ટિફિન – નયનાબેન ભ. શાહ

(‘જનક્લ્યાણ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

મોનાને લંડનમાં સમાચાર મળ્યા ત્યારે એ અત્યંત દુઃખી થઈ ગઈ હતી. ઈચ્છા તો થતી હતી કે એ બધું જ છોડીને ભારત જતી રહે. પરંતુ એ પોતાના પિતાને ભારરૂપ થવા માંગતી ન હતી. ભણવાની સાથે સાથે એ પોતાના ખર્ચા જેટલું કમાઈ લેતી હતી. પરંતુ એ જો ભારત જાય તો થોડાઘણા પૈસા તો એના પપ્પા પાસે માંગવા પડે એમ હતું. તો બીજી બાજુ એનું મન કહેતું હતું કે પપ્પા પાસે ક્યાં ઓછો પૈસો છે કે પોતે માંગતા ખચકાટ અનુભવે ? અને આ કંઈ સામાન્ય સમાચાર ન હતા. એના નાનીના મૃત્યુના સમાચાર હતા. એ નાની કે જેની પાસે રહીને એ મોટી થઈ હતી. આ પૃથ્વી પર નાનીનો પાર્થિવ દેહ એ છેલ્લી વાર જોઈ શકે એમ હતી. વાસ્તવિકતા અને લાગણીમાં જીત લાગણીની જ થઈ. તેથી જ મોનાએ એના પપ્પાને ફોન કરીને કહ્યું, ‘પપ્પા, મારે નાનીને છેલ્લી વાર જોવાં છે, હું ભારત આવું છું.’

ત્યારે એના પપ્પાએ જવાબ આપ્યો હતો કે, ‘તારા આવવાથી તારી નાની સજીવન તો થવાની નથી. અને તારા આવતા સુધી ‘મડદું’ સાચવવું પડશે. બધાં પરેશાન થઈ જશે.’ પોતાની મૃત નાની માટે ‘મડદું’ શબ્દ સાંભળતાં મોનાની આંખમાં આંસુ આવી ગયાં. અત્યાર સુધી સંયમ રાખેલો જતો રહ્યો. એ ફોન પર ચોધાર આંસુએ રડી પડી. ત્યારે પણ એના પપ્પાએ કહેલું, ‘માણસની ઉંમર થાય એટલે એનું મૃત્યુ નિશ્ચિત હોય છે. એમાં રડવાનું શું ?’

જ્યારે નાની જીવતાં હતાં ત્યારે કોઈની પણ બીમારી આવે કે સારામાઠા પ્રસંગે પણ નાનીને બોલાવી લેવાતાં હતાં. નાની એટલે ‘સંકટ સમયની સાંકળ.’ પોતે તો ત્રણ વર્ષથી પીએચ.ડી. કરવા લંડન આવી હતી. ત્રણ વર્ષ સુધી એણે એની નાનીને જોઈ ન હતી. આજે એના પપ્પા એને વાસ્તવિકતા સમજાવી રહ્યા છે. શું માણસની લાગણીની કોઈ કિંમત નથી ? જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ લાગણીના સંબંધો જ્યારે તૂટે છે ત્યારે એ ઘણા પીડાદાયક હોય છે. દુઃખ ના થવું એ શું વાસ્તવિકતા છે ? દરેક વ્યક્તિએ વાસ્તવિકતા સ્વીકારવી પડે છે. એના માટે પણ અમુક સમય લાગે છે.

પપ્પાના શબ્દોથી એને આઘાત લાગ્યો હતો અને એ સમજી ગઈ હતી કે પપ્પાએ એને આવવાની ના પાડી દીધી છે. પરંતુ પોતે મજબૂર હતી કારણ કે પપ્પાની ના હોવા છતાં ભારત આવવું અને પાછા જતી વખતે પપ્પા પાસે પૈસા માંગવા એ એને ગમ્યું ન હતું.

