અસ્મિતાપર્વ ૧૮ – હર્ષદ દવે

અસ્મિતાપર્વ-૧૮ની પૂર્વસંધ્યાએ…

ખુલ્લાં આકાશની આસપાસના અંધકારને સભર કરતાં સુમધુર તાલબદ્ધ અને લયબદ્ધ નાદને તન્મય બની વિસ્મયથી રસપાન કરતાં હૃદયમાં અકથ્ય આંદોલનો ફેલાતાં હતાં. તાલ-તરંગો અને ઘોષ-તરંગો સાથે લયનું લાવણ્ય અંતરમનને તરબતર કરતું હતું. જીવને જલસો પડી ગયો. ભૌતિક જગતનું ભાન ભુલાઈ ગયું. આ અવસ્થા દોઢ નહીં, દોઢસો મિનિટ રહી. પરક્યૂશન પરફોર્મર વિવિધ વાદ્યોને તાલનું પરફોર્મન્સ આપવા હસ્ત સંકેતોથી આદેશ આપ્યા કરતા જાદુગર શિવમણીને એન-એક્શન જોઈને શિવને પણ તાંડવ નૃત્ય કરવાની મોજ પડે ! નજરે જોઈએ નહીં કે સાંભળીએ નહીં તો માની જ ન શકાય કે વાદ્યોના આવા અને આટલા પ્રકારો હોઈ શકે, પણ છે !

* * *
કૈલાસ ગુરુકુળમાં…

નટરાજનાં તાંડવનૃત્યમાં સૃષ્ટિનો લય-પ્રલય છે. તે નર્તનમાંથી માનવી પોતાનું વર્તન નક્કી કરી શકે. માનવીને ઈશ્વરે કેટલો ન્યાલ કર્યો છે તે જાણવા માટે અસ્મિતાપર્વમાં જઈ પાવન થવા જેવું છે. અહીં કૈલાસ ગુરુકુળમાં લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે આહ્લાદક અનુભૂતિ સહભાવકને થાય. કારણ, અહીં શાંત, સૌમ્ય, મૃદુ અને ઋજુ સ્વભાવ ધરાવતા સમીર અંગે સાહિત્ય, સંગીત અને કલાનો સંગમ અલૌકિક વાતાવરણ સર્જે છે. સંગોષ્ઠિઓ માટે આથી વધારે ઉપયુક્ત અન્ય કોઈ સ્થાન હોઈ ન શકે એમ કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી. પ્રકૃતિનાં સૌંદર્ય સમા નાળિયેરીનાં વૃક્ષો જાણે આપણી સાથે ગોષ્ઠિ કરે છે તેમ લાગે. કૈલાસ ગુરુકુળનું વાતાવરણ કૈલાસ જેવું જ સ્વચ્છ, નિષ્કલંક અને ભવ્ય ! અને કદાચ કૈલાસમાં ન મળે તેવા સાધકો, સાહિત્યપ્રેમીઓ અને કલાકારોનું સાંન્નિધ્ય ! આ સુભગ સમન્વય આપણને પરમ સમીપે લઈ જાય.

પ્રથમ દિવસે…

સતીશ વ્યાસના સંયોજનમાં કવિકર્મપ્રતિષ્ઠા અને કાવ્ય પાઠ. સુંદર, સ્પષ્ટ અને સહેતુક સંયોજન. કવિ ઉદયન ઠક્કરે કાવ્યનાં માધ્યમથી વ્યંગ્યાર્થ દ્વારા વાસ્તવિકતા પર સરશંધાન કરી લક્ષ્ય પાર પાડ્યું તેને સમીર ભટ્ટે સહજ અને સરળ શૈલીમાં સમજાવ્યું. ત્યારબાદ કવિએ જે કાવ્ય પઠન કર્યું તે વધારે અર્થસભર બન્યું.
પૂર્વી ઓઝાએ રાજેશ વ્યાસ-મિસ્કિન-નાં કાવ્યોની વિશદ છણાવટ કરી કવિ તથા કાવ્યોનાં પ્રત્યેક પાસાં પર પ્રકાશ પાડતું વકતવ્ય આપ્યું. અને પછી મિસ્કિન તેમની આગવી અદામાં પુરબહાર ખીલ્યા. જેટલી બળકટ ભાષા એટલી જ સરળ રજૂઆત. અસરદાર અસ્ખલિત પ્રવાહમાં ભાવકો ભાવસભર.

લોકના શ્લોકમાં પિનાકિની પંડ્યાએ સ-રસ સંયોજન કરી આ વારસાગત વિધાને વેદના શ્લોક જેવો દરજ્જો આપી તેની લોકચાહનાને નવી ઓળખ આપી. બિપિન આશરે હાલરડાં વિશે વિદ્વત્તાપૂર્ણ વાત કરી. અંબાદાન રોહડિયાએ મરશિયાં કોને કહેવાય અને તે શા માટે તથા કોને માટે હોય તે ઉદાહરણ સહિત સમજાવ્યું. સમગ્ર અસ્મિતાપર્વના સૂત્રધાર હરિશ્ચંદ્ર જોશીએ સ્વ-કંઠેથી જો મરશિયાં ન સંભળાવ્યાં હોત તો વાત અધૂરી રહી જાત. એ દર્દઘૂંટ્યો કંઠ મરશિયાંની માવજત કરતો હતો. છેલભાઈ વ્યાસે ઉખાણાંનો ઐતિહાસિક સંદર્ભ આપી તેની વર્તમાન સુધીની રસપ્રદ સફર કરાવી.

