ત્રિવેણીસંગમ – ગિરિમા ઘારેખાન

(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

રવિનો ઓફિસેથી આવવાનો સમય થઈ ગયો હયો. હું મારાં બે બાળકો નિસર્ગ અને રુચિની સાથે એના આવવાની રાહ જોતી બેઠી હતી. ત્યાં જોરજોરથી ડોરબેલ વાગી. લગ્નના બાર વર્ષ પછી રવિની રગરગને ઓળખતી મને ખ્યાલ આવી જ ગયો કે બહુ વખતથી જેની રાહ જોતાં હતાં એ પ્રમોશનનો કાગળ આજે મળી ગયો લાગે છે, નહીં તો રવિ આવી રીતે ડોરબેલ ન મારે.
મેં ઝડપથી ઊઠીને બારણું ખોલ્યું. રવિના આખા ચહેરા ઉપર ખુશી હિલ્લોળા લેતી હતી. એ ખુશીની છાલક ઊડીને કદાચ મારા ચહેરા ઉપર પણ આવી જ ગઈ હશે. એ જોઈને કે પછી રવિના હાથમાંના ચૉકલેટના ડબ્બાને જોઈને નિસર્ગ અને રુચિ પણ બારણા પાસે આવી જ ગયાં. ‘શું થયું ? પ્રમોશન મળી ગયું ?’ રવિના બોલવાની રાહ જોયા વિના મેં ઉત્સાહથી પૂછી જ નાખ્યું. રવિએ જવાબ આપ્યા વિના કોટના ખીસામાંથી એના પ્રમોશનનો કાગળ કાઢીને મારા હાથમાં જ મૂકી દીધો. મેં એ મોટેથી વાંચીને ઉત્સાહમાં આવીને બે-ચાર ઠૂમકા લગાવ્યા અને બાળકો પણ ‘હે-હે’ કરતાં સાથે જોડાયાં.

આ ઊભરો સહેજ બેઠો એટલે રવિ થોડું અચકાતાં બોલ્યો, ‘સાથે સાથે એક બીજા ન્યૂઝ પણ સાંભળી લો.’

‘શું ?’

‘આપણે હવે દુબઈ રહેવા જવું પડશે. અમારી હેડઑફિસ ત્યાં છે.’

‘ઓહ નો !’ અમારા ત્રણેયનો ફુગ્ગામાંથી નીકળતી હવા જેવો સમૂહ સ્વર નીકળ્યો.

શારજાહના આ ઘરમાં હું ભારતથી લગ્ન કરીને આવી ત્યારથી રહેતી હતી. નિસર્ગ અને રુચિનો જન્મ જ અહીં થયો હતો. આજુબાજુ બધે જ ભારતીય અને પાછા ગુજરાતી પાડોશીઓ. એકબીજાની સાથે વાટકીવ્યવહાર કરતાં કરતાં અમે ક્યારે સુખ-દુઃખ પણ વહેંચતાં થઈ ગયાં હતાં એની ખબર જ ન પડી. તહેવારો તો ભારતમાં ન ઊજવાય એટલા ઠાઠથી અહીં ઊજવાતા. દિવાળીને તાળી આપીને જ નવરાત્રીની રંગત જતી અને હજી તો વીક-એન્ડમાં હળવા મળવામાં, મિલન-મુલાકાતોમાં દિવાળી થોડી લંગડાતી ચાલતી થાય ત્યાં તો એનો હાથ પકડીને નાતાલ આવી જતી.

એક દિવસ દરિયાકિનારે પતંગ ઉડાડીને ઉત્તરાયણ પણ મનાવી લેતાં અને પ્રેમનાં રંગોની હોળી તો આખું વર્ષ ખેલાતી. આ ઘર, આવો પાડોશ છોડીને જવાનું ?

પણ બધા નોકરી કરતા પુરુષોની પત્નીઓની જેમ હું પણ એક વાત તો સમજી જ ગઈ હતી કે નોકરીમાં ‘નો’ ન કહેવાય. આમે ય મારે ઉદાસી છતી કરીને રવિનો પ્રમોશનનો મૂડ ખરાબ નહોતો કરવો. એટલે મેં એને પાણી આપતાં આપતાં પૂછી જ નાખ્યું,

‘દુબઈમાં ક્યાં રહેવાનું થશે ?’

