કવિતા (પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા વાર્તા) – વર્ષા તન્ના

મુંજાલ એક પછી એક વસ્તુ બેગમાં ભરવા લાગ્યો. કેટલા બધા શર્ટ તેની પાસે હતા. તેને પણ શર્ટ મૂકતાં મૂકતાં આ વિચાર આવ્યો. દરેક રંગના શર્ટ હતા પણ બ્લુ રંગની મેજોરીટી હતી.તે શરૂઆતમાં સુલુને મળવા જતો ત્યારે દરેક વખતે નવું જ શર્ટ પહેરી જતો. શર્ટ રિપીટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખતો. સુલુને બ્લુ રંગ ખૂબ ગમતો હતો. તે જ્યારે બ્લુ રંગનું શર્ટ પહેરીને જતો ત્યારે તે તેના માથા પર હાથ ફેરવી વાળ વીખીં નાખતી અને બોલતી ‘યુ આર લુકિંગ સ્માર્ટ.’ ખબર નહીં ક્યારે મુંજાલને પણ બ્લુ રંગ વધારે ગમવા લાગ્યો હતો. શર્ટ સામે જોતાં જોતાં જ મુંજાલે પોતાના વાળ પર હાથ ફેરવી લીધો.

અત્યારે તે બધું ખાલી કરતો હતો. રસોડામાંથી બધું ખાલી કર્યુ. બરણીમાંથી બિસ્કીટ, સેવ ગાંઠિયા અને વેફર્સ તો ક્યારનાય ખાલી થઇ ગયા હતા. ફ્રીઝમાંથી દૂધ અને જ્યુસ બ્રેડ બધું ખાલી થઈ ગયું હતું. ડાઇનિંગ ટેબલ પર રાખેલી ફળોની ખાલી ટ્રે પણ તેની સામે દાંતિયા કરતી હતી કે મલકાતી હતી તે મુંજાલ સમજી ન શક્યો. તે આવું બધું ખાલીપણું જોવા કરતાં તેણે ભરેલી બેગ સામે નજર કરી અને હવે તે જેટલું મોડું કરશે તેટલું તેને જ દોડાદોડી વધશે. હજુ તેને ઘણા કામ બાકી હતા. બેંકનું ખાતું બંધ કર્યુ નથી. ભલે ચાલું રહ્યું. તેમાં થોડા પૈસા રાખ્યા હતા. એક વખત બેંકના મેનેજરને મળવાનું મન થયું. માત્ર બેંક મેનેજરને જ….કે પછી સુલુને …..તે મુંબઈ આવ્યો અને પોતાની ઓફિસ જોઇંટ કરી એટલે તેના બોસ મિ.ત્રિપાઠીએ પહેલું કામ તેને બેંકની લોન પાસ કરાવવા માટેના પેપર તૈયાર કરવાનું કહ્યું. આ પેપર તેણે ખૂબ સારીરીતે અને ઝડપથી તૈયાર કર્યા. આ કુશળતા જોઈને ત્રિપાઠીએ બેંકમાં જઈ લોન પાસ કરાવવાનું કામ પણ તેને જ સોપ્યું. તે બેંક મેનેજર પાસે ગયો અને તેણે આ કામ માટે મિસ સુલભા જૈનની ઓળખાણ કરાવી. બસ પછી તો આ પેપર હમણાં અને આ પેપર પછી જોઇશે આમ કરતાં કરતાં તેની અને સુલુની મુલાકાત વધતી ગઈ. એટલું જ નહીં આ ક્લાયન્ટ અને ઓફિસરનો સબંધ ક્યારે દોસ્તીમાં ફેરવાઇ ગયો તેનો વિચાર કરવાનો સમય પણ મુંજાલને કે સુલુ કોઇનેય ન રહ્યો. તેમના સબંધમાં સુલુની મોટી વય કે તેનો ત્રણ વરસનો દીકરો કે સુલુનું વિધવા હોવું કે લોકોની થોડી ચણભણ કંઇ વચ્ચે ન આવ્યું. તેમની દોસ્તી તેમનો પ્રેમ પેલા ગંગામાં તરતા દીવાની જેમ ટમટમ્યા કર્યો.

