સહજ પરમાર્થ – સ્વામિ નંદકિશોરજી

(‘નિત્યાનંદ કૃપા’ સામયિકના જૂન-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

આ જન્મે જ પરમાર્થ પ્રાપ્તિ
૧. મનુષ્ય જન્મ દુર્લભ છે. તે ફરીને મળશે એવી આશા રાખી આવતા જન્મે પરમાર્થ સાધન કરીશું એમ માનવું એ ભ્રમણા છે.
૨. મહાપાપી અને સંસારમાં ફસાએલાને પણ મુક્તિ મળી શકે એમ છે જ.
૩. બ્રહ્મનિષ્ટ સદ્‍ગુરુ દ્વારા બરાબર સમજીને વર્તીએ તો અઘરો જણાતો પરમાર્થ પણ સરળ બને છે.
૪. ભગવાન માતા પિતા છે. આપણે એમના શરણે રહીએ તો આપણો ઉદ્ધાર ચોક્કસ છે. ભગવાનની કૃપા સ્વાભાવિક, સહજ, અકારણ અને નિરપેક્ષ છે.
૫. પરમાર્થ પ્રાપ્તિ એ પ્રથમ કર્તવ્ય છે. વ્યવહારની ચિંતા કરવાની જરૂર નથી. એ તો પ્રારબ્ધ મુજબ નિયત થએલ છે. તેથી તે થઈને જ રહેશે.

પરમાર્થ પર ઠેર ઠેર પ્રવચનો થાય છે અને પ્રવચન સાંભળ્યા બાદ બહાર આવી શ્રોતાઓ વાતો કરે છે કે “વક્તા ઘણા વિદ્વાન છે. પ્રવચન બહુ સુંદર કર્યું.” વગેરે વગેરે, પરંતુ શ્રોતાઓને સાંભળવા પૂરતી જ મજા આવતી હોય છે. તેઓ પોતે તો તેવા ને તેવા જ રહે છે. જીવનમાં કંઈ ફેરફાર થતો નથી. આમ કેમ બને છે તે વિચારીએ.

વ્યવહારમાં જોઈએ છીએ કે જે કાંઈ આપણે કરતા હોઈએ તેની ગમ ન હોય તો ઘણી મહેનત કરવા છતાં પણ ધાર્યું પરિણામ મેળવી શકાતું નથી અને કામના જાણકાર લોકો થોડી મહેનતથી જ યુક્તિથી કામ કરી મહાન ફળ મેળવી લે છે. પરમાર્થની બાબતમાં પણ આવું જ છે.

પ્રવચનો સાંભળતાં સાંભળતાં અને શાસ્ત્રો વાંચતાં વાંચતાં જન્મારો વહી જાય છતાં આપણે હતા તેવા રહીએ છીએ. તેનું કારણ આપણું અજ્ઞાન છે. “અખા, વાંચ્યું કંઈ અને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું,” એવું થાય છે. શાસ્ત્રોમાં તો બરાબર લખાયું છે, પણ જે લખાયું છે તે આપણે યથાર્થ રીતે સમજતા નથી, તેથી તેનું પરિણામ કંઈ આવતું નથી ઊલટું ભળતું જ પરિણામ આવે છે. આવું હોવા છતાં આપણે પોતાને જ્ઞાની ને વિદ્વાન માનીએ છીએ ! આનું જ નામ માયા. માયા એટલે જે નહિ તે.

માયાનું બીજું ઉદાહરણ જોઈએ. આપણે જાણીએ છીએ કે આ મનુષ્ય દેહ સુદુર્લભ છે. ફરી ફરી મળતો નથી અને આ દેહ ગયા પછી ચોર્યાશી લક્ષ યોનિનો ફેરો છે છતાં કહીએ છીએ કે “શું કરીએ ? વ્યવહારમાં ફસાઈ ગયા છીએ. ખૂબ ગુંચવાઈ ગયા છીએ એટલે આ જન્મમાં કશું થતું નથી અને થવાનું પણ નથી હવે તો જે કંઈ થાય તે આવતા જન્મમાં,” આનું જ તો નામ ‘માયા’.