‘ઓહ ! થેંક ગોડ મીરા. તું ત્યાં જવા તૈયાર તો છે ! ત્યાં ઑફિસની નજીક જ કંપની આપણને ત્રણ બેડરૂમનો મોટો ફ્લેટ આપશે, બધી જ સગવડો સાથેનો. હા, ત્યાં કદાચ આપણને આવો પૂરો ગુજરાતી પાડોશ નહીં મળે, પણ તને ફાવી જ જશે, તને ક્યાં કોઈ સાથે ઓળખાણ કરતાં વાર થાય છે ?’

‘ઈટ્‍સ ઓ… કે. રવિ. મારે માટે તો તારી કૅરિયરથી વધારે બીજું કંઈ જ નથી એટલે ફવડાવીશ. પણ આ બાળકોને સમજાવવું થોડું મુશ્કેલ થશે. એમના તો બધા ફ્રેન્ડઝ અહીં જ છે.’

‘અરે, આપણાં બાળકો તો આપણાં કરતાં પણ જલદી એડજસ્ટ થઈ જશે, તું જોજે ને.’ રવિએ બન્નેના હાથમાં ચૉકલેટ મૂકતાં કહ્યું અને વાત પૂરી થઈ. દસ દિવસ પછી તો અમે થોડી છણક-ભણક કરતાં નિસર્ગ-રુચિને લઈને દુબઈના નવા ઘરમાં રહેવા જતાં પણ રહ્યાં.

ત્યાં જઈને પણ એમની છણક-ભણક તો ચાલુ જ રહી. એક તો સ્કૂલમાં વૅકેશન હતું અને રમવા માટે કોઈ ન હતું. શારજાહમાં તો ઘર નીચેના મોટા કંપાઉન્ડમાં ક્રિકેટથી માંડીને થપ્પા સુધી બધું જ એ લોકો રમી શકતાં અને જમવાના સમયે બહાર શોધવા જવું પડતું. પેસેજ તો અહીં પણ બહુ જ મોટો હતો, પણ રમવા માટે મિત્રો ક્યાંથી લાવવા ? એટલે જ મેં એ બંનેને ઘરમાં બેસીને રમવાની જાતજાતની રમતો લાવી આપી હતી. પણ એક વાર ઊડવાની મઝા લીધા પછી પાંજરામાં પુરાવું કોને ગમે ? એટલે જ નિસર્ગ અને એની પાછળ એની શિષ્યા રુચિ- બંને જણ સતત મોં ચડાવીને કંટાળાની ફરિયાદ કર્યાં કરતાં.

એવી જ એક કંટાળાજનક બપોરે હું બાળકોને કંઈક પત્તાનાં જાદુ બતાવતી હતી ત્યારે ઘરના મુખ્ય દરવાજા ઉપર બૉલ જેવું કંઈક અથડાવાનો અવાજ આવ્યો – એક વાર, બે વાર, ત્રણ વાર. એ લોકોના હાવભાવ તો એવા થયા જાણે બારણે કોઈ પરી આવીને ટકોરા મારતી હોય. ત્રીજી વારના અવાજે તો એ બંને ઊઠીને બારણે પહોંચી ગયા અને બારણું ખોલી નાખ્યું. હું પણ ત્યાં પહોંચી ગઈ. ત્યાં પેસેજમાં ચહેરે મહોરે ભારતીય જ અને લગભગ સરખે સરખા લાગતા ત્રણ છોકરાઓ અને એક છોકરી ક્રિકેટ રમતાં હતાં. પેલા સ્વાર્થી રાક્ષસની વાર્તામાં છેલ્લે જેમ બાળકો બગીચામાં વસંત લઈ આવ્યાં હતાં એમ આ બાળકોને જોઈને પણ અમારા હૃદયમાં આનંદની વસંત આવી ગઈ.

