મોનાલીસાનું સ્મિત (પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા વાર્તા) – કલ્યાણી વ્યાસ

[પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા વાર્તા]

આઈ. સી. યુ.ના એ ઠંડાગાર કમરામાં નાનકડી નવ વર્ષની બાળકી તાપસીએ તેના પપ્પાની આંગળી પકડીને ધડકતા હૃદયે અને અજાણ્યા ભયની સાથે પ્રવેશ કર્યો. ચારે તરફ ફરતી તેની વિસ્ફારિત આંખો તેની મમ્મીના ચહેરાને ખોળી રહી. ચુપચાપ સફેદ કપડામાં ફરતી નર્સો, બ્લુ રંગના પડદા પાછળ ઢંકાયેલ દર્દીના ઉહંકારા, તો ક્યાંકથી આવતો અવિરત ખાંસીનો અવાજ તેને ઘેરી વળ્યો.

દર્દીઓની સાથે આવેલ સંબંધીઓને રૂમમાં બેસી રહેવાની મનાઈ હતી. ફક્ત ચપળ નર્સોની અવરજવર અને દરેક ક્યુબીકલની વિઝિટો અને સૂચનાઓ તેઓ હેડ સિસ્ટરના આદેશ અનુસાર નિભાવી રહી હતી. તેના પપ્પાની આંગળીએ વળગેલ તેના હાથની હથેળી જોરથી ભીડાઈ. તે પહેલી જ વાર આઈ.સી.યુ.ની વિઝિટ લઈ રહી હતી. તેની છાતીમાં અસંખ્ય પતંગિયા અચાનક જાણે ઉડાઉડ કરતા હોય તેવો ફફડાટ તેણે અનુભવ્યો. તેના ગળામાંથી સાવ જ તીણો અને ઝીણો અવાજ નીકળ્યો, “પપ્પા, મમ્મી ક્યાં ?”

હા ! તે તેની મમ્મીને અહીં જોવા આવી હતી છેલ્લા દસ દિવસથી તેણે તેની મમ્મીનું મુખ સુધ્ધાં નહોતું જોયું.

આઈ.સી.યુ.માં બાળકોને પ્રવેશવાની મનાઈ હતી તેમ પપ્પાએ કહેલું તો આજે મને કેમ લઈ આવ્યા ? તેના નાનકડા દિમાગમાં પ્રશ્ન ઉઠ્યો.

પણ, કેમ ? ના જવાબની પળોજણમાં પડ્યા વગર તે તેની મમ્મીને જોઈ શકશે, વાતો કરી શકશે અને વધારે તો નાનકડી સોનુએ તેને કેટલી હેરાન કરી તેની ફરિયાદ તે મમ્મી સમક્ષ કરવા માગતી હતી. અને હા, મમ્મી તું જલદી ઘરે આવી જા અમને તારા વગર નથી ગમતું તે તો કહેવાનું પાકું જ હતું તે મનોમન સંવાદો ગોઠવવા લાગી.

અચાનક તેના પપ્પા એક બ્લુ રંગના પડદા આગળ અટક્યા. તેના પગ આપોઆપ થોભી ગયા. તેની ઉત્સુકતા વધી ગઈ. પપ્પાએ ધીરે રહીને પડદો હટાવ્યો તેણે જોયું કે એક ઉંચા પલંગ પર જે માથાના ભાગેથી અડધો ઉંચો કરેલ હતો તેના પર તેની મમ્મી બ્લુ રંગનું ગાઉન પહેરીને અને તે જ રંગની ચાદર ઓઢીને આંખો બંધ કરીને સૂતી હતી. તેને અચાનક ઠંડી લાગવા લાગી તેને થયું કે મમ્મીને પણ ખૂબ ઠંડી લાગતી હશે નહીં ? તેણે નજર ફેરવી તો બાજુમાં જ હાર્ટ મોનીટર અને એક તોતિંગ મશીન ઉભું હતું જેમાંથી અનેક નળીઓ નીકળીને મમ્મીના શરીર પર ફેલાયેલી હતી અને આ શું ? મમ્મીના ગળા પર આ કપ જેવું શું ઊંધું પાડ્યું છે ? નીચે ઓક્સિજનના બાટલાઓ અને વિવિધ મેડીકલ સરંજામ ફેલાયેલો હતો. તેણે આંખોને અધ્ધર કરી અને ધીમેથી બોલી, “મમ્મી…?”

