સાતસો ફૂટની ટેકરી – ધીરુબહેન પટેલ

(‘નવનીત સમર્પણ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

ચડતાં તો ચડી ગઈ. હવે શું ?

આગળ ઘણું ચડાણ બાકી હતું. કેમે કરી ચડી શકાય એવું અત્યારે તો લાગતું નહોતું. નીચે ઊતરી જવાનું મન નહોતું. કોઈક રીતે આટલે લગી પહોંચી જવાયું. એક સપાટ ખડક જોઈને બેસી ગઈ. થોડો ગરમ તો હતો પણ સારું લાગ્યું. ચડવાથી થાકેલા પગને જરા શેક થયો.

ધારો કે કોઈ આ વખતે આવીને પૂછે, ‘શું કરે છે ? કેમ બેઠી છે ?’ તો શો જવાબ આપવો ? મનમાં ને મનમાં થોડા નિરર્થક શબ્દો આમથી તેમ ગોઠવ્યા પણ એ રમત નકામી હતી. કોણ આવવાનું હતું ? આવે તોયે કશું પૂછશે જ એવું શા માટે ધારી લેવું ?

‘સુનંદા !’ આશ્ચર્યથી હવામાં તરતો અવાજ આવ્યો. એણે તંદ્રામાં જાણે સાંભળ્યું… સારું લાગ્યું. પણ કંઈ કરવું જોઈએ એવું મન તો ન થયું. શાંતિથી બેસી રહી. ફરી વાર કોઈ બોલે તો જોયું જશે. પ્રશ્નોનો વરસાદ વરસશે તે ઝીલી લેવાનો. જરાક હસવાનું. બેચાર સાર્વજનિક જવાબો આપવાના, જેનો કંઈ ખાસ અર્થ ન હોય.

પોતે જ સુનંદા હતી અને પોતાની ગેરહાજરીની કોઈએ નોંધ લીધી હતી એટલો સધિયારો શું બસ નહોતો ?

થોડા વિશ્વાસ પછી પાછું પગમાં કૌવત આવશે. ધીરે ધીરે ઊઠવાનું અને આરામથી આસપાસ જોતાં જોતાં ઊતરી જવાનું. પ્રત્યેક પક્ષીનું નામ ને કુળ જાણવાની કશી ખાસ જરૂર હતી ? પંખી હતાં. ઊડતાં હતાં, વચ્ચે વચ્ચે ઝાડ પર બેસતાં હતાં અને કંઠ મોકળો મૂકતાં હતાં – કોઈ સાંભળે ન સાંભળે એની કશી પરવા વગર. પોતે તો સાંભળતી હતી, મઝા આવતી હતી.

ભલેને, નાની તો નાની એક ટેકરી તો હતી ! ઘરથી બહુ દૂર નહોતી. ફરી વાર ક્યારેક આવી શકાય – મન થાય તો. મન જડે તો. મનની વાત સંભળાય તો.

ક્યારે ઊઠી, ક્યારે ચાલવા માંડ્યું, ક્યારે જ્યાફતના સ્થળે પહોંચી. કંઈ ખ્યાલ રહ્યો નહીં. સૌએ જાતજાતના શબ્દો ઉડાડીને એને વધાવી લીધી. બધું બરાબર જ તો હતું છતાં એને એમ લાગ્યું કે પોતે પિયરથી સાસરે આવી ગઈ છે. એમાં કંઈ દુઃખ તો નહોતું જ.

રાતે સૂતાં પહેલાં પ્રસને એક વાર પૂછ્યું, ‘ક્યાં ભાગી ગઈ હતી તું ? સુમિતે માઉથ ઓર્ગન બહુ સરસ વગાડ્યું હતું. તેં મિસ કર્યુંને !’

‘હવે બીજી કોઈ વાર સાંભળીશ.’

‘આવી પાર્ટી ને આવો મૂડ જામશે ત્યારેને !’

‘જોઈએ.’

ત્યાર પછી ઘણા દહાડા વીતી ગયા. સવારે એ તરફની બારી ખોલતાં થોડેક આઘે ટેકરી દેખાય છે. બહુ આનંદ થાય છે. લગભગ રોજ એકાદ વખત વિચાર આવે, ‘ફરી એક વાર જવું છે. કોઈને સાથે લીધા વગર. જોવું છે, એ કયો જાદુ હતો… શબ્દ જ્યાં શમી જતા હતા. શરીર શ્રાંત અને શિથિલ, મનમાં કોઈ અજાણ્યો થનગનાટ…’

વિચાર કર્યાથીયે સારું લાગતું… પણ નીકળાતું તો નહીં. રોજ કંઈ ને કંઈ- મહત્વનું કે ક્ષુલ્લક- આવી પડતું અને રાતની ધાબળી બધે પથરાઈ જતી.