મોનાએ મન સાથે નક્કી કર્યું કે હવે એ એનો અભ્યાસ પૂરો કરીને જ ભારત જશે. જોકે મોનાને એના પપ્પાનું વર્તન જરૂર ખૂચ્યું હતું. માત્ર છ મહિના પછી એ ભારત પાછી આવશે અને નાના પાસે રહેશે. નાના નાનીના મૃત્યુથી ભાંગી પડ્યા હશે. જોકે એની મમ્મીએ એને કહ્યું હતું કે તારાં મામા તથા મામી અમેરિકાથી આવી ગયાં છે. વિધિ પતાવીને એ પાછા અમેરિકા જતા રહેશે. ત્યારે પણ એના મનમાં થયું હતું કે નાનીની તબિયત સારી ન હતી તો મામા-મામી અમેરિકાથી આવી શકે તો હું કેમ લંડનથી ના આવી શકું ? પણ મોના ચૂપ રહી હતી.

જ્યારે મોના ભારત આવી ત્યારે એણે કોઈને પણ કહ્યું ન હતું. એ તો એરપોર્ટ પરથી ટેક્સી પકડી સીધી નાના પાસે પહોંચી ગઈ. નાના ઘરમાં નિરાશવદને ખુરશી પર બેસી રહ્યા હતા. મોના ચૂપચાપ બેગ બહાર મૂકી નાનાની પાછળ આવી આંખો દબાવી.

પરંતુ એ સાથે જ મોનાના હાથ ભીના થવા માંડ્યા. નાના બોલ્યા, ‘આવું તોફાન મારી મોના સિવાય કોઈ ના કરી શકે, આવો પ્રેમ…’ બોલતાં નાનાની આંખોમાં વહેતાં પાણી સાથે ધ્રુસકું મુકાઈ ગયું. મોના નાનાજીના ખોળામાં માથું મૂકી રડી પડી.

થોડી વારે બંને જણાં સ્વસ્થ થયાં. બંને જણાંએ ખૂબ વાતો કરી. ત્યાં જ બહારથી બૂમ પડી, ‘ટિફિન.’ મોના ચમકી. શું નાનાજી ટિફિનનું ખાવાનું ખાય છે ? પરંતુ એ ચૂપ રહી. નાનાજી મોના સામે જોતા બોલ્યા, ‘ચાલ બેટા, આજે ઘણાં વર્ષો બાદ આપણે જોડે જમવા બેસીએ. હું તારા માટે બજારમાંથી મીઠાઈ લઈને આવું છું.’ કહેતાં નાનાએ ચંપલ પહેર્યાં ત્યાં જ મોના બોલી, ‘ના, તમે ક્યાંય નહીં જાવ. તમારો પ્રેમ મીઠાઈ કરતાં પણ ચડિયાતો છે. આજે સાથે જમવા બેસીશું એમાં મીઠાઈ કરતાં પણ વધુ સ્વાદ આવશે.’

મોનાએ ટિફિન ખોલ્યું ત્યારે અંદર બટાકાનું શાક હતું. થોડી જાડી ચાર રોટલી હતી. ભાત અને પાણી જેવી દાળ હતી. મોના જાણતી હતી કે નાનાને ડાયાબિટીસ છે. ભાત અને બટાકાનું શાક બને તેટલું ઓછું ખાવું જોઈએ. આ તો નાનાની તબિયત બગડે એવું ભોજન છે. અરે, નાનાને તો એકદમ પતલી ફૂલકા રોટલી ખાવાની ટેવ હતી. તે પણ ઊતરતી. અને દાળ તો જાડી જ જોઈએ. એના બદલે આ તો જાડી રોટલી અને પતલી દાળ નાના કેવી રીતે ખાતા હશે ?

