(‘જનકલ્યાણ’ સામયિકના મે-૨૦૧૫ના અંકમાંથી સાભાર)
‘હાં… જી…! આપકા ટિફિન આ ગયા છૈ, લે લો !’
વડોદરાની કોઈ પણ હોસ્ટેલમાં’૮૦ના દાયકામાં લાંબા લહેકાથી બોલાયેલ ‘હાં…જી…’ સંભળાય એટલે વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય કે રામુદાદા આવી ગયા ! ‘હા’ અને ‘જી’ને છૂટાછૂટા કરીને લંબાણપૂર્વક બોલવાની એમની એક આગવી સ્ટાઈલ હતી.
રામુદાદા પોતે પંજાબી હતા. ઘણા લોકો એમને ‘સરદારજી’ પણ કહેતા. મધ્યમ બાંધો, ૫ ફૂટ ૮ ઈંચ જેટલી ઊંચાઈ, પહેરવેશમાં ચડ્ડી અને ઉપર લાલ કે કેસરી રંગનું ટીશર્ટ, જે લગભગ અડધી બાંયનું જ હોય, ઉપરાંત પંજાબી લોકોના રિવાજ મુજબ કડું, દાઢી અને માથાના લાંબા વાળ, તડકામાં સતત સાઈકલ ચલાવવાને કારણે શ્યામ પડી ગયેલી ચામડી અને કાયમ હસતો ચહેરો : આ એમનો હંમેશનો દેખાવ ! રામુદાદા માથા પર પાઘડી ન પહેરતા, પરંતુ વાળને કપડામાં બાંધી રાખતા.
એક વખત મેં એમને કહ્યું કે, ‘રામુદાદા ! તમે કિરપાણ તો રાખતા નથી, તો પછી આ વાળ-દાઢી પણ કાઢી નાખતાં હો તો?’
ત્યારે એમણે કહેલું, ‘નહીં જી ! યે તો હમારે ગુરુઓ કી નિશાની હૈ ! ઈસકો મેં કભી નહિ નિકાલ સકતા !’ શીખ ધર્મની એ નિશાનીઓ માટે એમને કેટલું બધું માન હતું એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
હોસ્ટેલમાં ટિફિન આપવા-લેવાનું કામ તો ઘણા બધા કરતા, પરંતુ રામુદાદાને સૌથી વધારે ગ્રાહકો મળતા. એનું એક કારણ એમની ઈમાનદારી હતી. એમની સેવા પણ નિયમિત. એક વખત આખા વરસનો ટિફિન લાવવાનો ભાવ કહી દે, પછી સરકાર જેમ છાશવારે પેટ્રોલના ભાવમાં ૨-૩ રૂપિયા વધારી દે છે એવું ક્યારેય ન કરતા. રામુદાદાએ એક વખત અમુક પૈસા કહી દીધા એટલે પતી ગયું ! આખું વરસ એટલો જ ભાવ રહેશે એ વાતે વિદ્યાર્થીઓને બેફિકર રહેવાનું !
બીજું એક અગત્યનું પાસું હતું, એમનું ચારિત્ર્ય. ક્યારેય કોઈ બહેન-દીકરીની સામે ઊંચું જોઈને એમને વાત નહીં કરી હોય. ‘જી બહેનજી !’ કહી, નીચું જોઈને વાત કરવાની જ એમની આદત. હોસ્ટેલની લોબીમાં કોઈ વિદ્યાર્થિની સામે મળી જાય તો રામુદાદા સાઈડમાં ઊભા રહી જાય. પેલી બહેન જતી રહે પછી જ રામુદાદા ચાલવાનું શરૂ કરે !
સમયના પણ એ એટલા જ પાબંદ. પહોંચી શકે એમ ન હોય તો ટિફિનનો કોન્ટ્રાક્ટ લેવાની ના પાડી દે. બાકી, વિદ્યાર્થીને લટકાવી દેવાની વાત તો ક્યારેય ન આવે.
ઘણી વખત હું હોસ્પિટલ ડ્યૂટીમાંથી છૂટીને મોડો જમવા ગયો હોઉં ત્યારે આર.એમ.ઓ. હોસ્ટેલની મેસમાં રામુદાદાનો ભેટો થઈ જતો. હું ઠંડી થાળી ખાઈ લઉં એના બદલે એ ભાત વઘારી આપતા. અમને ગરમ ભાત ખવડાવતા રામુદાદા પોતે તો સાવ ઠંડું જ ખાતા. દસેક રોટલીનું ભૂંગળું વાળી, નળ નીચે ધોઈ નાખે. પછી એ ભીની રોટલી એમ જ લૂખી ખાઈ જાય. ન તો શાક લેવાનું કે ન તો એને દાળમાં બોળવાની !
