જશવંતસિંહ : ૧૯૬૨ના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકની સરહદે અખંડ ચોકી ! – લલિત ખંભાયતા

jaswant-singh-rawat૧૯૬૨નો નવેમ્બર મહિનો.

૨૦મી ઓક્ટોબરે ભારત સામે જંગે ચડેલા ચીનના પક્ષે સ્થિતિ રોજ રોજ મજબૂત થતી જતી હતી. ભારત માટે શરણાગતિ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ખુલ્લો ન હતો. કાશ્મીરમાં લદ્દાખ મોરચે અને ઉત્તર-પૂર્વ ભારતમાં અરૂણાચલ સરહદે ચીની સૈન્ય ઘણું અંદર ઘૂસી આવ્યું હતું. એ સંજોગોમાં ઠાલી લડત આપી વધુ સૈનિકો અને સરંજામ ગુમાવવા કરતાં પીછેહઠ કરવી સારી એમ માની લશ્કરને ચોકીઓ રેઢી મૂકી સલામત સ્થળે ખસી જવા સૂચના આપી દેવાઈ હતી.

આજનું અરૂણાચલ પ્રદેશ ત્યારે ‘નોર્થ-ઈસ્ટ ફ્રન્ટિચર એજન્સી (નેફા)’ તરીકે ઓળખાતા વિસ્તારનો ભાગ હતું. હિમાલયના સરેરાશ દસેક હજાર ફીટ કરતાં વધારે ઊંચા રણમેદાન પર લડવું ભારત માટે મુશ્કેલ હતું. કેમ કે સરહદ સુધી પહોંચવાનો કોઈ રસ્તો જ ન હતો. સામે પક્ષે ચીને યુદ્ધની પૂર્વતૈયારી રૂપે સરહદ સુધી તત્કાળ લશ્કર અને સાધન-સામગ્રી પહોંચાડી શકાય એવી વ્યવસ્થા કરી હતી. પરિણામ એ આવ્યું કે ટાંચા સાધનોથી લડવા નીકળેલા ભારતીય સૈનિકોના લોહીથી હિમાલયના હિમશિખરો રક્તરંજિત થતાં રહ્યાં.

ભારતના સ્વિત્ઝરલેન્ડ કહેવાતા અરૂણાચલના તવાંગ પર ચીનનો ડોળો વર્ષોથી હતો (આજે પણ છે). નવેમ્બર ૧૯૬૨માં ચીન તવાંગ તરફ આગેકૂચ કરતું હતું. સૈનિકોએ ફરજિયાત પણે નુરનાંગ પાસે આવેલો આજે ‘સેલા પાસ’ કહેવાતો ઘાટ ઓળંગવાનો હતો. એ ઘાટ પાસે ભારતીય સેનાની એક ચોકી હતી. અહીં લડતા સૈનિકો પૈકી કેટલાક મરાઈ ચુક્યા હતાં, જ્યારે બાકીનાએ આદેશ પ્રમાણે પીછેહઠ કરી હતી. ગઢવાલ ઈન્ફન્ટ્રીના જશવંતસિંહ રાવત નામના એક રાઈફલમેન હજુયે આ ચોકી પર મોજુદ હતા (રાઈફ્લ ઈન્ફન્ટ્રીઝ એ ભારતીય લશ્કરની એક શાખા છે). એમને પણ સૂચના હતી કે ચોકી રેઢી મૂકી પરત આવતા રહો, પણ જશવંતસિંહના મનમાં કંઈક અલગ મનસૂબા ઘડાઈ ચૂક્યા હતાં.

