પ્રેરણાની પતવાર (પ્રેરણાસભર વાર્તાઓ) – શૈલેષ સગપરિયા

(‘પ્રેરણાની પતવાર’ પુસ્તકમાંથી. આ પુસ્તકમાં પ્રેરણાસભર ૧૦૧ વાર્તાઓ આપવામાં આવી છે, તેમાંથી કેટલીક પસંદગીની વાર્તાઓ અહીં રજૂ કરવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.)

Prerna ni patvar(૧) આઈ લવ યુ

એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખીલેલા એક સફેદ ફૂલ પર જ ઊડ્યા કરતું હતું. ફૂલે પંખીને પૂછ્યું, “તું કેમ મારી આસપાસ જ ઊડ્યા કરે છે ?” પંખીએ હસતાં હસતાં કહ્યું, “ખબર નહીં કેમ પણ તારાથી દૂર જવાની મને ઈચ્છા જ નથી થતી. મને બસ એમ જ થાય છે કે હું તને એક ક્ષણ પણ મારી નજરથી દૂર ન કરું.”

ફૂલને થયું કે આ તો સાલું માથે પડ્યું છે અને મારો પીછો મૂકે તેમ લાગતું નથી. મારે કોઈ ઉપાય કરીને આને મારાથી દૂર કરવું જ પડશે. એણે પંખીને કહ્યું, “તું કાયમ મારી સાથે રહેવા ઈચ્છે છે ?” પંખી આ સાંભળીને એકદમ આનંદમાં આવી ગયું એવું લાગ્યું જાણે કે આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધું. એણે તો તુરંત જ કહ્યું, “હા, હું કાયમ તારી સાથે જ રહેવા માંગુ છું.”

ફૂલે કહ્યું, “જો હું અત્યારે સફેદ છું જ્યારે હું લાલ થઈ જઈશ ત્યારે આપણે બંને કાયમ માટે એક થઈ જઈશું.” આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યું અને ગાવા લાગ્યું. ફૂલ વિચારમાં પડી ગયું કે હું તો સફેદ છું લાલ તો થવાનું જ નથી. આ તો આનો પીછો છોડાવવા માટે મેં આમ કહ્યું પણ આ તો એવું માની બેઠું લાગે છે કે હું લાલ થઈ જઈશ. એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ લાગે છે.

પેલા ફૂલની આસપાસ ખૂબ કાંટા હતા. પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરીરને કાંટા સાથે અથડાવવાનું શરૂ કર્યું. પંખીના શરીરમાંથી લોહીના છાંટા ઊડીને ફૂલ પર પડવા માંડ્યા અને ફૂલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું.

થોડી વારમાં પંખીનું આખું શરીર વીંધાય ગયું અને પેલું સફેદ ફૂલ લાલ થઈ ગયું. ફૂલને હવે સમજાયું કે પંખી એને કેટલો પ્રેમ કરે છે ! એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચે નમ્યું અને કહ્યું, “દોસ્ત મને માફ કરજે. હું તો તારા પ્રેમને મજાક સમજતો હતો પણ મને હવે તારો પ્રેમ સમજાય છે અને અનુભવાય પણ છે. હું પણ તને પ્રેમ કરું છું દોસ્ત…” ફૂલ સતત બોલતું જ રહ્યું પણ સામે કોઈ જ જવાબ ન મળ્યો ત્યારે ફૂલને સમજાયું કે હવે ઘણું મોડું થઈ ગયું છે.

આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે પણ કોઈ આપણને ખરા દિલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ… જાળવજો… સંભાળજો… ક્યાંક પ્રેમનો સ્વીકાર કરવામાં મોડું ન થઈ જાય !

(૨) સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો

વેદવ્યાસજીએ મહાભારતમાં બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે. એકવાર કૃષ્ણ, બલરામ અને સાત્યકિ (સાત્યકિ દ્વારકાનો મોટો યોદ્ધો હતો.) જંગલમાં ફરવા માટે ગયા. સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા. કૃષ્ણએ કહ્યું, “આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું. રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિનો જાગવાનો વારો કાઢીએ. એક જાગે અને બાકીના બે સૂતેલાની રક્ષા કરે.”

