રીડગુજરાતી: અગિયારમા વર્ષમાં મંગલ પ્રવેશ

આજે દસ વર્ષ પૂરા કરી રીડગુજરાતી અગિયારમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે રીડગુજરાતી સાથે જોડાયેલા સર્વે વાચકો, દાતાઓ, લેખકો, પ્રકાશકો, મદદકર્તાઓનો અંતરથી આભાર અને સેંકડો શુભકામના. જીજ્ઞેશભાઈએ પોતાની અનેક વ્યાવસાયિક વ્યસ્તતા વચ્ચે પણ છેલ્લા એક વર્ષથી રીડગુજરાતીને સતત ધબકતું રાખ્યું છે તે માટે જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

૯મી જુલાઈ, ૨૦૦૫ના દિવસે મૃગેશે પોતાના જન્મદિવસે આ સાઈટના શ્રીગણેશ કર્યા હતા. ત્યારથી રીડગુજરાતી સાઈટ તેના જીવનનું એક અભિન્ન અંગ બની ગઈ હતી. રાત અને દિવસ સતત પરિશ્રમ કરીને તેણે આ વાચનવૃક્ષ ઉગાડ્યું હતું અને નિરંતર તેનું સિંચન કરીને પલ્લવિત રાખ્યું હતું. માતૃભાષાની સેવાનો લીધેલો ભેખ તેણે પોતાના છેલ્લા શ્વાસ સુધી અખંડ રાખવાનો પ્રયત્ન આદર્યો છે. વાચનની માંડેલી પરબને ક્યારેય સુકાવા દીધી નથી તેનો મને ગર્વ અને આનંદ પણ છે. સતત નવ વર્ષ સુધી એકલા હાથે બધી જ કામગીરીને હસતા મોઢે સ્વીકારીને સફળતાથી પરિપૂર્ણ કરી છે અને સત્વશીલ સાહિત્ય લોકો સુધી સુગમતાથી પહોંચે તેવો પ્રયાસ કર્યો છે. તો નવસર્જકોને ઉડવા એક વિશ્વ આપવા પણ કાર્યરત રહ્યો છે. તેના અવસાનથી અટકેલી આ પ્રણાલીને કોઈ પણ જાતના બાંધછોડ વગર જીવનની અને વ્યવસાયની સમસ્યાઓ વચ્ચે પણ જીજ્ઞેશભાઈએ આગળ વધારી છે તે વાતની મને અનહદ ખુશી છે અને મારો અંતરનો આશીર્વાદ તેમની અને રીડગુજરાતી સાથે જ છે. આ દસ વર્ષ દરમિયાન ઘણા બધા લોકોએ રીડગુજરાતીને યથાશક્તિ મદદ કરી છે તો તે સૌનો આજના દિને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

કોઈ પણ વેબસાઈટને સતત દસ વર્ષ સુધી તેના નિયમોને આધારે ગુણવત્તાસભર સાહિત્યથી ધબકતી રાખવી એ સાવ નાનીસૂની વાત નથી. આ સાઈટની સફળતાનો ખરો શ્રેય તેના વાચકો, લેખકો અને મદદકર્તાઓને જાય છે. આ સાઈટ અગિયાર વર્ષ નહીં સેંકડો વર્ષ સુધી સતત ધબકતી રહે તેવો આશીર્વાદ અને અનેક શુભકામનાઓ. ૧૧માં પણ ૧ અને ૧ જોડાયેલા છે. જેમ તાળી એક હાથે ન પડે તે રીતે આ વેબસાઈટની સફળતા અને સત્વશીલ સાહિત્યને પૂરું પાડવાનું કામ એક પક્ષે ક્યારેય ન થઈ શકે. રીડગુજરાતી તરફથી વાચનભૂખ સંતોષે તેવું સાહિત્ય સતત પીરસતું રહે અને વાચકો તેને વાંચીને જીવનમાં ઉતારે અને સહયોગ આપે ત્યારે જ સફળતાથી તાળી પડી શકે છે.

– ધનંજયભાઈ શાહ

રીડગુજરાતીનું નામ ગુજરાતી ભાષા અને સાહિત્યના ભાવકોથી લગીરેય અજાણ્યું નથી. સાહિત્યના નવેનવ પ્રકારોને સાંકળી લેતી અને રોજ સવારે સાત વાગે અપડેટ કરવામાં આવતી આ વેબસાઈટ અત્યારે ગુજરાતી વાચકો માટેની ખાસ પસંદગી છે. જીજ્ઞેશ અધ્યારૂના નેજા તળે હવે રીડગુજરાતી વેબસાઈટ અનેક સુવિધાઓ સાથે આગળ વધી રહી છે. ૭ જુલાઈ ૨૦૦૫ના રોજ શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં અઢળક લોકો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે.

