આ ઉપભોક્તાવાદ.. – ડૉ. દિનકર જોષી

(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

હમણાં થોડા સમય પહેલાં મારે મુંબઈથી ભાવનગર જવાનું થયું હતું. હું ભાવનગર જવાનો છું એ જાણીને મુંબઈના એક મિત્રે મને કહ્યું કે ભાવનગરથી પાછા ફરતી વખતે મારે એમના માટે ભાવનગરી ગાંઠિયા લેતા આવવા. એમના કહેવા મુજબ જ્યારે ભાવનગરથી હું પાછો ફર્યો ત્યારે ત્યાંના એક જાણીતા ગાંઠિયાવાળાની દુકાને જઈને મેં કહ્યું – ‘ગાંઠિયાનાં અર્ધો અર્ધો કિલોનાં બે ત્રણ પૅકેટ આપો.’

‘ક્યા ગાંઠિયાનાં ?’ કાઉન્ટર પર ઊભેલા સજ્જને મને વળતો પ્રશ્ન કર્યો.

‘ભાવનગરી ગાંઠિયાનાં !’ પેલા મિત્રે મને જે કહ્યું હતું એ જ શબ્દોમાં મેં ઉત્તર વાળ્યો.

‘સાહેબ, આ બધા જ ગાંઠિયા ભાવનગરી છે. સાંભળો !’ દુકાનદારે જમણા હાથની તર્જની લંબાવીને શૉકેસમાં ગોઠવેલાં જુદાં જુદાં પૅકિંગ તરફ મારું ધ્યાન દોર્યું ‘આને અંગૂઠિયા કહેવાય, આ ફાફડા છે, પેલા પાપડી ગાંઠિયા, આને તીખા અને પેલાને લસણિયા કહેવાય. ઉપર ગોઠવ્યા છે એ ઝીણા ગાંઠિયા છે અને પેલા ખૂણામાં નાયલૉન ગાંઠિયા છે. આ બધા જ ભાવનગરી ગાંઠિયા છે. બોલો તમારે ક્યા ગાંઠિયા જોઈએ છે ?’

હવે આ પ્રશ્નનો ઉત્તર મને આવડે એમ નહોતો. મને થયું કે જે મિત્રે મંગાવ્યા છે તેમને મારે પૂછી લેવું જોઈએ. દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે અને મોબાઈલ નામનું રમકડું મુઠ્ઠીમાં હોવાથી દુનિયા એક ખેતરના બે શેઢા જેવી થઈ ગઈ છે. સામે શેઢે હાકોટો કરો એટલી જ વાર ! મેં દુકાનના કાઉન્ટર ઉપર ઊભા રહીને જ મુંબઈવાળા મિત્રને ફોન કર્યો. મિત્ર પણ આ પ્રશ્નથી હેબતાઈ ગયા. એમણે મને કહ્યું – આ વાતની ખબર તો મારી પત્નીને જ હોય. હું એને પૂછીને તમને હમણાં જ ફોન કરું છું. તમે ત્યાં જ ઊભા રહેજો.’

અને ખરેખર બે મિનિટમાં જ એમનો વળતો ફોન આવ્યો પણ ખરો. પત્ની પાસેથી જ્ઞાન મેળવીને એમણે મારી જાણકારીમાં ઉમેરો કર્યો – ‘નાયલોન ગાંઠિયા લાવજો.’

જે કામ ત્રણ મિનિટમાં થઈ જવું જોઈતું હતું એ કામમાં પૂરી દશ મિનિટ લાગી. એટલું જ નહિ આમનેસામને મોબાઈલ ફોન કરવાથી થોડાક વધુ પૈસા પણ ખર્ચાયા.

