કોલ્યુશા – મેક્સિમ ગોર્કી, અનુ. ડૉ. જનક શાહ

કાળા કપડામાં, કાળી શાલ ઓઢી તે એક કબર પાસે બેઠી હતી. સોનેરી વાળ તેના ગાલને અડીને ઊડતા હતા. તેના સુંદર હોઠ ખૂબ સભાનપણે બંધ હતા. તેનાથી મોંઢાનો શોકિત ભાવ વધુ સ્પષ્ટ થતો હતો. તેની આંખો રડીને અને કંટાળાભરી રાતોના ઉજાગરાને કારણે સૂઝી ગઈ હતી. વળી આંખની પાંપણો નીચે ઢળી ગઈ હતી.

હું દૂર ઊભો રહી તેનું નિરીક્ષણ કરતો હતો. તેની નજીક જવા છતાં તેણે કોઈ ભાવ બતાવ્યો નહિ. ફક્ત આંખની પાંપણ એકવાર ઊંચી કરી ફરી ઢાળી દીધી.

મેં શોકિત ભાવે ત્યાં કોને દફનાવવામાં આવ્યા છે તે પૂછ્યું.

‘મારા દીકરાને.’

‘બહુ મોટી વયનો દીકરો હતો ?’

‘બાર વર્ષનો.’

‘ક્યારે મૃત્યુ પામ્યો ?’

‘ચાર વર્ષ પહેલાં.’

તેણે ઊંડો શ્વાસ લીધો અને શાલથી ઊડતા વાળ ઢાંકી દીધા. સૂર્યે બધો જ તાપ આ કબ્રસ્તાન પર જ જાણે વરસાવવાનું નક્કી કર્યું હોય તેમ લાગતું હતું. કબ્રસ્તાનનું ઘાસ ગરમી અને ધૂળથી વધું પીળું પડી ગયું હતું. વધસ્તંભોની આજુબાજુ આવેલાં ધૂળિયાં વૃક્ષો કબરો માહેનાં મડદાની કેમ મૃત બની ગયાં હોય તેમ ઠૂંઠાં બની ગયેલાં લાગતાં હતાં.

‘તે કેવી રીતે મૃત્યુ પામ્યો ?’ મેં કબર પ્રત્યે માન દર્શાવી પૂછ્યું.

‘ઘોડાની ખરીથી કચરાઈને.’ ‘એવું શાથી બન્યું ?’

મારા શબ્દો મને રૂક્ષ લાગ્યા. પરંતુ તે સ્ત્રીની નિરસતા જોઈ હું જાણવા પ્રેરાયો. તેની ઉદાસીનતા મને કાંઈક અકુદરતી લાગી.

મારા પ્રશ્નોથી તેની પાંપણો ઊંચી થઈ. તેણે મને પગથી માથા સુધી ઝીણવટથી જોયો. પછી નિઃસાસો નાખી, નંખાઈ ગયેલ અવાજે તેની કરમકથની કહેવા લાગી.

‘કોલ્યુશાના પિતા દોઢ વર્ષથી ઉચાપતના ગુન્હા બદલ જેલમાં હતા. આથી તેમણે જે કાંઈ બચાવ્યું હતું તે મેં આ દોઢ વર્ષના ગાળામાં ખર્ચી નાખ્યું હતું. જોકે બચત કાંઈ વધુ ન હતી. જેમ તેમ કરીને અમે એક ટંક ભેગા થતાં હતાં. સમય પૂરો થતાં તે જેલમાંથી છૂટ્યા. પણ હવે કોઈ તેમને નોકરીએ રાખતું ન હતું. હું દિવસ આખો મજૂરી કરતી ત્યારે વીસેક કોપેક મળતા. તે પણ જો શુકનવંતો દિવસ હોય તો. કોલ્યુશાને પગે પહેરવા મોજાં પણ ન હતાં. એક દિવસ હું ઘોડાના ચારાનું બળતણ બનાવી રસોઈ કરતી હતી. મારાથી તેના પપ્પાને કહેવાઈ જવાયું કે હવે આપણામાંથી કોઈક ઓછું થાય તો સારું. ઘરમાં ફૂટી કોડીય નથી. હું રાધું ક્યાંથી ? તેના પપ્પાએ ખંધુ હસીને કહ્યું, ‘ધીરજ રાખ, હું પૈસા લાવી આપીશ. છેવટે તું તો છે ને…’

કોલ્યુશાથી આ બધું સંભળાયું નહિ. તે તો મને ધારી ધારીને કૃશ થયેલી મારી કાયાને જોતો હતો. તે અચાનક ઊભો થયો અને એક અક્ષર બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગયો. મને થયું કે હું ખૂબ અમંગળ ન બોલી હોત તો સારું હતું. પણ હવે ખૂબ મોડું થયું હતું. કલાકેય પસાર થયો ન હતો, ત્યાં પોલીસનો માણસ આવ્યો. મને પૂછ્યું, ‘ગોસ્પોંઝા શીશીનીના કોણ છે ?’ મેં કહ્યું, ‘હું છું.’

