પત્નીને પગાર આપવો કે નહીં ? – કલ્પના દેસાઈ

Pandarnu ratan(‘પંદરમું રતન’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

કોઈ પણ પુરુષને એના લગ્ન પછીનાં બે-ચાર વર્ષો (જો શાંતિથી ન વીતાવ્યાં હોય તો !) પછી પૂછવામાં આવે કે,

‘તમારો મોટામાં મોટો પ્રશ્ન?’

‘મારી પત્ની.’

‘તમારો માથાનો દુખાવો?’

‘એ જ, મારી પત્ની.’

‘તમારી અશાંતિ કે બેચેનીનું કારણ?’

‘હા ભાઈ હા, એ જ. મારી પત્ની. બીજું કોઈ નહીં.’’

‘તમારો જાસૂસ કે ચોકીદાર?’

‘પત્ની… પત્ની ને પત્ની.’

‘ઓહ! ત્યારે તમારા જીવનમાં તમારી પત્નીનું ઘણું જ મહત્વ છે. નસીબદાર છો!’

‘નસીબદાર હું નહીં એ છે. અધૂરામાં પૂરું હવે તો કાયદો આવવાની વાતો થાય છે. પત્નીને એના કામનો પગાર આપવો પડશે. અહીં પગાર હાથમાં દેખાતો ન હોય ને એને ક્યાંથી આપવો?’

‘કેમ પગાર તમારા હાથમાં નથી આવતો ? તો ક્યાં જાય છે?’

‘પત્ની પૂરો પગાર લઈ લે છે પછી હાથમાં શું આવે?’

‘તો તો પછી કાયદો બદલવો પડશે!’

‘એવું જ લાગે છે.’

એક સ્ત્રી થઈને મેં પત્નીવિરુદ્ધ વાતો લખી તેથી પતિઓ રાજી ન થશો ને પત્નીઓ દુઃખી ન થશો. કારણ કે પગારના કાયદાનો ફાયદો વિચારીને જ હું તો હવામાં ઊડવા માંડેલી. વાહ ! હવે દર મહિને હાથમાં પગાર આવશે ? કેટલો પગાર મળશે ? ને કેટલો પગાર મળવો જોઈએ એ કોણ નક્કી કરશે ? શિખાઉ લોકોને ચા-પાણી કે બસભાડાના પૈસા મળે એવું કંઈક ન ગોઠવાય તો સારું. નહીં તો પગાર મળ્યો તોય શું અને ન મળ્યો તોય શું ? એવું થશે તોતો પગારના દિવસની રાહ જોવાનુંય નહીં ગમે. ફટ છે એવા પગારને. કોઈની કદર કરતાં ન આવડે તો કંઈ નહીં – મશ્કરી તો ન કરો.

અમારા કામની-ઘરકામની – ક્યારેક તો કદર થશે, ક્યારેક તો શાબાશી મળશે (શાબાશીમાં શબ્દો નહીં-પગાર જોઈએ.) કે ક્યારેક તો સરખો હક મળશે એ આશામાં ને આશામાં દાયકાઓ વિતાવી દીધા ! ખેર, દેર આયે, દુરુસ્ત આયેની જેમ મોડેમોડે પણ પગાર મળશે તો નિવૃત્તિમાં કામ લાગશે. કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. વટથી રહીશું ને એ…ય ત્યારે લહેર કરીશું. (કાયદો આવે ત્યાં સુધી શેખચલ્લી તો બનીએ.)

મને તો ખાતરી છે કે આ સમાચારથી પતિઓના પેટમાં તો ધ્રાસ્કા પડ્યા હશે. માર્યાં ઠાર! હવે વળી આ નવું તૂત? ‘પત્નીને વળી પગાર શેનો આપવાનો? ઘરમાં કામ જ શું હોય છે કે તેનો પગાર આપવાનો? બે ટાઈમ રસોઈ ને છોકરાંઓને મોટાં કરવામાં તો જાણે પહાડ તોડવાનો હોય એમ ગામ ગજાવી કાઢે. કામવાળી સાથે ને મારી સાથે માથું દુઃખાડવામાં દા’ડો પૂરો કરે ને તેને બૌ મોટું કામ ગણાવે! આવી ફાલતુ વાતોનો પગાર આપવાનો? પગારની વાત નીકળશે તો હજાર કામ ગણાવી કાઢશે ને દરેક કામના પૈસા ગણાવશે તો મારું તો આવી જ બનશે.’