પ્રથમ સાત્યકિનો જાગવાનો વારો હતો. એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો. સાત્યકિએ એની સાથે લડાઈ શરૂ કરી. સાત્યકિ બ્રહ્મરાક્ષસને બરોબરની ફાઈટ આપતો હતો. આ લડાઈમાં જ્યારે સાત્યકિને વાગે એટલે એ દર્દની ચીસ પાડે. એનું પરિણામ એ આવે કે સાત્યકિની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય. સાત્યકિનો જાગવાનો સમય પૂરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડ્યા. હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી પરંતુ સાત્યકિએ કર્યું એવું જ બલરામે કર્યું. બલરામને પણ વાગે એટલે દર્દની ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય. એમનો સમય પૂરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા.

કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઈમાં નવી વ્યૂહરચના અપનાવી. પોતને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઈને ખડખડાટ હસે. એનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું. પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.

મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે. આપણા બધાના જીવનમાં પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓરૂપી બ્રહ્મરાક્ષસ આવે છે. આ પ્રશ્નો, પડાકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે. પરંતુ જો આ પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ.

(૩) પરફેક્ટ અંગેની આપણી માન્યતા

એકવાર કોઈ ગુરુ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં જ સાંજ પડી ગઈ એટલે ગુરુજીએ બધા શિષ્યોને રસ્તામાં જ રાતવાસો કરવાની સૂચના આપી અને કહ્યું કે, “આપણે સવારે આગળ જવા માટે પ્રયાણ કરીશું.”

સાંજનું ભોજન બનાવવાની શરૂઆત થઈ એટલે ગુરુજીએ કહ્યું કે, “આજે રોટલી હું બનાવીશ.” બધા શિષ્યો આનંદમાં આવી ગયા કારણ કે આજે ગુરુની બનાવેલી પ્રસાદીની રોટલી જમવા મળવાની હતી અને ગુરુજીને ક્યારેય રોટલી બનાવતા જોયેલા નહીં આજે એ દર્શનનો લાભ પણ મળવાનો હતો.

ગુરુજીએ પ્રથમ રોટલી બનાવી. રોટલીનો કોઈ જ આકાર નહીં. ઓસ્ટ્રેલિયાના નકશા જેવી બની. રોટલી તાવડીમાંથી નીચે ઉતારતી વખતે ગુરુજી બોલ્યા, “પરફેક્ટ.” શિષ્યો મનમાં હસ્યા કે આને પરફેક્ટ કહેવાય ? પણ કોઈ કંઈ બોલ્યું નહીં. બીજી રોટલી ત્રિકોણ આકારની થઈ અને તાવડીમાંથી નીચે ઉતારતા ઉતારતા તૂટી પણ ગઈ. ગુરુજી ફરી બોલ્યા, “પરફેક્ટ.” શિષ્યો મૂંઝાયા કે ગુરુજી ગાંડા થયા છે કે શું ? ત્રીજી રોટલી પણ ચોરસ બની અને વચ્ચે કાણા પણ પડ્યા. આ રોટલી નીચે ઉતારતી વખતે ગુરુજી ફરીથી બોલ્યા, “પરફેક્ટ.”

હવે ના રહેવાયું એટલે એક શિષ્યએ પૂછ્યું, “ગુરુજી, આમાં પરફેક્ટ જેવું શું છે ?” ગુરુએ હસતાં હસતાં કહ્યું, “હું રાહ જ જોતો હતો તારા પ્રશ્નની. માત્ર કોરો લોટ ખાઈએ તો ગળે ના ઊતરે અને પાણી નાંખીને પછી ખાઈએ તો ગળે ચોંટી જાય. આવું ના થાય અને લોટ સરળતાથી ગળેથી ઉતારીને પેટમાં જાય એટલે એને શેકીને ખાવાની શરૂઆત થઈ. આપણે એવું માનીએ છીએ કે રોટલી ગોળ હોય તો જ એને પરફેક્ટ કહેવાય અને આપણી આ માન્યતાને કારણે જ આકાર વગરની, ત્રિકોણ કે ચોરસ રોટલી પૂરતી શેકાયેલી હોવા છતાં આપણને પરફેક્ટ લાગતી નથી.”
ઘણીવાર આપણને એવું લાગે છે કે આ પરફેક્ટ નથી કારણ કે એ આપણી પરફેક્ટની વ્યાખ્યામાં બંધબેસતું નથી. પણ આપણે એ વિચારતા જ નથી કે મારી પરફેક્ટની વ્યાખ્યા કદાચ ખોટી પણ હોઈ શકે પેલી ગોળ રોટલીની જેમ !

