ચકલો – નિખિલ દેસાઈ

(‘જનકલ્યાણ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

‘અરેરે… આ ચકલાંઓનો કલબલાટ કેવો કર્કશ લાગે છે !’ રોજ સાંજે ઘરની બહાર બગીચામાં રાખેલ હીંચકા ઉપર બેસવાનો મા-દીકરીનો ક્ર્મ છે. કેતુભાઈએ મકાન કરાવ્યું, બગીચાના પણ શોખીન આથી ઘરની બહાર કમ્પાઉન્ડમાં સુંદર બગીચો પણ બનાવેલ અને તેમાં હીંચકો પણ મુકાવેલ. પણ બગીચામાં આખો દિવસ પક્ષીઓનો ચકલાંનો કલબલાટ ચાલ્યા જ કરતો હોય. ખૂબ કંટાળી ગયા છે. મા-દીકરી બંને, આ અવાજથી.

ઘરની ફરતે બગીચામાં ઘણાંબધાં પક્ષીઓ ઉડાઉડ કરતાં હોય છે પણ બધા વન્યજીવનની મર્યાદા રાખી ઘરમાં પ્રવેશતાં નથી. કેતુભાઈએ ઘર લીધું ત્યારે ગેલેરીમાં કબૂતરો અડીંગો જમાવતાં એટલે ત્યાં ગ્રીલ નંખાવી દીધી. પણા એમાંથી ચકલાં આવી શકતાં. આથી તાત્કાલિક ગ્રીલ ઉપર જાળી ફીટ કરાવી દીધી. અને ‘ચકલાં પણ ફરી ન શકે’ એવી જડબેસલાખ વ્યવસ્થા કરાવી દીધેલ. આટલાં વર્ષો તો હેમખેમ ચાલ્યું, પણ છેલ્લા ઘણા વખતથી એક ચકલો જાણે એ વ્યવસ્થાને ઘોળીને પી ગયો હોય તેમ અવારનવાર ઘરમાં આવ્યા કરે છે. રૂમમાંથી રસોડામાં ને રસોડામાંથી ગેલેરીમાં એમ ઉડાઉડ કર્યા કરે છે. હેરાન પરેશાન છે નંદાબહેન અને મેઘા.

‘મમ્મી શોધી કાઢને ક્યાંથી આ ચકલો આવે છે ? ઘરનાં બારી બારણાં બંધ હોવા છતાં આવે છે ક્યાંથી ?’

‘હું તે ઘરનાં કામકાજમાં ધ્યાન આપું કે ચકલાની પાછળ પાછળા ફર્યા કરું ?’ નંદાબહેન કહેતાં.

‘મમ્મી અત્યારે પપ્પાની યાદ આવે છે. એ પાછળ પડીને ગમે ત્યાંથી શોધી કાઢત કે ચકલો ઘરમાં કઈ જગ્યાએથી આવે છે ને તાબડતોડ એ છીંડું બંધ કરત.’

‘હાય… હાય… મમ્મી, આ જો શો-કેસમાં પપ્પાનાં પુસ્તકો ગોઠવ્યાં છે તેની પાછળ ગયો. ત્યાં વળી ચકલી માળો બનાવશે તો મારાથી સહન નહીં થાય. પુસ્તકોનું આવી બને.’

‘ગાંડી… એમ કંઈ માળો એકદમ થોડો બની જાય ! એ માટે ચકલો અને ચકલી ચાંચમાં એક એક કરીને તણખલાં લાવે ત્યારે માંડ માળો બને.’

‘મમ્મી, યાદ છે ? આપણે જુના ઘરમાં રહેતાં એ ઘરમાં એક વરંડો હતો. ત્યાં ચકલી માળો બનાવવા તણખલાં લાવતી ત્યારે પપ્પા કહેતા કે ચકલાં એક-બે તણખલાં લાવે ત્યાંથી જ તેમને રોકવાં, પણ જો એકવાર માળો બની ગયો અને એમાં ઈંડા આવી ગયાં પછી ખબરદાર આપણાથી એને હાથ ન લગાડાય.’

‘મમ્મી… આ ચકલો તો જો એ એમ જ સમજે છે કે આ એનું જ ઘર છે. ગઈકાલે ટેબલ લેમ્પ ઉપર બેઠેલો. હવે બહુ થયું. હવે એની એવી લેફટ-રાઈટ લઉં છું કે ઘરમાં આવવાનું નામ નહીં લે.’

મેઘાએ ચકલો રૂમમાં હતો ત્યાં બારીબારણાં બંધ કરી દીધાં. બહાર નીકળવાના રસ્તા બંધ થયા. પછી હાથમાં કપડું ફરકાવતાં ચકલાને ઉડતો કરી મૂક્યો. બેસવાનો મોકો જ ન મળે. એક છેડેથી બીજે છેડે અને એક ખૂણેથી બીજે ખૂણે ઉડાઉડ થઈ રહી. અડધી કલાક ખેલ ચાલ્યો.