ખાસ કરીને બન્નેનો એક શોખ કોમન હતો, કોફી પીવાનો. કેટલીયે વખત બન્ને જણ સીસીડીમાં બેસી કોફી પીતાં. ઘણીબધી વાતો કેટલીયે વખત થતી. તેમાં અમોલની યાદનો સથવારો પણ હતો. સત્યેનની મસ્તીનો ખજાનો પણ આ કોફીના ધુમાડાની સુંગધમાં ભળતો. મંદા સાથેના લગ્ન અને આ પછી તેની ઝીણી ઝીણી ટેવોનું વિષ્લેશણ આ કોફીના ટેબલ પર થતું. કેટલીયે વખત બન્ને કશું બોલ્યા વગર સાવ ચૂપચાપ કોફીની ચૂસકીઓ લેતાં. બન્ને ભલે મૌન રહેતા પણ તેઓનું મૌન ચોક્કસ કોઈક મીઠું ગીત ગાતુ. તેના ગાલ પર આવતી લટ શરૂઆતમાં માત્ર જોયા કરતો પણ તે લટ સાથે ક્યારે રમવા માંડ્યો તેની તેને પણ ખબર રહી નહીં. સુલુ અમોલની વાત કરતી ત્યારે તેના ચહેરા પર જે ભાવ આવતાં તે મુંજાલને ગમતાં. મુંજાલ એક વખત બોલ્યો પણ હતો કે ‘સુલુ તારી આંખોમાં તારી વાતોમાં રહેલા અમોલને હવે હું ઓળખું છું. તારા જીવનના લયમાં મુંજાલ ધબકે છે.’ આ સાંભળી સુલુની આંખમાં અનોખી ચમક આવી ગઈ હતી અને તે બોલી ‘મુંજાલ અમારા એરેંજ મેરેજ હતા પણ અમારો પ્રેમ લયલા મજનુ જેવો હતો…ના..ના છે.’ આટલું બોલતા બોલતા સુલુનો અવાજ ગંભીર બની ગયો હતો. ‘અમારો સત્યેન એ મારા અમોલની મારી માટેના તેના પ્રેમની ભેટ છે. મારા જીવનનો ના…ના અમારા જીવનનો આધાર છે.’

મુંજાલના લગ્ન હજુ થોડા સમય પહેલા જ થયા હતા. અને મંદાએ બીએડની હજુ શરૂઆઅત કરી હતી. એટલે તે તેની સાથે આવી ન હતી. અને સાથે સાથે એમ પણ હતું કે કલકત્તામાં તેનું કામ ટેમ્પરરી હતું. જો તે થોડો સમય એકલો રહે તો ખર્ચો ઓછો થાય અને બચત થાય તો હવે પછી પોતે પોતાનું ઘર અમદાવાદ જેવા શહેરમાં લઈ શકે અને ત્યાં સેટલ થઈ શકે. એટલે મંદાએ બીએડ કરવા માટે અહીં અમદાવાદમાં રહેવાનું નક્કી કર્યુ. મુંજાલને આ કલકત્તા શહેર છોડવાથી કોઇને કશો ફરક પડવાનો નથી. આ ફ્લેટના માલિકને નવો ભાડુઆત મળી જશે. અને કામ કરતાં મહેશને નવો શેઠ. મયંક, નવીનને નવો દોસ્ત અને તેના બોસને નવો …..હા, એક અઠવાડિયાથી જ સમીર આવી ગયો છે તેની જગ્યા લઈ લીધી હતી.

