શોભા – વીનેશ અંતાણી

(‘નવનીત સમર્પણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

હોટેલ પર પહોંચી, ચેક ઈન કરી, શોભાને ફોન કર્યો. એના સેલ ફોનની રિંગ વાગતી રહી. એ તો કદાચ હજી જાગી પણ નહીં હોય. મેં હોટેલની બારીના કાચમાંથી બહાર જોયું. ઝરમર વરસાદ વરસતો હતો. અમદાવાદમાં પણ કાલે મોડી સાંજથી ધોધમાર વરસવા લાગ્યો હતો. મારી ફ્લાઈટ સવારની હતી, છતાં મને થયું હતું, પાણી ભરાઈ જશે તો સમયસર એરપોર્ટ પર પહોંચી શકીશ નહીં. રાતે સાડાદસ પછી વરસાદ સાવ રહી ગયો હતો. વહેલી સવારે ચાર વાગ્યે ઘરેથી નીકળ્યો ત્યારે વાદળાં છંટાવા લાગ્યાં હતાં. હવે હૈદરાબાદમાં વરસાદ.

શોભાએ કહ્યું હતું, હોટેલ પર પહોંચીને ફોન કરજે. હવે એ ફોન ઉપાડતી નથી. હું બારી પાસે ઊભો રહ્યો. લગભગ આખી રાતનો ઉજાગરો હતો. થોડી વાર આડા પડવાની ઈચ્છા થતી હતી. અહીં આવી ગયા પછી મારે શું કરવાનું હતું એ પણ હું જાણતો નહોતો. રૂમ-સર્વિસમાં ફોન કર્યો. ફોફી મંગાવી. પછી બેસી રહ્યો, પગ લાંબા કરીને, એક હાથ કપાળ પર દાબીને.
વિચિત્ર પ્રકારની અનિશ્ચિતતા ફરી વળી હતી. અહીં શા માટે આવ્યો ? પંદર દિવસ પહેલાં વહેલી સવારે શોભાનો ફોન આવ્યો હતો. એની નવાઈ નહોતી. એ ગમે ત્યારે ફોન કરી શકે. ધાર્યું ન હોય ત્યારે એનો ફોન આવી જતો. વાત તો શું હોય, હલ્લો જેવું. એક જ પ્રકારના સવાલ… શું ચાલે છે ? અમદાવાદમાં જ છે ? છેલ્લા છ મહિનાથી એના ફોન વધી ગયા હતા. ફોન રાતે દોઢ-બે વાગે પણ આવે. અવાજ શાંત હોય, છતાં દર વખતે મને એમાંથી ઉતાવળ સંભળાતી. બસ, થયું, તને ફોન કરું, ઊંઘી ગયો હતો ? કોન્ટેક લિસ્ટ જોતી હતી, તારું નામ દેખાયું, ફોન જોડી દીધો. ક્યારેક કોઈ સંદર્ભ વિના જ બોલવા લાગતી… વાંચતી હતી, એક સારું વાક્ય આવ્યું. થયું, તારી સાથે શેર કરું. મોટા ભાગે એ જ બોલતી, પછી અચાનક ફોન પૂરો કરી દેતી.

હું વિચારતો, આટલી મોડી રાતે ફોન કરે છે તે એને ડિસ્ટર્બ નહીં થતું હોય – બાજુમાં સૂતો હશે એને ? શોભા રોજ રાતે મોડે સુધી જાગતી જ રહે છે કે શું ? પછી એ વિચારોને પ્રયત્નપૂર્વક હાંકી કાઢતો. મને એની સાથે કોઈ સંબંધ નહોતો. માત્ર સમય-કસમયે એનો ફોન આવતો અને મારી ઊંઘ ઊડી જતી.

પંદર દિવસ પહેલાં ફોન આવ્યો ત્યારે સવારના સાડાપાંચ થયા હતા. અમદાવાદમાં જ છે ? કામ કેવુંક રહે છે ? એક કામ કર, હૈદરાબાદ આવી જા… ત્યાંથી તો ડાયરેક્ટ ફ્લાઈટ છે. ના, ના… કામ કંઈ નથી. અમસ્તું જ. હા, પણ આવે તો સોળમી પછી આવજે. સોળથી છવ્વીસની વચ્ચે… એ પહેલાં નહીં, એ પછી પણ નહીં. જસ્ટ કમ ડાઉન… વિચારીને મને જણાવજે. હું તારા ફોનની વાટ જોઈશ…

મેં બે દિવસ વિચારવામાં કાઢ્યા હતા. જવાનું કોઈ કારણ નહોતું, ન જવાનું પણ કારણ નહોતું. જવું હોય તો જઈ શકાય. ઘણાં વરસોથી હૈદરાબાદ ગયો નથી. જાઉં. એને મળું. ન મળવા જેવું પણ કંઈ નહોતું. મેં ફ્લાઈટની ટિકિટ બુક કરાવી લીધી હતી. શોભાને ફોન કર્યો હતો.