અમે ત્રણેય જાણે પહેલી વાર જોતાં હોઈએ એ રીતે દરવાજામાં ઊભાં રહીને એમની રમતા જોવા માંડ્યાં. ચારેય લગભગ દસ-અગિયાર વર્ષનાં, મારા નિસર્ગ-રુચિ જેવડાં જ હશે. એ લોકો બોલતાં હતાં તો હિન્દી જ, પણ એક છોકરો અને છોકરી પંજાબી છાંટવાળું હિન્દી બોલતાં હતાં અને બીજા બે છોકરાઓ ઉર્દૂ-મિશ્રિત. આશ્ચર્યની વાત એ હતી કે એ લોકો રમતાં રમતાં વારંવાર ‘ઈન્ડિયા-પાકિસ્તાન’ એવું બોલતા હતા. અચાનક કંઈ એ ઈન્ડિયા-પાકિસ્તાનની વાત ઉપર જ ચારેય વચ્ચે ઝઘડો ચાલુ થયો અને એ લોકો બે ટીમમાં વહેંચાઈ ગયાં. દલીલો થોડી ઉગ્ર બની, સૂર ખેંચાયા અને હાથ ઊંચા-નીચા થવા માંડ્યા, પણ ત્યાં તો સામેના ઘરનો દરવાજો ખૂલ્યો અને એક સુંદર, પંજાબી જેવી લાગતી સ્ત્રી બહાર આવી. એને ‘મમ્મી’ અને ‘ચાચી’ કહેતી બે ટીમોની ફરિયાદો ચાલુ થઈ ગઈ અને મારી સામે મીઠું સ્મિત વેરતી એ સ્ત્રી ચારેયને સમજાવતી સમજાવતી અંદર લઈ ગઈ.

અમેય બારણું બંધ કરીને અંદર આવ્યા પણ એ આનંદ સાથે કે ચાલો, આ રણમાં એક વીરડી તો છે જ, ક્યારેક ને ક્યારેક તો પાણી મળશે જ.

પાણી તો ધાર્યું હતું એ કરતાં પણ વહેલું મળ્યું. બીજે દિવસે લગભગ એ જ સમયે બારણે ટકોરા પડ્યા. નિસર્ગે લગભગ દોટ મૂકીને દરવાજો ખોલ્યો. હું પણ પાછળ ગઈ. જોયું તો પેલા પંજાબીના છાંટણાવાળું હિન્દી બોલતાં એક છોકરો અને છોકરી હાથમાં બેટ અને બૉલ લઈને ઊભાં હતાં. સામેના બારણામાં પેલી સ્ત્રી પણ ઊભી હતી, એ જ એનું મીઠું સ્મિત પીરસતી. હાથમાં બેટ અને બૉલ એટલાં વાચાળ હતાં કે કંઈ પૂછવાની-કહેવાની જરૂર જ ન હતી. નિસર્ગે મારી સામે જોયું. મેં ડોકું હલાવીને હા પાડી અને ચારેય બાળકોની ભારત દેશના એક કોમન ધર્મની ભક્તિ ચાલુ થઈ ગઈ, અમે બે સ્ત્રીઓએ નામનું આદન-પ્રદાન કર્યું અને એક ‘હાશ’ સાથે હું ઘરમાં મારા કામે વળગી.

પછી તો ક્રિકેટનો સત્સંગ રોજનો ક્રમ થઈ ગયો. રમવાનો સમય પણ વધવા માંડ્યો. હું અને એ પરવીન પણ સ્મિતના બારણાથી વાતોના ઉંબર સુધી પહોંચી ગયાં. પછી તો વાતો પણ લંબાતી લંબાતી ઉંબરથી ઘરના સોફા અને ક્યારેક રસોડા સુધી પણ આવવા માંડી. ગુજરાતી ઢોકળાં અને સરસવના શાકે પણ અરસપરસની દોસ્તી કરવા માંડી. છેવટે એક દિવસ મારા મનમાં ક્યારનો સળવળતો કુતૂહલનો કીડો મેં બહાર કાઢી જ નાખ્યો.

‘પરવીન, પેલે દિવસે પેલા બે છોકરાઓ કોણ હતા ? આમ તો તને ચાચી કહેતા હતા પણ તારો હૈદર અને રામા ક્રિકેટ રમતાં એમને પાકિસ્તાન કેમ કહેતા હતા ? એમની ભાષાની લઢણ થોડી જુદી છે પણ ચહેરા તો ખાસા મળતા આવે છે.’

