(‘સખ્ય’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.)
‘કોની થાળી પીરસે છે ?’ સાસુમાએ નેહા સામે થોડી વાર એકધારું જોઈને લાગલો જ પ્રશ્ન કર્યો.
‘બાઈની. કેમ આપણે આ થાળી અને વાડકી જ લઈએ છીએને બા ?’ નેહાએ નોકર માટે રાખેલી અલગ થાળી વાડકીને ફરી એક વખત જોઈ લઈને શાંતિથી જવાબ આપ્યો.
‘પણ આટલી બધી કેરીની ચીરીઓ ? કેરી કેટલી મોંઘી છે ? ઘરમાં તો આવે, એટલે બધું નોકરોને ધરાવવાનું ન હોય ! ને વળી આપણે કંઈ ભાણું બંધાવ્યું નથી ! બેત્રણ ચીરીઓ રાખી કાઢી નાખ બધી ચીરીઓ ?’ સાસુમાએ જરા જોરથી અને સત્તાવાહી અવાજે હુકમ કર્યો અને તરત જ રસોડામાંથી રૂમમાં જવા પગ ઉપાડ્યા.
નેહા બોલી : ‘આ તો હવે વધારાની જ છેને બા ! આપણે સૌએ તો એકબીજાને આગ્રહ કરતાં કરતાં ખાઈ લીધી છે.’ પણ સાસુમાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને જેઠાણીએ નાક ઉપર આંગળી મૂકી સાસુએ કહ્યું એમ કરવાનું સૂચન ઈશારાથી કર્યું.
નેહાએ રસોડાનું કામ યંત્રવત્ આટોપવા માંડ્યું. પરંતુ આગળના દિવસે જોયેલું દ્રશ્ય તેની નજર સામેથી ખસતું ન હતું.
* * *
બપોરે બધાં સૂઈ ગયાં હતાં. વાસણ ઘસવા આવનાર નાની છોકરી તેનું કામ કરતી હતી. ત્યારે પતિ માટે પાણી લેવા જતી નેહાએ આસ્તેથી ગૅલેરીનું બારણું ખોલ્યું અને તે અવાચક ઊભી રહી ગઈ, માનો કે સમસમી ગઈ. કામ કરનાર છોકરી કેરીની એંઠી છાલ ચૂસી રહી હતી. તેણે છોકરીને ખ્યાલ પણ ન આવે તે રીતે બારણું બંધ કરી દીધું. પરંતુ આ છોકરીની, દરિદ્રતામાંથી ઉદ્ભવેલ વર્તન માટે તેને તે છોકરી ઉપર કરુણા ઉદ્ભવી હતી તેમ જ પોતાની જાત પર અને ઘરના લોકો (જેણે સારી ચીજ કામ કરનારને ન દેવાની રીત વિકસાવી છે, તેમના) ઉપર ગુસ્સો આવ્યો હતો અને એટલે જ તેણે આજે ખાતાં વધી પડેલી કેરીની ચીરીઓ કામ કરનારની થાળીમાં પીરસી હતી.
નેહાના મનમાં વર્ષો પહેલાંનો પોતાની બા સાથેનો વાર્તાલાપ અને બનાવ તાદ્રશ થયો. એ દિવાળીના દિવસો હતા. કાળીચૌદશને દિવસે નૈવેદ્યના ભાગરૂપે દૂધપાક અને અન્ય અનેક વાનગીઓ બનાવી હતી. પપ્પા ડૉક્ટર હતા. એ દિવસે ગંભીર બીમારી ધરાવતો એક દર્દી આખા દિવસની સારવાર પછી પણ બચી ન શક્યો. આથી પપ્પા, ભાઈ કે પટાવાળો કોઈ કશું જમી ન શક્યા. ગામડામાં નહીં રેફ્રિજરેટર કે નહીં ધારી લાઈટ; આથી સાંજે જ્યારે આ કામ કરનાર બહેન અને આજુબાજુનાં ગરીબ કુટુંબોને વધી પડેલી વાનગી આપવાની તૈયારી કરતાં હતાં, ત્યારે ચારેક લિટર દૂધનો દૂધપાક બગડી ગયાનો ખ્ય્લા આવ્યો. કિશોરવયની નેહા તપેલું લઈને ફેંકવા ચાલી, પણ બાએ ઈશારો કરીને તેને રોકી.