“અઢારમીએ વહેલી સવારની ફ્લાઈટ છે, સાડાસાતે એરાઈવલ છે.”

“ફાઈન, ક્યાં ઊતરશે ?”

“તું કહે, સારી હોટેલનું નામ આપ.”

“હું રૂમ બુક કરાવીને તને જણાવીશ…” બહુ ધીમેથી વાત કરી હતી, જાણે કોઈ આજુબાજુમાં હોય. બે દિવસ પછી ઈ-મેઈલ આવ્યો. હોટેલની વિગત. ડ્રાઈવર એરપોર્ટ પર આવી જશે. કારના નંબર, ડ્રાઈવરનું નામ અને એનો સેલ નંબર. હોટેલ પર પહોંચીને મને ફોન કરજે… બસ. ત્યાર પછી કશું નહીં, ફોન પણ નહીં.

હવે હું અહીં હતો. બહાર ઝરમર ઓછી થઈ હતી. કદાચ ઉઘાડ નીકળે. અજાણ્યા શહેરમાં બહુ વહેલા આવી ગયા હો, વાદળાંને લીધે સવાર પૂરી દેખાઈ ન હોય… મન ધૂંધળું થઈ ગયું હતું. શોભાને તુક્કો સૂઝ્યો, આવી જા- ને હું આવી ગયો ? એવું તો નહોતુંને કે હું છેલ્લાં ચાર વરસથી શોભાના નિમંત્રણની રાહ જોતો હતો ? મારા પર ચીડ ચઢતી હતી, જાણે મેં કોઈ અવિચારી પગલું ભર્યું હોય.

કોફી આવી. બારી પાસે ખુરશી ખેંચીને બહાર જોતો રહ્યો. કાચ પર વરસાદનું ધુમ્મસ છવાઈ ગયું હતું. કોફી છેલ્લા ટીપા સુધી પી લીધી, પછી ખાલી થયેલા કપમાં જોતો બેસી રહ્યો.

*

એ દિવસોમાં પણ આવી રીતે જ કશું કર્યા વિના બેસી રહેતો. ફોફીના ખાલી મગમાં જોતો. હતાશાની લાગણીથી વિશેષ તો છેતરાયો હોઉં એવું લાગ્યા કરતું. વિચારતો, હું એક વરસ માટે ઈંગ્લેન્ડ ગયો ન હોત તો કદાચ જે બન્યું એ બન્યું ન હોત… પછી એ વિચાર પણ બોદો લાગતો. શોભા… એનું કંઈ કહેવાય નહીં… કઈ ઘડીએ શું કરે…

એ અમદાવાદ આવી ત્યારે પણ ભારતમાં રોકાવાના ઈરાદા સાથે આવી નહોતી. એનું આખું કુટુંબ વરસોથી નૈરોબીમાં રહેતું હતું. ગર્ભશ્રીમંત બાપની દીકરી હતી. બાપ સાથે બન્યું નહીં. એ એને આગળ ભણવા માટે લંડન મોકલવા માગતા હતા. શોભા લંડન જવા માગતી નહોતી.

“કેમ ?” મેં પૂછ્યું હતું.

“કેમ શું ? મારે નહોતું જવું, બસ ! કોઈ મારા પર એનો નિર્ણય લાદે એ મને પસંદ નથી.”

એ શરૂઆતના દિવસો હતા. અમે સ્કૂલ ઓફ આર્કિટેક્ટમાં સાથે ભણતાં હતાં.

“મારા મનમાં અમદાવાદ હતું તો અહીં આવી. વ્હોટ્‍સ રોન્ગ વિથ ઈટ ? આવે ગઈ અહીં, નેટિવ છે મારું. એડમિશન મળી ગયું. અહીં રહીને ભણીશ.”

“પછી ?”

“પછી શું ? હું છાપેલા નકશા પર જીવવામાં માનતી નથી ! મન થાય એ કરું, વિચાર બદલે તો બીજું કંઈ પણ કરું, એમાં શું છે !”

પાછી ગઈ નહોતી. મેં જે ફર્મમાં કામ કરવાનું શરૂ કર્યું, એ પણ ત્યાં જોડાઈ. સાથે ભણ્યાં, નોકરી પણ સાથે કરવા લાગ્યાં. એક સાંજે મારી સાથે મારા ફ્લેટમાં આવી હતી. હું બારણું ખોલું એ પહેલાં બાજુના ફ્લેટ પાસે ગઈ હતી.