આ આખી ઘટનાને અંગ્રેજી ભાષામાં Problema of Plenty કહે છે. તમે કશું પણ લેવું હોય અને છતાં મોલમાં ચક્કર મારો તો તમને જરૂરી મુદ્દલ ન હોય છતાં બે પાંચ ચીજો ખરીદીને જ બહાર આવશો. તમે માત્ર એક સાબુ કે ચોકલેટ જ લેવાના ઈરાદાથી અંદર ગયા હો પણ પચાસ જાતની ચોકલેટ અને પચાસ જાતના સાબુ તમારી સામે નૃત્ય આદરી બેસે ત્યારે દેખીતી રીતે જ તમે ગૂંચવાઈ જવાના. તમને એમ થશે કે આનો સ્વાદ સારો છે, પેલાની ફ્લેવર સારી છે, આનો રંગ સારો છે તો આની સાઈઝ સારી છે. તમે તત્કાળ નિર્ણય નહિ કરી શકો અને પછી આમાંથી ખરેખર સારું શું છે એ નિર્ણય પર નહિ આવી શકવાને કારણે બેત્રણ સાબુ કે બેત્રણ ચોકલેટ લઈ લ્યો છે. એકને બદલે ત્રણ ખરીદ્યા પછી પણ તમે ઉત્તમ ખરીદી જ કરી છે એવો આત્મવિશ્વાસ કેળવી શકતા નથી. બહાર નીકળ્યા પછી પણ મનમાં કેટલીય વાર સુધી વિચારસંક્રમણ ચાલશે – આ રંગ ભલે લીધો પણ પેલો રંગ પણ કંઈ ખોટો નહોતો. આનો આકાર ગોળ છે પણ પેલો ષટ્‍કોણાકાર પણ ધ્યાન ખેંચે એવો હતો ઈત્યાદિ.

૧૯૭૦ કે ૧૯૭૧માં આપણે ત્યાં ટેલિવિઝનનું આગમન થયું. એ વખતે માત્ર બટન ઓફ અને ઓન કરવાનું હતું. ચૅનલનો કોઈ પ્રશ્ન જ નહોતો, ત્યાર પછી બે ચૅનલ, ચાર ચૅનલ અને આજે સેંકડો ચૅનલો દોઢ ફૂટના પડદામાં ગોઠવાઈ ગયેલી છે. પંદર કે સત્તર વરસના કોઈ કિશોર કે કિશોરીને રિમોટ કન્ટ્રોલથી પડદા પરના કાર્યક્રમને ફેરવતાં તને ધ્યાનપૂર્વક જોજો. કોઈ પણ ચૅનલને એ બે કે ત્રણ મિનિટથી વધુ સ્થિર રહેવા દેશે નહિ. એ વારંવાર ચૅનલ બદલશે. એના મનમાં ઊંડે ઊંડે ભય રહેલો છે કે એકની એક ચૅનલ લાંબો વખત જોવાથી ક્યાંક બીજી ચૅનલ પર આવતો વધુ સારો કાર્યક્રમ એ ગુમાવી દેશે. વધુ સારા કર્યક્રમની દોટમાં એ કોઈ કાર્યક્ર્મ સળંગ માણી શકતો નથી અને જે માણ્યું છે એ ખરેખર જ સારું છે એ વિશે એને ટકોરાબંધ ખાતરી થતી નથી.

આજના યુગની આ સહુથી મોટી કટોકટી છે. પચીસ કે પચાસ વરસ પહેલાં એક પરિવારમાં પાંચ કે સાત માણસ સાથે વસતા હોય તો એક કબાટ પૂરતો થઈ રહેતો હતો. આજે એ જ મધ્યમ વર્ગના સરેરાશ પરિવારના પ્રત્યેક સભ્યને પોતાનો અલાયદો કબાટ હોય છે અને આમ છતાં આ એક કબાટ એને પૂરતો થતો નથી. પચીસ વરસ પહેલાં વસ્ત્રોની જેટલી જોડીઓ તમે વપરાશમાં લેતા હતા એનાથી અનેકગણી વધુ જોડીઓ રાખવી એ આજની જરૂરિયાત થઈ ગઈ છે.

આપણે જરૂરિયાતો વધારી છે અને વધેલી જરૂરિયાતો પૂરી કરવા માટે વધુ ને વધુ દોડધામ કરીએ છીએ. અર્થશાસ્ત્રના પ્રાકૃતિક નિયમ પ્રમાણે વસતિ વધે એટલે કોઈ પણ જરૂરિયાતની એકની એક ચીજ માટે માંગણી પણ વધવાની. આને કારણે ભાવો પણ વધવાના જ. આ વધતા ભાવોને આપણે મોંઘવારી કહીએ છીએ. આ મોંઘવારી સામે આપણે બેફામ વિરોધ કરીએ છીએ પણ મોંઘવારીનું વિષચક્ર ચાલુ રાખવામાં આપણો પોતાનો કેટલો ફાળો છે એ વિશે વિચારણા કરવા જેવી છે.

