- ReadGujarati.com - http://www.readgujarati.com -

બાની કોઠાસૂઝ – નલિની કિશોર ત્રિવેદી

(‘સખ્ય’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.)

‘કોની થાળી પીરસે છે ?’ સાસુમાએ નેહા સામે થોડી વાર એકધારું જોઈને લાગલો જ પ્રશ્ન કર્યો.

‘બાઈની. કેમ આપણે આ થાળી અને વાડકી જ લઈએ છીએને બા ?’ નેહાએ નોકર માટે રાખેલી અલગ થાળી વાડકીને ફરી એક વખત જોઈ લઈને શાંતિથી જવાબ આપ્યો.

‘પણ આટલી બધી કેરીની ચીરીઓ ? કેરી કેટલી મોંઘી છે ? ઘરમાં તો આવે, એટલે બધું નોકરોને ધરાવવાનું ન હોય ! ને વળી આપણે કંઈ ભાણું બંધાવ્યું નથી ! બેત્રણ ચીરીઓ રાખી કાઢી નાખ બધી ચીરીઓ ?’ સાસુમાએ જરા જોરથી અને સત્તાવાહી અવાજે હુકમ કર્યો અને તરત જ રસોડામાંથી રૂમમાં જવા પગ ઉપાડ્યા.

નેહા બોલી : ‘આ તો હવે વધારાની જ છેને બા ! આપણે સૌએ તો એકબીજાને આગ્રહ કરતાં કરતાં ખાઈ લીધી છે.’ પણ સાસુમાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને જેઠાણીએ નાક ઉપર આંગળી મૂકી સાસુએ કહ્યું એમ કરવાનું સૂચન ઈશારાથી કર્યું.

નેહાએ રસોડાનું કામ યંત્રવત્‍ આટોપવા માંડ્યું. પરંતુ આગળના દિવસે જોયેલું દ્રશ્ય તેની નજર સામેથી ખસતું ન હતું.

* * *

બપોરે બધાં સૂઈ ગયાં હતાં. વાસણ ઘસવા આવનાર નાની છોકરી તેનું કામ કરતી હતી. ત્યારે પતિ માટે પાણી લેવા જતી નેહાએ આસ્તેથી ગૅલેરીનું બારણું ખોલ્યું અને તે અવાચક ઊભી રહી ગઈ, માનો કે સમસમી ગઈ. કામ કરનાર છોકરી કેરીની એંઠી છાલ ચૂસી રહી હતી. તેણે છોકરીને ખ્યાલ પણ ન આવે તે રીતે બારણું બંધ કરી દીધું. પરંતુ આ છોકરીની, દરિદ્રતામાંથી ઉદ્‍ભવેલ વર્તન માટે તેને તે છોકરી ઉપર કરુણા ઉદ્‍ભવી હતી તેમ જ પોતાની જાત પર અને ઘરના લોકો (જેણે સારી ચીજ કામ કરનારને ન દેવાની રીત વિકસાવી છે, તેમના) ઉપર ગુસ્સો આવ્યો હતો અને એટલે જ તેણે આજે ખાતાં વધી પડેલી કેરીની ચીરીઓ કામ કરનારની થાળીમાં પીરસી હતી.

નેહાના મનમાં વર્ષો પહેલાંનો પોતાની બા સાથેનો વાર્તાલાપ અને બનાવ તાદ્રશ થયો. એ દિવાળીના દિવસો હતા. કાળીચૌદશને દિવસે નૈવેદ્યના ભાગરૂપે દૂધપાક અને અન્ય અનેક વાનગીઓ બનાવી હતી. પપ્પા ડૉક્ટર હતા. એ દિવસે ગંભીર બીમારી ધરાવતો એક દર્દી આખા દિવસની સારવાર પછી પણ બચી ન શક્યો. આથી પપ્પા, ભાઈ કે પટાવાળો કોઈ કશું જમી ન શક્યા. ગામડામાં નહીં રેફ્રિજરેટર કે નહીં ધારી લાઈટ; આથી સાંજે જ્યારે આ કામ કરનાર બહેન અને આજુબાજુનાં ગરીબ કુટુંબોને વધી પડેલી વાનગી આપવાની તૈયારી કરતાં હતાં, ત્યારે ચારેક લિટર દૂધનો દૂધપાક બગડી ગયાનો ખ્ય્લા આવ્યો. કિશોરવયની નેહા તપેલું લઈને ફેંકવા ચાલી, પણ બાએ ઈશારો કરીને તેને રોકી.