“બાજુનો ફ્લેટ બંધ કેમ છે ?”

“એમાં કોઈ રહેતું નથી !”

“મને રેન્ટ પર મળે ?”

“કેમ ? તું જ્યાં રહે છે એ જગ્યા તો આપણી ઓફિસથી ઘણી નજીક છે.”

“હા, પણ તારા ઘરથી દૂર છેને !”

હું એને જોઈ રહ્યો હતો. એ કોઈ સંકેત કરતી હતી કે શું ? અમે સાથે ભણ્યાં હતાં એ દિવસો યાદ આવી ગયા હતા. એ મારી સાથે જ ફરતી, લન્ચ માટે પણ સાથે જઈએ. શનિ-રવિ મિત્રોએ કરેલા પ્રોગ્રામમાં એ તો જ જોડાતી જો હું સાથે હોઉં. ઓફિસમાં પણ એ મારી સાથે રહેવાનું વધારે પસંદ કરતી હતી. કોલેજના મિત્રો અને પછી ઓફિસના કલિગ્સ વિચારતા હતા કે… પણ શોભાએ ક્યારેય એવું કંઈ પ્રગટ કર્યું નહોતું. મને લાગતું, હું એના માટે બહુ સારા દોસ્તથી વિશેષ કશું નહોતો.

ને મારા માટે ? મેં ઘણું દબાવી રાખ્યું હતું. બહુ જ ખ્યાલ રાખતો કે શોભાને જરા પણ અણસાર આવે નહીં. એ કોઈ પહેલ કરે નહીં ત્યાં સુધી હું રાહ જોવા તૈયાર હતો.

“બાઘો કેમ થઈ ગયો ? સાંભળ્યું નહીં, બાજુનો ફ્લેટ મને રેન્ટ પર જોઈએ છે. વેચવાનો હોય તો કેટલામાં વેચે છે ? કોણ છે ઓનર ?”

“હું…”

“હું હું શું કરે છે ? કહે તો ખરો, ઓનર કોણ છે ?”

“કહ્યું તો ખરું… હું… હું છું એ ફ્લેટનો ઓનર.”

“એમ ?” એ મને ભેટી પડી હતી. “ચાવી આપ મને…”

“પણ, શોભા-”

“શું થયું ? કોઈને પૂછવું પડે એમ છે ? હું તારા ઘરમાં રહેવા નથી આવતી, તારો ફ્લેટ મને રેન્ટ પર જોઈએ છે ! બોલ, કેટલું રેન્ટ લઈશ ?”

મેં કબાટમાંથી ચાવી કાઢી હતી. એણે ઝાંવું મારીને મારા હાથમાંથી ચાવી ઝૂંટવી લીધી હતી. દોડતી હોય એમ ગઈ હતી. હું એની પાછળ ગયો હતો. એ ત્રણેય રૂમમાં ફરતી રહી હતી.
“આવો સરસ ફ્લેટ ખાલી કેમ રાખ્યો છે ?”

“હું ભવિષ્યમાં મારી ઓફિસ અહીં કરવાનો છું.”

“વાઉ ! તું તારી ઈન્ડિપેન્ડન્ટ ઓફિસ કરવાનું વિચારે છે ? હું તારી પાર્ટનર ! હવેથી આ આપણા બંનેની ઓફિસ પણ બનશે… ઓકે ? અહીં રિસેપ્શન… ત્યાં આપણી કેબિન… પેલા રૂમમાં…”
એ બીજા જ દિવસથી ત્યાં રહેવા આવી ગઈ હતી. પછી તો એનો ફ્લેટ કે મારો ફ્લેટ જેવું રહ્યું નહોતું. મન થાય ત્યારે મારા ફ્લેટમાં આવી જતી. ત્યાં જ રસોઈ બનાવતાં. ક્યારેક મારા ખાલી રહેતા બે બેડરૂમમાંથી એકમાં સૂઈ પણ જતી.

મને ક્યારેય સમજાયું નથી, એ શું ઈચ્છતી હતી. બહુ જ નજીક હતી અને છતાં બહુ દૂર રહી હતી. પછી હું એક વરસ માટે ઈંગ્લેન્ડ ગયો. હું એને લંડનથી ફોન કરતો નહીં. એણે ના પાડી નહોતી, મેં જ મારી જાતને ના પાડી હતી. હું ઈચ્છતો હતો કે મારી ગેરહાજરીમાં એને કશુંક સ્પષ્ટપણે સમજાય. પાછો આવ્યો ત્યારે એ નહોતી. એની મોટા ભાગની ચીજો ફ્લેટમાં છોડી ગઈ હતી, જાણે ક્યાંક ફરવા ગઈ હોય અને ચાર-પાંચ દિવસમાં પાછી આવી જવાની હોય.

