીમાં છો ને ? ઉપર નીચેનું થઈને કેટલું કૂટી ખાવ છો ? અને કોઈ બિઝનેસમાં પડ્યા હોઈએ તો એવું પૂછે છે કે ‘ધંધા-‘ધાપા’ કેવાક ચાલે છે ? એમાંય ‘ધાપા’ શબ્દ પર વિશિષ્ટ રીતે ભાર મૂકવામાં આવે છે. ધાપાને ધાપ (મારવા) જોડે નિકટનો સંબંધ હોય એવું તેમના પ્રશ્ન તેમજ ખાસ તો ચહેરા પરથી અનુમાન કરવાનું મન થાય છે. પણ આપણી ગુજરાતી ભાષા જ એવી અનર્થકારી છે એમ માની પૂછનારને શંકાનો લાભ આપોઆપ આપી દેવાય છે.

બાવન-પંચાવન વર્ષ થતાં એ પ્રશ્ન ઝીંકાય છે કે શો વસ્તાર છે ? એમાં દીકરા દીકરીનો સ્કોર કેટલો ? એમાંનાં કેટલાંને ઠેકાણે પાડ્યાં ? અર્થાત્‍ તમારી સુપુત્રીઓએ કેટલા જમાઈને ઠેકાણે પાડ્યા ? પાંસરા કર્યાં ?

અને વાનપ્રસ્થમાં માંડ પ્રવેશ્યા હોઈએ ત્યાં જ આપણી સામે પગથી માથા સુધી બારીકાઈથી જોઈને, પૂછનાર પ્રશ્ન ફેંકે છે : ‘કેટલાં થયાં ?

‘તમને કેટલાં લાગે છે ?’ આપણી ઉંમરનો ક્યાસ તેની પાસે કઢાવવા ઈચ્છીએ છીએ. ‘સાચમસાચ કહી દઉં ?’ તે કમચાય છે. ‘જે હોય તે કહી દો ને, પ્લીઝ !’ આપણે આપણી ઉંમર માટે પોતે કુતૂહલ પ્રગટ કરીએ છીએ. ‘તમને માઠું તો નહીં લાગે ને ?’ તે લાડ કરે છે. ‘હું સ્ત્રી નથી એટલે નહીં લાગે જાવ, પ્રોમિસ’ ‘જાવ, તમારુંય રહ્યું ને મારું પણ રહ્યું. પંચોતેરથી ઓછી નહીં ને એંસીથી વધુ નહીં.’

‘હજી તો મને માંડ સિત્તેર થયાં છે !’ આપણે નિસાસા સાથે કહીએ છીએ.

‘એમ ? ઘણા લોકો જન્મથી જ ‘ડેમેજ પીસ’ હોય છે, તકલાદી. ઘણી કારોનાં મોડલ કંપનીમાં બને છે. ત્યારથી જ ભંગાર નથી હોતાં ? માણસોમાં પણ એવું જ બને છે. સાચું કહું તો તમે છો એ કરતાં બહુ ઘરડા લાગો છો.’ બોલી પોતાની ફરજ બજાવ્યાના સંતોષ સાથે તે રસ્તે પડે છે. પણ રસ્તે પડતાં પહેલાં આપણા માનસિક સ્વાસ્થ્યમાં અણીદાર કાંટા વેરતા જાય છે.

ખાનગીમાં કહું તો આ મારી ખુદની તંદુરસ્તીની કથા છે. હિંદી-હાસ્ય કવિ સંમેલનમાં એક હાસ્યકવિએ મને આશ્ચર્યથી પૂછયું હતું કે ‘તમે હજી જીવો છો, વિનોદજી ?’ ‘આપકો કોઈ આપત્તિ હૈ ?’ એવું પૂછવાનું મન થયું, પણ એમ પૂછવાને બદલે તેને મેં પૂછ્યું : ‘તમને એવો વહેમ કેમ પડ્યો ?’ ‘તમારે વ્યંગરચનાઓ ઘણાં વર્ષો સુધી ‘ધર્મયુગ’ અને ‘સારિકા’માં વાંચવા મળતી હતી; કિન્તુ, છેલ્લા કેટલાક સમયથી તમારું કશું વાંચવામાં નથી આવતું એટલે મેં એમ માનેલું કે હવે બહુ થયું એવું માનીને તમે દિવંગત થઈ ગયા હશો.’ એ કવિએ ચોખવટ કરી.

