વિનંતિ શાળાઓને, શિક્ષકોને… – જીજ્ઞેશ અધ્યારૂ

ગત અઠવાડીયે ઉનાળાનું વેકેશન પૂરું થયું, શાળાઓ શરૂ થઈ. ભૂલકાંઓ ફરીથી ગયા વર્ષે હતું એથી વધુ ભારે દફ્તર અને અપેક્ષાઓનો બોજ સાથે લઈ શાળાએ જવા લાગ્યા છે. જાણે ‘હાશ’ની અવધી પૂરી થઈ. સ્પર્ધાથી ખદબદતા અને પળેપળ આવડતની અને જાણકારીની ચકાસણી કરતા યુગમાં બાળકોને ફરીથી પુસ્તકમાં ઉતરવાનો, રટણ કરવાનો કે ગોખવાનો, દોડમાં શામેલ થવાનો અને એ રીતે આપણી, ‘આવકને લક્ષ્યમાં રાખીને’ ચાલતી શિક્ષણ પદ્ધતિના વહેણમાં ઝંપલાવવાનો સમય આવી ગયો. શિક્ષણ પદ્ધતિના બધા જ પાસા ખરાબ છે એવું પણ નથી, આશાના દીવા હજુ પણ અસંખ્ય સ્થાનોએ ઝગમગે જ છે, સમર્પિત શિક્ષકો અને વિકાસલક્ષી શાળાઓ આજે પણ છે જ. પણ સંપૂર્ણપણે કાર્યક્ષમ ગાડીએ જે રસ્તો લેવાનો છે એ પોતે જ ખરબચડો હોય અને મંઝિલથી ભટકાવનારો હોય તો પ્રવાસ કેવો બની રહે? એવું તો નથી જ કે બધી શાળાઓ કે શિક્ષકો બાળકોને જ્ઞાનને બદલે ફક્ત માહિતી પિરસે છે, પણ સોમાંથી એકાદ-બેને બાદ કરીએ તો બાકીના કિસ્સાઓમાં સહ્રદયતા કે બાળકના સાર્વત્રિક વિકાસ અને ખરા અર્થમાં જેને જ્ઞાન કહી શકીએ એવી વિદ્યાના વિસ્તાર માટેની સમજણનો અભાવ રહે જ છે. વિષયની પૂરતી અને ઉંડી જાણકારીને અમલમાં મૂકી, નકરી માહિતીને બદલે સમજણ સાથેનું જ્ઞાન આપવામાં ભાગ્યે જ આજે કોઈકને રસ રહ્યો હશે!

અમારા વખતે નર્સરી, જૂનિયર કેજી અને સીનીયર કેજી, એ બધુંય બાળમંદિર / બાળવાડી કહેવાતું. કેવું સરસ નામ! બાળમંદિર, કદાચ નાનકડા બાળકોમાં ભગવાન વસે છે એવી જ માન્યતા એમાં હશે, જે હવે સંકોચાઈને કેજી થઈ ગયું. ફ્રોબેલની આ ભેટ પૂરેપૂરી રીતે વ્યાપાર બની ગઈ છે. દિવસના બે ત્રણ કલાક હવે ડે સ્કૂલ બની ગયા છે. મારો પુત્ર પણ એ જ દોડમાં શામેલ થઈ રહ્યો છે, એ જૂનિયર કિન્ડરગાર્ડનમાં જશે. આમ તો મારે તેની શાળાને, શિક્ષકોને અને ટ્રસ્ટીઓને જ આ કહેવું હતું, પણ એ અન્ય ઘણાંય માતાપિતાઓને પણ લાગુ પડી શકે ખરું!