૧૭મી નવેમ્બરની વહેલી સવારે સાડા પાંચ વાગે નુરનાંગની આ ચોકી પર ચીની સૈનિકોએ આક્રમણ કર્યું. ચીની ટૂકડીમાં ૫૦થી ૧૦૦ સૈનિકો હશે. તેમને ખબર ન હતી કે સામે પક્ષે ચોકી પર કેટલા ભારતીયો આપણો સામનો કરવા તૈયાર છે. ચીની સૈનિકોના હુમલાને ખાળવા જશવંતસિંહ એકલા હતા. તેમની સાથે સેલા અને નૂરા નામની બે સ્થાનિક યુવતીઓ હતી. જશવંતસિંહ કરો યા મરો ના મૂડમાં હતા. પરિણામે ચીની સૈનિકોએ આક્રમણ કર્યું એ સાથે જ જશવંતસિંહે લડત આપી. ચીની સૈનિકો સમજી ન શક્યા કે સામનો કરનારા સૈનિકો છે કેટલાં, કેમ કે જશવંતસિંહ બે બંકર વચ્ચે ઘડીક અહીંથી તો ઘડીક ત્યાંથી ગોળીઓ ચલાવતા હતા. એ દોડાદોડીમાં તેમને પેલી બે યુવતીઓ મદદ કરતી હતી. પરિણામે ચીની ટૂકડી અટકી ગઈ અને મદદ માટે વધુ સૈનિકો બોલાવ્યા.

Jaswant Sinh Rawatઆ બાજુ એકલા જશવંતસિંહે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લડત આપીને ચીનાઓનું મહત્તમ નુકસાન કરવાનું નક્કી કર્યું હતું. જશવંતસિંહને ખબર હતી કે પોતે એકલપંડે આખી ચીની સેનાને રોકી શકવાના નથી. પરંતુ એનો મતલબ એ પણ નથી કે કાયરની માફક શરણાગતિ સ્વીકારી લેવી ! દરમિયાન થોડા વધુ ચીની સૈનિકો ઠલવાયા. આ બાજુ જશવંતસિંહનો જંગ ચાલુ જ હતો. પહાડી પૃષ્ઠભૂમિમાં ક્યાંથી કેટલા સૈનિકો લડત આપી રહ્યાં છે એ ચીની સેનાને સમજાતું ન હતું. સામસામા ગોળીબારમાં ચીની સૈનિકોના પણ મોત થઈ રહ્યાં હતાં.

એમ કરતાં કરતાં એક દિવસ પુરો થયો, બીજો દિવસ પુરો થયો, ત્રીજો દિવસ… લડત હજુય ચાલુ હતી. ભારત તરફે જશવંતસિંહ એકલા અને સામે પક્ષે સંખ્યાબંધ સૈનિકો… મદદ માટે વધુ સૈનિકો આવ્યા બાદ ચીની ટૂકડીની સંખ્યા ૩૦૦ સુધી પહોંચી હતી. આ બાજુ જશવંત એકે હજારા કહેવતને સાર્થક કરતાં વનમેન આર્મીનો રોલ ભજવતાં હતાં. જ્યાં સુધી ચીની સૈનિકોને ખબર ન પડે કે જશવંતસિંહ એકલા છે, ત્યાં સુધી નુરનાંગ જીતવું ચીનાઓ માટે મુશ્કેલ હતું.

ત્રીજા દિવસે જશવંતસિંહને ખોરાક-પાણી આપવા જઈ રહેલો એક સ્થાનિક ગ્રામવાસી ચીની સૈનિકોના હાથે પકડાઈ ગયો. ચીની સૈનિકોએ ત્રાસ આપ્યો એટલે તેણે માહિતી આપી દીધી કે ત્યાં તો એક જ સૈનિક છે ! પહેલાં તો ચીની સૈનિકોને આઘાત લાગ્યો અને પછી જશવંતસિંહની બહાદુરી પર માન પણ થયું. એક જ લડવૈયો છે એવી ખબર પડતાં ચીનાઓએ અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારો કરી જશવંતસિંહને શરણે આવા મજબૂર કરી દીધાં. ત્યાં સુધીમાં જશવંતસિંહ પાસે પણ ગોળા-બારૂદનો જથ્થો ખતમ થવા આવ્યો હતો. ‘પોઈન્ટ ૩૦૩’ રાઈફલમાં માત્ર એક ગોળી રહી હતી. દસેક હજાર ફીટની ઊંચાઈએ ચાલતી એ લડાઈ હવે નિર્ણાયક તબક્કે પહોંચી હતી.