“બેટા, મમ્મી અત્યારે દવાના ઘેનમાં છે. તે જાગી નહીં શકે હમણાં. તારે જોવી હતી ને મમ્મીને એટલે તને લઈ આવ્યો.”

તેના પપ્પાએ તેને બન્ને હાથો વડે ઊંચકી લીધી અને તેણે પપ્પાના ગળામાં હાથ ભેરવતા મમ્મી સમક્ષ મીટ માંડી. એકદમ શાંત ચહેરે તે ખૂબ જ ગાઢ નીંદરમાં જાણે સૂતી હતી. તેના નાકમાં, મોઢાની અંદર, હાથના કાંડા પર લાગેલી અનેક નળીઓની પીડાથી સાવ બેખબર…

તેણે નજરને પેલા ચોરસ આકારના તોતિંગ મશીન તરફ ફેરવી અને તેણે ધીમેથી પપ્પાના કાનમાં પૂછ્યું, “પપ્પા, આ શેનું મશીન છે ?”

તેના પપ્પાએ તે બાજુ નજર દોડાવી અને કહ્યું, “એને વેન્ટિલેટર કહેવાય તાપસી.”

“તે શા માટે અહીં છે ?” તરત બીજો પ્રશ્ન ફૂટ્યો…

“મમ્મીને શ્વાસ લેવામાં અનુકૂળતા રહે અને તેના હૃદયના ધબકારા ચાલતા રહે તે માટે તેને અહીં મૂક્યું છે.”

“તો પપ્પા પેલું મમ્મીના ગળા પર કાચના કપ જેવું શું ગોઠવ્યું છે ? મમ્મીને શું થયું પપ્પા ?” ફરી નવો પ્રશ્ન…

એક ઊંડો શ્વાસ લેતા આશુતોષે તાપસીને નીચે ઉતારી અને તેના આંગળી પકડીને તેને બહાર લઈ જવા માટે ડગ માંડ્યા. પણ તાપસી એક તસુ પણ ના ખસી. તે મમ્મીની સામે જોતી ઊભી રહી અને બોલી, “થોડીવારમાં મમ્મી જાગશે એટલે પછી હું અને મમ્મી થોડી વાતો કરી લઈએ પછી આપણે જશું પપ્પા. મારે તેને ઘણું બધું કહેવાનું છે. પપ્પા, મમ્મી ક્યારે સાજી થશે અને ઘરે આવશે ? આપણને ઘરમાં મમ્મી વગર રહેવું નથી ગમતું ને ?”

તેની વાણી અવિરત ચાલ્યા કરત પણ સિસ્ટર આવીને ચૂપ રહેવાનો, અવાજ ના કરવાનો ઈશારો કરીને બહાર જવાનો નિર્દેશ કરી ગઈ.

આશુતોષે પલંગમાં સાવ નિશ્ચેતન સમાન થઈને સૂઈ રહેલી માનસીના માથા પર પર પોતાનો હેતાળ હાથ ફેરવ્યો અને એક આંખમાં ધસી આવેલ અશ્રુબિંદુને આંગળીથી સાફ કરતા તે તાપસીને ખેંચતો આઈ.સી.યુ.ની બહાર લઈ આવ્યો.