એક ચિઠ્ઠી મૂકી ગઈ હતી : હું મિત્તલ સાથે હૈદરાબાદ જાઉં છું. હવે હું એની ત્યાંની ઓફિસમાં કામ કરીશ. બાય.

બાય ? માત્ર બાય જ ? એણે મારી વાટ જોઈ નહીં ? પૂછ્યું પણ નહીં કે… અને મિત્તલ સાથે ? એ હૈદરાબાદનો બહુ મોટો બિલ્ડર હતો. એણે બે વરસ પહેલાં અમદાવાદમાં મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. શોભા એને ક્યારે મળી હશે ? એ શું વિચારીને ચાલી ગઈ હતી ? એણે જોબ બદલવો હતો તો મિત્તલની અમદાવાદની ઓફિસમાં કામ કરી શકી હોત.

હું એનો સંપર્ક કરવાનું વિચારતો, પછી ટાળી દેતો. એક વાર એના જૂના સેલ નંબર પર ફોન લગાવ્યો હતો, પણ એ નંબર અસ્તિત્વમાં રહ્યો નહોતો. મને યાદ આવ્યું હતું, એ કહેતી રહેતી, મારું કંઈ કહેવાય નહીં, મારો વિચાર ક્યારે બદલે અને હું શું કરું…

એ બધી વાત સાચી, પરંતુ… શોભાને કશી જ ખબર પડી નહીં હોય ? જાણે અમારા વચ્ચે કશું હતું જ નહીં… બીજું કંઈ નહીં તો અમે સાથે વિતાવેલો સમય, અમે સાથે કામ કરવાનાં સેવેલાં સપનાં… એ જ્યાં રહેતી હતી એ ઘર મારા ફ્લેટથી દૂર પડતું, માત્ર એ જ કારણે જો એ મારી બાજુમાં રહેવા આવી ગઈ હોય તો…

હૈદરાબાદ ? આટલે દૂર ?

ચાર મહિના પછી એનો ફોન આવ્યો હતો. કહ્યું હતું, હું મિત્તલની સાથે રહું છું.

સાથે રહું છું એટલે ?

એનાથી વધારે કંઈ જણાવ્યું નહોતું. એક સમાચાર આપી દીધા હતા અને ફોન કાપી નાખ્યો હતો. ત્યાર પછી વચ્ચે વચ્ચે અચાનક ફોન કરતી, ગમે ત્યારે, રાતે ગમે તેટલા વાગ્યા હોય, રિન્ગ વાગવા માંડતી અને હું જાગી જતો… અને મને ઊંઘ આવતી નહીં. એ તો વાત કરીને ઘસઘસાટ ઊંઘી જતી હશે, હું સફેદ છત સામે તાકતો પડ્યો રહેતો.

એ શોભા… એણે મને હૈદરાબાદ આવી જવા કહ્યું અને હું કશું જ વિચાર્યા વિના અહીં દોડી આવ્યો છું. અહીં પહોંચીને મેં એને ફોન કર્યો, એણે ઉપાડ્યો નહીં. હવે હું બેઠો છું, ધૂંધળા કાચમાંથી હૈદરાબાદના વરસાદને જોતો.

*

બહુ ઊંડેથી રિન્ગ વાગતી સંભળાઈ. હું ઝબકીને બેઠો થઈ ગયો. ખબર પડી નહોતી, ક્યારે આંખ મળી ગઈ. શોભાનો ફોન હતો, “તારો ફોન આવ્યો ત્યારે હું બાથરૂમમાં હતી. બધું બરાબર છેને ? રૂમ ઓકે છે ? ફાઈન. તૈયાર થઈ જા. નાસ્તોબાસ્તો કરી લે. પછી ફોન કરું છું.”

હસવું આવી ગયું. કોઈ ફરક પડ્યો નથી. બધું એબ્રપ્ટ. શોભા કશાયની શરૂઆત કરી શકતી નથી, કશું પૂરું પણ કરતી નથી.

બપોર સુધી ફોન આવ્યો નહીં. એ ભૂલી જ ગઈ લાગે છે કે હું અહીં આવ્યો છું. છેવટે એસએમએસ આવ્યો : લંચ લઈ લેજે. એટલું જ. બપોરે ઊંઘી ગયો. સાડાચારે બેલ વાગ્યો. થોડી ક્ષણો તો યાદ પણ ન આવ્યું, હું ક્યાં છું. બારણું ઉઘાડ્યું. સવારે એરપોર્ટ પર લેવા આવ્યો હતો એ ડ્રાઈવર ઊભો હતો.