આજથી લગભગ ચાલીસ વર્ષ આગાઉ કોઈ વયસ્ક છોકરી મને ભૂલભૂલમાંય અંકલ કહેતી ત્યારે અંદરથી ચીસ પડાઈ જતી કે બાલિકે, હમેં અંકલ મત કહો. પણ આજે કાકા તો શું, કોઈ દાદાજી કહે તોપણ મન મનાવી લઉં છું કે એમાં એ બિચારી શું કરે, એવો લાગતો હોઈશ તો એ એવું કહેતી હશે ને !

પણ એક દિવસ તો એક સ્ત્રીએ મને આઘાતથી મૂર્છિત કરી નાખેલો. એક બુફે-પાર્ટીમાં ડિશ લઈને મારા વારાની રાહ જોતો હું પિરસણના ટેબલ પાસે ઊભો હતો. મારી પત્ની મારી પાછળ હતી, ત્યાં તેની બાજુમાં ઊભેલી એક અજાણી મહિલાએ તેને કુતૂહલથી પૂછ્યું કે ‘હેં બહેન, વિનોદ ભટ્ટ તમરા ફાધર થાય ?’ આ સાંભળી પત્ની થોડી છોભીલી પડી ગઈ, પણ હું તો કાપો તો લોહી ન નીકળે એવો પીળો પડી ગયો, એનેમિક થઈ ગયો. મારી ભૂખ મરી ગઈ; સ્વરુચિ ભોજન અરુચિકર થઈ ગયું.

બીજે દિવસે ગુસ્સામાં ને ગુસ્સામાં અડધો ડઝન રંગબેરંગી ટી-શટ્‍ર્સ બજારમાંથી વહોરી લાવ્યો. કાંકરિયા તળાવ પર મોર્નિંગ વોકમાં ટી-શર્ટમાં જોઈને મને વોકર્સ ક્લબના એક સભ્યે વણામાગી સલાહ આપતાં કહ્યું કે તમારા ખભા વાંકા વળી ગયા છે એટલે તમને આ ટી-શર્ટ સહજે પણ શોભતું નથી. તમારે તો ઝભ્ભા પહેરવા જોઈએ, ઝભ્ભામાં તામારા વાંકા ખભાની કોઈને ઝટ ખબર નહીં પદૅ.

એ એક મુરબ્બીએ મને સહાનુભૂતિથી પૂછ્યું : ‘તમે હેર-ડાઈ કેમ નથી કરતા ?’ પછી ઉમેર્યું : ‘ડાઈ કરવાથી તમે છો એ કરતાં દસથી પંદર વર્ષ નાના યુવાન દેખાશો.’ એ મુરબ્બીને મેં જવાબ ન આપ્યો, પણ મને એ વાતની ખબર છે કે હેર-ડાઈ કરવાથી દાદરનાં પગથિયાં ઓછાં થતાં નથી અને સાચું કહું તો હું જેવો નથી એવો દેખાવાનું મને હરગિજ ન ગમે. એમાં મને છેતરપિંડી, આડંબર કે દંભ જેવું લાગે છે. આ બધું કોના માટે ? જોનાર માટે જ કરવાનું ને ! આપણને દેખનારને તો વધુ પડતા કાળા વાળ જોઈને ખબર પડી જ જતી હોય છે કે આ બુઢ્ઢાએ કાયાકલ્પ માટે કલપ કર્યો છે, હેર-ડાઈ કરી છે. ઢળતી ઉંમરે ધોળામાં કાળું કર્યું છે. (આને ધોળામાં ધૂળ નાખ્યા જેવું મને તો લાગે છે.)