કામ કરનાર બહેન ગયાં. રાત્રે બધાં સૂઈ ગયા પછી બાએ એક ખૂરપી અને ટોર્ચ લીધી અને નેહાને દૂધપાકનું તપેલું લઈ તેઓની પાછળ આવવા જણાવ્યું. થોડે દૂર ઉકરડા પાસે તેઓએ એક ખાડો કરી, તેમાં દૂધપાક નાખી દઈ, તેના પર ધૂળ વાળી. બરાબર દબાવી ઘરે આવ્યાં, રસ્તામાં નેહા બોલી : ‘બા, તમને આવી બધી ‘લપ’ કરવાની બહુ ટેવ! આવું કરવાની શી જરૂર?’ પરંતુ બા એટલે બા. ગુસ્સે થાય જ શેનાં! ઘેર આવી તપેલું પણ પોતે ઘસીને, લૂછીને ઊંચે મૂકી દીધું. નેહાનો બબડાટ શમતાં તેઓએ પથારીમાં સૂતા-સુવડાવતાં કહેલી વાત નેહાને યાદ આવી.
બાએ કહ્યું : ‘જો બેટા, આપણી આસપાસ જે ગરીબ લોકો વસે છે, તેમને ત્યાં અઠવાડિયે ત્રણ લિટર દૂધ પણ આવતું નથી. તેઓને પોતાનાં બાળકોને ચા પિવડાવવી પડે છે, આપણે તેમને ખાવાનું આપીએ એ બરાબર છે, પરંતુ આટલી મોંઘી દૂધની વાનગી આપણે ન ખાઈએ, તેઓને ન ખવરાવી શકીએ અને તેઓ જુએ એ રીતે ફેંકીએ, તો આપણે જાણે તેઓની ગરીબાઈની મશ્કરી કરતાં હોઈએ તેવું લાગે. જાણે કે સમૃદ્ધિનું પ્રદર્શન કરતાં હોઈએ તેવું જણાય. આગળ નેહાને માથે વાંસે હાથ ફેરવતાં તેઓએ સમજાવ્યું : આ ગરીબો સારા માણસો હોય છે, તેઓની ગરીબાઈ દોહ્યલી છે. આ રીતે આવી મોંઘી ચીજોને ફેંકી દેવાતી જોઈને, તેઓમાં ઉચ્ચ ગણાતા અને આર્થિક રીતે સદ્ધર લોકો તરફ ઈર્ષા જન્મે એવું પણ બને. એક વાત હંમેશાં યાદ રાખજે દીકરા, ઘરમાં કામ કરનારાના ભાણામાં એક પણ વાનગીની કમી ન રાખીશ, કોઈ વાનગી ઓછી હોય તો તું ન ખાજે, પણ તેના ભાણામાં ચાખવા પૂરતી પણ મૂકવી. વધારે પડતી રાંધેલી વાનગીને બને ત્યાં સુધી બગડે એ પહેલાં જ વાપરી નાખવી; તેમ ન થાય તો પોતે જ તેનો નિકાલ લાવવો.’
એક બીજી વાત એ કે નોકરો કે ઘરકામ કરનારાઓ આર્થિક તંગી ઓછી કરવા પ્રામાણિક રીતે જ કામ કરતા હોય છે. એંઠાં વાસણ એટલે જ ઘસે છે. તેમની પ્રામાણિકતા ટકી રહે એ માટે કામ કરાવનારાઓએ પણ તેમનો ખ્યાલ રાખવો જોઈએ. તમે તમારા પૈસા જ્યાં-ત્યાં મૂકો, હિસાબ પણ ન રાખો, એ બાબતને તમારી આવડત ગણાવી અન્ય પાસે કામ કરનારની હાજરીમાં એ અંગે મોટી મોટી વાતો કરો તો ક્યારેક ગંભીર આર્થિક ભીંસવેળાએ તમારા અવ્યવસ્થિત રીતે વિખરાયેલા પૈસા તેને અપ્રામાણિક બનાવે છે. આવું બને તો એ જ માત્ર ચોર નથી. તેને ચોર બનાવવામાં તમારી પણ એટલી જ ભાગીદારી છે; તેવું સમજવું.