મારે કહેવું જોઈએ કે મારો પુત્ર તેની ઉંમરથી ઘણો વધુ સમજણો અને ચપળ હોય એવું અમને લાગે છે, અમે તેની સરખામણી અમારા બાળપણ સાથે કરીએ તો અમે સાવ ભોટ કે બોદા લાગીએ. લગભગ બધા જ માબાપને એ લાગતું હશે કે તેમનું સંતાન તેઓ હતા તેના કરતા વધુ ચપળ અને માહિતીપ્રદ બાળપણ ધરાવે છે. અમારો પુત્ર પણ એમાંથી બાકાત નથી, એ મારા એન્ડ્રોઈડ ફોનમાં ગેમ્સ રમી શકે છે, કાર્ટુન પાત્રોની આબેહૂબ નકલ કરી શકે છે, ગુજરાતી સાથે કંઈક અંશે અંગ્રેજી અને હિન્દી બોલી શકે છે, ખાવા પીવામાં આ જ ઉંમરથી તેના પોતાના ગમા અણગમા છે, ફિલ્મના કે જાહેરાતના કેટલાક ગીતો પણ એ આનંદથી ગાય છે અને ઘણી વખત અણધારી ચપળતા, યાદશક્તિ અને હાજરજવાબીપણાનો પરિચય પણ એ કરાવે છે. બદલાતા સમય સાથે બદલાયેલા બાળપણના આ નવા વિશ્વનો અમને નવો જ પરિચય છે, પણ એ બાળપણને અમે હકારાત્મક દિશામાં વિસ્તારવા અને વિકસાવવા માંગીએ છીએ. એ અત્યારે પહાડ પરથી ખળખળ વહેતા એક ઝરણ જેવો છે. તેને પોતાની મસ્તીમાં રહેવું ગમે છે. જ્યારે એ બી સી ડી લખતો હોય ત્યારે એમાં મસ્ત હોય છે, સાઈકલ ફેરવતી વખતે એ આસપાસના વિશ્વને ભૂલી જાય છે અને ડૉરેમોન અને નોબિતા જોતી વખતે એ ટોળીમાંનો એક થઈ જાય છે, એના આ અનોખા અને અલગ વિશ્વને એમ જ રહેવા દેજો, એ દરેક પ્રવૃત્તિમાં તેના બાળપણનો નિખાલસ અંશ સાવ સ્પષ્ટપણે ઝળકે છે. મારી વિનંતિ છે કે તેને ફક્ત એબીસીડી કે ૧ થી ૧૦ કે પ્રાણીઓ, પક્ષીઓ, શાક, ફળ એવું બધું ટીવીમાં કે ચાર્ટમાં બતાવી દેખાડવાને બદલે કે રોજેરોજની ઘાંટઘૂંટને બદલે તેના મનની ક્ષિતિજો વિસ્તારી શક્ય એટલું પ્રાયોગિક શિક્ષણ આપવા પ્રયત્ન કરજો.

આસપાસની અનેક શાળાઓમાંથી અમે જ્યારે અહીં પસંદગી ઉતારી ત્યારે તેની ફી, ઘરથી અંતર કે લોકોની સલાહો પર ધ્યાન નથી આપ્યું, પણ અમે શિક્ષકો અને શાળાના વ્યવસ્થાપકોની સમજણ, તેમના વ્યવહાર અને સૌથી વિશેષ તો તેમની શાળાને વેપારસંકુલ નહીં બનાવી દેવા તરફની દક્ષતા વિશે જ વિચાર્યું હતું.

આજના સમયમાં જ્યાં દરેક પગલે નાણાંકીય જોગવાઈ આવશ્યક છે તેમાં શાળા ચલાવવી અને બધી સગવડો આપવી ખર્ચાળ કામ છે, શિક્ષકોને નભાવવાં, સાધનો વસાવવા અને વ્યવસ્થાપનનો ખર્ચ પણ ભારે હોઈ શકે છે. પરંતુ એ બધાંય ખર્ચાનો બોજ શાળા કે ટ્રસ્ટ થોડું ઉઠાવે છે? એ સમગ્ર ભારણ તો વરસોવરસ ત્યાં ભણનારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી જ વસૂલ થવાનું ને? અને જ્યારે અમે મોં માંગી ફી, શાળામાંથી જ પુસ્તકો કે યુનિફોર્મ કે બૂટ મોજાં ખરીદવાના શાળાના આગ્રહને માન આપતાં હોઈએ, શાળાની જ બસમાં વિદ્યાર્થીઓને મૂકવાનો આગ્રહ હોય કે શાળાની કેન્ટીનમાં જ તેના નાસ્તા માટે પૈસા ભરતા હોઈએ તો પછી ખર્ચ તો અમારે જ માથે ગણાય ને? એ દ્રષ્ટીએ ટ્રસ્ટીઓ અને શાળાએ તો માત્ર વ્યવસ્થાપન જ કરવાનું રહ્યું.