બહાર આવતા જ તાપસીએ પપ્પાનો હાથ એકદમ છોડી દીધો અને હોસ્પિટલની બહારની તરફ દોડ લગાવી. આશુતોષે તેની પાછળ “તાપસી… તાપસી, બેટા” કહેતો લગભગ દોડવા જેવી ચાલે તેની નજીક પહોંચ્યો ત્યારે તાપસી ગેટની બહાર નીકળીને ગુસ્સાથી એક બાજુ જોતી ઊભી હતી. તે નજીક ગયો અને તેની ચીબુક હાથમાં લઈને ઉંચી કરી અને તેના ગાલ પરથી સરતા મોતીને સેર જેવા આંસુને પોતાની બીજી હથેળીથી લૂછ્યા તેનું માથું હળવેકથી પોતાના પેટ સાથે દબાવ્યું અને તે સાથે જ તાપસીના ડૂસકાં છૂટી ગયા તેણે બન્ને હાથ પપ્પાની કમરે વીંટાળીને માથું દબાવતાં ધ્રુસ્કાભેર બોલવા માંડ્યું,

“પપ્પા, મમ્મીને શું થયું ? તે ઘરે ક્યારે આવશે ? તમો મમ્મીને જલદીથી ઘરે લઈ આવો બસ, નહીં તો હું અને સોનુ તમારી સાથે નહીં બોલીયે.” અને તે અવિરત રડતી રહી.

આશુતોષે જેમતેમ પોતાના પર કાબૂ મેળવ્યો અને તાપસીના માથા પર હાથ ફેરવતા બોલ્યો, “હા તાપસી, આપણે મમ્મીને કાલે જ ઘરે લઈ આવીશું. પછી તારે જેટલી વાતો કરવી હોય તેટલી કરજે બસ.”

“સાચે જ પપ્પા ?” તાપસી એકદમ ખુશ થઈ ગઈ અને રિક્ષામાં બેસતા જ ફરી તેની વાતો અસ્ખલિત વહેવા લાગી પણ આશુતોષનું દિમાગ તો માનસીને ઘરે લાવવાની ડૉક્ટર પરમિશન આપશે કે ? શું તેને ઘેર લાવીને સારવાર કરવી શક્ય બનશે ? એક રૂમ રસોડાનું તેનું નાનું ઘર અને તેમાં તે, તાપસી, સોનુ અને માનસી ખૂબ આનંદથી રહેતા પણ હવે એડજેસ્ટ કરવાનું એટલા એક રૂમમાં કેવી રીતે પોસિબલ થશે ?

માનસી હાલમાં વેન્ટિલેટર દ્વારા શ્વાસ લઈ રહી હતી. તેને ‘મલ્ટીપલ સ્કોરોસીસ’ નામની સ્નાયુની બીમારી થઈ હતી. આ બીમારીએ તેના શરીરના બધા સ્નાયુના હલનચલનને સ્થગિત કરી નાખ્યા હતા. તે વિચારોમાં ડૂબી ગયો.

માનસીના રૂપમાં તેને એક સાચી સહધર્મચારિણી મળી હતી. તે તેની મિત્ર પણ હતી, પત્ની પણ હતી અને તેની દાદી પણ.

તેની અને માનસીની બારમી લગ્નતિથિની સવારે માનસીને એક સુંદર ડાયમંડનો નેકલેસ ગિફ્ટમાં આપવાની તેની જે સરપ્રાઈઝ હતી તેને અમલમાં મૂકવાની તાલાવેલી તેના મન-હૃદય પર સવાર થઈ ગઈ હતી. આટલા વર્ષોના તેના સુખી અને પ્રેમાળ દાંપત્યજીવન દરમ્યાન તેણે કોઈ દિવસ આટલી મોંઘી ગિફ્ટ માનસીને આપી ન હતી. દર વર્ષે માનસી તેના પોતાના કપાળ પર આશુતોષનું ઉષ્માસભર ચુંબન કરાવીને તેના ગળામાં હાથ નાખતી અને તેના આશ્લેષમાં જકડાઈ જતી અને તેને છાતી પર માથું ટેકવીને બોલતી, “બસ મને મારી ગિફ્ટ મળી ગઈ.”
તેના મુખ પર એક રમતિયાળ સ્મિત ફરકી ગયું. આજે તો આ બંદા માનસીને આખી ઉઠાવીને આખા ઘરમાં ફરશે. તે ના પાડે તો પણ તેનું નહીં સાંભળવાનું તેવું તેણે મનોમન નક્કી કર્યું અને રોજ કરતાં જોરથી તેનાથી બૂમ પડાઈ ગઈ, “ઓ ! માનસી, ચાને કેટલી વાર ?”