આ માનવ જન્મ મુક્તિનું દ્વાર છે. ભગવાને કૃપા કરીને આ મનુષ્ય દેહ આપણને મુક્તિ મેળવવા માટે જ -પરમ પદ પામવા માટે જ આપ્યો છે. મુક્તિ માટે કોઈ સાધન આવશ્યક હોય તો તે માનવ દેહ જ છે, માનવદેહ મળ્યો એ જ મુક્તિ માટેની આપણી યોગ્યતા-આપણો અધિકાર છે. અધિકાર વિષે આ સિવાયની કોઈ પણ કલ્પના કરવી તે ભ્રમણા જ છે, માયા છે.

આપણું બુમરાણ છે કે ‘અમે અજ્ઞાની છીએ, અમારામાં બુદ્ધિ નથી, અમે મહાપાપી છીએ, અમે ડગલે ને પગલે પાપ કર્યા કરીએ છીએ, સંસારમાં રચ્યા પચ્યા રહીએ છીએ, વખત મળતો નથી જ એટલે અમે પરમાર્થ ક્યાંથી કરીએ ?’ પરંતુ આ બધી આપણી ભ્રમણા જ છે, જીવ તો અજ્ઞાની જ છે અને તેથી તેનાથી પાપ થાય એમાં નવાઈ નથી. આપણે એવા છીએ છતાં પરમ કૃપાળુ માતા પિતા ભગવાને તેમાંથી પણ રસ્તો કાઢ્યો છે, અને મુક્તિ માટે રસ્તો એટલો સહેલો બતાવ્યો છે કે આપણે જે સ્થિતિમાં હોઈએ તે સ્થિતિમાં મુક્તિ પ્રાપ્ત કરી શકીએ.

ભગવાનનું એક નામ છે. “શુચિશ્રવા” પવિત્રજ સાંભળનાર પિતાનો કોઈ પુત્ર દુષ્ટ હોય તો તે સ્વાભાવિક જ ખરાબ કાર્ય કરે એના માટે તેના પિતા આગળ કોઈ ફરિયાદ કરે તો પિતાને તેથી નવાઈ લાગશે નહિ; પરંતુ કોઈ માણસ આવીને પિતા આગળ તે જ દુષ્ટ પુત્રના કોઈ સારા કામની વાત કરે તો તે વાત પિતાના મનમાં સહજ રીતે નોંધાઈ જાય છે તેવી જ રીતે ભગવાન આપણા દોષો જોતા નથી – પરંતુ આપણે જે સત્કર્મ કરીએ છીએ તે ભગવાનના મનમાં સ્વાભાવિક રીતે નોંધાઈ જાય છે. તેથી જ ભગવાનને “શુચિશ્રવા” કહ્યા છે.

ગીતાના મહાત્મ્યમાં પ્રશ્ન છે કે “હે પ્રભુ ! પ્રારબ્ધ ભોગવતાં ભોગવતાં અવ્યભિચારીણી ભક્તિ કેવી રીતે થાય ?” તેના જવાબમાં ભગવાન કહે છે કે “પ્રારબ્ધ ભોગવતાં ભોગવતાં એટલે કે સંસારમાં રહીને મનુષ્ય ગીતામાં બતાવેલા માર્ગે મુક્તિ મેળવી શકે છે.” અર્થાત્ ગીતામાં આપણા સંસારીઓની જ મુક્તિનો માર્ગ સરળ રીતે બતાવવામાં આવ્યો છે. સમર્થ રામદાસ મહારાજે પોતાના ગ્રંથ દાસબોધમાં કહ્યું છે કે, “याची जन्मी येखेची काले संसारी हीइजे निराज्ञे આ જન્મમાં અને અત્યારે જ સંસારી મુક્ત થઈ શકે છે.” તુકારામ મહારાજ કહે છે કે “હે માનવ તું આ જન્મમાં મુક્તિ પ્રાપ્ત કરી લે.” મદાલસા પોતાના બાળકને તેના જન્મથી જ ઉપદેશ આપતી અને તે બાળક સંસાર છોડી મુક્તિના માર્ગે જતો. જે જે બાળજ થતાં તેને મદાલસા એવો જ ઉપદેશ આપતી તે કહેતી કે, “મારા બાળકને જો ફરી માતાના ગર્ભમાં આવવું પડે તો મારો ઉપદેશ નકામો છે.” આ ઉપરથી એ સૂચિત થાય છે કે માનવ આ જ જન્મમાં મુક્ત થઈ શકે છે. જીવનમુક્તિ એટલે જ જીવતાં જ મુક્તિ, મરણ પછી જ મુક્તિ છે એમ નહિ. એ ઉપરથી પણ એજ સ્પષ્ટ થાય છે કે માનવ આ જ જન્મમાં મુક્ત પ્રાપ્ત કરી શકે છે; અર્થાત્‍ આ જ જન્મમાં સંસારમાં રહીને, આપણે જે પરિસ્થિતિમાં હોઈએ તે પરિસ્થિતિમાં જ, જેવા હોઈએ તેવા જ, મુક્તિ માટે કોશિશ કરી શકીએ છીએ અને મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ.