અને આ બધાં છતાં જો બાળક રોજ કહે કે અમને ક્લાસમાં કવિતાઓની, સિલેબસની સી.ડી. દેખાડવા બેસાડી જ રાખ્યા (જેનું વિષયવસ્તુ ઘરે માતાપિતાએ સમજાવવાનું રહે છે), પરીક્ષા વખતે બાળકની શાળાકાર્યની નોટ કોરી હોય અને ગૃહકાર્યની નોટ ભરેલી હોય, લગભગ દરેક પૂછપરછ વખતે બાળક કહેતું હોય કે આ તો અમને ‘ટીચરે’ સમજાવ્યું કે શીખવ્યું જ નથી, પણ એ પરીક્ષામાં પૂછાવાનું છે એવું તેની ડાયરીમાં લખીને તમે જ આપ્યું હોય ત્યારે અમારે શું કરવું? પ્રોજેક્ટ તરીકે બાળકના વિકાસ માટે ઘરેથી કરીને લઈ આવવાની પ્રવૃત્તિઓ તદ્દન એવી હોય જે બાળક કરી જ ન શકે અને માતાપિતાએ ઘરેથી કરીને એ શાળાએ મોકલવાની હોય, વળી એ લગભગ દર પખવાડીએ હોય ત્યારે પ્રશ્ન થાય કે બાળક ભણે છે કે માતાપિતા? હદ તો ત્યારે થાય જ્યારે પેરેન્ટ્સ ડે પર તમે અમને બોલાવ્યા હોય અને ક્લાસના નોટીસબોર્ડ પર લખેલ ક્વોટમાં બે સ્પેલીંગ ખોટા હોય! પછી તમે જ્યારે અમને કહો કે તમારૂ ચાઈલ્ડ ‘બ્રિલિઅન્ટ છે’ તો અમે તમારા એ કહેવા પર વિશ્વાસ મૂકી શકીએ? સ્પેશીયલ એક્ટિવિટીને નામે લગભગ દર મહીને ઉઘરાવવામાં આવતા પૈસા હોય કે એ માટેની અલગ વસ્તુઓ ખરીદવાની વાત હોય, અમે અમારી જાતને કઈ રીતે આશ્વસ્ત કરી શકીએ કે અમારું બાળક તેના જ્ઞાનની અને સમજણની ક્ષિતિજો તમારી દોરવણી હેઠળ વિસ્તારી શક્શે? શાળા બદલવી એ તેનો ઉપાય બીલકુલ નથી, શાળાઓની માનસિકતા કદાચ બદલાવી જોઈએ.