પ્રસેનને કે બીજા કોઈને આ વાત કહી શકાતી નહીં. જાણે શબ્દો અડવાથી એ અભડાઈ જશે અને બીજાં કામ પણ ક્યાં ઓછા હતાં ? ઘરમાં તો નિપુણ ગૃહિણી, હાથમાંથી અમી ઝરે, એની રસોઈ બધા વખાણી વખાણીને ખાય, છોકરાં પણ દેખાવડાં ને ડાહ્યાં- એકંદરે હેતપ્રીતનું જ વાતાવરણ. તેમાં હમણાંનું પાછું કોઈએ સામાજિક જવાબદારીનું ભાષણ ઠોક્યું હતું. એમાં લપટાઈને એ બે-ત્રણ સંસ્થાઓમાં પણ જતી હતી. થાકતી નહોતી. કંટાળતીયે નહોતી છતાં સવાર પડે ને બારી ખૂલે ત્યારે ટેકરીને જોતાંવેંત મનમાં એક ચંચળ આવેગ જાગતો- ક્યારે ? ક્યારે જવાશે ત્યાં ?

એકાદ બે વખત ઘરમાંથી અને કોઈ સંસ્થામાંથી વાત પણ ચાલી હતી. ‘ચાલોને, આ પડખેની ટેકરી પર પિકનિક ગોઠવીએ !’

એ ધ્રૂજી ઊઠતી… એવી રીતે એને નહોતું જવું. એ ટેકરી એની પોતાની હતી. એને ઘણા બધા લોકો સાથે ઘોંઘાટ ને ખાણીપીણીનો શસ્ત્રસરંજામ લઈને મળવા ન જવાય.

રુક્ષ ભાવે કહી દેતી, ‘જવું હોય તો જાઓ. મને નહીં ફાવે.’

‘તમારા વગર શી મઝા આવે ? કહો તો બીજો કોઈ દિવસ ગોઠવીએ.’ પણ એવા સ્નેહભર્યા આમંત્રણનો પણ જેમ તેમ અસ્વીકાર કરી દેતી ત્યારે જ રાહત લાગતી.

શું હતું આ ? બરાબર સમજાતું નહોતું. પણ કંઈક હતું તો ખરું જ. દિવસ પર દિવસ જતા હતા, છોકરાઓ સ્કૂલને બદલે કોલેજની વાતો કરવા માંડ્યા હતા અને પ્રસન્ન ગૃહજીવનમાં ઘણા બધા વધારે મહેમાનો અને મિત્રો પ્રવેશ્યા હતા એવામાં પ્રસેનની બદલી કલકત્તા થઈ.

આટલા વખતનું જામેલું ઘરબાર સંકેલીને નવા શહેરમાં જવું કંઈ સહેલી વાત હતી ? કામ, કામ અને કામ. દિવસના ચોવીસ કલાક તો જરાયે લેખામાં ન લાગે. તેમાં પાછાં અનેક સ્નેહીઓનાં આમંત્રણ… છેલ્લા પંદર દિવસ તો રસોડું જ બંધ કરી દેવું પડ્યું હતું.

સવારમાં એ બાજુની બારી ખોલતાં દિલમાં એક કસક ઊઠતી. એવું થતું કે આંખો બંધ કરી દેવી પડશે. એ ટેકરીના મૂક સંદેશ જાણે આવ્યા જ નથી, પોતે ઝીલ્યા જ નથી એવી વંચના તો શી રીતે થઈ શકશે ? પણ હકીકત એ હકીકત હતી. કલકત્તા જવાનું હતું ને એ પહેલાં ત્રણ-ચાર કલાક ચોરીને ટેકરી પર તો શું, એની તળેટીમાંયે નિરાંત જીવે પહોંચી શકાય એવું નહોતું.

મન મક્કમ કરીને સુનંદા સવારથી સાંજ લગી, ક્યારેક મધરાત લગી બધાં જરૂરી ને અગત્યનાં કામોમાં ડૂબેલી રહેતી. ચહેરો હંમેશાં શાંત ને હોઠ પર આછી સ્મિતરેખા. હૃદયમાં પણ શીળી ચાંદની પથરાયેલી હશે પણ ચંદ્રના મુખ પરનું પેલું કાજળનું ટપકું… એને કેવી રીતે નકારી શકાય ?