“મેમસા’બને કાર ભેજી હૈ…”

*

ભરચક ટ્રાફિક હતો. વરસાદ બંધ થઈ ગયો હતો, પણ આકાશ ગોરંભાયેલું હતું. હું શોભાને ઘેર જઈ રહ્યો હતો- અચાનક ઝબકેલા વિચારથી ખિન્નતા વધી ગઈ. શોભાનું ઘર… ખબર નહીં કેમ, પણ એ વિચાર મનમાં ગોઠવી શકતો નહોતો.

મિત્તલ પણ ત્યાં જ હશે ? એ જાણતો હશે કે શોભાએ મને મળવા બોલાવ્યો છે ? શોભાએ કહ્યું હશે, મારો એક મિત્ર છે. સાથે ભણતાં, થોડો સમય સાથે કામ કર્યું… મિત્તલે વધારે જાણવાની ઈચ્છા પણ બતાવી નહીં હોય. છે કોઈક શોભાનો પરિચિત… અથવા શોભાએ કહ્યું હશે – એ એના કામે અહીં આવ્યો છે, મળવા આવે છે…

હું એને જોઈશ, મિત્તલની બાજુમાં બેઠેલી અને…

ક્યાં લઈ જાય છે ડ્રાઈવર મને ? ધ્યાનથી જોયું તો સસ્તો એરપોર્ટ તરફ જતો હતો. ફ્લાય-ઓવર પણ આવ્યો. સવારે એરપોર્ટથી આવતો હતો ત્યારે કાર એના પરથી પસાર થઈ હતી. રમૂજ જેવો વિચાર આવ્યો, કદાચ શોભાએ મને એરપોર્ટ પર છોડી આવવા માટે જ ડ્રાઈવરને સૂચના આપી છે.

કાર ફ્લાય-ઓવર પર ચઢી નહીં, બાજુમાંથી આગળ વધી. ખાસી વાર પછી શહેરની બહારનો વિસ્તાર શરૂ થયો. ક્યાં રહે છે એ લોકો ? જંગલમાં ?

“હમ કહાં જા રહે હૈં ? મેમસા’બ કા બંગલા-” મેં ડ્રાઈવરને પૂછ્યું.

એના મોઢા પર નવાઈ આવી ગઈ, મને એટલી પણ ખબર નથી ?

“સર, હમ સા’બ કે ફાર્મ હાઉસ પર જા રહે હૈં.”

*

વાદળાંને લીધે અંધારું વહેલું ઊતરી આવ્યું હતું. કાર ફાર્મ હાઉસના ગેટમાંથી આગળ વધી. સામે વિશાળ બંગલો દેખાયો. પોર્ચમાં લાઈટ ચાલુ હતી. શોભા પગથિયાં પર ઊભી હતી. હું કારમાંથી ઊતર્યો ત્યારે પણ એ પગથિયાં પર જ ઊભી રહી. આવકારનો એક શબ્દ નહીં. આછું સ્મિત.

મને પગથિયાં ચઢતો જોઈને એ અંદર જવા લાગી. હું એની પાછળ ઘસડાયો. વિશાળ ડ્રોઈંગ રૂમ હતો. લાંબા સોફા. મોંઘી કારપેટ. છત પર ઝુમ્મર. શોભાએ આસપાસ જોયું. જાણે મને આ જગ્યામાં કેવી રીતે ગોઠવવો તે નક્કી કરતી હોય. બોલી કશું નહીં. એક સોફા પર બેસી ગઈ. હું પણ બેઠો. વાળ પર હાથ ફેરવ્યો. નોકર પાણી લઈને આવ્યો. મેં પાણી પીધું. નોકર ગયો.
મેં શોભા સામે જોયું. એ પણ મને જોતી હતી. એણે હળવો ખોંખારો ખાધો.

“કેમ છો ?”

મેં માથું હલાવ્યું, આજુબાજુ જોયું. મિત્તલ દેખાતો નહોતો. કદાચ અંદર હશે અથવા ઓફિસથી પાછો આવ્યો નહીં હોય. હું એની ગેરહાજરીનો લાભ લેતો હોઉં એમ શોભાને બરાબર જોઈ લેવા મથ્યો. અત્યારે અમારી વચ્ચે કોઈ નહોતું. મિત્તલ આવશે પછી શોભા મારા માટે સાવ બદલાઈ જશે. હું ત્રીજી અને બહારની વ્યક્તિ બની જઈશ. બહારની વ્યક્તિ ? એ તો હું શોભાની હાજરીમાં પણ હતો. એ એના ફાર્મ હાઉસમાં હતી અને હું સોફા પર અજાણી વ્યક્તિ જેમ બેઠો હતો. મિત્તલ અહીં હાજર હોય કે ન હોય કશો ફરક પડતો નહોતો.