બીજે દિવસે…

વિદ્યુત જોશીના કુશળ, સમયબદ્ધ સંયોજનમાં સાંપ્રત અને સમાજ સ્વસ્થ રહ્યો. નીરસતાને બદલે નવો અભિગમ નખશીખ રોચક રહ્યો. પ્રશાંત દવે એ સાહિત્યિક રજૂઆત કરી સાંપ્રત સ્વતંત્ર અને સર્જકતાના સવાલો વિશે ગંભીર બાબતો જણાવી. જ્યારે સાંપ્રત વિકાસ અને શ્રેયકર જિંદગીની ખોજ પર કે.કે.ખ્ખ્ખરે ચકા-ચકીનાં દ્રષ્ટાંતથી માહૌલ હળવુંફૂલ કર્યું અને હાસ્યની છોળો વચ્ચે સંવાદને આસ્વાદ્ય બનાવ્યો. આ સંગોષ્ઠિને વધારે રસપ્રદ બનાવતાં પ્રેમાનંદ મિશ્રાએ વૈચારિક સ્પષ્ટતા સાથે સચોટ અને વેધક રજૂઆત કરી. સંગોષ્ઠિને ગંભીરતાના બોજ હેઠળ દબાવા દીધા વગર સહભાવકોને જકડી રાખે તેવી બનાવવામાં વિદ્યુત જોશીનો ફાળો પણ નોંધનીય રહ્યો.

મારો સ્વર મારી દિશામાં ધ્વનિત ઠાકરનું સંયોજક તરીકેનું નવું સ્વરૂપ જોવા મળ્યું, સાંભળવા મળ્યું. તેનો ધ્વનિ સહુ સુધી પહોંચે તેવો પહેલેથી જ છે ! હિમાલી વ્યાસ નાયકે ફિલ્મ સંગીત અને સંગીત કાવ્યની પાશ્ચાત્ય અને આપણી શૈલીનું ફ્યૂઝન પ્રસ્તુત કરીને ભાવકોને વિસ્મય-વિભોર કર્યા. ઓસમાણ મીરનો મોર થનગનાટ કરતો સર્વત્ર છવાઈ ગયો. તેમાં સૂફી સંગીત અને સંતવાણી સુપેરે ભળ્યા, મળ્યાં. ચિંતન ઉપાધ્યાયે શાસ્ત્રીય સંગીતમાં કઠિન સાધના અને ઓછી લોકપ્રિયતા મેળવતી ધ્રુપદ ગાયકી પ્રસ્તુત કરી અને રસિક જનોને પોતાનાં મૌલિક ચિંતન અને રાગ-આપાલ અને તાન-તરાનાથી સંતૃપ્ત કર્યા. ધ્વનિત ઠાકરની જહેમત લેખે લાગી.

ત્રીજે દિવસે…

નાટક આપણી પ્રાચીન પરંપરા છે. આ સંગોષ્ઠિનું સંયોજન વિનોદ જોશીએ કર્યું અને સારી રીતે કરી જાણ્યું. રંજના શેક્સપીઅરનાં ટ્રેજેડી નાટક હેમ્લેટ માં અત્યંત ઓતપ્રોત થઈ સહૃદયતાથી વાત સમજાવી. તેમને સમય ઓછો પડ્યાનો રંજ હતો. નવનીત ચૌહાણે ભારતેન્દુ હરિશ્ચંદ્રના અંધેરનગરી કોમેડી નાટક વિશે થોડામાં ઘણું કહ્યું. આપણને ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં યાદ આવી જ જાય. ચુનીલાલ મડિયાના સેટાયર રામલો રોબિનહૂડ વિશે સતીશ વ્યાસે રસપ્રદ વાતો જણાવી. રામલાના પાત્રથી કટાક્ષ કઈ રીતે હેતુ સિદ્ધ કરે છે તે અને મંચ પર ન આવીને તે જે ભૂમિકા ભજવે છે એ પણ સમજાવ્યું.

અસ્મિતાપર્વ-૧૮ માં પહેલી જ વાર કાવ્યાયનમાં કવયિત્રીઓને કાવ્યો પ્રસ્તુત કરવાની તક મળી. યામિની વ્યાસ, પારુલ ખખ્ખર, સંધ્યા ભટ્ટ, દિના શાહ, ગાયત્રી ભટ્ટ અને નેહા પુરોહિત જેવી વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ સહજપણે પોતપોતાની રચનાઓ પ્રસ્તુત કરી. ગાયત્રી ભટ્ટે કમાલ કરી. ભાવકોને અલગ ભાવવિશ્વની સફર કરાવી. છાયા ત્રિવેદીએ એક અનુભવસિદ્ધ સંયોજકની જેમ સફળ સંચાલન તો કર્યું જ તે સાથે પોતાની રચનાઓની પણ સુંદરપણે પ્રસ્તુતિ કરી.