ડાઈનિંગ ટેબલ પર બેઠાં બેઠાં તેણે રસોડા તરફ ડોકું લંબાવ્યું અને બાજુની ખુરશી પર મૂકેલા ડાયમંડ નેકલેસના બોક્સ તરફ મીઠી નજર ફેરવી.

“અરે ! માનસી, માનુ ! જરા જલદી આવ. ચા વગર તડપી રહ્યો છે તારો ભરથાર !” તેણે મજાકનાં મૂડમાં ચલાવ્યું પણ રસોડામાંથી કોઈ જવાબ ના મળ્યો.

તેને નવાઈ લાગી. આ રીતે તે જ્યારે જ્યારે બોલે ત્યારે માનસી તેનો મજાકિયા અંદાજમાં જવાબ જરૂર આપતી કે, “ના તડપો મારા સરતાજ, તમારી ચા લાવી છે તમારી નાર.” એવું બધું નવા નવા જોડકણામાં તેમની વાતો ચાલતી રહેતી.

આખરે તે ઊભો થઈને રસોડામાં ગયો તો માનસી ચાનો કપ હાથમાં લઈને ઊભી હતી.

“શું થયું ? ચા લઈને અંદર કેમ ના આવી ? ચલ હવે ?” તેણે માનસીને કહ્યું અને તે ફરી આગળના રૂમ તરફ જવા લાગ્યો ત્યાં તેને માનસીનો આદ્ર અવાજ સંભળાયો, “આશુતોષ મારો પગ નથી ઊઠી રહ્યો.”

“શું ?” તેણે પરત ફરીને માનસી સામે પ્રશ્નાર્થ ચહેરે જોયું.

માનસી એ પોતાના પગ તરફ નજર કરતાં કહ્યું, “આ ડાબો પગ ઊંચો જ નથી થઈ રહ્યો. જાણે તે ખૂબ જ વજનદાર થઈ ગયો હોય તેમ લાગે છે. મારાથી ઉપાડી પણ નથી શકાતો અને ઝીણી ઝણઝણાટી થઈ રહી છે.”

“કમ ઓન માનસી, આજના દિવસે મને ઉલ્લુ ના બનાવ. ચલ જલદીથી ચા પીએ તને ખબર છે ને મને જાગીને તરત ચા જોઈએ. અને તું અહીં તો આવ, જો તો ખરી તારા માટે શું સરપ્રાઈઝ છે ? તે જોયા બાદ તારી આ બધી નાદાન હરકતોને તું ભૂલી જઈશ.”

તે માનસી નજીક આવી રહે તેની રાહ જોઈ રહ્યો. પણ એક જ ડગલું ભરવાની મથામણ કરવામાં જ્યારે માનસી નીચે પડી ગઈ અને ચાનો કપ તૂટી ગયો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે કંઈક ગરબડ છે અને તે ગરબડ એ દિવસની મોટામાં મોટી સરપ્રાઈઝ રહી તેની અને માનસીની જ્યારે ડૉક્ટરે નિદાન કર્યું કે સ્ટ્રોકનો એટેક આવેલ છે.