મુક્તિને આપણે અતિશય અઘરી માની બેઠા છીએ તેનું કારણ એ છે કે સામાન્ય વ્યવહારમાં પ્રાપ્ત કરવાની વસ્તુ જેમ જેમ વધુ મહત્વની તેમ તેમ તેની પ્રાપ્તિ વધુને વધુ કઠિન હોય છે અને તેથી વધારે શ્રમ કરવો પડે છે. પરમાર્થની બાબતમાં પણ આજ નિયમ લાગુ પાડીએ છીએ. એ વાત સાચી છે કે જીવ અજ્ઞાની છે તેથી શું કરવા યોગ્ય છે તે પોતે સમજી શકતો નથી તો પછી આચરવાની તો વાત જ ક્યાં રહી ! અજ્ઞાની જીવ જે કંઈ કરે છે તે અવળું હોય છે. કાદવમાં ફસાયેલો માણસ બહાર નીકળવા જે જે ઉપાય કરે છે તે બધા અવળા જ થઈ પડે છે. કેમકે પોતે બહાર નીકળવાને બદલે ઊલ્ટો કાદવમાં વધુને વધુ ઊંડો ખૂંપતો જાય છે. તે રીતે આ માયારૂપી કાદવમાંથી બહાર નીકળવાનો જે જે ઉપાય માનવ કરે છે તે બધા અવળા નિવડે અને પરિણામે પોતે વધુને વધુ માયામાં ફસાય છે. આમ સાધનો કરતાં કરતાં અનેક જન્મ વીતવા છતાં જીવનો પત્તો ખાતો નથી. તેથી જ માયાને તરવી કઠણ છે. “मम माया दुःत्यया” એમ ભગવાને કહ્યું છે છતાં નિરાશ થવાનું કોઈ કારણ નથી. કાદવમાં ફસાયેલો માણસ બહાર નીકળવાના બધા ઉપાય બંધ કરીને કાદવની બહાર રહેલાનું શરણ થઈ પોતાનો હાથ એને સોંપે તો એક જ પળમાં બહાર નીકળી શકશે. આવી જ રીતે જો માણસ પોતાના સાધનો છોડી માયાથી પર એવા સદ્‍ગુરુ અથવા ભગવાનનું શરણું સ્વીકારે તો તેની મુક્તિ તદ્દન સરળ બની જાય છે. ભગવાન આગળના ચરણમાં જ કહે છે કે मामेव ये प्रपधंते मायामेतां तरन्ति ते ।

એકવાર કોઈ એક મહાત્મા હિમાલયના એક ગામડામાં પહોંચ્યા તે વખતે ત્યાંના લોકોએ ફરિયાદ કરી, “મહારાજ ! અમે ઘણા દુઃખી છીએ, અહીં સાપ પુષ્કળ છે તેથી અમે ભયભીત રહ્યા કરીએ છીએ.” આ સાંભળી મહાત્માએ પૂછ્યું કે, “સાપ કરડવાથી તમારા ગામમાં કેટલા મરી ગયા ?” ત્યારે જવાબ મળ્યો કે મરી તો કોઈ ગયું નથી. ત્યારે મહાત્માએ લોકોને સમજાવ્યું કે, “તમે બધા કેવળ સર્પને જ જુઓ છો અને તમારા રક્ષક એવા ભગવાનને ભૂલી જાઓ છો !” આપણે પણ આવું જ કરીએ છીએ.