એક દિવસ રાત્રે નવેક વાગે અમારી મેસના પાછળના દરવાજે મેં રામુદાદાને ઊભેલા જોયા. અમારી મેસનો નોકર વધેલા દાળ, ભાત, શાક, રોટલી વગેરે જથ્થામાં રામુદાદાને આપી રહ્યો હતો. મને નવાઈ લાગી કે રામુદાદા આટલાં બધાં અનાજ-રાંધેલાં અનાજનું શું કરતા હશે ? ક્યાંક મેસના નોકર સાથે મળીને એ બધું વેચી દેવાનું કૌભાંડ તો નહીં ચાલતું હોય ને ? ઝૂંપડપટ્ટીઓમાં આવું બધું ખરીદવાળા ઘરાક પણ મલી જ જાય ! અને આજના યુગમાં તો બધું જ શક્ય છે. એ દિવસે ખરેખર મારા મનમાં એક શંકાએ ઘર બાંધી લીધું હતું.
આ પ્રસંગના થોડા દિવસ પછી અમે એક અદ્ભુત દ્રશ્ય જોયું. વડોદરાના સ્ટેશન તરફથી અમે થોડાક મિત્રો ચાલતાં ચાલતાં આર.એમ.ઓ. હોસ્ટેલ તરફ આવી રહ્યા હતા. રાતના નવ વાગી ગયા હતા. અમે સયાજીગંજ ઝૂંપડપટ્ટી પાસે પહોંચ્યા. એ વખતે અમે જોયું તો રામુદાદા ઝૂંપડાવાસીઓને ખાવાનું વેચતા નહોતા, પણ વહેંચતા હતા ! સાવ મફત ! ઝૂંપડાવાળા લાઈનમાં ઊભા રહી, સંપૂર્ણ શિસ્ત સાથે પોતપોતાના વારા મુજબ જમવાનું લઈ જતા હતા. બધા રામુદાદાને ખૂબ માનથી બોલાવતા હતા. રામુદાદા પણ આનંદથી બધાને બોલાવતા હતા, ‘હાં… જી…! સબકો મિલેગા ! હાં… જી…! લાઈન મત તોડના ! સબકો મિલ જાયેગા !’
અમે દૂરથી આ જોતાં રહ્યાં. બધાંને જમવાનું મળી ગયું પછી રામુદાદા એકાદ-બે ઝૂંપડામાં જઈને જાતે આપી આવ્યા. ‘હાં ! વો માઈ ચલ નહીં સકતીને ! ઈસલિયે ! હાં… જી…!’ એવું કહેતા એમણે ઘણા વૃદ્ધોને બીજી વખત થાળી-વાટકો ભરી આપ્યાં. એ વખતે એ ભૂખ્યાઓને ભોજન કરાવનાર કોઈ સંત જેવા લાગતા હતા. અમને જોઈને એ દોડતા નજીક આવ્યા. પછી જાણે શરમાઈ ગયા હોય એમ બોલ્યા, ‘હોસ્ટેલ કા બચા-કૂચા ખાના ઈન લોગો કે પેટ મેં જા સકે ઈસલિયે યહાં લેકે આતા હૂં ! યે સબ બહોત ખુશ હો જાતે હૈ !’
અમે પણ ખુશ થઈ ગયા હતા. હાથ હલાવીને અમારી ખુશી વ્યક્ત કરી અમે હોસ્ટેલ તરફ પાછા ફર્યા. રામુદાદાના એ નવા સ્વરૂપે મારી બધી જ શંકાઓ નિર્મૂળ કરી નાખી હતી. આજના યુગમં પણ આવી વ્યક્તિને જોઈ હૈયું ભરાઈ આવ્યું. મધર ટેરેસા કે આલ્બર્ટ સ્વાઈત્ઝર જેવી વ્યક્તિઓ કદાચ જગતના ખૂણેખૂણે હશે જ. બસ, ફરક એટલો જ કે રામુદાદા જેવાની ઈતિહાસ નોંધ નથી લેતો !