ધારો કે થોડા યુવાન દેખાવા આપણે હેર-ડાઈ કરીએ, પણ ચાલતી વેળાએ હાંફ ચડી જાય, ખાંસીના ઠમકા ઉપરાઉપરી આવ્યા કરતા હોય, વચ્ચે-વચ્ચે થતા એન્જાઈના પેઈનને લીધે છાતી પર વારંવાર હાથ દબાવ્યા કરતા હોઈએ – આ બધી કૃત્રિમ યુવાની હેર-ડાઈ કેવી રીતે ઢાંકી શકવાની ? આપણને પૂછ્યા વગર, નિષ્ઠુરતાપૂર્વક આપણને અંતરિયાળ છોડી ગઈ છે એ જુવાનીને આ રીતે પકડી રખાય ? એ તો ડૂબતો માણસ તણખલાને પકડવા મથતો હોય એવું લાગે, આપણી જાત સાથે બનાવટ કરતા હોઈએ એવી લાગણી થાય, છટ્…

અને આમ જોવા જઈએ તો આ સફેદ વાળ કંઈ ફોગટમાં ક્યાં મળ્યા છે ! તેને પકવવા, કાળામાંથી ધોળા કરવા માટે કેટલો બધો સંધર્ષ વેઠવો પડ્યો છે ! આ સફેદ વાળના જથ્થા વચ્ચે કોણ જાણે કેટલાય કડવા, ખારા, ખાટા અને તૂરા અનુભવો લપાઈને બેઠા હોય છે. એ રીતે જોઈએ તો આ સફેદ વાળ એ તો માણસની આપકમાઈ છે, ખુદકમાઈ છે. તેને એમ કંઈ સસ્તામાં વેડફી નખાય ? ખોઈ કઢાય ? કદાચ એટલે જ મારા ગીધુકાકા કેટલીક વાર કહેતા હોય છે કે હેર-ડાઈ કે કલપ દ્વારા કાળા વાળ કરાવતા કોઈ સંતની વાણીમાં વિશ્વાસ મૂકવો નહીં; એની કથનીમાં તમને સચ્ચાઈ જોવા નહીં મળે. હેર-ડાઈ જેવું જ લાગશે; હેર-ડાઈ એ જૂઠાણું છે.

મસ્તક પર ધોળી ધજા ફરકવા માંડે ત્યારે માણસને સમજાવા માંડે છે કે કેટલાં થયાંને બદલે હવે કેટલાં રહ્યાં એનો હિસાબ માંડવાના, જીવન સાથે સમાધાન કરવાના દિવસો આવી ગયા છે. માથા પરના આ સફેદ વાળ એ પરિપક્વતા સૂચવે છે. આની સામે કોઈ કદાચ એવી દલીલ કરી શકે કે પરિપક્વતાને વાળની સફેદી સાથે કાંઈ નિસબત નથી. દા.ત. ગદર્ભ. મોટા ભાગના ગદર્ભો જન્મથી જ સફેદ વાળ ધરાવતા હોય છે, એમને પરિપક્વ કહેવાનું સાહસ આપણે કરીએ છીએ ?

પરંતુ આપણે અહીં માણસોના સફેદ વાળની વાત કરી રહ્યા છીએ. આપણાં ભૂતપૂર્વ જ નહીં, અભૂતપૂર્વ પ્રાઈમ મિનિસ્ટર શ્રીમતી ઈન્દિરા ગાંધીના માથા પરના કાળા વાળની વચ્ચે માત્ર એક જ સફેદ લટ હતી. એ લટ જોઈને મારી જેમ ઘણાને શરૂઆતમાં એવું લાગતું હતું કે પીઢ પોલિટિશિયનની છાપ ઉપસાવવા શ્રીમતી ગાંધી પોતાના માથા પરના વાળમાંથી એક લટને અલગ તારવીને એના પર સફેદો-સફેદ રંગ – લગાડ્યો હશે. એ જે હોય તે, પણ એક સફેદ લટને લીધે તે કેવાં જાજરમાન લાગતાં હતાં ! દરેક ઉંમરને પોતાનો પ્રભાવ હોય છે, ગરિમા હોય છે, પોતાનું સૌંદર્ય હોય છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન; માથા પરના શુદ્ધ ચાંદી જેવા સફેદ વાળને કારણે આ બંને કોઈ તપસ્વી જેવા નહોતા જણાતા ? ટાગોરને તો વધારામાં સફેદ દાઢી પણ હતી. આ બેઉને કાળા વાળવાળા કલ્પી જુઓ. તમને સહેજ પણ મજા નહીં આવે.

– વિનોદ ભટ્ટ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “હેર-ડાઈ કરવાથી દાદરનાં પગથિયાં ઓછાં થાય છે ? – વિનોદ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.