આખરે વાત જ્ઞાનની છે, ગણતરની છે, નહીં કે ફક્ત માહિતી કે ભણતરની… હું એન્જીનીયર છું, અને એ કારણે મને ખબર છે કે મારા બાળકને એન્જીનીયર કે ડૉક્ટર બનાવવા માટે અત્યારથી તેને ગોખણીયા ભણતરના ચક્રવ્યૂહમાં ઉતારવાની જરાય જરૂર નથી. જો તેનામાં ક્ષમતા હશે, સમજણ હશે અને પોતાની જે ઈચ્છા છે એ ધ્યેયને પામવાની લગન હશે તો એ જાતે જ કરી શક્શે, આજે તેને ગોખણપટ્ટીની, ટ્યૂશનની કે રટણની નહીં, સમજણની અને વિષયવિશેષમાં તેના રસને જાગૃત કરવાની અને જાળવવની જરૂરત છે. જો તેની વિષયોની સમજણ સતત અને સ્પષ્ટ હશે તો દસમાં કે બારમાં ધોરણમાં તેને ટ્યૂશન કે અંધાધૂંધ ગોખણક્રિયાની જરૂર રહેશે નહીં. આજની તેની નર્સરીની ફી જેટલો ખર્ચ તો અમારા એકથી દસ ધોરણના ભણતર માટે પણ કદાચ નહીં થયો હોય. જો હું એમ કહીશ કે સરકારી શાળાઓમાં ભણીને પણ અમે સાયન્સ કે એન્જીનીયરીંગ સુધી પહોંચી શક્યા તો તમને એ મારું અભિમાન લાગશે, પણ હકીકત એ છે કે અમારા એ વર્ષો પહેલાનાં શિક્ષકો અને શિક્ષિકાઓ આજે પણ અમને આદરપૂર્વક યાદ આવે છે. તેમની કાળજી, અંગત લાગણી અને ભણાવવાની રીત આજની સારામાં સારી શાળામાં પણ હશે કે કેમ એવો પ્રશ્ન અમને ઘણી વખત થાય છે! તમારી કે અમારી ગમે તેટલી મહેનત પછી પણ આખરે શું બનવું એ બાળકની મરજીની વાત જ રહેવાની છે અને એ નિર્ણય તેનો જ હોવો જોઈએ. એ માટે આજે તેના બાળપણને છીનવી લેવાની જરૂરત અમને દેખાતી નથી. આ ફક્ત અમારા બાળકની વાત નથી, અનેક મિત્રો અને સહકાર્યકરો સાથેની વાતનો એ નિચોડ છે, એ બધાંય ભૂલકાંઓની વાત છે જે આ શિક્ષણપદ્ધતિમાં પ્રવેશ કરી રહ્યાં છે.

શાળા તરીકે તેમને સાચવવાની ને જાળવવાની તમારી ફરજ નિભાવશો એવી આશા સાથે જ દર વર્ષે હજારો કળીઓ ફૂલ બનવા તમારી પાસે આવે છે. આશા છે તમે એ કળીઓને એવી રીતે ઉછેરશો કે જેથી આવતીકાલે એ બાગ થઈને આપણા સમગ્ર સમાજને મહેકાવી શકે. એક ટ્રસ્ટી તરીકે, આચાર્ય કે શિક્ષક તરીકે તમે અમારા બાળકને જગતનો સામનો હસતા હસતા કરવા તૈયાર કરશો. કપરી પરિસ્થિતિઓમાં લડવાની અને હાર ન માનવાની મૂળભૂત શીખ તેને તમારી પાસેથી મળશે એવી આશા રાખી શકીએ એવું વાતાવરણ તમે આપવાનો પ્રયત્ન કરશો. તેનામાં મૂલ્યો અને શિષ્ટાચારનું સિંચન કરશો એવી આશા પણ છે. જો કે આ બધી આશાની પાછળ માતા પિતા તરીકે આ બધુંય કરવાની ફરજ અમે છોડી નથી રહ્યાં, પણ એ ફરજ પૂર્ણ કરવા તમારો સાથ માંગી રહ્યાં છીએ. એના મિત્રવર્તુળમાં, એના વિચાર વર્તન અને સ્વભાવમાં શાળાનો જે પડછાયો દેખાશે એ તેના અંગત વિકાસની સાથે સાથે સમાજને ઉપયોગી થઈ રહે એવો જ હોય એવી આશા છે. શાળામાં પ્રવેશના દિવસે તમે તેના ભાલ પર જે તિલક કર્યું છે, એ તિલકના વિશ્વાસે હું પ્રાર્થું છું કે શાળાઓ ફરીથી ગુરુકુળનું સ્થાન પ્રાપ્ત કરી શકે અને ‘ટીચર’ ગુરુના સ્થાન સુધી પહોંચી શકે, તો ખરેખર વિશ્વને નવી જવાબદાર, સમજદાર અને વિચારવંત પેઢીઓ મળશે.