‘તો અત્યારે જ તમે હૉસ્પિટલ પહોંચી જાવ. વેપારી એનોકિનના ઘોડાએ તમારા દીકરાને કચડી નાખ્યો છે.’

મારું હૈયું ધડકવા લાગ્યું. હું મનોમન મારા હૈયાને ધિક્કારતી હતી, ‘અરે ! ચૂડેલ, તેં આ શું કર્યું ?’

અમે હૉસ્પિટલ પહોંચ્યાં. કોલ્યુશાના આખા શરીરે પાટા બાંધેલા હતા. મને જોઈને તે મહાપ્રયત્ને હસી શક્યો. તેની આંખોમાંથી આંસુ ટપકતાં હતાં. તેણે મને કાનમાં કહ્યું, ‘મમ્મી, મને માફ કર. પોલીસના માણસો પાસે પૈસા છે.’

‘શેના પૈસા ?’

‘લોકોએ અને એનોકિને આપેલ પૈસા.’

‘તને શા માટે આપ્યા ?’

‘આ માટે.’ શરીર પરના ઘા બતાવતાં તેણે કહ્યું.

‘શું તને ઘોડો આવતો દેખાયો નહિ ?’ મેં પૂછ્યું.

તે ધીમેથી પણ સ્પષ્ટ અવાજે કહેવા લાગ્યો. મમ્મી મેં ઘોડાને જોયો હતો. પણ હું તો રસ્તા વચ્ચે જ ઊભો રહેવા ઈચ્છતો હતો. મારે દૂર નહોતું ખસવું. મારા પર ઘોડો દોડાવું તો જ શરત પ્રમાણે મને પૈસા મળવાના હતા.’

તે તેના છેલ્લા શબ્દો હતા. મને સમજાઈ ગયું હતું કે મારા ફિરસ્તાએ શું કર્યું હતું. મારો અફસોસ વ્યર્થ હતો, બીજે દિવસે સવારે તે મૃત્યુ પામ્યો. તેણે છેલ્લે સુધી કહ્યા કર્યું, ‘ડેડી ! તે પૈસામાંથી ઘણી બધી વસ્તુ લાવજો. તમારા માટે ગરમ મોજાં લાવજો. મમ્મી માટે સ્વેટર લાવજો. ઘરમાં તેલ નથી તો તેલ લાવજો.’ જાણે કે પુષ્કળ પ્રમાણમાં પૈસા મળ્યા ન હોય ! હકીકતમાં ૪૭ રૂબલ હતા. તે પણ એનોકિને પોલીસ પાસેથી લઈ લીધા હતા. હું એનોકિન પાસે ગઈ ત્યારે તેણે મને પાંચ રૂબલ આપ્યા. વળી ઊલટાનો બડબડાટ કરવા લાગ્યો, ‘છોકરો તો તેની જાતે કચરાવા આવ્યો હતો. ઘણા બધાએ જોયું હતું. તું વળી શેની માંગવા હાલી નીકળી છે !’ ત્યારથી હું પછી ગઈ જ નથી.

તેની વાત પૂરી થઈ. એકાએક થોડીવાર એકદમ શાંતિ છવાઈ ગઈ. વેરાન કબ્રસ્તાનના વધસ્તંભો, વૃક્ષો, કબરો અને કોલ્યુશાની કબર પાસે બેઠેલી આ શોકમગ્ન સ્ત્રીએ મને મૃત્યુ અને માનવદુઃખ વિષે ખૂબ વિચારતો કરી મૂક્યો.

મેં ખિસ્સામાંથી થોડા સિક્કા કાઢ્યા. કમનસીબે મૃતઃપ્રાય બનેલી આ શોકમગ્ન સ્ત્રી આગળ મેં તે સિક્કા ધર્યા.

પણ તેણે ન લીધા. ફક્ત એટલું જ બોલી, “યુવાન ! આજના પૂરતું મારી પાસે છે. મારે વધુ જોઈતું નથી. આ મારી એકાકી દુનિયામાં મને એકલી પડી રહેવા દો તો પણ ઘણું બધું.”
તેણે ઊંડો નિઃસાસો નાખ્યો અને ફરીથી સભાનપણે હોઠ દાબી તે ભાવવિહીન બની ગઈ.

– મેક્સિમ ગોર્કી, અનુ. ડૉ. જનક શાહ
(કોડિયું, જૂન ’૭૯)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “કોલ્યુશા – મેક્સિમ ગોર્કી, અનુ. ડૉ. જનક શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.