પરંતુ મોના ચૂપચાપ નાનાની અને પોતાની થાળી લઈને જમવાનું પીરસવા માંડી. જમતી વખતે એની આંખોમાં આંસુ હતાં. જે નાનાએ એની બધી જક પૂરી કરી. ભાવતું ભોજન કરાવ્યું. જમવું ના હોય તો પરાણે મોંમાં કોળિયા મૂક્યા એ નાના આજે કેટલા મજબૂર હતા ! એ પોતે લંડન જઈને બેઠી હતી. નાના ફોન પર હંમેશાં કહેતા, ‘હું મજામાં છું, બસ ઈશ્વરની મહેરબાની છે.’ જેમતેમ ટિફિનનું ખાવાનું ગળે ઉતાર્યું અને ત્યારબાદ એ બોલી, ‘નાના, તમારા ઈશ્વરની મહેરબાની મેં નજરે જોઈ.’

‘હા બેટા, આપણા દેશમાં કેટલાય માણસોને બે ટંક પૂરતું ખાવાનું મળતું નથી જ્યારે મને તો બંને સમય ટિફિનનું ખાવાનું મળે છે. બજારમાં નાસ્તા પણ મળે છે. હું નાસ્તો લઈને ખાઉં છું. દુઃખ જ ક્યાં છે ? હવે તો તું પણ આવી ગઈ છે. હું તો દુનિયાનો સુખી માણસ છું. તું ડોક્ટરની પદવી લઈને આવી ગઈ. દીકરી, મારા જેવું સુખી કોણ ?’

‘હા નાના, મેં તમારું સુખ નજીકથી જોઈ લીધું. હવે હું મારાં મમ્મી-પપ્પાને ઘેર જઉં છું.’

મોનાને જોતાં જ એનાં મા-બાપ ખુશ થઈ ગયાં. અચાનક મોના આવીને ઊભી રહી તેથી એમની ખુશીનો પાર ન હતો. એના પપ્પા બોલી ઊઠ્યા, ‘મોનાને ઊતરતી રોટલી ભાવે છે. ફટાફટ રસોઈ બનાવી દે. આજે તો હું પણ બે રોટલી વધારે ખાઈશ. કેટલા વખતે આપણે ત્રણેય જણાં જોડે જમીશું. તેં પહેલાં વાત કરી હોત તો બેંગ્લોરથી તારા ભાઈ મહેકને બોલાવી લેત. જેથી તમે ભાઈ-બહેન પણ ઘણાં વર્ષે મળત.’

મોનાએ ખાસ ઉમળકો બતાવ્યા વગર કહ્યું, ‘ના હું તો નાનાને ત્યાં ટિફિન જમીને આવી છું. મને ભૂખ નથી.’

‘ટિફિનનું ખાવાનું કેવું આવે ? તું એવું ખાવાનું ખાઈને આવી ? ટિફિનવાળા તો સસ્તું શાક હોય એ જ કરે, કારણ કે એમનો ધ્યેય કમાવવાનો હોય. ચોખા એ લોકો કંઈ બાસમતી ના વાપરે. તને તો નાનપણથી બાસમતી ચોખા ખાવાની જ ટેવ છે.’

‘જે ટિફિન નાનાજી ખાઈ શકે એ ટિફિન હું કેમ ના ખાઈ શકું ? અને રહી વાત બાસમતી ચોખાની. તો એ ટેવ પણ મને નાનાજીએ જ પાડી હતી. હું ભાત નહોતી ખાતી ત્યારે એમણે ટેવ પાડી હતી.’

મોના થોડી વાર અટકી મમ્મી-પપ્પા સામે જોતાં બોલી, ‘નાના અહીં આપણી સાથે કેમ રહેતા નથી.’

‘દીકરીના ઘેર કોઈ બાપ ના રહે.’

‘બરાબર વાત છે પપ્પા તમારી. કારણ કે કાયદા મુજબ દીકરા જેટલી જ દીકરી મિલકતમાં અધિકાર ભોગવતી હોય તો ફરજમાં કેમ નહીં? આવતી કાલથી નાનાને ટિફિન અહીંથી જ જશે.’

‘કોણ આપવા જશે?’