“ચા પીવી છે ?” એ બોલી.

“ચા ? અત્યારે ?”

એ ઊભી થઈ. એ જ વખતે મારું ધ્યાન ગયું. શોભાએ શરીર ઉતાર્યું છે. એ કારણે એ વધારે લાંબી દેખાતી હતી.

“ચાલ.”

કદાચ એ એના ફાર્મ હાઉસનો વૈભવી બંગલો બતાવવા લઈ જતી હતી. એવું નહોતું. એ બંગલાના પાછળના ભાગ તરફ જવા લાગી. ત્યાં કાચનો દરવાજો હતો. એ દરવાજો પકડીને ઊભી રહી. હું એની બાજુમાંથી પસાર થઈને બહાર નીકળ્યો. એણે દરવાજો છોડી દીધો. મેં પાછળ જોયું, હડદોલા ખાતા દરવાજાના કાચમાં અમારા બંનેનું પ્રતિબિંબ હાલકડોલક થતું દેખાયું.
અમે ઈંટની પગદંડી પર ચાલવા લાગ્યાં. હવે એ મારી બાજુમાં ચાલતી હતી. થોડે દૂર ગયાં ત્યાં નાનકડું તળાવ દેખાયું. એ ફાર્મનો જ હિસ્સો હતું કે એની બહારનો ભાગ હતું એ હું નક્કી કરી શક્યો નહીં. તળાવની આજુબાજુ થોડા થોડા અંતરે લાઈટના થાંભલા હતા. એની બત્તીઓના અજવાળામાં પાણીનો રંગ મેલો દેખાતો હતો. અમે તળાવકાંઠે ચબૂતરા જેવી જગ્યા પાસે આવી ગયાં. શોભા એનાં ચારેક પગથિયાં ચઢી ગઈ.

સુંદર જગ્યા હતી. બાંધેલો ચોતરો. ઉપર ઘુમ્મટ આકારમાં નળિયાનું છાપરું. એની નીચે નાનું ટેબલ સજાવ્યું હતું. મીણબત્તી સળગતી હતી. શોભાએ એક ખુરસી તરફ આંગળી ચીંધી, “બેસ.” હું બેઠો. એ ઊભી રહી. એણે અદબ વાળી હતી, વાળ હવામાં ઊડતા હતા. કદાચ બેસવું કે ચાલ્યા જવું એની વિમાસણ અનુભવતી હોય. એ મને એકલો બેસાડીને ચાલી ગઈ હોત તો મને નવાઈ લાગી ન હોત. એ તળાવ બાજુ જોતી ઊભી હતી. પછી બીજી ખુરસી ખેંચીને બેઠી.

વેરાન શાંતિ હતી. માત્ર હવાના ધક્કાથી કિનારે અથડાતા પાણીનો હળવો અવાજ સંભળાતો હતો. તળાવની ચારે બાજુ થાંભલાની લાઈટનું પાણીમાં પડતું ઝિલમિલ પ્રતિબિંબ, મીણબત્તીનું થરકતું અજવાળું, આકાશ વાદળાંથી ઘેરાયેલું, મારી સામે બેઠેલી શોભા, એના ખુલ્લા વાળ…

અચાનક મને લાગ્યું, આ ક્ષણ કશુંય પૂરું કરવાની ક્ષણ નહોતી, હું અને શોભા પહેલી વાર મળ્યાં હોઈએ- અને જે બનવાનું હોય એ હજી બાકી હોય.

“કેમ છો ?” બીજી વાર પુછાયેલો પ્રશ્ન, જેનો મારે જવાબ દેવાનો નહોતો. એની સામે સ્થિર આંખે જોઈ રહ્યો હતો.

“હં…? શું બોલું ?”

“નારાજ છે – મારાથી… હજીય…?”

મેં મારા મોઢા પર હાથ ફેરવ્યો, કશુંય બાકી હોય તો લૂછી નાખું. શોભાના મોઢા પર સ્મિત દેખાયું. મારી મજાક ઉડાવતી હશે ? ના, એવું લાગ્યું નહીં. એની આંખમાં જુદા જ પ્રકારનો ભાવ દેખાયો. એ શું હતું એ હું પકડી શક્યો નહીં.

“લાગે છે, તું કશુંય ભૂલ્યો નથી.”

“શું ભૂલવાનું છે મારે ?”

“આપણે સાથે હતાં એ-” એ મારી સામે જોયા વિના બોલી ગઈ, જાણે મને નહીં- પોતાને યાદ અપાવતી હોય.

