જીવનમાં ‘યુ ટર્ન’ – પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

જીવનમાં ‘યુ ટર્ન’ – પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

(‘નિત્યાનંદ કૃપા’ સામયિકના જૂન-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

બાહ્ય અપેક્ષાઓ અને બાહ્ય સુખમાં પ્રબળ આકર્ષણ અનુભવીને અપાર આનંદ શોધતા માનવીનું ચિત્ત અશુદ્ધ ભાવો અને અશુદ્ધ વિચારોમાં લીન હોય છે; પરંતુ જ્યારે એ ઈન્દ્રિયોની ગુલામીનો ત્યાગ કરીને મુક્ત બને છે, ત્યારે એના જીવનમાં ‘યુ ટર્ન’ જેવું પરિવર્તન આવે છે.

જ્યાં સુધી એ ઈન્દ્રિયોનો દોડાવ્યો દોડતો હતો, ત્યાં સુધી એનું ચિત્ત સતત ટેન્શનમાં રહેતું હતું. એના જીવનમાં પ્રાપ્તિની હાંફળી-ફાંફળી દોડધામ દ્રષ્ટિગોચર થતી હતી અને તેને માટે આંધળી દોડ લગાવતો હતો. એક-બે નહીં, પણ પાંચ-પાંચ ઈન્દ્રિયોને સતત પોષવાની હોવાથી એને ક્યાંય પગ વાળીને બેસવાની નિરાંત સાંપડતી નહોતી; પરંતુ જે સમયે એ આત્મશુદ્ધિ પ્રત્યે જાગૃત બને છે ત્યારે એના જીવનમાં પરિવર્તન આવે છે.

પહેલાં જેમાં અપાર રસ હતો, એ પ્રત્યે હવે લેશમાત્ર આકર્ષણ નથી. અરે ! એના તરફ એ દ્રષ્ટિ પણ નાખતો નથી. જેની પ્રપ્તિમાં એને જીવનનું પરમ અને સર્વોચ્ચ ધ્યેય દેખાતું હતું, એ ધ્યેય જ બદલાઈ જાય છે એટલે પ્રાપ્તિની કોઈ કામના રહેતી નથી.

એ સમયે ઈન્દ્રિયોની બળબળતી લાલસામાંથી આધ્યાત્મિક મુમુક્ષા પ્રત્યેની ગતિમાં જવા માટે એને કપરી અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. આ એક ઊંચો કૂદકો છે. એક મોટી છલાંગ છે, એક એવું કાર્ય છે કે જે બાહ્ય દ્રષ્ટિએ દેખાતું નથી, કિંતુ માનવીને એક કિનારાથી છેક બીજા કિનારા સુધી લઈ જાય છે, ત્યારે ત્યાં કોઈ ભૌતિક ચીજ-વસ્તુઓ કે આકર્ષણો હોતાં નથી, પરંતુ માત્ર ને માત્ર ચિત્તની પરમ શાંતિ હોય છે.

ભૌતિકમાં આધ્યાત્મિક તરફની આ છલાંગ એ વિશે વિશેષ ચિંતન કરવાની જરૂર છે. આપણે દુન્વયી ભૌતિકતાની કે ઉચ્ચ આધ્યાત્મિકતાની વાત કરીએ છીએ. કિંતુ આ છલાંગનો, આ હરણફાળનો વિચાર કરતા નથી. હકીકતમાં પ્રત્યેક ધર્મનું કાર્ય છે તેમને ભૌતિકતામાંથી આધ્યાત્મિકતામાં છલાંગ મારવા માટે પ્રેરિત કરવાનું. ધર્મગ્રંથોનો પણ પહેલો અને મહત્વનો આદર્શ તો એ છે કે માનવી જીવનની વિલાસતાની વ્યર્થતાને ઓળખે અને છલાંગ મારીને વૈરાગ્ય પ્રતિ પોતાની જીવનનૌકાને લાંગરે.

એને માત્ર ઈન્દ્રિયની ભ્રામકતા જ સમજાતી નથી; પરંતુ એની પાછળની વ્યર્થતાને એ ઓળખે છે. એ વિચારે છે કે સ્વાદની પાછળ આટલું બધું દોડ્યો, મેવા-મીઠાઈ અને ફાસ્ટ-ફૂડ આરોગ્યા, પણ અંતે શું મળ્યું ? એને ખ્યાલ આવે છે કે અંતે તો એના શરીરને જીવલેણ વ્યાધિની પ્રાપ્તિ થઈ. યુવાનીમાં ઈન્દ્રિયોની વાસનાની પાછળ ખૂબ ઘેલો બન્યો; પરંતુ સમય જતાં વિચારશે કે આ વાસનાઓએ વેદના આપી અને જે ઈન્દ્રિયોના સુખ પાછળ એ દોડ્યો હતો, એ ઈન્દ્રિયો જ સ્વયં જીર્ણ અને દુર્બળ બની ગઈ.

