રખતરખાં – રણછોડભાઈ પોંકિયા

(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

સંજય સાંજે કામેથી છૂટી ઘરે આવ્યો. જમી કરીને બધાં ફારેગ થયાં કે તરત તેની પત્ની લીલાબહેને મનમાં ઘોળાતી વાત મૂકી : ‘તમે જેનાં બહુ વખાણ કરીને વારેવારે વાત કરો છો એ માણેકકાકી ઘરમાં દુઃખી છે એવી વાત મળી છે. કહે છે કે મનોજભાઈ અને તેમનાં પત્ની લલિતાબહેન એને ઘડપણમાં જોઈએ એવાં સાચવતાં નથી. બધી રીતે દુઃખી કરે છે. જાતે દા’ડે હવે એને…’

‘અરે માણેકકાકીની તો વાત ન થાય ! એણે તો મને નોધારો હતો ત્યારે દીકરાની જેમ મોટો કર્યો છે…’ એક આછો નિશ્વાસ નાખી – ‘મેં એનો ખોળો ખૂંબ ખૂંદ્યો છે…’ જૂની વાત યાદ આવતાં સંજય ગળગળો થઈ ગયો. એનું મન આળું થઈ ગયું.

લીલાબહેનનેય માણેકકાકીનો થોડોઘણો પરિચય હતો. વાત સાંભળી ત્યારથી માણેકબહેનનો લાગણીશીલ સ્વભાવ અને ભલોભોળો ચહેરો એની આંખ આગળ તરવરતો હતો. થોડી વાર વિચાર કરી એણે કહ્યું : ‘વાત સાંભળી ત્યારથી મારું મન કહ્યા કરે છે, જો તમારે ગળે વાત ઊતરે તો એક વાત મૂકું : કંઈક બહાનું કરીને એને અહીં લઈ આવો. થોડાક દિવસ આપણી સાથે રહેશે તો એનુંય હૈયું હળવું થાશે.’

‘તારી વાત સાચી પણ સગપણમાં આપણે ને એ જૂના પાડોશી, બીજાં કાંઈ સગાં-સંબંધી નહીં. મને ઘણું દુઃખ થાય છે, પણ એના ઘરની વાતમાં આપણે કેમ માથું મારવું ?’ સંજયને પણ મૂંઝવણ થવા માંડી.

‘જાને બેટા, વાત સાંભળી ત્યારથી મને લાગી આવે છે. લીલા કહે છે તો… હોઠ સાજા તો બહાનાં ઝાઝાં – કંઈક બહાનું કાઢી તેડી આવજે… એ બહાને ખબર તો કાઢી અવાય, વાત સાચી છે કે ખોટી ? એનીય ખબર પડે.’ સંજયના બા કાન્તાબહેનેય આગ્રહ કર્યો. માણેકબાનું ગરીબડું મુખ તેની સામે તરવરવા માંડ્યું, ‘મારા કરતાંય તને એણે ખૂબ સાચવ્યો છે, અટાણે આપણી ફરજ થઈ પડે છે.’

આખી રાત વિચાર કરી સંજયે બહાનું શોધી લીધું. સવારે જ એ ઊપડ્યો.

નાનપણથી જ સંજય સાવ સોજો અને સ્વભાવે નરમ પણ મનોજ થોડો તોફાની ને હઠીલો. બેય તેવતેવડા અને એક જ સાથે મોટા થયેલા. બેયનાં માબાપ, ઘર, નાતજાત જુદાં પણ રહેવાનું પાસે પાસે હતું. સંજયનાં બા કાન્તાબહેન અને મનોજનાં બા માણેકબહેનને મેળ બહુ સારો. બેયના સ્વભાવ એક સરખા – ઉદાર અને મળતાવડા. એમાં જ બેયને બહેનપણાં થઈ ગયેલાં.

કોઈને મારા તારા જેવું કાંઈ નહીં. શહેરમાં કોઈ કામે જવા કે નાની મોટી ખરીદી કરવી હોય તો બંને સાથે જ ઊપડે. ઘરમાં વાટકીવહેવાર પણ સારો. એક ઘરમાં કંઈ નવીન રાંધ્યું હોય તો બેય ઘરમાં સાથે ખવાતું. સારામાઠા પ્રસંગે સૌ સાથે જ. એ જ રીતે બેય ઘરના પુરુષોને જુદી જુદી સરકારી નોકરી એટલે સૌ પોતપોતાની રીતે આનંદથી જીવતાં હતાં.

ક્યારેક સંકટ આવે ત્યારે સાવ અણચીતર્યું આવી પડે છે. અહીં પણ ઓચિન્તી કુદરતની કઠણાઈ આવી પડી ! સાવ નીરોગી અને સશક્ત શરીર ધરાવતા સંજયના પિતા બે જ દિવસની બીમારી ભોગવી નાની ઉંમરે ગુજરી જતાં પાછળ કાન્તાબહેન અને નાનકડો સંજય-મા દીકરો સાવ નોંધારાં થઈ ગયાં.