“ના… આપણે સાથે હતાં એ મને યાદ નથી આવતું. તું ચાલી ગઈ પછી મેં સતત અનુભવેલી અપમાનની લાગણી હું ભૂલ્યો નથી…”

એણે તળાવ સામે માથું ફેરવી દીધું. હું પણ એ બાજુ જોવા લાગ્યો. છાંટા પડવા લાગ્યા કે શું ? પાણીમાં થોડાં આવર્તનોનો ભાસ થયો. એના બંને હાથ ટેબલ પર લાંબા પડ્યા હતા.

એ ક્યા સમયમાં હશે ?

“મેં તને અહીં આવવા કહ્યું અને તું આવ્યો, એ મને ગમ્યું… મને ડર હતો કે કદાચ તું ના પાડી દેશે…”

“તેં મને શા માટે બોલાવ્યો છે એની તો મને ખબર નથી, પણ… સારું થયું, હું આવ્યો… ક્યારેક તો પૂરું કરવાનું હતું…”

એના હોઠ થોડા ખૂલ્યા, પછી સજ્જડ બંધ થઈ ગયા. હાથ ટેબલ પરથી ખસી ગયા. ખુરસી પર સરખી બેઠી. હું પણ ક્યારનો ઉભડક બેઠો હતો. પાછળ ખસ્યો, ખુરસીની પીઠને અઢેલીને નિરાંતે બેઠો, જાણે આ ક્ષણે બધું ખરેખર પૂરું થઈ ગયું હોય એવી રાહત અનુભવવાનો પ્રયત્ન કર્યો.

“કંઈ પીવું છે ?”

મેં માથું ધુણાવ્યું.

“ત્યાં તો લેતોને ?”

“એ તો ક્યારેક જ…”

એને યાદ આવ્યું હશે, એવા ‘ક્યારેક’ વખતે એ પણ મારી સાથે જોડાતી ?

“આજે નહીં…”

“આજે કેમ નહીં ?” એક હાથે ઊડતા વાળ પકડ્યા.

“આજે હું એક અજાણી સ્ત્રી સાથે બેઠો છું…!” કડવાશ ન આવી જાય તેની સભાનતા સાથે હું હસ્યો. એ પણ હસી પડી. થોડી હળવાશ આવી ગઈ, અકારણ…

“એ ક્યાં છે ?”

“કોણ ?”

“એ… મિત્તલ…”

એણે દૂર નજર ફેંકી. “એ લંડન ગયો છે. એટલે જ મેં તને અમુક ચોક્ક્સ દિવસોમાં અહીં આવવા જણાવ્યું હતું. એ અહીં ન હોય એવા દિવસોમાં…”

“કેમ ? તું ઈચ્છતી હતી કે હું એને ન મળું ? કે એ મને મળે નહીં ?”

એણે મારા પ્રશ્નનો જવાબ આપ્યો નહીં, બીજી વિગતો આપવા લાગી.

“એની પત્ની અને બે દીકરા લંડનમાં રહે છે.”

હું અંદરથી ચોંકી ઊઠ્યો, પણ બહારથી કોઈ પ્રતિભાવ બતાવ્યો નહીં. એ મને તાકીને જોતી હતી.

“તેં મને કશું પૂછ્યું નહીં… તને નવાઈ નથી લાગી ?”

“મને એની સાથે સંબંધ નથી.”

“પણ મારી સાથે તો છેને ?” એનો અવાજ ઊંચો થઈ ગયો, જાણે હું જે ભૂલી ચૂક્યો હોઉં એ સત્યની મને યાદ અપાવતી હોય.

હું ચૂપ રહ્યો.

“એ એમને મળવા ગયો છે, વચ્ચે વચ્ચે જાય છે…”

મેં માથું હલાવ્યું. અત્યારે લંડનમાં દિવસનું અજવાળું હશે. મિત્તલ એના બંને દીકરા સાથે બેઠો હશે. કદાચ એની પત્ની એમની સાથે હશે.

“તું મળી છે ?” મેં અચાનક પૂછ્યું.

“એની પત્નીને ? ના… એનો મોટો દીકરો એક વાર અહીં આવ્યો હતો. હોટેલમાં રહ્યો હતો. હું એને મળી હતી. એકલી જ મળવા ગઈ હતી, મિત્તલને ખબર નહોતી…” એ બોલતી અટકી ગઈ. થોડી વાર પછી બોલી, “એના દીકરાએ મને કહ્યું, યુ ડોન્ટ ડિઝર્વ ધિસ…”

“એટલે ?”

“એટલે કંઈ નહીં ! એ એના પિતાને ઓળખે છે… એણે મને એના વિશે બધી વાત કરી હતી…”

ખાનસામા જેવો માણસ આવ્યો. અદબભેર ઊભો રહ્યો.

“કશુંક પીને ?”

મેં જવાબ ન આપ્યો.