બહારથી નંદાબહેન બૂમાબૂમ કરે મેઘા રહેવા દે બહુ થયું ક્યાંક મરી જશે પણ મેઘા આજે મક્કમ હતી.

હવે તો ચકલાની શક્તિની પણ મર્યાદા આવી ગઈ ઉડતાં ઉડતાં હમણાં જાણે પડ્યો કે પડશે. છેવટે થાકીને બંને પાંખ ફેલાવતો જમીન પર ફસડાઈ પડ્યો. મેઘા પરસેવો લુછતી રૂમનું બારણું ખોલીને બહાર આવી.

‘હાય… હાય… બેટા આ શું કર્યું જો બિચારો મરી ગયો.’

‘જરા ધ્યાનથી જો મમ્મી એ ચાંચ ખુલ્લી રાખીને જોરજોરથી હાંફે છે.’

‘બેટા કોઈને આટલું બધું હેરાન કરાય ?’

‘પણ મમ્મી હવે આપણે મહાસુખ થઈ જશે. હવે કોઈવાર આપણા ઘર તરફ જોશે પણ નહીં.’

રૂમની બારી ખોલીને બંને જણાં રૂમની બહાર નીકળી ગયાં. એકાદ કલાક પછી જોયું તો ચકલો ઉડી ગયો છે. પણ ત્યારબાદ કદી આવ્યો નહીં.

‘મમ્મી, પપ્પા હોત તો ચક્લાને આમ હેરાન ન કરત પણ એ ક્યાંથી આવે છે તે શોધીને રસ્તો બંધ કરત. આપણામાં ને એમનામાં એટલો ફરક.’

ખૂબ પ્રેમાળ હતા કેતુભાઈ. ઘરકામમાં પણ ઘણીવાર નંદાબહેનને મદદ કરતા. મેઘા… મેઘા કરતાં તો જીભ સુકાય નહીં એટલું વહાલ.

નાનકડી બીમારીમાં અચાનક દુનિયા છોડી ગયા. જાણે વજ્રપાત થયો. એક વર્ષ થયું પણ હજુ સુધી નંદાબહેન કે મેઘા એમને ભૂલી શક્યાં નથી. દિવસમાં કોઈને કોઈ પ્રસંગે કેતુભાઈ યાદ આવ્યા કરે છે અને કેટલીવાર મા-દીકરી એકબીજાને વળગીને હૈયું હળવું કરી લે છે.

શ્રાદ્ધના દિવસો આવ્યા. સાંભળેલું કે ગયેલાને મોક્ષ અપાવવાની વિધિ એટલે શ્રાદ્ધ. જીવનમાં તો આપણાં એ સ્વજનો પાસેથી પ્રેમ-હૂંફ મેળવ્યાં છે. હવે એમના તરફથી આપણી ફરજ અદા કરવાની છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાનો વિષય. નંદાબહેને શાસ્ત્રીજીને બોલાવ્યા. શાસ્ત્રીજીએ સરસ સમજાવ્યું. મનુષ્યનું મૃત્યુ થાય એટલે શરીર સાથેનો સંસારનો સંબંધ પૂરો થાય. શરીર પંચમહાભૂતમાં મળી જાય. પણ શાસ્ત્રમાં કહ્યું છે કે શરીર નાશ પામ્યું છતાં જીવ અવિનાશી છે. તે હજી ઘરમાં વિચરે છે અને ઉઠમણાંની કે સાદડીની ક્રિયા પછી આપણો એ જીવ સાથેનો સંબંધ પણ પૂરો થાય છે અને સર્વ બંધનમાંથી મુક્ત થઈને જીવ પોતાને રસ્તે જવા મુક્ત બને છે. કુટુંબ સાથેનો ઋણાનુબંધ પૂરો થાય છે.

अवन्तु नः पितरं सोम्यासोडसिध्वातः पथिमिदेवथा नैः ।
अस्मिन् यज्ञे स्वध्या माध्यन्ताडपि बुवन्तु तेडवतत्वस्मान् ॥

આમ જીવાત્માનું આહ્‍વાન કરી વિધિ આટોપી.

સમગ્ર વિધિ દરમિયાન નંદાબહેન અને મેઘાની આંખમાંથી અશ્રુ વહેતાં રહ્યાં. વિધિ પૂરી થતાં શાસ્ત્રીજીએ કહ્યું. ‘બેટા હું જોઈ રહ્યો છું કે તમો બંનેને સ્વર્ગસ્થ તરફથી ઘણો લગાવ હતો.’

‘અને એમને પણ તમારા તરફ આટલી જ આસક્તિ હશે કેમ ?’

‘અમારા કરતાં પણ વિશેષ.’ લાગણીનું શાસ્ત્ર અલગ હોય છે.