કામ કરનાર બહેન ગયાં. રાત્રે બધાં સૂઈ ગયા પછી બાએ એક ખૂરપી અને ટોર્ચ લીધી અને નેહાને દૂધપાકનું તપેલું લઈ તેઓની પાછળ આવવા જણાવ્યું. થોડે દૂર ઉકરડા પાસે તેઓએ એક ખાડો કરી, તેમાં દૂધપાક નાખી દઈ, તેના પર ધૂળ વાળી. બરાબર દબાવી ઘરે આવ્યાં, રસ્તામાં નેહા બોલી : ‘બા, તમને આવી બધી ‘લપ’ કરવાની બહુ ટેવ! આવું કરવાની શી જરૂર?’ પરંતુ બા એટલે બા. ગુસ્સે થાય જ શેનાં! ઘેર આવી તપેલું પણ પોતે ઘસીને, લૂછીને ઊંચે મૂકી દીધું. નેહાનો બબડાટ શમતાં તેઓએ પથારીમાં સૂતા-સુવડાવતાં કહેલી વાત નેહાને યાદ આવી.

બાએ કહ્યું : ‘જો બેટા, આપણી આસપાસ જે ગરીબ લોકો વસે છે, તેમને ત્યાં અઠવાડિયે ત્રણ લિટર દૂધ પણ આવતું નથી. તેઓને પોતાનાં બાળકોને ચા પિવડાવવી પડે છે, આપણે તેમને ખાવાનું આપીએ એ બરાબર છે, પરંતુ આટલી મોંઘી દૂધની વાનગી આપણે ન ખાઈએ, તેઓને ન ખવરાવી શકીએ અને તેઓ જુએ એ રીતે ફેંકીએ, તો આપણે જાણે તેઓની ગરીબાઈની મશ્કરી કરતાં હોઈએ તેવું લાગે. જાણે કે સમૃદ્ધિનું પ્રદર્શન કરતાં હોઈએ તેવું જણાય. આગળ નેહાને માથે વાંસે હાથ ફેરવતાં તેઓએ સમજાવ્યું : આ ગરીબો સારા માણસો હોય છે, તેઓની ગરીબાઈ દોહ્યલી છે. આ રીતે આવી મોંઘી ચીજોને ફેંકી દેવાતી જોઈને, તેઓમાં ઉચ્ચ ગણાતા અને આર્થિક રીતે સદ્ધર લોકો તરફ ઈર્ષા જન્મે એવું પણ બને. એક વાત હંમેશાં યાદ રાખજે દીકરા, ઘરમાં કામ કરનારાના ભાણામાં એક પણ વાનગીની કમી ન રાખીશ, કોઈ વાનગી ઓછી હોય તો તું ન ખાજે, પણ તેના ભાણામાં ચાખવા પૂરતી પણ મૂકવી. વધારે પડતી રાંધેલી વાનગીને બને ત્યાં સુધી બગડે એ પહેલાં જ વાપરી નાખવી; તેમ ન થાય તો પોતે જ તેનો નિકાલ લાવવો.’