એના કરતાં પુરુષો જો એમ વિચારે કે, ભૂલેચૂકે જો આ કાયદો પાસ થઈ ગયો તો પછી સ્ત્રીઓના હાથમાં પહેલાંની જેમ આખો પગાર નહીં આપવો પડે! ઘણી વાટાઘાટો અને માથાકૂટો પછી નક્કી થયેલો પગાર એક વાર આપી દીધા પછી પણ ઘણા પૈસા બચશે. દર ત્રીજે દિવસે અમુકતમુક બહાના હેઠળ કઢાવાતી નાનીમોટી ખિસ્સા કે પૈસાખર્ચીઓ પર તો સીધો જ કાબૂ કે કાપ આવી જશે. એક રીતે જોવા જઈએ તો આ પગાર આપવાની વાતને હસી કાઢવા જેવી, ઉડાવી દેવા જેવી નથી. આ કાયદા પર જો ગંભીરતાથી વિચારાય તો પુરુષોને ફાયદાકારક જ બનવાનો છે, આ કાયદો! એક વાર પગાર આપી દીધા પછી આખો મહિનો શાંતિ. ભલે ને પોતાના હકનો કે પોતાની કમાણીનો અમુક ટકા હિસ્સો પત્ની વાપરતી – મહિનાના ઓગણત્રીસ દિવસની શાંતિના બદલામાં!

ઘરખર્ચી ને બાળકોના ખર્ચા પછી પણ છાશવારે કપડાં ને પાર્લર ને સેલની અચાનક જ થતી સતામણી સામે એક જ હથિયાર ઉગામી શકાશે. ‘કેમ, તને પગાર આપ્યો છે ને? વાપર તેમાંથી હવે. બીજા તો બધા ખર્ચા હું ઉઠાવું છું, પછી તારા ખર્ચા તો તું જ ઉઠાવ ને! મારી પાસે શા માટે હાથ લાંબો કરે છે?’ (શરમ નથી આવતી?) જોકે, ઉશ્કેરાટમાં કે આનંદમાં બોલતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડશે કે જીભ ગમે તેમ લસરી ન જાય. કાબૂમાં રહે ને પોતાની ને પત્નીની મર્યાદા ન ઓળંગે. ક્યાંક એવું ન થાય કે ગમે તેમ ભચડી મારવામાં પગાર માથે મરાય ને સાંભળવા મળે કે, ‘નથી જોઈતો પગાર. એમ એક ટુકડો ફેંકીને એમ નહીં સમજતા કે જગ જીતી ગયા. મને તમારા પગારની એકએક પાઈનો હિસાબ જોઈશે. તો જ હું પગાર લઈશ. નહીં તો નહીં.’

મને લાગે છે કે, આવા મનઘડંત, અણઘડ ને મગજમાં ન ઊતરે એવા કાયદાનો વિચાર કરવો જ મૂર્ખતા છે. આટલાં વર્ષો શાંતિથી બધું ચાલતું આવ્યું છે તેમ ચાલશે. શા માટે શાંત પાણીમાં પથરા ફેંકો છો કે મધપૂડા પર નિશાન તાકો છો? શાંતિથી રહેવાનું નથી ગમતું, કેમ? પગાર આપ્યા પછી વિવાદો ને અશાંતિ જ છે, જાણી લેજો. એના કરતાં જેમ હાથમાં આખો પગાર સોંપતા આવ્યા છો તેમ સોંપતા રે’જો. ઘરમાં પરમ શાંતિ ચાહો તો!