‘મીરા, એ મારા જેઠના છોકરાઓ છે. મારા જેઠે જ અમને અહીં બોલાવીને રફીકને બૅન્કમાં નોકરી અપાવી છે.’

રફીક પરવીનના વરનું નામ હતું.

‘જેઠ ?!’ મારું કુતૂહલ ઊલટું બેવડાયું. ‘તો પછી પાકિસ્તાન ?’

‘કારણ કે મારા જેઠ પાકિસ્તાની છે. પરવીન શબ્દોને હાસ્યથી તોળતા તોળતા બોલી. એને કદાચ મારા ચહેરા પરના મૂંઝવણના આટાપાટા જોવામાં આનંદ આવતો હતો. એટલે રહસ્ય ખોલવાને બદલે શબ્દોની ખાયણીમાં વધારે ઘૂંટતી હતી.

‘કમ-ઓન યાર, એવું તો કેવી રીતે બને ? તારા સગ્ગા જેઠ અને પાકિસ્તાની ?’

‘મીરા, અમારે પંજાબની સરહદ પાસેના ગામોમાં તો આવું બહુ કોમન છે. જો, હવે તને વધારે નહીં ગૂંચવું. વાત એમ છે કે મારા માસીજીનાં લગ્ન લાહોરમાં થયાં હતાં. ભાગલા પડ્યા પછી પણ એમનું અવારનવાર ભારત આવવાનું તો ચાલુ જ હતું. સરહદ પાસેનાં ગામોમાં તો એમાં કોઈને કશી જ નવાઈ ન લાગે.’

‘ખરેખર ?’

‘હા મીરા. એક માણસે કાગળ ઉપર દોરેલી એક રેખાથી દેશ વિભાજિત થઈ શકે, કુટુંબો નહીં.’

‘આ લગભગ પાંસઠના યુદ્ધ પહેલાંની વાત છે,’ પરવીને ધીમે ધીમે પડદો ખોલવાની શરૂઆત કરી, ‘એ વખતે માસીજી મારા દિયરની ડિલવરી વખતે મારાં સાસુને મદદ કરવા આવ્યાં હતાં. ત્રણ-ચાર મહિના રોકાયાં. એ દરમિયાન મારા ત્રણ વર્ષના જેઠ એમની સાથે ઘણા હળી ગયા. દિયરનો જન્મ થયો ત્યારે રફીક માત્ર સવા વર્ષના હતા. ત્રણ નાનાં બાળકો સાચવવાનું સાસુ માટે મુશ્કેલ બનતું, એટલે નિઃસંતાન માસીજી લાહોર જતી વખતે જેઠને એમની સાથે લેતાં ગયાં કે ‘તારો નાનો થોડો ચાલતો-રમતો થઈ જાય પછી આપી જઈશ.’ એ વખતે તો બંને દેશો વચ્ચેના સંબંધો આ હદે વણસી જશે એવો કોઈને ખ્યાલ જ ન હતો.’

‘પછી ?’ મને તો કોઈ ફિલ્મની વાર્તા જેવી લાગતી પરવીનની આ વાતમાં ગળાડૂબ રસ પડ્યો હતો.

‘પછી તો દેશમાં વાત એ હદે વણસી કે માસીજી ક્યારેય પાછાં આવી જ ન શક્યાં. ક્યારેક ક્યારેક ફોનથી વાતચીત ચાલુ રહેતી. જેઠ પણ ત્યાં મોટા થતા થતા ત્યાંના જ થઈ ગયા. સ્કૂલમાં એડમિશન વખતે માસાજીનું નામ જ પિતા તરીકે લખાવાયું. થોડી ઓળખાણ અને થોડા પૈસાથી બધાં સર્ટિફિકેટ બની શકે.’

‘હા, એ બાબતમાં તો બંને દેશ સરખા જ છે.’