આ આવડા મોટા મહાકાય ભોરિંગ જેવા શહેરમાંથી તે જશે તો કોઇને શું ફરક પડવાનો? આ ભોરિંગ તો જે આવે તેને ગળી જવાનો અને તે જશે તો …. કશી છાપ છોડીને જશે તેવી કાબેલિયત તેનામાં ક્યાં હતી? તેણે બાંધેલા સંબધો થોડા ઇમેલમાં સંકેલાઇ જશે કે તેણે કરેલા કામ થોડા વખત પછી તેના નામ સાથે પૂરા થઈ જશે. બસ, આટલી જ પોતાની ઓળખ. અહીં આ ભરચક નગરમાં પણ તે કેટલું ખાલીપણું અનુભવે છે. હા,તેને હવે કદાચ મંદા વગર ગમતું નથી? ‘તું અહીંથી મંદા માટે શું લઈ જવાનો છે? ‘ એક દિવસ એકાએક સુલુએ મુંજાલને પૂછ્યું. મુંજાલ સાવ બાઘાની જેમ તેની સામે જોઈ રહ્યો.સુલુ તેના તરફ જોઇને ખડખડાટ હસી પડી અને બોલી ‘મારા બુધ્ધુરામ અહીંથી તું જાય ત્યારે તું મંદા માટે કંઇક તો લઈ જઈશ ને? તેને શું ગમે?’ ‘તેને રસગુલ્લા બહુ ભાવે’ મુંજાલ બોલ્યો. હવે સુલુ વધારે હસી. અને બોલી ‘રસગુલ્લા તો પેટમાં પડી ઓગળી જશે. સ્ત્રીઓને ગમે એવી કંઈક ચીજ લઈ જા’ ‘એમાં મને કંઇ ખબર ન પડે?’ મુંજાલ ગૂંચવાઇને બોલ્યો. મુંજાલને ગૂંચવાતો જોઇ સુલુએ માત્ર મલક્યા કર્યુ. થોડા દિવસ પછી સુલુએ એક સુંદર મજાની સાડી મુંજાલના હાથમાં મૂકી અને બોલી ‘આ મંદા માટે લઈ જા. મંદાને આ રંગ ખૂબ શોભશે.’ મુંજાલ તો સાડી જોતો રહી ગયો અને બોલ્યો ‘તને કેમ ખબર પડી કે મંદાને આ રંગ શોભશે?’ ‘તારી વાત પરથી.’ સુલુએ સાવ સહજ ભાવે કહ્યું અત્યારે.આ સાડીને થોડીવાર જોઈ રહ્યો. પછી તેણે ખૂબ જતનથી બેગમાં મૂકી.

એટલામાં બેલ વાગી. અરે, કોણ આવ્યું હશે? મહેશને તેનો પગાર, ટિફિનવાળા બહેનને તેના પૈસા બધાને બધું ચૂકવાઈ ગયું છે. કોઇ બાકી તો રહેતું નથી. કોણ હશે તેનો વિચાર કરતાં કરતાં મુંજાલે દરવાજો ખોલ્યો. સામે સુલુ ઉભી હતી. તેને સુલુ અત્યારે આવશે તેની આશા પણ ન હતી. તે આવો પણ ન કહી શક્યો. સુલુ તેનો હાથ પકડીને આઘો કરી અંદર દાખલ થઈ. તે કશું બોલી ન શક્યો. માત્ર તેને અંદર જતાં જોઇ રહ્યો. એક પ્રકારનો પમરાટ જાણે આખા ઘરને ઘેરી વળ્યો. આ પમરાટનું ધુમ્મસ માત્ર તેના મનને જ નહીં પણ તેના તનને ખાસ કરી તેની આંખોને ઘેરી વળ્યું. તેનું મન માનવા તૈયાર ન હતું કે સુલુ અત્યારે અહીં આવી શકે પણ તેની સામે સુલુ ઉભી હતી. આંખોમાં ધુમ્મસિયો પમરાટ હતો આ પમરાટ મનગમતો લાગ્યો….. કારણકે સુલુ એ તો મસ્તીભરી હવા છે ક્યારે તમારા પર ખુશ થાય અને ક્યારે રીસાઇ જાય તે ખબર નહીં અત્યારે તેને થોડા દિવસ પહેલાની વાત યાદ આવી ગઈ…….

ઓચિંતિ એક દિવસ સુલુએ કોફી પીવા આવવાની ના પાડી. ખબર નહીં પણ મુંજાલ સુલુનો ચહેરો વાંચી ન શક્યો. મુંજાલે પણ સુલુને કોફી પીવા માટે સાથે આવવા આગ્રહ ન કર્યો. તે કશું બોલ્યા વગર ત્યાંથી રવાના થઈ ગયો. અને તેની કાયમની કોફી શોપમાં ગયો. સુલુએ ના પાડી હતી એટલે તેને કોફી પીવાની ઈચ્છા તેને ન હતી. પણ ક્યાં જવું તે ખબર ન હતી. પગ આપોઆપ રોજના કોફીશોપ તરફ વળી ગયા. તે ત્યાં જઈને બેઠો. ક્યાંય સુધી બેઠો. કોફી પીધા વગર જ ઊભો થઈ ઘરે પહોંચી ગયો.