“આધે ઘંટે બાદ ખાના લગા દેના…”
એ ગયો.

“એ હજી પંદરેક દિવસ લંડન રોકાવાનો છે.” શોભા બોલી.

હું મૌન બેસી રહ્યો. તળાવના પાણીની હલકી હલકી થપકીઓ સંભળાતી રહી. એ થોડી વાર પછી બોલી, “હું આવતા અઠવાડિયે નૈરોબી જાઉં છું – હંમેશને માટે…”

હું સ્થિર રહી શક્યો નહીં. ચોંકી ગયો. હંમેશને માટે ?

કોણ જાણે કેમ, હું ફરી એક વાર અર્થહીન બની ગયો. મને થયું, મારો જવાનો સમય થઈ ગયો છે. બધું ક્યારનું પૂરું થઈ ગયું છે, સામે બેઠી છે એ સ્ત્રી; આ સાંજ, કોઈ મિત્તલ અને હું.

“એને ખબર નથી કે હું નૈરોબી જવાની છું – કહેવાની પણ નથી…”

મારા મનમાં એક વિચાર ઝબૂક્યો, શોભા એવા જ વખતે બધું છોડીને જાય છે, જ્યારે સામેની વ્યક્તિ લંડનમાં હોય છે ! એ જેને છોડીને જાય છે એને ખબર પણ નથી હોતી કે એ પાછો આવશે ત્યારે શોભા નહીં હોય… મારા મોઢા પર કડવું સ્મિત આવી ગયું. એણે એ જોયું પણ હશે, છતાં કશું બોલી નહીં. એણે ટેબલ પર પડેલા મારા હાથ પર એને હાથ મૂક્યો.

“મને ખબર છે, તું આ ક્ષણે શું વિચારે છે…” એ ધીમેથી બોલી. મેં જવાબ આપ્યો નહીં, સ્થિર નજરે એની સામે જોતો રહ્યો.

“હું જતાં પહેલાં એક વાર તને મળવા માગતી હતી… મારે તને જોવો હતો… આ વખતે હું તને કહીને જવા માગતી હતી…”

મેં મારો હાથ ખેંચી લીધો. એનો હાથ ટેબલ પર એકલો થઈ ગયો હોય એમ પડ્યો રહ્યો – સ્થિર અને નિર્જીવ જેવો.

અમે થોડી વાર એમ ને એમ બેસી રહ્યાં.

“હું આવ્યો ન હોત તો ?”

“મને ખાતરી હતી – તું આવશે જ…”

“પણ ધાર કે હું આવ્યો ન હોત તો તું અમદાવાદ આવી હોત ?”

એણે માથું ધુણાવ્યું, “ના…” પછી હસી પડી.

“હવે એ ફ્લેટમાં કોણ રહે છે ?”

એ ફ્લેટ, જેમાં હું અને શોભા અમારી ઓફિસ કરવાનાં હતાં.

“ખાલી છે… ના, ખાલી નથી… તારો સામાન હજી એમાં જ પડ્યો છે…”

“મારો સામાન ?”

“તું છોડી ગઈ છે એ બધું જ… મેં સાચવી રાખ્યું છે…”

એ ખુરસી પર થોડી ખસી, ફરી સ્થિર થઈ ગઈ.

“ને તારા ફ્લેટમાં ?”

એ ફ્લેટ, જેમાં અમે સાથે મળીને ખાવાનું બનાવતાં…

“હું રહું છું – મારા સામાન સાથે…” મેં હસવાનો પ્રયત્ન કર્યો.

એણે હોઠ દાબ્યા. બીજી જ ક્ષણે ઊભી થઈ ગઈ. વરસાદનું જોર વધ્યું હતું. પવન પણ નીકળ્યો હતો. ઝીણી ઝીણી વાછંટ ઊડતી હતી. એ ચબૂતરાનાં પગથિયાં ઊતરીને ચાલવા લાગી. આ વખતે એણે પાછળ વળીને જોયું નહીં. વરસાદમાં પલળતી, ઈંટની પગદંડી પર ચાલતી, વરસાદની ધૂંધમાં આગળ નીકળતી ગઈ.

હું ત્યાં જ ઊભો રહ્યો. એ સાવ દેખાતી બંધ થાય તે પહેલાં બૂમ પાડીને એને ઊભી રાખવા માગતો હતો, પણ એવું કર્યું નહીં.

એ શોભા છે, જો એ જાય છે તો જાય જ છે, એને કોઈ રોકી શકે નહીં – ન એના પિતા, ન મિત્તલ, ન હું…

… અને ન તો શોભા પોતે.

– વીનેશ અંતાણી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

27 thoughts on “શોભા – વીનેશ અંતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.