ત્યારબાદ સારવાર કર્યા પછી થોડા દિવસ બરાબર રહ્યું પણ પાછું એક દિવસ માનસી ઊભી બજારે પડી ગઈ અને ફરી ઊભી ના થઈ શકી. ફરી નિદાન થયું કે તેના બન્ને પગના સ્નાયુ જડ બની રહ્યા છે તે ચાલી નહીં શકે. ફરી સારવાર ચાલી અને આખરે ખબર પડી કે તેને ‘મલ્ટીપલ સ્ક્રોરોસીસ’ નામની બીમારી થઈ છે.

માનસીના શરૂઆતમાં વારાફરતી બે પગ અક્કડ બની ગયા. જેને કારણે તેણે પથારીવશ થવું પડ્યું. આટલા એક વર્ષ દરમ્યાન તે ત્રણ વાર હોસ્પિટલમાં રહી આવી હતી સારવાર માટે. પણ પરિણામ શૂન્ય અને તે થોડી સાજી થતી કે ઘર અને બાળકીઓની ચિંતા તેને ઘેરી વળતી અને તે ઘરે જવાની હઠ પકડીને ઘરે આવતી.

આ વખતે હોસ્પિટલમાં એડમિટ કરવાની સાથે જ ગળા પર કાણું કરવામાં આવ્યું જેના દ્વારા તેને નળીથી પ્રવાહી ખોરાક આપી શકાય પણ બહારની હવા અંદર શરીરમાં દાખલ થાય એટલે ઈંફેક્શનનો ડર વધી જાય એટલે તેને ખાવા પીવાના સમય બાદ કાચના કપથી ઢાંકી રાખવો પડતો.

આવી હાલતમાં તેને ઘરે લઈ જવી કે કેમ તે મોટો પ્રશ્ન હતો આશુતોષ સામે. પણ બન્ને દીકરીઓ મા વગર હિજરાયા કરતી અને તે પોતે પણ માનસી વગર ઘરમાં ભૂત પ્રેતની જેમ ફરતો.
તેની કઠિનાઈનો પાર ન હતો.

ઘરે આવીને આશુતોષે તેના ભાઈ ભાભી કે જેઓ નજીકમાં જ રહેતા હતા તેમની સાથે વાતચીત કરી અને કુટુંબના વડીલોની સાથે મસલત કરીને કાલે માનસીને ઘરે લઈ આવવાનો નિર્ણય કર્યો.

કાલે મમ્મી ઘરે આવશે તે જાણીને તાપસી અને સોનુ ખૂબ ખુશ થઈ ગયા અને નિરાંતની ઊંઘમાં સરી ગયા પણ આશુતોષની આંખોમાંથી નીંદર ગાયબ હતી કારણ કે તે સારી રીતે જાણતો હતો કે માનસીને ઘરે લઈ આવવાનું પરિણામ.

માંડ થોડા દિવસો તે આ ઘરમાં કાઢી શકશે પણ આશુતોષ તેની બાળકીઓને માનસી વગર હિજરાતી નહોતો જોઈ શકતો. તેને થયું જે થોડા દિવસો તેઓ તેમની મમ્મીની સાથે પસાર કરી શકે પછી તો આખી જિંદગી………………. એકલા……………………

તેણે પોતાની આંખો મીંચી દીધી અને બન્ને આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેતી રહી…

તેને માનસી સાથે થયેલ વાતો યાદ આવી. જ્યારે માનસીને ખાત્રી થઈ ગઈ કે આ બીમારી એક ધીમું મોત જ છે. ત્યારે તેણે આજીજીભર્યા સ્વરે કહ્યું હતું કે, “મારી બન્ને લાડકીઓને મારા ગયા પછી કોઈ વાતે ઓછું ના આવે. તેમને કોઈ પારકી જણીના હાથમાં ના સોંપતા. મારી ખૂબ ઈચ્છા છે તે મુજબ બન્ને જણને ખૂબ સારું ભણાવજો અને ખૂબ લાડમાં રાખજો કે તેમને મારી કમી, એક માની કમી ના વર્તાય. મને પ્રોમિસ આપો તમો મારી આ આખરી ઈચ્છા પૂરી કરશો.”