શાસ્ત્રીજીએ એક ક્ષણ આંખો બંધ કરી. ધ્યાનમાં મગ્ન થયા અને દિગંતમાં અવલોકતા હોય તેમ કહ્યું : ‘કોઈ જીવને સંસારમાં કોઈ આસક્તિ રહી ગઈ હોય, કોઈ ઈચ્છા રહી ગઈ હોય, કે પછી અતિ લગાવ હોય તેવા જીવાત્માને પુનર્જન્મ થાય છે અને એ જીવ મનુષ્ય-પશુ કે પક્ષીરૂપે આ દુનિયામાં આપણી આજુબાજુ વિચરે છે.

અને આવા જીવાત્માની મુક્તિ કે મોક્ષ માટેની વિધિ એટલે જ શ્રાદ્ધ.
श्राद्ध त परतरं नान्मच्छेयस्कर मुदाहतम् ।
तास्मात् सर्वप्रयत्नेन श्राद्धे कुर्याद विचक्षेण् ॥

અર્થાત્‍ શ્રાદ્ધ કરવાથી જીવાત્મા સંસારના આવન-જાવનના ફેરામાંથી મુક્તિ પામે છે.’

એકબીજા સામું જોઈ રહ્યાં નંદાબહેન અને મેઘા.

વિધિ પૂરો થયો. શાસ્ત્રીજી વિદાય થયા. શાસ્ત્રીજીના શબ્દો મનમાં ઘુમરાઈ રહ્યા. કોઈ જીવને સંસારમાં કોઈ આસક્તિ રહી ગઈ હોય, કોઈ ઈચ્છા રહી ગઈ હોય કે પછી કોઈ તરફ અતિ લગાવ હોય તેવા જીવાત્માનો પુનર્જન્મ થાય છે અને એ જીવ મનુષ્ય, પશુ કે પક્ષીરૂપે આ દુનિયામાં આપણી આજુબાજુ વિચરે છે.

‘મમ્મી, શાસ્ત્રીજી કહેતા હતા તે બધું સાચું હોય ? પુનર્જન્મ થતા હશે ?’

‘બેટા જન્મ-મરણ એ બધો કુદરતનો ગહન વિષય છે.’

કોઈને કોઈ તરફ અતિ લગાવ હોય તો એ જીવ આપણી આજુબાજુ પશુ-પક્ષી રૂપે ફર્યા કરે એ સાચું હશે ? ઘણું મનોમંથન થયું. મેઘાને શાસ્ત્રીજીની વાતો અને ચકલવાળો પ્રસંગ જાણે એકબીજામાં એકાકાર થતાં દેખાયા. બંને વાતોના છેડા દૂર દૂર સુધી લંબાતા દેખાયા અને ક્ષિતિજ ઉપર જાણે વિષાદ, ગમગીની અને પશ્ચાતાપના વાદળમાં ભળી ગયા. ઘેરાઈ ગઈ મેઘા આ વાદળોમાં. એને અકથ્ય વેદના થઈ. ઈચ્છાએ કે અનિચ્છાએ ઘણા બધા પ્રસંગો અને સંવાદો મગજમાં હથોડાની જેમ પડઘાઈ રહ્યા.

– મમ્મી આ ચકલો તો એમ જ સમજે છે કે આ એનું જ ઘર છે.

– અરેરે… મમ્મી જો આ ચકલો શો કેસમાં પપ્પાનાં પુસ્તકો રાખ્યાં છે એની પાછળ ગયો.

– મમ્મી હવે તો હદ થઈ. આજે આ ચકલો પપ્પાના રાઈટીંગ ટેબલના ટેબલ લેમ્પ ઉપર બેઠેલો. હે ભગવાન… મને જેનો ભય છે તેવું કદાચ સાચે સાચ બન્યું હશે… તો… એને ગળો ડૂમો ભરાઈ આવ્યો… હાય રે… હાય રે… આ મારાથી શું થઈ ગયું ? બીજું તો કંઈ ન બોલી શકી પણ નંદાબહેન પાસે આવીને એટલું કહ્યું, ‘મમ્મી મને કંઈ ન સમજાય એવી લાગણી થાય છે. જીવ સુકાય છે.’ ને નંદાબહેનને વળગીને હૈયાફાટ રડી પડી. નંદાબહેનની પણ એ જ હાલત છે.

પણ પછીથી મા-દીકરીના વ્યવહારમાં ફર્ક પડી ગયો. હવે ઘરની બહાર ગાય, કૂતરાંને પાણી પીવાની કુંડી મુકીને સવાર સાંજ તેમાં પાણી ભરાય છે. બગીચામાં પક્ષીઓને પાણી પીવાની કુંડી લટકાવી છે. ગાયને સાંજે ઘાસ, બપોરે કૂતરાંને રોટલી ને સાંજે પક્ષીને ચણ નખાય છે.

સાંજે બગીચામાં હીંચકા ઉપર બેસીને ચકલાંઓનો કલકલાટ સાંભળતાં કહે છે ‘વાહ… આ ચકલાંઓનો કલબલાટ કેવો મીઠો લાગે છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “ચકલો – નિખિલ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.