આખી જિંદગી કોઈની નિંદા સાંભળાવામાં ઊંડો રસ લીધો હતો; પરંતુ એને કશું થયું નહીં, પણ માત્ર નિંદા સાંભળી-સાંભળીને એના કાન અને એનું ચિત્ત ક્લુષિત થયાં. જે મુલાયમ સ્પર્શની ખેવનામાં એ ખુવાર થયો, એ સ્પર્શે શું આપ્યું ? આ રીતે એને ખ્યાલ આવે છે કે ઈન્દ્રિયો માણસના મનને, શરીરને અને જીવનને પોતાની પાછળ આકર્ષે છે. પરંતુ જો માણસ એના સરવાળો કરવા બેસે તો ખ્યાલ આવે કે એ તો હતો ત્યાંનો ત્યાં જ છે, ઠેરનો ઠેર છે, કારણ એટલું કે ઈન્દ્રિયો રૂપી પાંચેય અશ્વોએ એને આમતેમ દોડાવ્યે રાખ્યો અને એને પરિણામે એના જીવનનો રથ તો જ્યાં હતો ત્યાં જ રહ્યો. એ જીવનરથે સહેજે ગતિ કે પ્ર-ગતિ કરી નહીં.

આનો અર્થ એવો નથી કે આપણે કાન, આંખ, જીભ કે ત્વચાની સદંતર ઉપેક્ષા કરવી જોઈએ. એનો અર્થ એવો પણ નથી કે જે શરીરમાં આ ઈન્દ્રિયો વાસ કરે છે, એ શરીર પાપભૂમિ છે અથવા તો ઘોર ઉપેક્ષાને યોગ્ય છે કે નરકની ખાણ છે. પણ સાધકો આવી ગંભીર ભૂલ કરી બેસે છે અને તેને પરિણામે શરીરની ઘોર ઉપેક્ષા એમના શરીરમાં વ્યાધિઓને નિમંત્રણ આપે છે અથવા તો એ શરીર અકાળે કે વહેલું વિલય પામે છે.

કોઈપણ પ્રકારના સાધકને માટે શરીરનું સ્વાસ્થ્ય જરૂરી છે. તપ અને ત્યાગની પરકાષ્ઠા પ્રગટ કરનાર ભગવાન મહાવીરે પણ દર્શાવ્યું છે કે, ‘શરીર નાવ છે અને આત્મા નાવિક છે.’ આનો અર્થ એ કે આત્માને માટે શરીરની આવશ્યકતા છે. એ સાચું કે એ શરીરને જાળવવું જોઈએ; પરંતુ વ્યક્તિનું ચિત્ત માત્ર શરીરના સુખમાં જ રમે તેવું થવું જોઈએ નહીં. એ બંનેનો પોતપોતાના સ્થાને મહિમા છે.

શ્રીમદ્‍ રાજચંદ્રએ કહ્યું છે કે, ‘શરીર છાશનો લોટો છે અને આત્મા ઘીનો લોટો છે.’ બંને એકમાંથી ઉત્પન્ન થયાં હોવા છતાં છાશ કોઈ ફરી ભરી આપે છે, પણ ઘીનો લોટો કોઈ ફરી ભરી આપતું નથી. આનો અર્થ એવો નથી કે છાશના લોટાનો ત્યાગ કરવો જોઈએ, બલ્કે જીવનમાં છાશના લોટા અને ઘીના લોટા વચ્ચેનો ભેદ જાણવો જોઈએ. ઘીના લોટા કરતાં છાશના લોટાને વધુ મહત્વનો માનનાર ભૂલ કરે છે એટલે દેહની સંભાળ લેવી જરૂરી છે, પણ એ એક અર્થમાં મરજિયાત છે, જ્યારે આત્માનો મહિમા ઘીના લોટા જેવો હોવાથી એને સંભાળવાની વ્યક્તિ કે સાધકની પૂર્ણ ફરજ અને પરમ કર્તવ્ય છે. દેહની સંભાળ સ્વાસ્થ્યની આવશ્યકતાની દ્રષ્ટિએ થવી જોઈએ, જ્યારે આત્માની સંભાળ વ્યક્તિના આધ્યાત્મિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થવી જોઈએ.
બહાર દોડાવતી ઈન્દ્રિયો જ્યારે અંતર્મુખ બને છે. ત્યારે એનામાં અધ્યાત્મની એક નવી તૃષા જાગે છે. પહેલાં ઈન્દ્રિય-સુખની પ્રાપ્તિની જે તરસ હતી, તે તરસ હવે અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિમાં પલટાઈ જાય છે. પહેલાં મન બહારનાં આકર્ષણોમાં ડૂબેલું હતું, હવે એને ભીતરનું આકર્ષણ જાગે છે. ધીરે ધીરે એ બાહ્ય આકર્ષણોનો ત્યાગ કરીને ભીતરમાં વધુને વધુ વસવાની ખેવના રાખે છે. પહેલા એનું મસ્તક કોઈ ઈશ્કી શાયરી કે પ્રેમકાવ્યથી ડોલતું હતું, હવે એ જ મસ્તક કોઈ અનહદના નાદની વાતે ડોલવા લાગે છે. પહેલાં વ્યવહારના સંબંધોમાં ભાવુકતાનો અનુભવ થતો હતો. દીકરો થોડી અવજ્ઞા કરે તો હૃદય પર આખો પહાડ તૂટી પડતો હતો. પત્નીની કોઈ ક્ષતિ થાય તો મન અકળાઈ ઊઠતું હતું. આધ્યાત્મિકતાનો અણસાર પામ્યો પછી પણ જીવનમાં આ બધી ઘટનાઓ બને છે ખરી; પરંતુ એનાથી ચિત્ત ગ્રસિત થતું નથી. વ્યક્તિ સાક્ષીભાવે એ સઘળું જોતો હોય છે.