‘ભણીગણીને ભાઈજાન-મારા જેઠ- દુબઈ આવ્યા. ફોનની સુવિધા વધી એટલે અમરો સંપર્ક પણ વધ્યો, પછી તો રફીકને પણ એમણે અહીં બોલાવી લીધા. અમને બધાને બહુ જ બને છે. ખાલી ક્રિકેટ રમતી કે બે દેશો વચ્ચેની મૅચ જોતી વખતે માત્ર છોકરાઓ – ‘ઈન્ડિયા-પાકિસ્તાન’ થઈ જાય. ખેલાડીઓ મેદાન ઉપર રમત રમે એમ અમારા ઘરમાં તે વખત પૂરતી રાષ્ટ્રીયતા તલવારો તાણે. જોકે મૅચ પૂરી થયા પછી બધું મ્યાનમાં.’ પરવીન એકી શ્વાસે બધું બોલી ગઈ.

‘પણ એમના પપ્પાઓ ?’

‘એ બે ભાઈઓ તો રમતને રમત તરીકે જુએ અને રાજકારણને ક્યારેય ઘરમાં ન લાવે, એટલે ઘરમાં રાજકારણ થાય જ નહીં.’

અશક્ય જેવી લાગતી આ સત્ય ઘટનાએ મને પેલી અંગ્રેજી કહેવત યાદ કરાવી દીધી – Fact is stranger than fiction અને મારા મોંમાંથી નીકળી ગયું, ‘અરે વાહ !’

પરવીન આજે બધું જ ઉલેચવાના મૂડમાં હતી. કદાચ એને મારી ઝીલવાની ક્ષમતા ઉપર વિશ્વાસ આવ્યો હશે. એટલે એણે આગળ ચલાવ્યું, ‘મીરા, વધારે રસપ્રદ ભાગ તો હવે આવે છે. પણ એ વાત તું તારા સુધી જ સીમિત રાખજે.’

આનાથી વધારે રસપ્રદ શું હોઈ શકે એ હું તો વિચારી જ ન હતી શકતી. એમાંય પરવીનની ગોપનીયતા રાખવાની ગાંઠે મારી કુતૂહલની પોટલીને વધારે પહોળી કરી.
‘યુ કેન ટ્રસ્ટ મી, પરવીન.’

‘મારા જેઠ અહીં પાકિસ્તાન એમ્બસીમાં બહુ વર્ષોથી કામ કરે છે અને મારા દિયર ઈન્ડિયન ઍરફોર્સમાં બહુ મોટી પોસ્ટ ઉપર છે. એટલે એ મારા જેઠ સાથે બિલકુલ સંબંધ નથી રાખી શકતા.’
‘કેમ ?’ ભાઈઓના સંબંધને અને એમની નોકરીને શું લાગેવળગે એ તરત તો મારા મગજમાં ન ઊતર્યું.

‘મીરા, મિલિટરીમાં તો બધા પત્રો, બધા ફોન ઉપર નજર રખાતી હોય. એટલે મોટા ભાઈને મળવા માટે કેટકેટલી વિધિમાંથી પસાર થવું પડે ? પાછું ભાઈ પાકિસ્તાની છે એ રીતે નજરમાં આવી જવાય એ જૂદું. એટલે એ તો એમણે જણાવ્યું જ નથી. આમેય કાયદેસર એ ભાઈ ક્યાં છે ? જોકે બંનેને એટલીસ્ટ એક વાર એકબીજાને જોવાની, મળવાની ઈચ્છા બહુ જ છે પણ એ ક્યારેય પૂરી નહીં થાય.’ પરવીન આંખમાં ઝળઝળિયાં સાથે બોલી.

પછી તો હું આખો દિવસ આ વિશે જ વિચારતી રહી. એક જ મૂળમાંથી નીકળેલી બે નદીઓના કેવા જુદા રસ્તા ? વિધિની આ તે કેવી વક્રતા કે એક રીતે જુઓ તો નાના ભાઈનો જન્મ જ મોટા ભાઈની રાષ્ટ્રીયતા બદલવામાં કારણભૂત થયો અને એ બે ભાઈઓ પછી સામસામે એવા ગોઠવાયા કે એકબીજા ઉપર ભરોસો રાખવાનો પણ એમને અધિકાર નહીં ?
આ વાતને ખાસો સમય વીતી ગયો. અમારા સખીપણાની મહેંદીનો રંગ ઉત્તરોત્તર વધારે ને વધારે ઘેરો થતો ગયો.