(૪) આનંદનો સૌથી મોટો દુશ્મન ઈર્ષા

એકવાર શેષનાગ બીમાર પડ્યા. ધીમે ધીમે બીમારી વધવા લાગી. ઘરગથ્થું સામાન્ય દવાઓની કોઈ અસર ના થઈ એટલે દેવોના વૈદ્ય અશ્વિનકુમારને બોલાવવામાં આવ્યા. અશ્વિનકુમારે દવા તૈયાર કરીને શેષનાગને આપી. અશ્વિનકુમાર જેવા વૈદ્યની દવા લીધા પછી પણ રોગ કાબૂમાં આવ્યો નહીં. અશ્વિનકુમાર એકથી એક ચડિયાતી દવા આપતા જાય તો પણ રોગ તો વધતો જ ચાલ્યો. બધા દેવોને લાગ્યું કે કદાચ શેષનાગનો પ્રાણ જતો રહેશે.

અશ્વિનકુમાર પણ મૂંઝાયા. એમણે ભગવાનને પ્રાર્થના કરી, “પ્રભુ આપ કંઈક મદદ કરો. હું તો મારા તમામ પ્રમાણિક પ્રયાસો કરું છું પણ મારી દવા કોઈ જ કામ કરતી નથી. અમને પણ નથી સમજાતું કે આવું કેમ થાય છે ? આજ દિન સુધી આવું ક્યારેય બન્યું નથી !”

એક સંત અશ્વિનકુમાર પાસે આવ્યા અને કહ્યું, “બોલો શું મદદ કરું આપને ?” અશ્વિનકુમારે પેલા સંતને પોતાની બધી વાત સંભળાવી. સંતે એટલું જ કહ્યું, “તમારી ઔષધિ તો બરોબર જ છે ને ? જે રોગ છે તેનો નાશ કરવા માટે આ જ પ્રકારની ઔષધિ ઉપયોગમાં લેવાય છે ને ?” અશ્વિનકુમારે કહ્યું, “હા રોગનાં લક્ષણો પ્રમાણે જ મેં ઉત્તમ પ્રકારની દવા બનાવી છે અને એ દવા પાવા છતાં નાગરાજને કોઈ જ અસર થતી નથી.”

પેલા સંતે હસતાં હસતાં કહ્યું, “એક કામ કરો દવા પાતી વખતે શેષનાગની આંખ પર પાટો બાંધો અને પછી દવા આપો.” બધા વિચારવા લાગ્યા કે આંખ પરના પાટાને અને દવાની અસરને શું લેવાદેવા ? પણ અશ્વિનકુમારે પેલા સંતની આજ્ઞા મુજબ કર્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે નાગરાજની તબિયત સુધરવા લાગી અને થોડા સમયમાં તો રોગ સાવ જતો રહ્યો.

દેવો અને અશ્વિનકુમારને આંખ પરના પાટાનું રહસ્ય ન સમજાયું એટલે સંતને તે જણાવવા વિનંતી કરી ત્યારે સંતે કહ્યું, “ઔષધિ તો બરાબર જ હતી પણ જ્યારે એને પાવા માટે શેષનાગના મુખ પાસે લાવતા હતા ત્યારે શેષનાગની આંખમાં કાતિલ ઝેર હોવાથી અમૃત જેવી ઔષધિ પણ ઝેર બની જતી હતી. પાટો બાંધીને મેં એની આંખના ઝેરને ઔષધિમાં ભળતા અટકાવ્યું એટલે ઔષધિની અસર થઈ.”

આપણા જીવનને આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહથી તરબતર કરી દે તેવી અમૃતમય ઔષધિઓ આપણી પાસે જ છે પરંતુ આપણી આંખમાં રહેલું ઈર્ષાનું કાતિલ ઝેર આપણી આ ઔષધિને પણ ઝેર બનાવી દે છે અને પેલા શેષનાગની જેમ દવા પીવા છતાં પણ આપણો અશાંતિનો રોગ મટતો જ નથી !

(૫) મને મનનો અવાજ સંભળાય છે

શાળામાં ભણતા બે જીગરજાન મિત્રો. સાથે હરવા-ફરવાનું, સાથે ખાવા-પીવાનું, સાથે નાચવા ગાવાનું. એક જ્યાં હાજર હોય ત્યાં બીજો હાજર હોય જ. શાળા પૂરી કરીને કૉલેજમાં જવાનું થયું અને બંને મિત્રો છૂટા પડ્યા. જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ બંને વચ્ચેનું અંતર પણ વધવા લાગ્યું.