– કલ્પના દેસાઈ

[કુલ પાન ૧૬૦. કિંમત રૂ.૧૨૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous શોભા – વીનેશ અંતાણી
બાની કોઠાસૂઝ – નલિની કિશોર ત્રિવેદી Next »   

7 પ્રતિભાવો : પત્નીને પગાર આપવો કે નહીં ? – કલ્પના દેસાઈ

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  કલ્પનાબેન,
  મજા આવી ગઈ. મજાનો હાસ્યલેખ આપવા બદલ આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. shirish dave says:

  મને લાગે છે કે મારી જ વાત યોગ્ય છે અને શ્રેષ્ઠ છે. એમાં એક કાંકરે ત્રણ પક્ષી મરે છે(આ એક શબ્દ પ્રયોગ છે. હિંસાના અર્થમાં ન લેવો).
  બે શક્યતાઓ છે.
  (૧) પત્ની નોકરી કરતી નથી. પણ ઘરસંભાળે છે.
  પુરુષ જો કમાતો હોય કે આવક વાળો હોય તો તેણે બધી જ આવક પત્નીને આપી દેવી, અને પૈસા વાપરવાનો સંપૂર્ણ અધિકાર તેને આપી દેવો. તેને કહી દેવું કે હું સલાહ આપીશ પણ મારી સલાહ માનવી કે ન માનવી તે તારી મુનસફ્ફીની વાત છે. મારું કામ સલાહ આપવાનું છે. સલાહ આપવી એ પણ એક કામ છે. અને હિન્દુધર્મ પ્રમાણે કોઇએ પણ કામ કર્યા બદલ ફળની આશા ન રાખવી. એટલે કે ફળની આશા રાખ્યા વગર કામ કરવું. તેનો અર્થ એ થશે કે પુરુષ શ્રમ કરે છે પણ તેને પૈસા મળતા નથી. એનો અર્થ એ થયો કે તે દેશની સેવા કરે છે.
  બીજો ફાયદો એ થયો કે તેને ઘર ચલાવવાના નિર્ણયોની જવાબદારી ઉઠાવવી પડતી નથી. એટલે દેશની સેવા સારી રીતે કરી શકે છે.
  ત્રીજો ફાયદો એ થયો કે પત્નીની મેનેજમેન્ટ શક્તિઓ ખીલશે. તે વધુ બુદ્ધિશાળી થશે. તમે આપેલી સલાહો કેટલી સાચી હતી અને કેટલી ખોટી હતી તેની તેને ખબર પડશે. તમે જે કંઈ ખોટી સલાહ આપી હશે એટલે કે તમારી ભૂલો તેને યાદ રહેશે (તમારી સાચી સલાહો તે યાદ રાખશે નહીં) અને તેથી તેને એવી અનુભૂતિ થશે કે તે તમારા કરતાં તે અનેક ગણી મહાન છે. આમ તેનો આત્મ વિશ્વાસ વધશે.
  (૨) પત્ની પણ નોકરી કરે છે. તો તેણે તેનો પગાર સીધો બેંકમાં જ મુકવો જોઇએ. જો ઘર ચલાવવામાં પૈસા ખૂટે તો જ તે પોતાની આવકમાંથી પૈસા વાપરે. ટૂકમાં પતિએ ઘર ચલાવવાની જવાબ દારી લેવી નહીં. કારણ કે પતિએ તો દેશની સેવા કરવાની છે. એટલે પતિએ આવા નાના નાના કામ એટલે કે ઘરચલાવવાના કામમાં માથું મારવું નહીં.

  પતિએ ફક્ત પોતાના વ્યવસાયમાં અને સમય ફાજલ હોય તો કોણે વડાપ્રધાન થવું, વડા પ્રધાને કોને પ્રધાન મંડળમાં લેવા અને કોને કયું ખાતું આપવું એવા એવા મોટા નિર્ણયો જ લેવા અને નરેન્દ્ર મોદીને સલાહો આપવી. નરેન્દ્ર મોદી ન માને તો કંઈ નહીં. કારણ કે તમે ક્યાં ફળની આશાએ કામ કરો છો? તમે તો દેશ સેવા કરો છો.
  સંપત્તિ ઉપર ફક્ત ગૃહ લક્ષ્મીનો (સ્ત્રીનો) જ હક્ક રાખવાથી, છૂટા છેડાની શક્યતાઓ આપોઆપ ઘટી જશે.
  સાસુ-વહુના ઝગડાઓ વિષે શું?

 3. મઝ્ઝાનો હાસ્યલેખ ! સાદર એક લીટીની વાર્તા.
  એક ઉચા પર્વત ઉપર એક માણસ સુખથી રહેતો હતો, ત્યા કોઇ એક સ્ત્રી આવી પહોચી…………………………………..

 4. ravi patel says:

  ખુબજ સારિ બુક

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.