એક બીજી વાત એ કે નોકરો કે ઘરકામ કરનારાઓ આર્થિક તંગી ઓછી કરવા પ્રામાણિક રીતે જ કામ કરતા હોય છે. એંઠાં વાસણ એટલે જ ઘસે છે. તેમની પ્રામાણિકતા ટકી રહે એ માટે કામ કરાવનારાઓએ પણ તેમનો ખ્યાલ રાખવો જોઈએ. તમે તમારા પૈસા જ્યાં-ત્યાં મૂકો, હિસાબ પણ ન રાખો, એ બાબતને તમારી આવડત ગણાવી અન્ય પાસે કામ કરનારની હાજરીમાં એ અંગે મોટી મોટી વાતો કરો તો ક્યારેક ગંભીર આર્થિક ભીંસવેળાએ તમારા અવ્યવસ્થિત રીતે વિખરાયેલા પૈસા તેને અપ્રામાણિક બનાવે છે. આવું બને તો એ જ માત્ર ચોર નથી. તેને ચોર બનાવવામાં તમારી પણ એટલી જ ભાગીદારી છે; તેવું સમજવું.

નેહા વિચારે ચડી ગઈ : આવું જ્ઞાન મારાં બાને કયા પુસ્તકમાંથી સાંપડ્યું હશે ? વર્ષોથી નાનકડા ગામડામાં જ રહેલાં છે, શિક્ષણ પણ એ સમયનું ફાઈનલ એટલે કે ધોરણ સાત પાસ થવા પૂરતું સીમિત છે. નેહાએ અનુભવ્યું કે સમાજનાં સાંસ્કૃતિક મૂલ્યો માત્ર શાલેય શિક્ષણથી નહીં, પણ કૌટુંબિક કેળવણીથી કેળવાતાં હોય છે. આજના સંદર્ભમાં માત્ર લખતાં-વાંચતાં શીખેલાં બાનો માનવીય વ્યવહાર કેટલો જીવંત રહેતો.

આજે લગ્નના છ મહિના પછી બાની સ્મૃતિથી નેહાની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. અને એ જ સમયે વર્ષોથી નાના શહેરમાં વસેલાં એસ.એસ.સી. સુધી ભણેલાં સાસુમા રસોડાની ગૅલેરીમાં ઊભાં-ઊભાં તાડુક્યાં, એઈ… આમ એંઠી કેરીઓ ચાટે છે, શરમાતી નથી ! હાય-હાય ! એંઠું ચૂંથે તો ખરી, પણ મોંમાં ઘાલે છે?

નેહાથી ન રહેવાયું, તે સાસુને હાથ પકડીને ઘરમાં લઈ આવી, અને શાંતિથી, પણ દ્રઢ અવાજમાં બોલી : ‘બા, હવેથી હું કેરી નહીં ખાઉં; પણ મારી હાજરીમાં તમે તેની થાળી કેરી વગરની નહીં રાખી શકો. એક તો તમે આટલી નાની છોકરીને તમારા એંઠા ભાણાની આફુસની છાલ પણ આપવા જેટલી ઉદારતા દર્શાવી શકતાં નથી, અને પાછાં આવું બોલીને ગરીબાઈની ઠેકડી ઉડાડો છો!’

સાસુમા પણ જાણે શાંતિથી ઓઢીને સૂઈ ગયાં. જેઠાણી ડરતાં-ડરતાં એક તરફ સ્તબ્ધ બની ઊભા રહી ગયાં. નેહાના પતિ અને જેઠને શું બન્યું તેની ખબર ન પડી, પણ કશુંક થયાનું જણાતાં પ્રશ્નાર્થ નજરે તેઓ નેહા અને તેનાં જેઠાણીની સામે જોઈ રહ્યાં. અને નેહા ફ્રિજમાં મુકાઈ ગયેલી કેરીની ચીરીઓ કામ કરનારની થાળીમાં પુનઃ ગોઠવવા લાગી. સાસુ સાથેની બોલાચાલીને લીધે ઋજુ હૃદયની નેહા ધ્રુજી રહી હતી. પરંતુ ધ્રૂજતા હૃદય સાથે પોતાની બાની કોઠાસૂઝને વંદન કરતી રહી.

[કુલ પાન ૧૪૬. કિંમત રૂ.૧૪૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]