તેણે માનસીને પ્રોમિસ આપ્યું હતું પણ તે એકલા હાથે બન્ને જણાને કેવી રીતે ઉછેરી શકશે ? સોનુ તો હજી ચાર વર્ષની જ હતી આ વર્ષે તો તેને નર્સરીમાં દાખલ કરી હતી. અત્યાર સુધી તો માનસી જ ઘર અને બાળકીઓની સંભાળ લેતી. તેણે તો કોઈ દિવસ આ રીતના કાર્ય કર્યા જ નહતા. તે હમેશાં તેના પોતાના કાર્યોમાં જ વ્યસ્ત રહેતો. માનસીનું તો જીવનધ્યેય જ હતું ઘર અને બાળકોની સંભાળ.

માનસી મનોમન ભગવાને પ્રાર્થના કર્યા કરતી કે, ‘હે પ્રભુ ! તું કોઈ દુશ્મનને પણ અવી પરવશતાની બીમારી કદી ના આપતો.’ તેનું મનોબળ મજબૂત હતું પણ જેટલી તે પ્રભુ પ્રત્યે વધુ શ્રદ્ધાળુ બનતી તેની વધારે પરીક્ષા તે લેતો અને હવે તો તે અને પ્રભુ આમને સામને આવી ગયા હતા. ‘તારાથી થાય તે કર હું હાર નહીં માનું છેલ્લા શ્વાસ સુધી.’ તે મનોમન કહ્યા કરતી પ્રભુને. પણ આખરે તે હારી જ ગઈ જ્યારે રોગ તેની આંખોને છીનવી ગયો.

અચાનક આવેલા અંધત્વ અને ગયેલા ગળાના અવાજને કારણે તે આખરે મરણતોલ થઈ ગઈ. બોલી ના શકે, જોઈ ના શકે પોતાની લાડલીઓને તો હવે જીવીને પણ શું કરીશ ? આવા વિચારો કરી કરીને તે જીવવાનું મનોબળ ગુમાવી બેસી અને એક બપોરે આ ‘મલ્ટીપલ સ્ક્રોરોસીસ’ની બીમારી સાવ જ નિર્દય થઈને તેના મગજ પર ત્રાટકી અને ડૉક્ટરે આવીને તેને બ્રેઈન ડેડ જાહેર કરી અને તે સાથે જ એક હસતાં રમતાં નાનકડા પરિવાર પર કુદરતની વીજળી જાણે પડી. બન્ને દીકરીઓ તાપસી, સોનુ અને આશુતોષ સાવ જ જાણે નોધારા અને સ્તબ્ધ બની ગયા. હવે શું ?

માનસી વગર અમો ત્રણે જણા જીવનની સફર કેવી રીતે પૂરી કરીશું ? વિકરાળ પ્રશ્નો મોં ફાડીને તેમની સામે ઊભા રહ્યા.

* * *
આજે બરાબર ચૌદ વરસના વહાણા વાઈ ગયા સમયની રેત પરથી. સમયે મારેલી થપાટને ઝીલી લઈને આશુતોષે પડકારોને લલકાર્યા. બન્ને દીકરીઓની મા પણ બન્યા અને પિતાની ફરજ પણ અદા કરી અને તેના પરિણામ સ્વરૂપ આજે તાપસી સી.એ.ની ડિગ્રી મેળવીને ઘરે આવી રહી હતી અને નાની સોનુ પણ હવે દસમાના બોર્ડની પરીક્ષામાં બાણું ટકા માર્ક્સ લાવીને શહેરની નામાંકિત કૉલેજમાં ભણી રહી હતી અને તે પોતે ?