કાલે જે ઘર આનંદમાં કિલ્લોલતું હતું ત્યાં આજે સૂનકાર છવાઈ ગયો ! આજે તે પારાવાર સંકટમાં ઘેરાઈ ગયું. ઘરનો કમાઉ મોભી ગયો અને સાથે જીવતરનું સાધન ગયું. કરકસર કરીને થોડીક એકઠી કરેલ બચતની મૂડીએ કાન્તાબહેને થોડોક સમય તો મા દીકરાનું ગોઠવ્યું, પણ એ કેટલા દિ’? અને હવે પાછળનું શું ? આવી ચિન્તા હતી.

નિયતિ ક્યારેક સંકટ આપે છે તો તેનો નિવેડો પણ સાથે જ આપતી હોય છે. કાન્તાબહેન ચિંતામાં હતાં ત્યાં બધું મેળેમેળે પાટે ચડી ગયું. એના પતિ જ્યાં નોકરી કરતા હતા ત્યાં જ તેને રહેમરાહે પટાવાળાની નોકરી મળી ગઈ. પોતે સવારથી નોકરીએ જાય તો પાછળ ગભરું સંજયનું પણ ગોઠવાઈ ગયું. બધું પહેલાંની જેમ સમુસૂતર થઈ ગયું. છેલ્લી મૂંઝવણમાં માણેકબહેને સામે ચાલીને સધિયારો આપી દીધો :

‘અલી કાન્તા, તું જરાય મૂંઝાઈશ મા ! સંજયને તો હું સાચવી લઈશ. તું સાવ નચિંત થઈને તારું કામ કર. મારે તો એક ભેગો બીજો દીકરો ! આમેય બેયને બને છે બહુ. આખો દિવસ સાથે જ રમતા હોય છે, મારો મનોજ થોડો તોફાની છે, સંજય સાથે ઊછરશે તો વાન નહીં તો સાન આવશે. રોજ સવારે જાય ત્યારે મારે ત્યાં મૂકતી જા, એની કાંઈ ઉપાધિ કરતી નહીં. રમતાં રમતાં કાલ સવારે મોટો થઈ જશે ને તારો ભાર ઉપાડી લેશે.’

‘વાત ખરી માણેકબહેન, મારા માટે તમારે હેરાન થવું ને… આ કાંઈ એક દિવસનું થોડું છે ?’

‘તેથી શું થયું ? પાડોશી તરીકે અમારી એટલી ફરજ ગણાયને ?’

કાન્તાબહેનને પ્રથમ તો થોડો ક્ષોભ થતો પણ માણેકબહેનની મીઠી લાગણી જોઈ ગળે વાત ઊતરી ગઈ.

કોઈ પણ સ્ત્રી ગમે તેવા મોટા મનની હોય છતાં પોતાનાં અને પારકાં છોકરાં સાથે ઊછરતાં હોય તો સ્વાભાવિક પોતાનાં પ્રત્યે પક્ષપાત થઈ જાય પણ અહીં માણેહબહેને છેવટ સુધી સરખી રીતે જ જાળવ્યા.

સમય કોઈની રાહ જોતો નથી. એ એની રફતારમાં જ ચાલ્યો જાય છે. મનોજ અને સંજય સાથે જ મોટા થવા માંડ્યા. બેય ઘર પ્રથમની રીતે જ સુખશાંતિથી જીવવા માંડ્યાં.
મનોજ તોફાની હતો પણ ભણવામાં હોશિયાર હતો. ભણીને શહેરમાં નોકરીએ લાગી ગયો. વચ્ચે એના પિતાએ સંજયના પિતાની જેમ જ વિદાય લીધી. લલિતા સાથે પરણીને તે શહેરમાં ગયો. બેય ઘર કમને જુદાં પડ્યાં. છતાં ક્યારેક પ્રસંગે કે ક્યારેક ફોનથી એકબીજાના સંબંધ જળવાઈ રહેલાં. અહીં સંજય પણ ધંધે વળગી જતાં કાન્તાબહેનને પાછલી જિંદગીમાં હાશકારો મળી ગયો.

મનોજની પત્ની લલિતાનો સ્વભાવ વધારે પડતો કરકસરિયો અને થોડો તીખો. શરૂઆતમાં તો કાંઈ નહીં પણ વખત જતાં ધીમે ધીમે ઘરનો બધો કબજો એણે લઈ લીધો. માણેકબહેન પ્રત્યે અણછાજતું વર્તન કરવા માંડી. નહીં જેવી વાતમાં તે માણેકબહેનને ધમકાવી લેતી. માણેકબહેન – ‘હોય એ તો હજુ આવતલ છે. કંઈ કહે તો હવે ઘર એનું છે ! વખત જતાં મેળેમેળે સ્વભાવ ઠરી જશે.’ ગણી બધું ગળી જતાં.

