ભગવાનના વહાલા ભક્તોને યાદી – સ્વામી તેજોમયાનંદજી, અનુ.પ્રણવ કારિયા

(જન્મભૂમિ પ્રવાસી’ના ૨૪,મે ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

‘નારાયણ… નારાયણ…’નું વીણા પર ગાન-ભજન કરતાં નારદ મુનિએ સંતોની સભામાં સાંભળ્યું કે શ્રી વિષ્ણુ ભગવાને તેમનાં વહાલા ભક્તોની એક ખાનગી યાદી તૈયાર કરી છે ! નારદજીને આ સાંભળીને, તે યાદી જોવાની ઉત્કંઠા થઈ આવી. એથી નારદજી વૈકુંઠમાં વાયુવેગે પહોંચી ગયા. શ્રી વિષ્ણુ ભગવાન નારદજીને જોઈને ખુશ થયા અને તેમણે નારદજીનું ભાવભીનું સ્વાગત કર્યું અને મસાલાવાળું દૂધ પીવડાવ્યું !

“અહો, નારદજી ! આપને વૈકુંઠમાં શાને માટે આવવાનું થયું ? આપની શું સેવા કરી શકું ?” શ્રી વિષ્ણુ ભગવાને પૂછ્યું.

“મેં સાંભળ્યું છે કે આપશ્રીએ આપના વહાલા ભક્તોની યાદી તૈયાર કરી છે; એ સાચું છે ?!”

“અલબત્ત, મારી પાસે આવી યાદી છે !”

“મને તેની એક નકલ મળી શકે ખરી ?”

“અલબત્ત ! તમારાથી મારે કાંઈ જ છૂપું નથી !” આમ કહી ભગવાને તેના અનુયાયીને આ યાદીની ઝેરોક્ષ કૉપી આપવા હુકમ કર્યો !

નારદજી આતુરતાપૂર્વક ભગવાનના વહાલા ભક્તોની યાદી સડ્સીડાટ્ વાંચી ગયા ! નારદજીને આશ્ચર્ય થયું કે યાદીમાં તેમનું નામ નહોતું અને હનુમાનજીનું નામ પણ નહોતું !! આથી નારદજી, હનુમાનજીની શોધમાં ચિત્રકૂટના માર્ગે ઊપડ્યા !

હનુમાનજી નાના યુવાન વાંદરાઓની ટોળીને રામાયણની કથા સંભળાવતા બેઠા હતા. નારદજીનાં દર્શન થતાં, હનુમાનજીએ ‘હરિઃ ઓમ’ કહીને તેમનું સ્વાગત કર્યું !

‘હરિઃ ઓમ !’ આજે હું ભગવાનને મળ્યો અને તેમના વહાલા ભક્તોની યાદી તૈયાર કરેલી તે લઈ આવ્યો છું, તે જુઓ !

“વારુ !” હનુમાનજીએ યાદી પર ઉપર ઉપરથી નજર ફેરવી ને, એ યાદી નારદજીને પાછી આપી દીધી !

“ઓ હનુમાનજી ! તમે જોયું ને કે આ યાદીમાં તમારું નામ નથી !” નારદજીએ કહ્યું. સૌ લોકો કહે છે આપ તો ભગવાનના પરમ ભક્ત છો, અને આપનું જ નામ ભગવાનની યાદીમાં નથી !

“ઓ નારદ મુનિ ! મારું નામ ઈશ્વરના વહાલા ભક્તોની યાદીમાં આવે કે ન આવે એમાં મને કંઈ ફરક પડતો નથી ! મારું નામ વહાલા ભક્તોની યાદીમાં નથી, તો શું થઈ ગયું ?!”
નારદજીને આશ્ચર્ય થયું કે હનુમાનજીને તેમનું નામ આ યાદીમાં નથી તોય બિલકુલ દુઃખ ન થયું કે ખરાબ ન લાગ્યું !!

‘મને એક વિચાર આવે છે કે શ્રી વિષ્ણુ ભગવાન જ મને આ બાબત ખુલાસો કરશે અને સમજાવશે ! માટે મને ફરી વૈકુંઠમાં જવા દો ! નારદજી આમ વિચાર કરતાં ઊપડ્યા !

જ્યારે નારદજી વૈકુંઠ જતા હતા ત્યારે હનુમાનજીએ કહ્યું ઓ નારદજી ! મેં સાંભળ્યું છે કે ભગવાને એક બીજી યાદી પણ તૈયાર કરી છે ! કૃપા કરી આપે એ યાદી મેળવી લેવા વિનંતી !

આ સાંભળી, નારદજી વૈકુંઠમાં ગયા અને ભગવાનને પૂછ્યું આપશ્રીએ એક બીજી યાદી પણ તૈયાર કરી છે, એમ હનુમાને મને કહ્યું !

“જરૂર !” ભગવાને કબૂલ કર્યું તો પછી મને એ યાદી કેમ ન આપી ? નારદજીએ પૂછ્યું, ‘તમે એ યાદી માગી નહિ !’

ભગવાને તેમના અનુયાયીને બીજી યાદીની નકલ લાવવાનું કહ્યું. નારદજીએ એ બીજી યાદીનો અભ્યાસ કર્યો અને પૂછ્યું : “આ બંને યાદીમાં શું તફાવત છે ?”

“પ્રથમ યાદીમાં જે ભક્તો મને ચાહે છે એમનાં નામ છે, અને બીજી યાદીમાં જે ભક્તોનાં નામ છે એમને હું ચાહું છું !” અને ચોક્કસ હનુમાનજીનું નામ, બીજી યાદીમાં સૌથી પ્રથમ હતું !!

– સ્વામી તેજોમયાનંદજી, અનુ.પ્રણવ કારિયા

Leave a Reply to shirish dave Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ભગવાનના વહાલા ભક્તોને યાદી – સ્વામી તેજોમયાનંદજી, અનુ.પ્રણવ કારિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.