નેહા વિચારે ચડી ગઈ : આવું જ્ઞાન મારાં બાને કયા પુસ્તકમાંથી સાંપડ્યું હશે ? વર્ષોથી નાનકડા ગામડામાં જ રહેલાં છે, શિક્ષણ પણ એ સમયનું ફાઈનલ એટલે કે ધોરણ સાત પાસ થવા પૂરતું સીમિત છે. નેહાએ અનુભવ્યું કે સમાજનાં સાંસ્કૃતિક મૂલ્યો માત્ર શાલેય શિક્ષણથી નહીં, પણ કૌટુંબિક કેળવણીથી કેળવાતાં હોય છે. આજના સંદર્ભમાં માત્ર લખતાં-વાંચતાં શીખેલાં બાનો માનવીય વ્યવહાર કેટલો જીવંત રહેતો.
આજે લગ્નના છ મહિના પછી બાની સ્મૃતિથી નેહાની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. અને એ જ સમયે વર્ષોથી નાના શહેરમાં વસેલાં એસ.એસ.સી. સુધી ભણેલાં સાસુમા રસોડાની ગૅલેરીમાં ઊભાં-ઊભાં તાડુક્યાં, એઈ… આમ એંઠી કેરીઓ ચાટે છે, શરમાતી નથી ! હાય-હાય ! એંઠું ચૂંથે તો ખરી, પણ મોંમાં ઘાલે છે?
નેહાથી ન રહેવાયું, તે સાસુને હાથ પકડીને ઘરમાં લઈ આવી, અને શાંતિથી, પણ દ્રઢ અવાજમાં બોલી : ‘બા, હવેથી હું કેરી નહીં ખાઉં; પણ મારી હાજરીમાં તમે તેની થાળી કેરી વગરની નહીં રાખી શકો. એક તો તમે આટલી નાની છોકરીને તમારા એંઠા ભાણાની આફુસની છાલ પણ આપવા જેટલી ઉદારતા દર્શાવી શકતાં નથી, અને પાછાં આવું બોલીને ગરીબાઈની ઠેકડી ઉડાડો છો!’
સાસુમા પણ જાણે શાંતિથી ઓઢીને સૂઈ ગયાં. જેઠાણી ડરતાં-ડરતાં એક તરફ સ્તબ્ધ બની ઊભા રહી ગયાં. નેહાના પતિ અને જેઠને શું બન્યું તેની ખબર ન પડી, પણ કશુંક થયાનું જણાતાં પ્રશ્નાર્થ નજરે તેઓ નેહા અને તેનાં જેઠાણીની સામે જોઈ રહ્યાં. અને નેહા ફ્રિજમાં મુકાઈ ગયેલી કેરીની ચીરીઓ કામ કરનારની થાળીમાં પુનઃ ગોઠવવા લાગી. સાસુ સાથેની બોલાચાલીને લીધે ઋજુ હૃદયની નેહા ધ્રુજી રહી હતી. પરંતુ ધ્રૂજતા હૃદય સાથે પોતાની બાની કોઠાસૂઝને વંદન કરતી રહી.
[કુલ પાન ૧૪૬. કિંમત રૂ.૧૪૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]
17 thoughts on “બાની કોઠાસૂઝ – નલિની કિશોર ત્રિવેદી”
નલિનીબેન,
ખૂબ જ સંવેદનશીલ વાર્તા આપી. … એક પંક્તિ યાદ આવી ગઈ. —
દુઃખીના દુઃખની વાતો, સુખી ના સમજી શકે
સુખી જો સમજી શકે તો, દુઃખીનાં દુઃખ ના રહે.