આજનું અર્થતંત્ર કંઈ પ્રાદેશિક કે રાષ્ટ્રકક્ષાએ જ સીમિત નથી રહ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જે કંઈ પરિવર્તનો થાય છે એની વધતી ઓછી અસર આપણા સ્થાનિક બજારમાં વેચાતાં શાકભાજી ઉપર પણ પડે છે. પરવળ ખૂબ મોંઘાં છે એટલે મોંઘવારી વધી ગઈ છે એવી જ્યારે આપણે ફરિયાદ કરીએ છીએ ત્યારે મોંઘા પરવળને બદલે સોંઘા ભાવની દૂધી લાવીને આપણે ભોજનમાં ઉપયોગ કરી શકીએ છીએ. એ જ રીતે આપણે બિનજરૂરી ખરીદી ઉપર કાપ મૂકીને આ કહેવાતી મોંઘવારીનો સફળ સામનો કરી શકીએ એમ છીએ.

મોંઘવારી નથી એવું કહેવાનો આશય નથી. મોંઘવારી છે જ અને દેશના કરોડો અસંગઠિત વર્ગના નાગરિકોને જીવન-જરૂરિયાતની પ્રાથમિક ચીજો માટે પણ નેવાંનાં પાણી મોભે ચડાવવાં પડે એવી હાલત છે એનો ઈન્કાર થઈ શકે એમ નથી. આમ છતાં એ વાત યાદ રાખવા જેવી છે કે સામાન્ય વલણ પ્રમાણે વધતા ભાવો એ કોઈ નવી વાત નથી.

લગભગ સોએક વરસ પહેલાંનો લખાયેલો એક પત્ર મારી પાસે જળવાયો છે. આ પત્રના લખનારાએ એમાં લખ્યું છે – ‘ઘઉંના ભાવ દોઢ રૂપિયે મણ છે અને મોંઘવારી તો કાળઝાળ છે.’ નર્મદે એના સામયિક ‘ડાંડિયો’માં પણ લખ્યું હતું કે આ મોંઘવારી નામની ચુડેલ લોકોનો ભરડો લઈ રહી છે. માણસ પોતાની જીવનાવશ્યક જરૂરિયાતોને ઘટાડીને આ મોંઘવારી સામેની ફરિયાદો દૂર કરી શકે છે.

જીવનાશ્યક કોઈ પણ એક પદાર્થ માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ હોવા એને આપણે આજે વિકાસ કહીએ છીએ. આ વિકાસના નામે આપણે આપણી જિંદગીને સરળતા ખોઈ નાખીએ છીએ. અને પ્રત્યેક ડગલે ગૂંચવાડા વધારતા જઈએ છીએ. આદિ યુગમાં પાછળ જવાની આ કોઈ વાત નથી પણ જે કંઈ જૂનું છે એ ખરાબ જ છે અને જે કંઈ નવું છે એ જ સારું છે એવો ભ્રમ તો ન જ રહેવો જોઈએ. જે કંઈ બદલાય છે એ સુધારો છે એવું માની લેવું જોઈએ નહિ. હજુ થોડા દશકા પહેલાં ફર્નિચરની પસંદગી આપણે એના ટકાઉપણા પર આધારિત કરતા. આજે ટકાઉપણું નહિ પણ નવું મૉડલ માપદંડ બની ગયું છે. આજે ચીજમાં આકાર કે સગવડની દ્રષ્ટિએ દોરાવા પણ ફેરફાર થયો કે તરત જ એ નવું મૉડલ બની જાય છે. જેને આપણે જૂનું મૉડલ કહીએ છીએ એ સારી રીતે કાર્યક્ષમ હોય છતાં નવું મૉડલ આપણા માટે ગૌરવ બની જાય છે. નવા મૉડલની કેટલીય સગવડો આપણા માટે જરૂરી ન હોય છતાં મારી પાસે નવું મૉડલ છે એમ કહેવામાં આપણી છાતી ફૂલવા માંડે છે – આમાં ફૂલવા જેવું કંઈ નહિ હોવા છતાં !