ચીની સૈનિકો આવી પહોંચ્યા. શરણાગતિ સ્વીકારવી અથવા એક ગોળી ખાઈ મોતને આવકારવું એ બે જ વિકલ્પો હતાં જશવંતસિંહ પાસે. તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો. પોતાની બંદુકની છેલ્લી ગોળી પર ખૂદ જશવંતસિંહનું જ નામ લખાયેલું હતું ! વધુ એક જવાન શહીદ થયો. ગુસ્સે થયેલા ચીની કમાન્ડરે મૃતક જશવંતસિંહનું માથુ વાઢી લીધું અને પોતાની સાથે ચીન લેતો ગયો… ત્યાં સુધીમાં ૭૨ કલાક પસાર થઈ ગયા હતાં. એક એકલા સૈનિકે ૩૦૦ સૈનિકોને ૭૨ કલાક સુધી લક્ષ્મણ રેખા ઓળંગતા અટકાવ્યા હોય એવો દાખલો યુદ્ધના ઈતિહાસમાં બીજે ક્યાં મળવાનો ?

* * *

૨૧મી નવેમ્બરે તો યુદ્ધવિરામ થઈ ગયો. ભારતે હથિયારો હેઠા મુકી દીધા. બન્ને દેશો વચ્ચે રાબેતા મુજબ વાટા-ઘાટો ચાલી. કેદ થયેલા ભારતીય સૈનિકો પરત આવ્યા. જે ચીની કમાન્ડરે જશવંતસિંહનું માથુ વાઢી લીધું હતું એ જશવંતસિંહના પરાક્રમોથી એટલો બધો પ્રભાવિત થયો કે તેણે જશવંતસિંહના મોઢાનું તાંબાનું પૂતળું (બસ્ટ) બનાવી ભારતને પરત આપ્યું. ભારત સરકારે પણ જશવંતસિંહના પરાક્ર્મની કદર કરતાં તેમને મરણોત્તર મહાવીર ચક્રથી નવાજ્યા.

* * *

અરૂણાચલમાં તવાંગ જતી વખતે રસ્તામાં જશવંતગઢ આવે છે. એ જશવંતગઢનું નામ જ જશવંતસિંહના પરાક્રમોને અંજલિ આપવા પડ્યું છે. અહીં રાઈફલમેન જશવંતસિંહનું ‘મંદિર’ છે ! જશવંતસિંહ તો ૧૯૬૨માં વીરગતિ પામ્યા પણ અહીં આજેય તેમને જીવંત સૈનિકની માફક માન અપાય છે. રોજ સવારે સાડા ચારે જશવંતસિંહને પથારીમાં ચા આપવામાં આવે છે ! નવ વાગે જશવંતસિંહ નાસ્તો કરે છે અને સાંજે સાત વાગે તેમના ભોજનની થાળી પણ જશવંતસિંહની તસવીર આગળ મૂકવામાં આવે છે.

જશવંતસિંહ વાપરતા એ બધી જ ચીજો અહીં સાચવી રખાઈ છે. જશવંતસિંહના શૂઝ નિયમિત પોલિશ થાય છે. તેમના કપડાંની ધોલાઈ અને ઈસ્ત્રી થાય છે, પથારી પરની ચાદર નિયમિત બદલાવાય છે… ટૂંકમાં એક જીવંત વ્યક્તિની થતી હોય એ રીતે જ એમની સેવા થાય છે. ગઢવાલ રાઈફલની ટૂકડી ગમે તે સરહદે ફરજ બજાવતા હોય, તેનાં ૫-૬ જવાનો અહીં જશવંતસિંહની સેવામાં હાજર રહે છે.