તેણે તો ઘણી દડમજલ કાપી હતી. માનસીની બીમારીએ તેને જીવનમાં એક ધ્યેય આપ્યું હતું. ‘મલ્ટીપલ સ્ક્રોરોસીસ’ની બીમારી પ્રત્યે જાગ્રતતા ફેલાવવાનું અને તેના અંતર્ગત તેણે આ બીમારીથી પીડિત દર્દીઓને શોધીને, તેમને ફિઝિયોથેરપીની સગવડ કરી આપતો. દવા અને ડૉક્ટર વિશેની માહિતી તેમના કુટુંબને આપતો અને સૌથી વધારે તો બીમારના સ્વજનોને, દર્દીને સંપૂર્ણ માનસિક ટેકો આપવા માટે સમજાવતો. તેની કાર્યશાળા યોજતો અને પોતે જ્યાં જ્યાં ‘મલ્ટીપલ સ્ક્રોરોસીસ’ની જાણકારી મેળવી શકતો ત્યાં હાજર રહેતો અને દર્દીઓને મળીને મોરલ સપોર્ટ આપતો.

“પપ્પા, ઓ પપ્પા ! ક્યાં છો તમો ?” અચાનક તાપસીનો અવાજ આવતા તે પોતાની વિચાર સમાધિમાંથી જાગ્યો. સામે ખુશખુશાલ યુવાનીને ઉંબરે ઊભેલી તાપસીને જોતા તેને માનસી ને પ્રથમવાર જોઈ હતી તે માનસી યાદ આવી. આમ જ સદા ખુશખુશાલ રહેતી તે. માનસીની છબી તાપસીમાં ઊભરેલી જોઈને તેની આંખો અચાનક ભીની થઈ ગઈ.

“અરે પપ્પા, આ શું ? હું સી.એ. થઈ ગઈ અને તમે રડો છો ? આજનો દિવસ તો ખુશી મનાવવાનો છે ને ? મમ્મીનું સ્વપ્ન આપણે પૂરું કર્યું ને ? મમ્મીને કેટલી ખુશ થઈ હશે ને ?” અને તેણે પોતાના વહાલા પપ્પાના ગળામાં હાથ ભેરવ્યા.

“હા ! બેટા, આજે મને લાગે છે કે હું સફળ થયો માનસીને આપેલા પ્રોમિસમાં.”

અને ત્યાં તો “દીદી… દીદી…” કરતી નાજુક નમણી સોનુ આવી પહોંચી. સમજણી થઈ ત્યારથી તેનાથી પાંચ વર્ષ મોટી દીદી જ તેના માટે મમ્મી, મોટીબેન અને અંતરંગ સહેલી હતી. તે બોલી, “દીદી આજે તો પાર્ટી અને તે પણ નવી ખૂલેલી હોટેલમાં.”

“હા બાબા હા. તમો બન્ને જણા તૈયાર થઈ જાઓ એટલે આપણે નીકળીએ. આજે મારો દીકરો ચાર્ટર એકાઉટન્ટ થઈ ગયો છે. પપ્પા કરતા પણ વધારે ભણ્યો છે મને તારા પર ખૂબ ગૌરવ છે દીકરા…” તેણે તાપસીના કપાળે ચુંબન કરતાં કહ્યું.

એ ત્રણે જણાની જાણ બહાર ખૂણામાં લટકતી માનસીની તસવીરે જાણે હળવું સ્મિત કરી લીધું. બિલકુલ મોનાલીસાનું સ્મિત જેવું… અને તેની આંખો જાણે આશીર્વાદ વરસાવી રહી.

– કલ્યાણી વ્યાસ
સી/૩૦૧, ગણેશ પ્રસાદ સોસાયટી, લક્ષ્મણ માત્રે રોડ, નવાગામ, દહિંસર (વેસ્ટ), મુંબઈ – ૪૦૦ ૦૬૮, મો. ૯૦૦૪૦ ૨૪૧૧૭

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “મોનાલીસાનું સ્મિત (પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા વાર્તા) – કલ્યાણી વ્યાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.