જરૂરી હોવું અને માત્ર હોવું એ બે વચ્ચે આભજમીનનું અંતર છે. જરૂરી હોવા છતાં ન હોવું એ પ્રશ્નાર્થ ચિહ્‍ન છે અને જરૂરી ન હોવા છતાં હોવું એ આશ્ચર્ય ચિહ્‍ન છે. કેટલીક વાર માત્ર હોવાનો અહંકાર એટલો જબરજસ્ત હોય છે કે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ. માત્ર રાષ્ટ્રીય જ નહિ પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુધ્ધાં બહોળો વેપાર-ધંધો કરનારા એક ઉદ્યોગપતિ મિત્રે પોતાના બંગલાના દીવાનખંડમાં ગોઠવેલી ભગવાન બુદ્ધની એક સુંદર પ્રતિમા મને દેખાડી. પ્રતિમા ધાતુની હતી, કલાત્મક હતી અને પહેલી જ નજરે જોવી ગમે એવી હતી. મેં મારો પ્રતિભાવ સહજ ભાવે વ્યક્ત કર્યો ત્યારે એમણે ગૌરવભેર કહ્યું કે આ બિજીંગના એક કલાકારે પોતાના સ્ટુડિયોમાં મારા માટે ખાસ બનાવેલો એક્સક્લુઝિવ પીસ છે. આ એક્સક્લુઝિવ પીસના અર્થ વિશે મારા મનમાં ગડમથલ થઈ એટલે મેં પુઉછ્યું – ‘આવો બીજો પીસ શું ન મળી શકે ?’

‘ના.’ મિત્રે સીનો ટટ્ટાર કરીને કહ્યું, ‘આવો પીસ હવે એ કદી નહિ બનાવે. અને એટલે એણે આની કિંમત પણ ખાસ્સી પાંચ લાખ રૂપિયા લીધી છે.’

બુદ્ધની આ પ્રતિમા કલાત્મક અને સુંદર હતી એ વાત સાચી પણ આવી પ્રતિમાઓ સહેજસાજ જુદા જુદા ભાવ સાથે જુદા જુદા ઢંગથી આટલી સુંદર રીતે બનાવેલી હોય એ કંઈ અસંભવ નહોતું. અહીં મારી પાસે હોવાના સંતોષ કરતાં આવું બીજા કોઈ પાસે નથી એનો સંતોષ મોટો હતો. છેનું નહિ પણ નથીનું પ્રતિષ્ઠાપન થયું હતું.

માણસ પોતાની જરૂરિયાતો જાણે કે અજાણે જેમ તેમ વધારતો જાય છે એમ એમ એનું પરાવલંબન વધતું જાય છે. થોડાં વરસો પહેલાં નીચલા મધ્યમ વર્ગના લાખો માણસોને સીલિંગ ફેન જરૂરિયાત નહિ પણ વૈભવ લાગતો હતો. આજે પંખા વિના એક ઝૂંપડામાં રહેનારાને પણ ચાલતું નથી, એ જરૂરિયાત બની ગયો છે. હાઈવે ઉપરથી પસાર થતી વખતે અથવા તો વિમાન ઉતરાણ કરી રહ્યું હોય ત્યારે જો બારીમાંથી બહાર નિરીક્ષણ કરશો તો જોઈ શકશો કે અત્યંત દરિદ્ર પતરાની ચાલીઓ અથવા ઝૂંપડપટ્ટીઓમાં દરેક જગ્યાએ ટીવીની ડિસ્ક ડોકાતી હશે. કદાચ એવો ભિખારી પણ શોધ્યો નહિ જડે કે જેની પાસે મોબાઈલ ન હોય. અને આ સાથે જ દેશની ૪૦ ટકા વસતિને બે ટંક ભોજન મળતું નથી એવા આંકડા છે. ફ્રીજ, ઓવન, વૉશિંગ મશીન, વૉટર પ્યુરીફાયર અને કેટલીક હદે ઍરકંડિશનર સુધ્ધાં કાયમ આર્થિક ખેંચતાણ અને મોંઘવારીની ફરિયાદ કરનારાઓ માટે પણ જરૂરિયાત બની ગયાં છે. આનું એક પરિણામ એ પણ આવે છે કે આપણને રોજ ને રોજ કોઈક ને કોઈક મિકૅનિકની જરૂર પડે છે. પંખો બંધ પડી ગયો હોય અને ઈલેક્ટ્રિશિયન ઝટ હાથવગો થાય નહિ ત્યારે આપણે બેબાકળા બની જઈએ છીએ.