વર્ષો પછી બંને મિત્રો અચાનક ભેગા થઈ ગયા. એકબીજાને મળીને ખૂબ જ આનંદ થયો. બંને એકબીજાના જીવન વિષે જાણવા ઉત્સુક હતા. એક બગીચામાં ચાલતાં ચાલતાં બંને એકબીજાને શાળા પછીના જીવન વિષે વાતો કરવા લાગ્યા.

“શાળા પૂરી કરીને મેં કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. એક પૈસાદાર બાપની દીકરી સાથે મારી ઓળખાણ થઈ. એની સાથે જ લગ્ન કરી લીધા. આજે ૪ ફેક્ટરીઓનો માલિક છું અને લાખો રૂપિયા કમાઉં છું.” બીજો મિત્ર ધ્યાનથી આ વાતો સાંભળી રહ્યો હતો. એ ખિસ્સામાંથી રૂમાલ કાઢવા ગયો તો એક સિક્કો પણ ખિસ્સામાંથી નીચે પડી ગયો. એને તો કંઈ ખબર જ નહોતી. એ મિત્રની વાત સાંભળવામાં મશગૂલ હતો પણ વાત કરી રહેલા મિત્રને સિક્કો પડવાનો અવાજ સંભળાયો એટલે એણે જોયું અને મિત્રનું ધ્યાન દોર્યું કે તારો સિક્કો નીચે પડી ગયો છે.

પેલા મિત્રએ સિક્કો ઉપાડીને ખિસ્સામાં મૂક્યો અને પોતાની વાત કરતા કહ્યું, “મેં કૉલેજ પૂરી કરીને શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી કારણ કે મને જીવંત બાળકો સાથે કામ કરવું ખૂબ ગમતું હતું. અત્યારે હું આ જ ગામની શાળામાં શિક્ષક તરીકેનું કામ કરું છું.” ઉદ્યોગપતિ મિત્ર તરત જ બોલ્યો, “ઓહ માય ગૉડ, આપણા બંને વચ્ચે કેટલો મોટો તફાવત છે યાર, હું લાખો રૂપિયા કમાતો મોટો ઉદ્યોગપતિ અને તું સામાન્ય શિક્ષક.”

શિક્ષક મિત્ર પોતાના આ અમીર મિત્રને વાત કરતો અટાકાવીને કંઈક સાંભળવા લાગ્યો. બાજુમાં નાની ઝાળીમાં એક પતંગિયું ફસાયું હતું. શિક્ષકે એ પતંગિયાને ઝાળીમાંથી મુક્ત કર્યું અને બંને ફરીથી ચાલવા લાગ્યા. ઉદ્યોગપતિ મિત્રએ કહ્યું, “અરે યાર, આ નાના પતંગિયાનો અવાજ તને કેવી રીતે સંભળાયો ?”

શિક્ષકે જવાબ આપતા કહ્યું, “દોસ્ત, તને જેવી રીતે મારા સિક્કાનો અવાજ સંભળાયો હતો એવી રીતે મને આ પતંગિયાના કણસવાનો અવાજ સંભળાયો હતો. તું સાચો જ છે આપણી વચ્ચે બહુ મોટો તફાવત છે. તને ધનનો અવાજ સંભળાય છે અને મને મનનો અવાજ સંભળાય છે.”

માત્ર ધનનો જ અવાજ સાંભળાવા માટે ટેવાયેલા આપણા કાનને થોડો મનનો અવાજ સાંભળવાની પણ ટેવ પાડવી જેથી સમતોલ જીવનનો આનંદ લઈ શકાય.

[પૃષ્ઠ સંખ્યા.૨૧૬, કિંમત રૂ.૧૮૦/-, પ્રાપ્તિસ્થાનઃ વન્ડરલેન્ડ પબ્લિકેશન, ૪૦૧/બી, સર્વોત્તમ કૉમ્પલેક્સ, પંચનાથ મેઈન રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ ફોન (૦૨૮૧) ૩૦૫૩૫૭૭]

– શૈલેષ સગપરિયા
‘અનિર્દેશ’, એ-૩૬, આલાપ રોયલ પામ, મવડી ગામ પાસે, રાજકોટ – ૩૬૦ ૦૦૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “પ્રેરણાની પતવાર (પ્રેરણાસભર વાર્તાઓ) – શૈલેષ સગપરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.