‘આ તો પપ્પા તમારો સવાલ સાવ બાલિશ છે. આપનો ડ્રાઈવર કેમ નહીં જાય?’

‘એ તો ઠીક છે, પરંતુ તારી મમ્મીને પચાસ વર્ષ થયાં… આ ઉંમરે એ કેટલું કરે?’

‘આ વાત તમે બોલો છો? અમે જ્યારે નાના હતાં અને મમ્મી નોકરીએ જતી હતી ત્યારે અમને બંને ભાઈબહેનોને નાની રાખતાં હતાં ત્યારે નાનીની ઉંમર પચાસ વર્ષથી પણ વધારે હતી. ત્યારે નાનાં છોકરાંને સાચવવા. એમનાં બાળોતિયાં ધોવાં, તેમની પાછળ દોડવું એ કામ પણ સહેલું ન હતું, છતાં નાની કરતાં હતાં.’

‘મોના, તારી વાત સાચી. પણ ટિફિન તો ઘરગથ્થુ બાઈ બનાવે છે એટલે ઘરનું જ કહેવાય.’

‘કેટલી સરસ વાત તમે કરી ? એ વખતે પણ ઘોડિયાઘર હતાં. તો અમને શા માટે નાની પાસે મૂક્યાં. યાદ છે ઘોડિયાઘરમાં અમે રડીએ નહીં અને પેટ ભરેલું રહે એટલે જાડી રોટલી ઉપર ખાંડ લગાડીને આપતા. ત્યારે નાનીએ કહેલું કે છોકરાંઓ શાક નહીં ખાય તો એમને વિટામિન્સ નહીં મળે. એના કરતાં મારે ત્યાં મૂકીને તું નોકરીએ જજે. ઘોડિયાઘરમાં બાળક રહે છે ત્યાં એને દાદા-દાદી કે નાના-નાની જેવો પ્રેમ મળતો નથી. એમનો ઈરાદો માત્ર પૈસા કમાવવાનો હોય છે. અનેક બાળકો વચ્ચે એક બાળક પર કેટલું ધ્યાન અપાય? અને દુનિયાનું ગમે તેટલું સારું ઘોડિયાઘર હોય તોપણ દાદા-દાદી કે નાના-નાનીના પ્રેમ અને સંસ્કારની તોલે ના આવે.

અને મમ્મી, તે પણ કંઈ વિચાર્યું નહીં કે જે મા-બાપે તને નાનેથી મોટી કરી એના પ્રત્યે પણ તમારી જવાબદારી છે કે નહીં?

નાનપણમાં જે નાના-નાનીએ અમારી તંદુરસ્તીનો વિચાર કર્યો કે શાક વગર વિટામિન્સ ના મળે તો તમે એમનો વિચાર કેમ કરતાં નથી ? ડાયાબિટીસવાળા નાના બિચારા બટાકાનું શાક અને ભાત જે ના ખાવાનું હોય એ પણ ખાઈને એની તબિયત બગાડી રહ્યા છે અને તમે…!

તમે આટલી હદ સુધી નિષ્ઠુર બની શકો એવું મેં વિચાર્યું જ ન હતું. હું મારો સામાન લઈ નાના પાસે રહેવા જઉં છું. કારણ કે તમારા કરતાં જિંદગીનો ઘણો મોટો સમય મેં નાના-નાની જોડે વિતાવ્યો છે. હું પણ નાનાનું ટિફિન જ ખાઈશ. તો જ તમને નાનાની સ્થિતિનો ખ્યાલ આવશે. તમે તમારાં સંતાન માટે તડપો છો, એટલું તમે તમારાં મા-બાપ માટે પણ તડપજો. આવી ભાવના જ્યારે તમારામાં આવશે ત્યારે બજારનાં ટિફિન ખાવાનો કોઈનેય વખત નહીં આવે.’

– નયનાબેન ભ. શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ટિફિન – નયનાબેન ભ. શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.