ટેકરી અહીં જ રહેવાની હતી અને સુનંદા અહીંથી જવાની હતી. સીધી અને સરળ વાત. કોઈ પણ શાણા માણસને આમાં કશો ઉલ્કાપાત ન દેખાય, સુનંદાને પણ નહોતો દેખાતો છતાં એક ઘા તો પડ્યો હતો… દૂઝતો ઘાઃ ક્યારે રુઝાશે તે કંઈ કહી ન શકાય. રુઝાઈ જાય એ પણ કંઈ સારું ન કહેવાય. વિસ્મૃતિનાં વાદળમાં ઘડીભર છુપાઈ જાય પણ એનું અસ્તિત્વ જ મટી જાય એવું તો ન થાય – ન થવું જોઈએ.

ટેકરી પરનો પેલો સમય… કોઈ અણમોલ અદ્વિતીય અલંકાર જેવો જૂની મજૂરના ખૂણામાં સંતાડેલો પડ્યો છે. એનું હોવાપણું, એની યાદ સુનંદા કેવી રીતે ભૂંસી નાખે? સદંતર રંક ન થઈ જાય? ના, ના, સુનંદા એવું નહીં બનવા દે. એ સમય શાશ્વતીનો સ્પર્શ પામ્યો છે… સદાય રહેશે.

કલકત્તા કંઈ ન ગમે એવું શહેર તો નહોતું. ઈતિહાસની અનેક મૂલ્યવાન પળોને સંઘરીને બેઠું હતું છતાં વર્તમાનનો પળેપળનો ધબકાર ઝીલતું હતું. અનેકાનેક સાહિત્યકારો, કલાકારો અને સંતોનો ચરણસ્પર્શ પામ્યું હતું… ભલે મેલાં તોયે ગંગાનાં નીર એને પખાળતાં હતાં. અફાટ જનસમયુદાયની સામૂહિક ઊર્જા ત્યાં ઊભરાતી હતી, ઊછળતી હતી. પ્રસેન કોઈ વાર બબડતો, ‘આ ક્યાં આવી ભરાયા? હવે છ મહિનામાં બદલી નહીં થાય તો હું રાજીનામું આપી દઈશ.’

સુનંદા એને મનગમતી કોઈ વાનગીની તાસક હાથમાં પકડાવી દઈને હળવું સ્મિત કરતી, ‘પછી ક્યાં જઈશું?’

‘મુંબઈ, મદ્રાસ, છેવટે હૈદરાબાદ, અમદાવાદ, બેંગલોર- ગમે ત્યાં. અહીંથી તો છુટાય ! સાચું કહેજે સુનંદા, આના કરતાં આપણું જૂનું ઘર ને નાનકડું શહેર વધારે સારું નહોતું?’

‘હતું જ તો ! ને ત્યાં પેલી ટેકરી પણ હતી !’ સુનંદાથી એક વાર બોલાઈ ગયું. તરત જાણે કંઈ અપરાધ થઈ ગયો હોય એમ વાતને વાળી લેતાં ઉમેર્યું, ‘ને લોકોએ કેટલા સારા!’

‘તે જ હું કહું છું ને!’

પણ આવું ઘડી ઘડી નહોતું બનતું. છોકરાઓ સુધ્ધાં બધાને કલકત્તા ગોઠી ગયું હતું. સુનંદાને પણ ત્યાંની સાડીઓ અને નવી જાતની બંગડીઓ ગમી ગઈ હતી. બધું બરાબર જ તો હતું.

ત્યાં જૂના પાડોશીને ત્યાં લગ્નપ્રસંગ આવ્યો. ઘણો ગાઢ સંબંધ હતો, આમંત્રણ નકારવાનો તો પ્રશ્ન જ નહોતો. ભેટોની ખરીદી થઈ ગઈ, આઠ દિવસ માટે આ ઘર બંધ કરવાનું અને ત્યાં જવાનું આયોજન પણ થઈ ગયું. બધા ઉત્સાહમાં હતા. ટ્રેનની લાંબી મુસાફરી રોમાંચક લાગતી હતી.

છેક છેલ્લી ઘડીએ સુનંદા બોલી, ‘તમે બધા જઈ આવો, મારાથી નહીં અવાય.’

શાથી નહીં અવાય એની ઘણી હૃદયદ્રાવક અને ક્રોધિત પૂછપરછ થઈ પણ સુનંદાથી જવાબ ન અપાયો. એને પોતાને પણ ક્યાં પૂરી ખબર હતી કે એ પુનર્મિલન અને ફરી વારનો વિયોગ એનાથી શી રીતે જીરવાશે ?

– ધીરુબહેન પટેલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “સાતસો ફૂટની ટેકરી – ધીરુબહેન પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.