—-

શાસ્ત્રીય સંગીત – નૃત્ય મહોત્સવ (રાત્રિ કાર્યક્રમો)…

ગાયન, વાદન અને નર્તન સંગીતમય અભિવ્યક્તિ પામે છે. શાસ્ત્રીય એટલે શુદ્ધ. કહે છે સ્વર્ગમાં સંગીતના કર્ણપ્રિય સ્વરોનું ગુંજન થતું રહે છે. પૃથ્વી પર પણ એટલું જ ઉચ્ચ કક્ષાનું સંગીત સાંભળી શકાય છે. ભારતમાં આવું સંગીત ગુજરાતના તલગાજરડામાં માણવા મળે છે. ત્રણ દિવસ સુધી રોજ રાત્રે મનભર અવસ્થામાં ભીતરને સ્પર્શે તેવી મધુર સફર. સુશ્રી મહુવાશંકરનું કથક જુઓ, જન્મ જ જાણે તે માટે થયો હોય તેવું લાગે. સાર્થક છે. તેના નૃત્યની સાથે આપણે પણ ભીતરથી નૃત્ય કરવા લાગીએ. ચિત્રકૂટધામમાં વળી કર્ણાટકી સંગીત સાથે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની જુગલબંદી ! જવલ્લે જ સાંભળવા મળે. ધુરંધરોની વચ્ચે આપણે હોઈએ ત્યારે ભીતરનું ભાવવિશ્વ બદલાઈ જાય ! ભારતીય સંગીત પરંપરામાં અભિન્નતા જોવા મળે. સંગીત પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા. સાધનાનો પર્યાય સરોદ પર ઉ. અમજદ અલી ખાં એ અદ્‍ભુત હથોટી દર્શાવી અને રાગ, ગીત, ધૂન લોકપ્રિય હતી, રહી, રહે જ ! જેમને સંગીતની શાસ્ત્રીયતાની જાણ ન હોય તેઓ પણ ડોલી ઉઠે.

આમજનતા માટે પણ ફિલ્મી નૃત્ય-સંગીતનો કાર્યક્રમ રંગીલો, મોજીલો રહ્યો. હનુમાન જયંતી નિમિત્તે લલિતકલા એવોર્ડ – છબિકલા માટે ઝવેરીલાલ મહેતાને, હનુમંત એવોર્ડ શ્રી શિવમણિ, સુશ્રી હેલને, ઉ. અમજદ અલી ખાં, પં. એમ. બાલમુરલીકૃષ્ણ ને આપી સન્માનવામાં આવ્યા. નટરાજ એવોર્ડ અભિનય ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં શ્રી ધનશ્યામ નાયક (રંગલો), શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી, શ્રી અંજના શ્રીવાસ્તવ, શ્રી જીતેન્દ્રને અર્પણ કરવામાં આવ્યો.

—-

સમાપન…

આવું કોઈ આયોજન ભારતમાં તો શું સમગ્ર વિશ્વમાં ક્યાંય થતું હોય તેવું ધ્યાનમાં નથી.

ત્રણ ત્રણ દિવસ સુધી આવું સુંદર આયોજન અ-મૂલ્ય છે. તેમાં સાધકો, કલાકારો તેમજ આમંત્રિતોના આવાસ-ભોજન વગેરેની ઉત્તમ વ્યવસ્થા કરવી એ નાનીસૂની વાત નથી.
અહીં સમયપાલન, સ્વચ્છતા, શાંતિ, સ્વંયશિસ્ત બેનમૂન, કાબિલે તારીફ.

અનુપસ્થિત ભાવકો માટે સમગ્ર કાર્યક્રમોનું આસ્થા ચેનલ પર રોજ લાઈવ પ્રસારણ… ૧૨૭ દેશોમાં.

પૂ. મોરારિબાપુનું આ પ્રેરક, સ્તુત્ય મહત કાર્ય યાવચ્ચંદ્ર દિવાકરૌ છે. આવું હિલિંગ, પ્રેરક, વિચારોત્તેજક, વિકાસલક્ષી, જ્ઞાનવર્ધક, શૈક્ષણિક, સાહિત્યિક અને સાંગિતિક પર્વ પ્રદાન કરવા માટે પૂ. મોરારિબાપુ અભિનંદનને પાત્ર છે તેમ કહેવા કરતાં સાહિત્ય અને કલા જગત તેમનું સદૈવ ઋણી રહેશે તેમ કહેવું વધારે ઉચિત છે.

જય સિયારામ… જય હનુમાન.

– હર્ષદ દવે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “અસ્મિતાપર્વ ૧૮ – હર્ષદ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.