એ દિવસે ચૌદમી ઑગસ્ટ હતી. બીજે દિવસે રુચિનો જન્મદિવસ હતો. એને બરફી બહુ ભાવતી. મને થયું કે લાવને આ વખતે ત્રણ પડની ત્રણ રંગવાળી બરફી બનાવું ! રુચિના જન્મદિવસ નિમિત્તે પરવીનને ત્યાં પણ મોકલીશ. આપણા રાષ્ટ્રીય ઝંડા જેવા રંગો બરફીમાં જોઈને એનાં બાળકો પણ ખુશ થશે.

મેં કેસર નાખીને કેસરિયો, વચ્ચે સફેદ અને પિસ્તામાં થોડો લીલો રંગ નાખીને ત્રણ રંગની બરફી બનાવી. જોકે રવિની કૉમેન્ટ આવી કે કૃત્રિમ લીલો રંગ થોડો પાકિસ્તાનના ઝંડાના રંગ જેવો લાગે છે. પણ નિસર્ગ અને રુચિને તો બહુ જ ભાવી.

પંદરમીએ સવારે રવિ ઑફિસે અને ઈન્ડિયન સ્કૂલમાં ભણતાં મારાં બાળકો ધ્વજવંદન માટે સ્કૂલમાં ગયાં હતાં ત્યારે પરવીન આવી, કંઈક અજબ ઉત્તેજનામાં લાગતી હતી. આવીને એને મારા ઘરનો દરવાજો બંધ કયો અને કાનમાં કહેતી હોય એમ બોલી, ‘મીરા, એક ટોપ સિક્રટ છે. આજે મારા દિયર મારે ઘરે આવવાના છે.’

થોડી પળો તો મને સમજાયું નહીં કે ભાઈ ઘરે આવે એમાં ટોપ સિક્રેટ શું હતું ? એટલે કંઈ બોલ્યા વિના આંખોમાં પ્રશ્નાર્થ આંજીને હું એની સામે જોઈ રહી. પરવીનનો અવાજ વધારે ધીરો થયો., ‘વાત એમ છે કે ઈન્ડિયાએ મિલિટરી માટે મીગ વિમાન ખરીદ્યાં છે. એની ડિલિવરી લેવા મારા દિયરે જવાનું હતું. એ લોકો વળતા અહીં પેટ્રોલ લેવા રોકાવાના છે. ત્યારે થોડા સમય માટે એ અમારે ઘેર આવશે. પરવાનગી મળી ગઈ છે.’

‘વાઉ ! કેટલું સરસ ! તો તો આજે…’

‘અરે સાંભળ તો ખરી, ‘પરવીને મને અધવચ્ચે અટકાવી, ‘એ વખતે ભાઈજાનને પણ ઘેર બોલાવ્યા છે. આ એકમાત્ર તક છે એમને મેળવવાની. તારે આવવું હોય તો સાંજે છ વાગ્યા પછી કંઈક બહાનું કાઢીને આવી જજે.’

એક જોરદાર પવનની લહરની જેમ પરવીન આવીને જતી રહી, પણ મારા મનમાં વાવાઝોડું મૂકતી ગઈ. હું પણ જાણે ઉત્તેજિત થઈ ગઈ હતી. કોઈ થ્રીલર જોતી વખતે થાય એવી કંઈક ઉત્તેજના થતી હતી. નાના ભાઈના જન્મ પછી પહેલી વાર ત્રણે ભાઈઓ એકસાથે મળવાના હતા અને હું જાણે કોઈ મોટી ઘટનાની સાક્ષી બનવાની હોઉં એવું મને લાગતું હતું.
આમ જુઓ તો આ મળવામાં ખોટું કે ગેરકાયદેસર કશું જ ન હતું. દિયરે ક્યાં કહ્યું હતું કે તમે મોટા ભાઈને બોલાવજો ? તોપણ આખો દિવસ મારી ઈંતેજારી, બેચેની ચાલુ રહી. જે સંજોગોમાં, જે રીતે, આ ત્રણ ભાઈઓ મળવાના હતા એમાં કંઈક અનેરું તો હતું જ. મારી નજર વારંવાર ઘડિયાળ તરફ જતી હતી. સારું હતું કે નિસર્ગ અને રુચિ ડ્રૉઈંગના ક્લાસમાં ગયાં હતાં, નહીં તો મારાં પગલાંમાં દેખાતી અધીરતા એ લોકો પણ પામી જાત. મારે તો એ ત્રણેય ભાઈઓને એકીસાથે બસ જોવા હતા.