રીડ ગુજરાતી જેવી ખરાં અર્થમાં ગુજરાતી ભાષા અને સાહિત્યને વરેલી અપ ટુ ડેટ વેબસાઈટનું મહત્વકાંક્ષી સપનું સેવનારા હતાં, વ્યવસાયે કમ્પ્યુટર પ્રોગ્રામર મૃગેશ શાહ, ૯ જુલાઈ ૧૯૭૮ના રોજ જનમ્યા, રીડગુજરાતી તો જાણે તેમના જીવનનું એક મિશન જ હતું, પોતે જ સઘળાં લેખોને યુનિકોડ ફોન્ટ્સમાં ટાઈપ કરીને પછી અપલોડ કરે. બારેય મહિના આ વેબસાઈટ પર સાહિત્યની સરવાની વહેતી રાખવાનો ખર્ચ લગભગ ૨૫૦૦૦ જેટલો આવતો એ છતાં પિતાના સેવા માટે સંઘર્ષના સિદ્ધાંતની જેમ ઉપાડી લે. જીવનપર્યત એ કામ આગળ ધપાવે રાખ્યું. ગાંઠનું ગોપીચંદન ઘસીને પણ..

એમની સાથેનો પરિચય, પહેલવહેલો તો શબ્દોના માધ્યમથી, ક્યારેક વાત પણ થતી. પ્રસંગોપાત સંદેશ દૈનિકના પૂર્તિ વિભાગના સંપાદક – સંયોજક તરીકે, સાધના સાપ્તાહિકના યુવા વિશેષાંકમાં ગજુ કાઢેલાં ગુજરાતીઓ વિશે લખતી વેળાએ એમના વિશે થોડુંક લખવાનું બનેલું. પાંચમી જૂન, ૨૦૧૪ના રોજ માત્ર ૩૬ વર્ષની કાચી વયે એમનું અવસાન થયું. એમના આકસ્મિક અવસાનના બરાબર એક મહિના પહેલાં જૂન ૨૦૧૪ના નવચેતનના અંકના છેલ્લા પાને રીડગુજરાતી ઉપરથી મરક મરક અંતર્ગત જોક્સ પ્રકાશિત કરેલાં, આ સમયગાળામાં જ એ નવચેતન કુસુમ કાર્યાલય ઉપર એક પુસ્તકના કામથી રૂબરૂ આવેલા, ત્યારે પ્રમાણમાં સ્વસ્થ હતાં. પરંતુ જુલાઈ ૨૦૧૪ના નવચેતનમાં ભારે હૈયે એમના આકસ્મિક અને દુઃખદ અવસાનની નોંધ આમેજ કરવી પડી. મૅગેશભાઈના જીવનનું કેન્દ્રબિંદુ એવા એમના એકમાત્ર હયાત કુટુંબી વડીલ એવા પિતા ધનંજય શાહના સંદર્ભમાં એકણે કરેલો એક સંઘર્ષભરી જીવનયાત્રા લેખ પ્રકાશિત કર્યો, ત્યારે મનોમન એવો સવાલ પણ થતો રહ્યો કે ૨૦૦૯માં પોતાની પત્નીના અવસાન સમયે સ્વસ્થ અને અડીખમ રહેલાં પિતાની શું દશા થઈ હશે. જ્યારે એમનો એકનો એક જુવાનજોધ દીકરો આમ અચાનક ચાલી નીકળ્યો, જેના વિશે એ કહેતાં કે બેટા, તારા લગ્ન કર્યા વગર હું આ પૃથ્વી છોડી જવાનો નથી.

ગુજરાતી વાણી રાણીના વકીલ કવિ દલપતરામના નૂતન અવતાર એવા મૃગેશ શાહને સ્વામી વિવેકાનંદ જેટલાં જીવનકાળમાં એમણે કરેલાં ચિરસ્થાયી કાર્ય બદલ એમની પહેલી પુણ્યતિથિના દિવસે દરેક ગુજરાતી વતી આ શબ્દવંદન. મૃગેશભાઇએ તો જીવનપર્યંત સાહિત્યની સરવાણી વહાવી અને માતૃભાષાનું ઋણ ફેડી દીધું છે, હવે વારો આપણા સૌનો છે..

– પરીક્ષિત જોશી

વેબસાઈટના માધ્યમે ચાલી રહેલી સાહિત્યની આ સરવાણીને દસ વર્ષ પૂર્ણ થઈને અગિયારમું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે એક વર્ષથી રીડગુજરાતીના માધ્યમે વાચકોની આકાંક્ષાઓને પામવાની અને પહોંચવાની આ સફર આનંદદાયક રહી છે. અનેક મિત્રોનો સતત અને સહજ સહકાર મળતો રહ્યો છે, અનેક મદદકર્તાઓએ હાથ આપ્યો છે અને સહ્રદય મિત્રોએ પણ સહાયતા કરી છે, એ સર્વેનો હ્રદયપૂર્વક આભાર માનવાની આ તક છે. મનનીય, ચિંતનસભર સાહિત્યની આ સરવાણી આમ જ સતત વહેતી રાખવાની ક્ષમતા અને સમય ઈશ્વર આપે એવી પ્રાર્થના અને મૃગેશભાઈના આ કાર્યને આગળ ધપાવવાનો અવસર મળ્યો એ જવાબદારીને નિભાવવાની સહજતા અને સમજણ મળતી રહે એવી અભિલાષા સહ નમસ્કાર.

– જીજ્ઞેશ અધ્યારૂ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “રીડગુજરાતી: અગિયારમા વર્ષમાં મંગલ પ્રવેશ”

Copy Protected by Chetan's WP-Copyprotect.