એ વાત સાચી છે કે આપણને માયા તરવી મુશ્કેલ છે. પરંતુ આ વિચારમાં આપણે કૃપાળુ ભગવાનને ભૂલી જઈએ છીએ, એક તરફથી આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ त्वमेव माता च पिता त्वमेव અને બીજી બાજુથી આપણે ચિંતાઓ કર્યા કરીએ છીએ ! જેને સાથે માતા પિતા છે એવા બાળકને ચિંતા કે ભય હોય જ નહિ. આ તો લૌકિક પિતાની વાત થઈ, તો પછી સર્વજ્ઞ અને સર્વસમર્થ એવા ભગવાન બધાનું હિત જ કરે છે એમાં સંશયને સ્થાન જ ક્યાં હોય ? બધાનું એટલે પાપીઓનું પણ; અશક્ત અને દુષ્ટ બાળકોની ચિંતા મા બાપને વધારે હોય છે.
વળી જેમ પ્રકાશ આપવો એ સૂર્યનો સ્વભાવ છે તેમ કૃપા કરવી એ ભગવાનનો સ્વભાવ છે. સૂર્યની નિંદા કરનારને પણ સૂર્ય પ્રકાશ આપે જ છે તેમ પાપી ઉપર પણ ભગવાન કૃપા કરે જ છે. કૃપા ન કરવી એ ભગવાન માટે અશક્ય વાત છે. બાળક ગમે તેટલું દુષ્ટ હોય છતાં માતા પિતાના મનમાં તેના હિતની લાગણી હોય છે જ. કોઈ શંકા કરે કે મનુષ્ય માત્રને પોતાનાં કરેલાં કર્મનાં ફળ ભોગવવાં પડે જ છે એટલે તેમાં ભગવાનની કૃપા શું કરી શકે ? તો આ શંકાનો વિચાર કરી લઈએ. એક બાળક પોતાના બાપનો હાથ પકડી બજારમાં જાય છે. રસ્તામાં સાયકલ, ગાડી, મોટર વગેરે સામેથી આવે તો પણ બાળકને તેનો બિલકુલ ભય કે ચિંતા નથી કેમકે તે પિતાની સાથે છે. આગળ જતાં બાળકે એક ચમકદાર કાચનો કકડો રસ્તામાં પડેલો દીઠો. તેનાથી લોભાઈને બાળક તે કકડો લેવા જાય છે અને બાપનો હાથ છૂટી જાય છે. એટલામાં સામેથી સાયકલ આવે છે, અને બાળક તેની અડફેટમાં આવીને પડી જાય છે. તેનાં કપડાં ધૂળવાળાં થાય છે તથા તેને વાગે પણ છે, ને લોહી નીકળે છે. પિતા બાળકને ઉઠાડે છે, કપડાંની ધૂળ ખંખેરે છે અને પાટો બાંધે છે. અહિં બાળકને પોતાનું કર્મનું ફળ તો ભોગવવું પડે છે છતાં દયાળુ પિતા તેની સંભાળ લે છે. આ રીતે જીવ વિષયોમાં લલચાઈ અવળું કામ કરી બેસે છે તો તેનું ફળ તો તે ભોગવે છે. છતાં કૃપાળુ ભગવાન એની સંભાળ પણ લે છે જ.

ભગવાનની કૃપા પ્રત્યેક ક્ષણે હોય છે. આ કૃપા સ્વાભાવિક, સહેજ અકારણ અને નિરપેક્ષ હોય છે. આ કૃપા મેળવવા માટે આપણે કંઈ પણ કરવું જ જોઈએ એવું નથી. આપણાથી કંઈ ખોટું થઈ જાય તેનું ફળ આપણે ભોગવવું તો પડે જ છતાં ભગવાન આપણા ઉપર કૃપા કરી આપણી સંભાળ રાખે જ છે. માણસ ગુનો કરવાથી શિક્ષા પામે છે અને જેલમાં જાય છે. જેલમાં જેલર એની દરેક પ્રકારની સંભાળ રાખે છે. કેદીએ તો તેને જે કામ સોંપવામાં આવે તે જ કરવાનું હોય છે. બાકી બધી રીતે પોતે નિશ્ચિત હોય છે. તેના આરોપીની દેખભાળ, ખાવાપીવાની વ્યવસ્થા વગેરે સર્વે બાબતો જેલર જ સંભાળે છે. તે રીતે સંસારી જીવ વિષયોના મોહથી જે જે અપરાધ કરે છે તે સર્વેનાં ફળ તે ભોગવે છે છતાં તેની બધી વ્યવસ્થા ભગવાન કરે છે. જીવે તો ફક્ત ભગવાને નિયત કરેલું એટલે સોંપેલું કાર્ય જ કરવાનું હોય છે.