જશવંતસિંહની ગણતરી એક કાર્યરત જવાન તરીકે થાય છે, એટલે આટલા વર્ષોની નોકરીમાં પ્રમોશન પણ આવે ને ! ૧૯૬૨માં જે જશવંતસિંહ રાઈફલમેન હતા એ કેપ્ટન, લેફ્ટનન્ટ કર્નલ, કર્નલ અને બ્રિગેડિયરથી પણ ઊંચી પાયરીના ગણાતા હોદ્દા મેજર જનરલ સુધી પહોંચ્યા છે. જશવંતસિંહને નિયમિત રજાઓ પણ મળે છે ! પણ મરેલો વ્યક્તિ કેવી રીતે રજાની અરજી કરે ? ના, જશવંતસિંહ નહીં, તેમના ઘરના સભ્યો વાર-તહેવાર-પ્રસંગે રજા માટે અરજી કરે છે, જે કાયદેસર રીતે મંજૂર થાય એટલે જશવંતસિંહ રજાનો આનંદ માણી શકે છે. અહીં તેમના સ્મારકમાં જ એક સર્ટિફિકેટ લટકે છે. જેમાં જશવંતસિંહને તેમના કુટુંબના એક સભ્ય યોગિન્દ્રના લગ્ન માટે દસ દિવસની રજા અપાઈ હોવાનું મંજૂરીપત્ર છે ! રજા મંજૂર થાય એટલે અહીં રાખેલી જશવંતસિંહની છબી તેમના ઘરે લઈ જવાય છે, જાણે જશવંતસિંહ ઘરે જઈ રહ્યાં છે ! એ પણ એક મેજર જનરલને મળતાં હોય એ બધા જ લશ્કરી સન્માન સાથે. તેમનો પગાર અને બીજી સુવિધાઓ તેમના ઘરના સભ્યોને મળતી રહે છે.

ચીની કમાન્ડરે આપેલું તાંબાનું પૂતળું જશવંતગઢ ખાતેના કિલ્લેબંધ સ્મારકમાં જ રાખવામાં આવ્યું છે. પરંપરા પ્રમાણે અહીંથી નીકળતા દરેક લશ્કરી અધિકારીએ જશવંતસિંહને સલામી આપવા રોકાવવું ફરજિયાત છે. જશવંતસિંહ સાથે શરૂઆતમાં ત્રિલોક અને ગોપાલ નામના બે સૈનિકો પણ હતાં જેમના બહુ પહેલા મોત થઈ ચૂક્યા હતા. એને પણ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જ્યારે જશવંતસિંહને મદદ કરનારી પેલી બે યુવતીઓ પૈકી એકના નામે આજે ત્યાંનું એક સ્થળ સેલા ઘાટ નામે ઓળખાય છે. પૌરાણિક કથાઓમાં માથા વગરના ઘડ લડતાં એમ અહીં જશવંતસિંહનો સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ દેહ લડત આપી રહ્યો છે.

* * *

૧૯૬૨ના યુદ્ધમાં ભારતે સત્તાવાર રીતે ૨,૪૨૦ સૈનિકો ગુમાવ્યા હતા. એ બધામાં જશવંતસિંહ એકમાત્ર એવા છે, જેઓ મર્યા પછી પણ જીવતાં છે. દરમિયાન ૫૦ વરસ પહેલાં પણ ચીનની નજર અરૂણાચલ પ્રદેશ પર હતી અને આજે પણ છે. ચીને ભારતની સરહદને અડીને રોડ – રસ્તાં – રેલવે લાઈનો બાંધી દીધી છે, જેથી જરૂર પડે ત્યારે ચીની સૈન્ય અને પુરવઠો બન્ને ગણતરીના કલાકોમાં સરહદે પહોંચાડી શકાય. સામે પક્ષે ભારતના રાજનેતાઓ પાસે લશ્કર હિમાલયના સરહદી મોરચે કઈ રીતે પહોંચશે એ ચિંતા કરવાનો પાસે સમય નથી… અડધી સદી પછી પણ ભારત ભારત છે અને ચીન ચીન છે.

– લલિત ખંભાયતા

(બ્રેવહાર્ટ્સ પુસ્તકમાંથી સાભાર, પુસ્તક પ્રાપ્તિની વિગતો – બુકશેલ્ફ, ૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ – ૯, પેજ – ૯૬, કિંમત – ૧૯૯/- રૂ. પુસ્તક સમીક્ષા માટે પાઠવવા બદલ લલિતભાઈ અને બુકશેલ્ફનો આભાર. આ પુસ્તકની સમીક્ષા અહીં ક્લિક કરીને વાંચી શક્શો.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “જશવંતસિંહ : ૧૯૬૨ના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકની સરહદે અખંડ ચોકી ! – લલિત ખંભાયતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.