સરેરાશ માણસને મળતી સગવડો વધે અને એનું જીવનધોરણ ઊંચું આવે એ આનંદની વાત છે એમાં કશી બૂરાઈ નથી, પણ આ બધી સગવડો મેળવ્યા પછી સંતોષને બદલે અસંતોષ અને પરાવલંબન જ વધતું રહે તો સુખ મળ્યું ન કહેવાય. બીજું ગમે તે મેળવીએ પણ જો એનાથી સુખ દૂર રહેતું હોય તો એ પદાર્થ અર્થહીન છે.

જીવન રોજબરોજના સામાન્ય વ્યવહારમાં પણ કેવું આંકડામય થઈ ગયું છે એ ગમ્મત પણ જરા જોવા જેવી છે. પહેલાં આપણે સામાન્ય રીતે જન્મતારીખ યાદ રાખતા. ક્યારેક બૅન્ક એકાઉન્ટની પણ જરૂર પડતી. આ બૅન્ક એકાઉન્ટ નંબર પણ સામાન્ય રીતે ચાર પાંચ આંકડાનો રહેતો. આજે આપણે સંખ્યાબંધ આંકડાઓ મોઢે રાખવા પડે એવી હાલત છે. આજે આપણો બૅન્ક ઍકાઉન્ટ બાર આંકડાનો હોય છે. બૅન્ક સાથે જ કસ્ટમર આઈ.ડી. હોય છે, આધાર કાર્ડ નંબર હોય છે, પેન કાર્ડ નંબર હોય છે, મોબાઈલ નંબર હોય છે, ઈ મેઈલ એડ્રેસ અને કમ્પ્યૂટર ઓપરેટ કરવા માટે કેટલાય પાસવર્ડ હોય છે. આ બધા આંકડા જો ગણતરીમાં લઈએ તો દરેક માણસે શતાવધાની જ થવું પડે. અને આ બધા આંકડા રોજિંદા વ્યવહારમાં જરૂરી પણ બની ગયા છે. એવું લાગે છે કે જાણે માણસ અક્ષર મટીને આંકડો બની ગયો છે. એ હવે નામ નથી પણ સંખ્યા છે. હવે એ સોસાયટીની સી વિંગમાં ૭૧૨ નંબરના ફ્લૅટમાં રહે છે. એની ગાડીનો નંબર એમએચ ૦૪ બીકે ૯૩૭૮ છે. અથવા તો સ્ટેશનથી રોજ એ ૮.૫૭ની ગાડી પકડે છે. ૨૦૭ નંબરની બસ પકડે છે ઈત્યાદિ.

જે ઍરકન્ડિશન્ડ બેડરૂમમાં સૂવે છે અને થોડા જ દિવસ પછી માત્ર પંખાવાળો બેડરૂમ ફાવતો નથી. ઍરકન્ડિશનરનું ન હોવું એને દરિદ્રતા લાગવા માંડે છે.

વર્તમાન સમયગાળાને ક્યારેક ઉપભોક્તાવાદ તરીકે ઓળખવામાં આવે છે. વધુ ને વધુ ઉપભોગ કરવો, વધુ ને વધુ પદાર્થો use & through ના રૂપકડા સૂત્ર હેઠળ ફેંકી દેવા, કામની અને નકામી વધુ અને વધુ વસ્તુઓ ખરીદવી અને જીવનને યાત્રાને બદલે હડિયાપાટી બનાવી દેવું એ જ કદાચ આ ઉપભોક્તાવાદનું પાયાનું લક્ષણ છે.

– ડૉ. દિનકર જોષી
(સંપર્ક : ૧૦૨, પાર્ક એવન્યુ, મહાત્મા ગાંધી રોડ, દહાણુકર વાડી, કાંદિવલી (વે.) મુંબઈ – ૪૦૦ ૦૬૭)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “આ ઉપભોક્તાવાદ.. – ડૉ. દિનકર જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.