લગભગ સાડા છએ મેં એક ડિશમાં ત્રિરંગી બરફી ભરી. ભરતી વખતે મને પોતાને હસવું આવ્યું – આ કેવો યોગાનુયોગ હતો ! નીચે પાકિસ્તાની ફ્લેગના રંગ વાળો ઈન્ડિયન ફ્લેગ ! ચૌદમી ઑગસ્ટે બરફી બનાવી અને પંદરમીએ આપી રહી છું ! બંને દેશોના સ્વાતંત્ર્ય દિન પણ આમાં સંકળાઈ ગયા !

ડિશ હાથમાં લઈને મેં પરવીનના ઘરની બેલ મારી. દર વખતની જેમ શમાએ જ દરવાજો ખોલ્યો, ‘મમ્મી, મીરા અન્ટી આવ્યાં છે.’

મેં વિચાર્યું હતું કે પરવીન બોલાવે તો જ અંદર જઈશ. નહીં તો ડિશ શમાના હાથમાં મૂકીને પાછી વળી જઈશ. મારી જિજ્ઞાસાને સંતોષવા હું પરવીનને કોઈ કફોડી સ્થિતિમાં મૂકવા ન હતી માગતી. અંદરથી આવતા ખડખડાટ હાસ્યના અવાજને ચીરતો પરવીનનો અવાજ આવ્યો, ‘અંદર આવ, મીરા.’

મેં અંદર જઈને ડિશ ટેબલ પર મૂકી અને મૂકતી વખતે સોફા તરફ એક નજર નાખી, ગૌરવર્ણા પરવીનના પતિ અને સહેજ શ્યામળા એના જેઠની વચ્ચે પાતળા પણ કસાયેલા શરીરવાળા એના દિયર બેઠા હતા. ગંગા અને યમુનાની વચ્ચે ગુપ્ત સરસ્વતી પ્રગટ થઈ હતી ! ત્રણેય ભાઈઓએ એકબીજાના હાથ પકડેલા હતા. જાણે ક્યારેય છૂટા જ ન પડવું હોય ! હું ગઈ એટલે કદાચ એમની વાતચીતમાં ખલેલ પડી હશે. આવી પરિસ્થિતિમાં કોઈ અજાણી વ્યક્તિ અચાનક આવી ચડે તો કંઈક અશાંતિ પથરાઈ જ જાય.

‘પરવીન, પછી મળીશું.’ કહી બધા સામે મેં ઔપચારિક હાથ જોડ્યા અને આ પવિત્ર સંબંધોના પ્રેમનું આવરણ મને પણ વીંટાતું હોય એવું મેં અનુભવ્યું. સ્નેહના આ મહાસંગમની લહેરોએ મને પણ ભીંજવી. એ ભીનાશ મારી લાગણીશીલ આંખોમાંથી ડોકિયાં કરે એ પહેલાં હું એ ઘરની બહાર નીકળી ગઈ. ત્રિવેણી સંગમમાં તરવા થોડું જવાય ? એમાં તો ડૂબકી મારવા મળે તોપણ ઘણું.

– ગિરિમા ઘારેખાન
(૧૦, ઈશાન બંગ્લોઝ, સુરધારા, સતાધાર રોડ, થલતેજ, અમદાવાદ – ૩૮૦ ૦૫૪, ફોન : ૨૭૪૦૦૧૦૩)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “ત્રિવેણીસંગમ – ગિરિમા ઘારેખાન”

Copy Protected by Chetan's WP-Copyprotect.