રામુદાદાએ લગ્ન નહોતા કર્યા. સાવ એકલા માણસ ! પોતાનો જે પગાર આવે એ ભેગો કરવાને બદલે એમાંથી પણ એ ગરીબોને મદદ કરતા. એસ.એસ.જી. હોસ્પિટલની બાજુમાંથી નીકળે અને કોઈ ગરીબને તકલીફમાં જુએ તો પોતાની પાસે ખિસ્સામાં હોય એટલા પૈસા એને આપી દે. ગરીબ દર્દીઓને દવા પણ લાવી આપે. એક વખત કોઈ ગરીબ દર્દીને દવા માટે પોતાના ખિસ્સામાં હતા એ બધા જ પૈસા આપી દીધા પછી પણ ઘટ પડી. એ વખતે બાકીના પૈસા ત્યાંથી પસાર થઈ રહેલા મારા મિત્ર મેહુલે આપ્યા હતા.
માનવતાના ઝંડાને કોઈ પણ જાતના દંભ વગર ઊંચો પકડી રાખનાર રામુદાદા કાયમ કહેતા કે, ‘મેરે લિયે તો સબ ઈન્સાન સમાન હૈ, ભૈયા ! ભગવાનને હી સબકો બનાયા હૈ !’ સર્વધર્મ સમભાવની વાતો કરતા દંભી નેતાઓ કે ધુતારાઓ કરતાં રામુદાદા અમને એક વેંત ઊંચા લાગતા.
હોસ્ટેલની રૂમમાં ઘૂસેલા મચ્છરોને ભગાડવા માટે રામુદાદા દરેક રૂમમાં લીમડાનો ધુમાડો કરી આપતા. હું એમને પૂછતો, ‘યે મચ્છર કો ભગવાનને નહીં બનાયા ક્યા ?’
‘હાં… જી…! હૈ ના ! ઈસી લિયે તો ઉન્હે માર નહીં રહા ! સિર્ફ ભગા રહા હોં !’ રામુદાદા હસતાં હસતાં જવાબ આપતા.
આખો દિવસ તનતોડ મહેનત કરતો અને પોતાનું કામ પૂરી ઈમાનદારીથી કરતો એ માણસ, ગરીબ માણસોને અમારી આર.એમ.ઓ. હોસ્ટેલનું ઉત્તમ ખાવાનું ખવડાવતો એ માણસ, બધાને વિનય-વિવેકથી બોલાવતો, પોતાની મર્યાદા સમજતો અને દરેકમાં ઈશ્વરનાં દર્શન કરતો એ માણસ મને તો હંમેશાં માણસના રૂપમાં રહેલ ફરિશ્તા જેવો જ લાગતો.
૧૯૮૪ના નવેમ્બર મહિનાના આરંભના દિવસો હતા. એક દિવસ હું હોસ્ટેલના દરવાજા પાસે આવેલ નાનકડા બગીચામાં બેઠો હતો. એ વખતે રામુદાદા સાઈકલ પર આવી પહોંચ્યા. એમનો દેખાવ જોઈને હું છક થઈ ગયો. એમણે ચડ્ડીને બદલે પેન્ટ પહેર્યું હતું. દાઢી કઢાવી નાખી હતી. માથાના વાળ કપાવી નાખ્યા હતા. હું બે ક્ષણ માટે તો એમને ઓળખી જ ન શક્યો. મારાથી નવાઈ સાથે પૂછાઈ ગયું, ‘અરે રામુદાદા ! આમ કેમ ? આટલો બધો ફેરફાર શા માટે ?’
‘જી ! કુછ નહીં સાહબ ! યે ક્યા હૈ કી આજકાલ શીખોંકો સબ માર દેતે હૈના ઈસલિયે !’ દુઃખ સાથે એ બોલ્યા.
ઈન્દિરા ગાંધીની હત્યાના બધે કેવા વરવા પડઘા હતા એનું આ પ્રત્યક્ષ પ્રમાણ હતું. એમની વ્યથા સમજતાં મને વાર ન લાગી. એમના માટે તો હિંદુ, મુસ્લિમ, શીખ બધા સમાન હતા, પરંતુ બાકી બધાને રામુદાદાની દ્રષ્ટિ નહોતી મળી એ જ તો દુઃખ હતું.
હું કંઈ બોલી ન શક્યો. આવા પ્રસંગોએ ઘણી વખત આપણને યોગ્ય શબ્દો મળતા પણ નથી. શું બોલવું એ ન સૂઝવાથી હું એમની સામે જોતો ઊભો રહ્યો. એ પછી એ હોસ્ટેલની મેસમાં જતા રહ્યા.