પરમાર્થ એટલો સરળ હોવા છતાં લોકોને અતિશય કઠણ કેમ લાગે છે તેનો વિચાર કરતાં દક્ષિણના એક મહાત્માએ શોધી કાઢ્યું કે લોકોની શ્રદ્ધા જ એવી થઈ ગઈ છે કે પરમાત્મ પ્રાપ્તિ અતિશય અઘરી છે. અનેક જન્મે જ થાય. આવી અવળી શ્રદ્ધા છે તો પછી એક જન્મમાં ક્યાંથી થાય ? લોકોની આવી અવળી માન્યતા જ મુશ્કેલી ઊભી કરે છે. यदि शी भावना यस्य सिद्धिभर्वति तादशी । આપણો તો આવતો જન્મ નિશ્ચિત છે એમ માની લઈને જ તેને માટે ભાથું તૈયાર કરીએ છીએ. આ જ જન્મમાં મુક્તિ મળી શકે એ સત્ય આપણી બુદ્ધિમાં બેસતું જ નથી. સાચી વાત એ છે કે આ જન્મે જ મુક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાને આપણને આ માનવ દેહ આપ્યો છે. આ સત્ય જો મનુષ્યને બરાબર ગળે ઊતરે અને આ સત્યને અનુકૂળ એવી શ્રદ્ધા બંધાય તો જરૂર આ જન્મે જ મુક્તિ મળી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.

પરમાત્મ પ્રાપ્તિ અતિશય અઘરી છે. તેવું ભૂત માણસના મનમાં ભરાઈ ગયું છે તેથી તે બધું જ અઘરું અઘરું દેખે છે અને દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જેવા રંગના ચશ્માં પહેરીએ તેવા રંગનું સઘળું દેખાય. જેમ કે ગીતામાં अनेक जन्म संसिद्धः बहुनां जन्मनां अंत, मम माया दुरस्यया વગેરે વચનો શોધી કાઢીને પોતાની અઘરાપણાની માન્યતાની પુષ્ટિ આપે છે અને વળી क्षिप्रं भवति धर्धास्मा अचिरात અને એવા બીજા શબ્દો જે માર્ગની સરળતા બતાવે છે તેને પણ તર્ક વડે કઠિનતાના સમર્થનમાં લગાડે છે. મુક્તિ મળવી સરળ છે તે બાબત ઉપર એમની બુદ્ધિ ઝુકતી જ નથી. આપણે ઉપર જોઈ ગયા કે અજ્ઞાની એવા જીવ માટે સર્વપ્રયત્ને તો મુક્તિ પ્રાપ્ત કરવી અતિશય અઘરી છે પણ કૃપાળુ ભગવાનની સહાય હોવાથી તે અતિ સરળ છે એમાં શંકા નથી. તેથી એકવાર આપણી ભાવના બદલાય તે પછી આપણે માટે મુક્તિ પ્રાપ્ત કરવી સરળ છે.

ટૂંકમાં, મનુષ્ય જન્મ ફરી ફરી મળવાનું કોઈ ચોક્કસપણું નથી અને મૃત્યુ ક્યારે આવશે તે પણ નક્કી નથી, તેથી આ મળેલી અમૂલ્ય તક ન ગુમાવતા અત્યારથી જ ભગવાનની ભક્તિ જે સહજ અને સ્વાભાવિક છે તેનો પ્રારંભ કરી આ જન્મ સાર્થક કરવો એ પહેલું કર્તવ્ય છે. વ્યવહારની ચિંતા કરવાની જરૂર નથી કેમકે તે તો પ્રારબ્ધ મુજબ નક્કી થયેલો છે અને થઈને જ રહેશે.

– સ્વામિ નંદકિશોરજી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “સહજ પરમાર્થ – સ્વામિ નંદકિશોરજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.