આટલો વિચાર મુંજાલ કરે ત્યાંતો સુલુ રસોડામાંથી પાછી ફરી અને બોલી ‘કોફીપણ ખાલી કરી નાખી છે કે પછી……?’ હવે મુંજાલની આંખો પરથી પેલું મનગમતું ધુમ્મસ દૂર થયું અને તેણે ખુલ્લી આંખો ખોલી. ‘ના….ના ત્યાંજ છે.’ બોલતો બોલતો મુંજાલ પણ સુલુની પાછળ રસોડામાં ગયો. તેણે કબાટનાએક ખાનામાં વધેલી ચીજવસ્તુ જમા કરી હતી. તેમાંથી કોફીની બોટલ સુલુને આપી રસોડામાંથી બહાર નીકળી ગયો. પાછળ પાછળ સુલુ કોફીના બે કપ લઈ બહાર આવી ત્યારે મુંજાલ રૂમમાંન હતો. કોફીની સુગંધ મુંજાલને ખૂબ ગમતી. તે ક્યાં ગયો હશે? તે હવે એકલી એકલી કોફીમાંથી નીકળતાં ધુમાડા જોતી હતી ત્યાં હાંફતો હાંફતો મુંજાલ આવ્યો. તેના હાથમાં મોનેકો અને મારી બિસ્કીટના પેકેટ હતા. ‘આજે બિસ્કીટ ન હોત તો ચલાવી લેત.’ સુલુ બોલી ‘ના…..ના કોઇ વસ્તુ વગર ચલાવી કેમ લેવું?’ મુંજાલ બોલ્યો ‘જે ટેવ છે તે છે.’

‘તારા વગર હવે ચાલાવવું જ પડશે ને?’ સુલુ બોલી અને મુંજાલ સામે જોયું. બન્નેની નજરો મળી અને પડ્યા પછી વસ્તુ ફરી પાછી વ્યાવસ્થિત ગોઠવાઇ જાય તેમ નજર ફરી ગોઠવાઇ ગઈ.

‘તારે હજુ બહુ પેકિંગ બાકી છે? હેલ્પ કરું?’ સુલુએ સહજતાથી પૂછ્યું.

‘ના, ના લગભગ થઈ ગયું છે.’ મુંજાલે જવાબ આપ્યો.

‘તો ચાલ છેલ્લી વખત સાથે બેસી કોફી પી લઈએ.’ આટલું બોલતાં કોફીના બન્ને કપ લઈ બાલકની તરફ ચાલી. મુંજાલ પ્લાટીકની બે ખુરસી લઈ તેની પાછળ ખેંચાયો.

‘તને અહીં કેટલા વરસ થયા?’ સુલુએ વાતની શરૂઆત કરી.

‘લગભગ બે વરસ.’ મુંજાલે કોફીનો ઘુંટ ભરતાં કહ્યું.

‘મને યાદ છે ત્યાં સુધી તને અહીં આવ્યાને બે વરસમાં હજુ બે મહિના અને સત્તર દિવસ બાકી છે.’ સુલુ બોલી પણ મુંજાલે તેને કશો જવાબ આપ્યો નહીં. કારણકે મુંજાલ જાણતો હતો કે સુલુની ગણતરી એકદમ પાકી હોય છે. સુલુએ વાત આગળ વધારતાં કહ્યું ‘તું જ્યારે પણ આવ્યો પણ આપણા પરિચયને ગણો તો લાંબો ટાઇમ અને આમ ગણો તો બહુ થોડો સમય થયો છે. તારા આવ્યા પછી મને એક સથવારો મળ્યો જિંદગી જીવવાનો. હું અમોલની યાદ સાથે જીવતી હતી. આજે પણ જીવું છું. પણ ખબર નહીં તારી મૈત્રીનો હાથ ઝાલ્યા પછી અમારા એટલેકે મારા અને અમોલની યાદની જિંદગીનો બુઢાપો જતો રહ્યો. આપણે કેટલીયે વખત કોફીશોપમાં બેઠાં, કેટલીયે વખત સત્યેનને રમાડતાં પાર્કમાં બેઠાં, ઘણી વખત આપણે ગંગાના કિનારે અસ્ત થતાં સૂરજને સાથે નિહાળ્યો. કેટલું બધું મનગમતું આપણે એકમેકની સાથે કર્યુ.’