કલિદાસ વ. પટેલ {વાગોસણા}
સૌ પ્રથમ વાર્તા ની લેખિકા ‘નલિની ત્રિવેદી ને મારા અંતર ના અભિનંદન પાઠવું છું. વાત છે હૃદય ના સ્પંદનો ની , હૃદય ના ભાવની અને સ્વભાવ ની ઋજુતાની . આ બધા ગુણો કઈ નિશાળ કે કોલેજ ભણવાથી નથી મળતા તેને માટે સંસ્કારી લોહી જોઈએ , હૃદય ની આદ્રતા જોઈએ . આપણાં સંતો મહંતો કહી ગયા છે કે
जा घट प्रेम न संचरे , सा घट जान मसान |
जैसे खाल लोहार की सांस लेत बिनु प्राण ||
મનોજ હીંગું
“નેહા વિચારે ચડી ગઈ : આવું જ્ઞાન મારાં બાને કયા પુસ્તકમાંથી સાંપડ્યું હશે ? વર્ષોથી નાનકડા ગામડામાં જ રહેલાં છે, શિક્ષણ પણ એ સમયનું ફાઈનલ એટલે કે ધોરણ સાત પાસ થવા પૂરતું સીમિત છે. નેહાએ અનુભવ્યું કે સમાજનાં સાંસ્કૃતિક મૂલ્યો માત્ર શાલેય શિક્ષણથી નહીં, પણ કૌટુંબિક કેળવણીથી કેળવાતાં હોય છે. આજના સંદર્ભમાં માત્ર લખતાં-વાંચતાં શીખેલાં બાનો માનવીય વ્યવહાર કેટલો જીવંત રહેતો.”
આભાર્……….
નલિની બેનની વાર્તા સાચે સાચ આપણા સમાજનું વરવું પ્રતિબિંબ છે. હમણાં જ મેં પાકિસ્તાનના મૂળ નિવાસી અને કેનેડામાં સેટલ થયેલા શ્રી તારેક ફતહ જ્યારે ભારત આવ્યા ત્યારે તેમણે પણ અનુભવ્યું કે ભારતના લોકો ગરીબો પ્રત્યે તોછડું વર્તન કરે છે અને અમાનવીય વર્તાવ પણ કરે છે જાણે ગરીબ હોવું એક ગુનો છે. ભલભલા લોકો ગરીબ ને માણસ માનતા નથી. ફુલ ટાઈમ નોકરને ફાટલી તૂટલી ગોદડી સુવા આપે. કે સેતરંજી ઉપર સુવાડે. ઓછું જમવાનું આપે. સારી વાનગીઓ માં એમનો ભાગ ન રાખે, સોફા ખુરશી ઉપર ન બેસવા દે. ઘરમાં કોઈ કારીગરો કામ કરતા હોય તો ફ્રીજનું પાણી ન આપે. આર.ઓ. નું પાણી ન આપે, ચા આપવાની હોય તો નાના કપમાં આપે. રકાબી ન આપે, ચા જોડે નાસ્તો ન આપે, નાસ્તો આપે તો કાગળમાં આપે, હરિજન હોય તો ઘરનું કામ ન કરાવે, તુંકારા થી બોલાવે …. આ બધામાંથી દેશનો છૂટકારો ક્યારે થશે? નેહાબેન જેવા બધાએ જ થવું પડશે.
Shirishbhai,
I do not agree with you. You always find people with different attitude. However, people are generally nice.
ગુણવંતરાયભાઈ, મને તો એમ કે મેં થોડું નબળું લખ્યું છે. તમારી વાત સાચી છે કે બધા માણસો એક જ જાતનું વલણ ધરાવતા નથી. જેઓ ગરીબો સાથે કનિષ્ઠ પ્રકારનું વર્તન કરે છે તે બધી જ વાતોમાં ન પણ કરતા હોય. એટલે કે ચાના કપની સાથે રકાબી આપતા હોય અને નાસ્તો, પ્લેટમાં પણ આપતા હોય પણ સુવાનું ગાદલું સુયોગ્ય ન હોય. ગુજરાત (સૌરાષ્ટ્રમાં બધે જ નહીં) અને મુંબઈમાં નોકરોને તું-કારે વ્યાપકરીતે બોલાવે છે. ઉત્તર ભારતીય (હિન્દીભાષી વિસ્તારોમાં) જનતામાં ગરીબો પ્રત્યે કનિષ્ઠ પ્રકારનું વર્તન સામાન્ય છે. દક્ષિણ ભારતીયોમાં ખાસ અનુભવ નથી. પણ એક વાર હું હૈદરાબાદથી મુંબઈ આવતો હતો (૧૯૭૩ ના અરસામાં) ત્યારે એક ગરીબ કુટૂંબ (અનરીઝર્વ્ડ કોચમાં) જે સીટ ઉપર બેઠેલું હતું તેને ફર્શ ઉપર બેસાડી પોતે સીટ ઉપર બેઠા. મેં હિન્દીમાં વાંધો ઉઠાવેલ. પણ જે ગરીબ મજુર કુટૂંબ (તેલુગુ) હતું તેણે ચૂપચાપ નીચે જ બેઠું રહ્યું. અને જે ઉચ્ચ વર્ણના હતા તેમણે કહ્યું કે આ લોકોને નીચે ફર્શ ઉપર જ બેસવું ફાવે. હું ખોટો હોઉં તો મને ખુશી થશે. પણ હું અત્યારે તો આ બાબતમાં દુખી છું.