થોડી વાર પછી રામુદાદા ઝૂંપડપટ્ટીના માણસો માટે ખાવાનું લઈ એમને આપવા નીકળ્યા. મને હજુ ત્યાં જ બેઠેલો જોઈ એમણે બે મિનિટ સાઈકલ ઊભી રાખી. હું કંઈ બોલું એ પહેલાં એ જ બોલી ઊઠ્યા, ‘ઈન્સાન પર કબ પાગલપન છા જાયે, હમ નહીં કહ સકતે ! હમારા કિસીને કુછ ભી બિગાડા નહીં લેકિન…’ એટલું કહી એ અટક્યા. પછી માથા પર હાથ ફેરવીને દુઃખી અવાજે બોલ્યા, ‘યે હમારે ગુરુઓંકી નિશાની નિકાલની પડી, વો બિલકુલ અચ્છા નહીં હુવા !’
‘રામુદાદા !’ મેં કહ્યું, ‘આદમી હૈ હી ઐસા ! વો હૈ હી પૈદાઈશી નિકમ્મા !’
પરંતુ વધારે કાંઈ વાત કરવાને બદલે પોતાની જ ધૂનમાં સાઈકલ મારી મૂકતા રામુદાદા બોલ્યા, ‘હાં… જી…!’
– ડૉ. આઈ. કે. વીજળીવાળા
17 thoughts on “રામુદાદા – ડૉ. આઈ. કે. વીજળીવાળા”
Very heart touching
‘ઈન્સાન પર કબ પાગલપન છા જાયે, હમ નહીં કહ સકતે ! હમારા કિસીને કુછ ભી બિગાડા નહીં લેકિન…’ એટલું કહી એ અટક્યા. પછી માથા પર હાથ ફેરવીને દુઃખી અવાજે બોલ્યા, ‘યે હમારે ગુરુઓંકી નિશાની નિકાલની પડી, વો બિલકુલ અચ્છા નહીં હુવા !’
‘રામુદાદા !’ મેં કહ્યું, ‘આદમી હૈ હી ઐસા ! વો હૈ હી પૈદાઈશી નિકમ્મા !’
આભાર્………….
કર્મ સે હે સબકેી પહેચાન ,સબ કો સન્મતિ દે ભગવાન..આભાર
ડાકટર સાહેબ નિ કલમ અદ્ભુત છે જે હ્રદય ને સ્પર્શ કરે છે.
સદાચારી વ્યક્તિતત્વ એટલે મંદિર. જો તમે મંદિર ન જઈ શકો અને આવા રમુદાદા જેવા માણસને મળ્યા હોવ તો સમજજો કે તમારે મંદિર જવાની જરૂર નથી. આપનો સમાજ આવા વ્યક્તિઓ થી ટકી રહ્યો છે. કામ પણ કરવાનું અને માફ પણ કરવાનું. આવા વ્યક્તિઓ ને શત શત વંદન
હ્રદય સ્પર્શિ વાર્તા.
ડૉ. સાહેબ ની વાર્તા આપવા બદલ રીડગુજરાતી નો ખૂબ ખૂબ આભાર. ડૉ. વીજળીવાળા ની કલમ અદભૂત છે. માનવતા અને દેવત્વ એ તેમની વાર્તા નો વીષય હોય છે, અને એટલે જ તેમા અનોખી સુગન્ધ હોય છે.
ધન્યવાદ.
આઇ કે વિજળી ની વાતૉ મને ખુબ ગમે છે.
વીજળીવાળા સાહેબ,
નમસ્કાર.
આવા ‘ રામુદાદાઓ ‘ ના કારણે આ દુનિયા ટકી રહી છે ને !
અમિત પટેલ
Gujarati ma typing &keyboard
App muko artle samarphone vala ne lqkhvama sarlta rahe
ક્યારેક બહુ સાધારણ લાગતા માણસો બહુ મોટુ કામ કરી લેતા હોય છે. અને એ પણ કોઇ પ્રશસ્તિ ની આશા.
વીજળીવાળા સાહેબ,
રામુદાદા જેવા બહુ જ સાધારણ લાગતા, પરંતુ હકીકતમાં મોટા સંતોને લીધે હજુ પણ આ દુનિયા જીવવા જેવી લાગે છે, ખરું ને ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
ખુબ સરસ રામુદાદા. હુ જાણે કે વાંચતા વાંચતા વાર્તામા જ ખોવાઈ ગઈ.
મને એમ પણ ડો.આઈ.કે.વિજલીવાલા ની વાર્તા વાંચવી પસંદ છે.
Good one.
Mazhab sikhata hai insaniyat pahle
Khol ke padhe ved aur kuran to koi.
લાગણિશેીલ વાર્તા. ખુબ જ સરસ
ખૂબજ સુંદર
આજે પણ આવા જ રામુદાદાની જરૂર છે.
રામુ દાદા ને વર્ષો પહેલા સુભાનપુરા એરિયા મા જોયેલા છે.