આધ્યાત્મિક છલાંગ એટલે આત્માની ભીતરમાં જાગેલી તીવ્ર ઈચ્છા. આ ઈચ્છા વ્યક્તિને એક જુદે માર્ગે લઈ જાય છે. એના મનમાં નરસિંહ મહેતા જેવી ઈશ્વર પ્રત્યેની ભક્તિ, મીરાં જેવી પ્રભુમિલનની તૃષા અને આનંદઘન જેવી ‘આતમ પિયાલો’ પીધા પછીની મસ્તી જાગે છે. આ ભક્તિ સાધકની સમક્ષ એક ભાવ જગત રચે છે. એને પોતાની ચોપાસ પરમાત્મા, પરમાત્મા અને પરમાત્મા જ દેખાય છે.

એનામાં એક એવી તૃષા જાગે છે કે જે પિપાસા હવે પરમાત્માના મિલન વિના તૃપ્ત થવી શક્ય નથી. એનામાં એવી મસ્તી જાગે છે કે બાહ્ય સુખોમાં મેળવ્યું નહોતું એવું સુખ એને એની આત્મઅનુભૂતિમાંથી સાંપડે છે. એની આ છલાંગમાં એક પ્રકારની તીવ્ર તરસ હોય છે. એ પરમાત્મ-પ્રાપ્તિની તરસ છીપાવવા નીકળે છે અને ત્યારે એના હૃદયમાં બસ માત્ર એક જ રટણ હોય છે કે સર્વસ્વ સમર્પણ કરીને મારે મારા પરમાત્માને પ્રાપ્ત કરવો છે.

વ્યક્તિ જ્યારે આધ્યાત્મિક છલાંગ લગાવે છે, ત્યારે એને વ્યવહાર જગતની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના જીવનમાં ક્યારેય આવી પરમના સ્પર્શની ઈચ્છા જાગી જ નથી. અને વળી આની તડપનનો શું ખ્યાલ આવે ? જેના મનમાં આવી તીવ્ર તૃષા પ્રગટી નથી, એને વળી આ તરસની ઓળખ ક્યાંથી સાંપડે ? આને પરિણામે વ્યક્તિને વ્યવહારુ જગતનો ઉપહાસ સહન કરવો પડે છે.

આ સ્થિતિ કે દશા સાહસ માગે છે કે તમારે વ્યવહાર જગત તરફથી આવતા સંકટો, મુસીબતો અને ઉપેક્ષાઓનો સામનો કરવાનો હોય છે. સંત એકનાથ કે તુકારામ, મીરાં કે આનંદઘન, વિવેકાનંદ કે ગાંધીજી વ્યવહાર જગતની મુશ્કેલીઓથી મૂંઝાઈ ગયા હોત તો ? તો એમને ક્યારેય કશી ‘પ્રાપ્તિ’ થઈ ન હોત; પરંતુ એમની આધ્યાત્મિકતાએ એમના હૃદયમાં એક અપૂર્વ સંકલ્પશક્તિ પ્રગટ કરી હતી. જેમ કોઈ વીર યોદ્ધો રણમેદાનમાં આવતી આપત્તિઓ પર વિજય મેળવે છે, એ જ રીતે આ અધ્યાત્મ સાધક પણ એ પછી આવતી આપત્તિઓ સામે સંકલ્પપૂર્વક લડે છે અને એના પર વિજય મેળવે છે. આનો અર્થ જ એ કે જેવી વીરતાની જરૂર યુદ્ધના મેદાનમાં શત્રુને પરાજિત કરવા માટે છે, તેનાથી પણ વધુ મોટી વીરતા અધ્યાત્મના મેદાનમાં આવતા આંતર-બાહ્ય શત્રુઓના વિજયમાં છે.

– પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “જીવનમાં ‘યુ ટર્ન’ – પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.