I donot agree with you shirishbhai.It is not right. people have changed in mostways. servents also know and have changed.
આશા રાખીએ કે, આવી સરસ, સમજવા જેવી, જીવનમાં ઊતારવા જેવી વાર્તાઓનો વ્યાપ થાય. રીડ ગુજરાતી ને આ ભાવનું સંવર્ધન કરવા માટે અભિનંદન.
લેખિકા સાથે શત પ્રતિશત સહમત.
મને આવા સંસ્કારી પર્રીવારમા જન્મ આપવા બદલ ઇશ્વરનો ખુબ ખુબ આભર..
લેખિકાની જેમ મારી માતા આવુ ઊમદા વ્યક્તિત્વ ધરાવે છે. મારા પિતા પણ ઘરકામમા મદદકરનારને (બાઈ/ભાઈ ને)માનથી સમ્બોધવાનો આગ્રહ રાખતા.
માણસાઈ પહેલો ધર્મ છે. આપણે ભગવાન ને પ્રણામ નહિ કરીએ તો ચાલશે. પણ જો સામાન્ય માણસનું દર્દ સમજી નહિ શકીએ તો ખોટું થશે. શાસ્ત્રો કહેછે કે ઈશ્વર સર્વત્ર છે. દરકે ના દિલ માં ભગવાન છે. જો આપણે દુખી વ્યક્તિ નું દર્દ સમજીશું તે ભગવાન ની સ્તુતિ બરાબર જ છે.
સરસ વાર્તા. આભાર.
કોઠાસુઝ હોવા માટે શાળાનું શિક્ષણ જરૂરી નથી. શાળાનું શિક્ષણ લેતાં લેતાં આપણે ક્યારેક કોઠાસુઝ ગુમાવી બેસીએ છીએ. માણસ જો માત્ર માણસ જ થાયને તો પણ કેટકેટલા પ્રશ્નો હલ થઈ જાય.ટચુકડી પણ ચોટદાર વાર્તા માટે આભાર.
It takes lot of efforts and time for a human being for being human!
બહુજ હર્દ્યસ્પર્શિ વાત ચ્હે સમ્વેદના જાગ્રુત કરિ ગૈ
ખુબજ સરસ વાત કહેી..ખુબ ખુબ આભાર
નાના હતા ત્યારે મારેી, મા ઘરે કામ કરતેી બાઈ માટે અમે જમીએ ત્યારે જ્સાથે થાળી પિરસતા.શાળઍ થી આવ્યા હોઈએ ભુખ લાગી હોય ત્યારે ગુસ્સો આવતો , હવૅ એ જ રીતે મારા ઘરમા કરતા મનને સન્તોશ થાય છે કે ક્યારે આ વાત જીવન મા વણાઈ ગઈ!! કદાચ આ ને જ કુટુમ્બ ના સનસ્કાર કહિ શકાય!આ
આભાર
ખુબ સરસ આવી રીતે ગુજરાતી ભાષાને સમૃઘ્ઘ બનાવવા બદલ અભિનંદન.
હદયને સ્પર્શી જાય એવી આ વાર્તામાં નેહા તેની મા નેહા નાની હતી ત્યારે એક પ્રસંગ બનેલો તે યાદ કરીને તેની સાસુમાના વર્તન પ્રત્યે આક્રોશ પેદા કરે છે. આપણા સમાજમાં આજે પણ એવું જેવા મળે છે. મેં પણ ઘણું જોયુ છે. ગરીબ લોકો પ્રત્યેનો સ્વભાવ તોછડો રાખે છે. ગરીબ લોકો જે ઘરે કામ કરવા આવે છે. તેને ઘરમાં પણ આવવા દેતા નથી. આ વાર્તા પરથી ઘણું બધું આપણા સમાજના વ્યકિતએ શીખવું જોઇએ અને ગરીબ પ્રત્યેનો નજરીયો બદલવો જોઈએ.