– જીજ્ઞેશ અધ્યારૂ

તા.ક. મારો પુત્ર અને પુત્રી મહુવા હાઈવે પર આવેલ હનુમંત હાઈસ્કૂલમાં ભણે છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મા-બાપ થવું, હોવું અને બનવું – વિજયસિંહ ઘરીઆ
કવિતા (પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા વાર્તા) – વર્ષા તન્ના Next »   

7 પ્રતિભાવો : વિનંતિ શાળાઓને, શિક્ષકોને… – જીજ્ઞેશ અધ્યારૂ

 1. Nirmesh says:

  અક્દમ સાચિ વાત જિગ્નેસભઇ. બહુ સરસ વાત કરિ.

  In today’s world of life This is really serious situation for all parents if they are caring for their kids.

  I am in Australia and I have four year old son there is a same issue here.Day care and Kindergarten always expecting high from them even though their ages are 2-4 years still they want perfect child.

 2. pjpandya says:

  ફરિ બાલકોનુ બચપન ચ્હિન્વઐ ગયુ

 3. ભુપેન્દ્ર પંચાલ says:

  આપણો સૌથી સળગતો પ્રશ્ન હોય તો શિક્ષણ નો છે. અને એના તરફ ધ્યાન નહિ આપવામાં આવે તો અાગલી પેઢી આપણને માફફ નહિ કરે.સ્કુલ કોલેજ નું શિક્ષણ ખાડે જતું લાગે છે.એટલું ખર્ચાળ થતું જાય છે કે ઓછી આવક વાળાને તો ભણવાનો અધિકાર જ નથી.
  સ્કુલ કોલેજ અને tution classesમાં એકજ વસ્તુ ભણવા double સમય બગાડવો પડે છે.ક્યાં તો સ્કૂલ બંધ કરોક્યાંતો તુતીઓન ચ્લાસ્સ.
  અાતો જવાની ને આપણે વેલ્ફી રહ્યા છે કરશે કી હિંમત
  આવા સમયમાં આ તમારો પત્ર ખરેખર હૃદયસ્પર્ષી છે

 4. vikas says:

  દરેક સમજદાર માતા-પિતા ના મનોવ્યથા

 5. B.S.Patel says:

  Nice thought

 6. Lalabhai vasfoda says:

  Kem cho jigneshbhai majama ne tamari seva gujarati sahitya mate amuluya sabit thayi che. Vachko apni website na nava lekh mate aatur ta thi rah juve che. Hu readgujarati.com no niymit vachak chu.ane mane a magegin bahu saru lagyu. Mane readgujarati.com sathe jodavani mahechchha che. To aap mane mo.9687081457 per fakt(sunday saterday call me) vinati .mari pase ek computer che. Ane hu gandhinagar ma sarakari khata ma contract base computer oporater tarike kam karu chu .mara layak koi kam kaj hoy to nisankoch janavjo. Hu vadodara avavano chu.labi vat tamne tya aavine charcha karishu. Tabiyat sachvajo. Jay shree krishna aavjo

 7. Arvind Patel says:

  શિક્ષણ જરૂરી છે પણ શિક્ષણ નું ટેન્શન રાખવું નહિ. મારું બાળક ક્યારે ભણશે, કેટલું ભણશે, આગળ રહેશે કે નહિ, પાછળ તો નહિ રહેને !! વગેરે વગેરે. આજની શાળાઓ પણ ખુબ જ કોમર્સિઅલ થઇ ગઈ છે. આ પ્રક્રિયા માં બાળક ઘણી વખત મુઝાતું હોઈ છે. બને ત્યાં સુધી બાળકને આ પ્રક્રિયા ની અસર ના થાય તેનું ધ્યાન રાખવું. બાળક ની રૂચી ઓળખાવી અને તેને સાચી દિશા અને વેગ આપવો. આટલું કરીશું તો તે પુરતું છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.