‘તું તો કવિતા જેવું બોલે છે.’ મુંજાલ ખૂબ ધીમેથી બોલ્યો. તેને પણ આ સાંભળવું ખૂબ ગમતું હતું.

‘સાચોસાચ, આપણી મૈત્રી એક કવિતા જ છે!’ સુલુ આંખ બંધ કરીને બોલી ‘મને લાગે છે કે આ કવિતાને જો કવિતા જ રાખવી હશે તો આપણે હમણાં અને અત્યારે જ છૂટા પડવું પડશે.’ આટલું બોલી તે જલદીથી ઊભી થઈ ગઈ.

‘હું કંઈ સમજ્યો નહીં. કંઇ સમજાય તેવું બોલ.’ મુંજાલે સુલુનો હાથ પકડી લીધો.

‘જો મુંજાલ તે મને જેટલા દિવસ આપ્યા તે મારા. મે તેને મારા મનની મંજુષામાં સાચવીને મૂકી દીધાં છે. આ બહુ થોડો સમય આપણો મનગમતો સમય જો કદાચ લંબાત તો તેને સમયની જ નજર લાગત. તેમાં કેટલાય સાચકબુલા, સાચી ખોટી વાતો કે તારામારા ગમા અને અણમગમાઓની ટક્કર થાત. તારા લગ્ન મંદા સાથે થયા છે. તું તેની સાથે સારીરીતે તારું જીવન પસાર કર. હું મારું જીવન મારા અમોલની યાદ અને સત્યેનના ઉછેરમાં પસાર કરીશ. તું હવે મને પત્ર કે મેલ લખતો નહીં. હા, મારી યાદ આવે તો તું મંદાનો હાથ પકડી અસ્ત થતાં સૂર્યને જોજે અને નાનકડી કવિતા વાંચી સંભળાવજે. મને કોઇ દિવસ પત્ર કે મેલ લખતો નહીં મને ભૂલી જજે એમ નથી કહેતી તારું નવું સુખમય જીવન શરું કરજે.’ આમ બોલી તેણે મુંજાલના ગાલ પર હળવું ચુંબન કર્યુ અને જતાં જતાં બોલી ‘મારે નાનકડી મીઠી કવિતા થવું છે કોઈ મહાકાવ્ય નહી.’

– વર્ષા તન્ના


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વિનંતિ શાળાઓને, શિક્ષકોને… – જીજ્ઞેશ અધ્યારૂ
અસ્મિતાપર્વ ૧૮ – હર્ષદ દવે Next »   

12 પ્રતિભાવો : કવિતા (પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા વાર્તા) – વર્ષા તન્ના

 1. jatin Gandhi says:

  Very good story

  Story of divine relation

 2. Amee says:

  Really excellent story…sometimes we have feelings but all the time its not love or marriage kind..

  Good one…

 3. pjpandya says:

  વાહ બહુ સરસ વારત વર્શાબેન અભિનન્દન્

 4. sejal shah says:

  Good story

 5. Digant says:

  બન્નેની નજરો મળી અને પડ્યા પછી વસ્તુ ફરી પાછી વ્યાવસ્થિત ગોઠવાઇ જાય તેમ નજર ફરી ગોઠવાઇ ગઈ.

  ખુબ જ સરસ્.

 6. કિશોર પંચમતિયા says:

  મારે નાનકડી મીઠી કવિતા થાવું છે કોઇ મહાકાવ્ય નહી
  આખી વાર્તાના હાર્દ સમું આ છેલ્લુ વાકય એક ચોટ મુકી જાય છે
  હાર્દિક ધન્યવાદ વર્ષાબેન

 7. bhavna says:

  what a heart touching story, every relation has came with price( cost). its true all relations end one day.

 8. B.S.Patel says:

  True relationship

 9. AV says:

  A big congratulations to the story writer MS. Versha Tanna on writing a beautiful story which is at a different league.

  Very touching and heartwrenching story.

 10. Asif Shaikh says:

  very nice, lovely, heart touching story.

 11. Sanjay Nandha says:

  Aapni story mane khub gami ane hu tena par ek short film banava mangu chhu to plz mane nandhasanjay@gmail.com par sampark karajo

 12. Ravi says:

  શબ્દો ખૂટે છે…………………

  ”અદ્દભૂત” શબ્દ પણ વામણો લાગે છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.