પરંતુ જેમ જેમ માણેકબહેન સહન કરતાં ગયાં તેમ તેમ લલિતા વધારે તોછડાઈ કરવા માંડી. આમ કરતાં કરતાં એણે ઘરમાંથી માણેકબહેનની સાવ કાંકરી કાઢી નાખી. મનોજ પણ લલિતાની રોજની કાનભંભેરણીથી માણેકબહેન પ્રત્યે સાવ બેદરકાર થઈ ગયો.

* * *

બીજા માળે આવેલા ફ્લૅટના બારણા ઉપર મનોજનું નામ વાંચી સંજય ઘડીભર તેને જોઈ રહ્યો. પછી હળવેકથી કોલબેલની સ્વિચ દબાવી. ઘણી વાર સુધી ઊભો રહ્યો, કોઈ આવ્યું નહીં. બીજી વાર સ્વિચ દબાવી, ઊંડે ઊંડેથી અવાજ આવ્યો : ‘કોણ છે, ભાઈ ?’

‘એ તો હું સંજય, મનોજનો મિત્ર, ગામડેથી આવ્યો છું.’

તરત બારણું ખૂલ્યું, સુકલકડી અને સાવ નંખાઈ ગયેલાં શરીરમાં માણેકકાકીને જોયાં, તરત જ તે દોડીને પગમાં પડી ગયો ! માણેકકાકી અચરજથી જોઈ રહ્યાં.

‘અરે કાકી ! મને ઓળખ્યો નહીં ? હું તમારો નાનો દીકરો સંજય… આપણા ગામેથી આવું છું.’ કાકીનો ધ્રૂજતો હાથ હાથમાં લઈ પંપાળતાં સંજય બોલ્યો.

‘આવ આવ, દીકરા ! ઘણા વખતે કાકી યાદ આવી ?… હું તો તને અને કાન્તાને ભગવાનની જેમ યાદ કરું છું… કેમ છે ત્યાં બધાંય ?’

‘બધાંય મજામાં છે અને તમને હર વખત યાદ કરીએ છીએ.’

‘તો સારું, હાલ્ય અંદર આવ.’ કહી તેણે સંજયને ઘરમાં લીધો.

કાકીને તસ્દી આપ્યા વગર સંજયે હાથે જ ફ્રીઝમાંથી લઈ પાણી પીધું. આજુબાજુ જોયું કોઈ સળવળાટ ન સાંભળ્યો એટલે પૂછ્યું : ‘ઘરમાં કાકી તમે એકલાં જ છો ? ભાઈ-ભાભી કેમ દેખાતાં નથી ?’

‘આજ રજાનો દિવસ છે. તેથી તેના કોઈ સંબંધીને ત્યાં મળવા ગયાં છે. ઘણી વાર થઈ છે હવે આવવાં જોઈએ.’

‘કાકી, ઘરમાં કેમ ચાલે છે ? તમે સુખી તો છો ને ?’ મોકો મળ્યો જાણી સંજયે પૂછી લીધું.

‘હા બેટા, દીકરાના ઘરમાં જેવું મળે તેવું સુખ જ ગણાયને.’

‘અમે તો ત્યાં કાંઈ બીજું જ સાંભળ્યું છે. હું તમારો દીકરો જ છું, મને જેવું હોય એવું કહો !…સાંભળ્યું છે મનોજ અને લલિતાભાભીનું વર્તન સારું નથી.’

સાંભળતાં જ માણેકબહેનનું હૈયું ભરાઈ આવ્યું… પાળ તૂટે ને પાણી વહે એમ એમની બંને આંખો વરસવા માંડી… ‘દીકરા, શું વાત કરું ? બેય માણસ પરાયાં થઈ ગયાં છે…’ આટલું એ માંડ બોલી શક્યાં. ગળે ડૂમો ભરાઈ ગયો…

સંજયે એમની હાલત જોઈ. સાવ સાદાં કપડાં, નિસ્તેજ ચહેરો, આંખે ઝાંખપ અને શરીર સાવ હાડપિંજર જેવું- ઘણી વાર સુધી તે કાકીને જોઈ રહ્યો. પછી પીઠે હાથ ફેરવતાં બોલ્યો :
‘તમે હવે બધું ભૂલીને છાનાં રહી જાવ, બધું સારું થઈ જશે.’

સંજયની આત્મીયતા ભરી વાણી સાંભળતાં માણેકબહેનને કળ વળી. થોડી વારે આંસુ લૂછી સ્વસ્થ થઈ ધ્રૂજતા અવાજે – ‘દીકરા, ઘણા વખતે તું આવ્યો એટલે તને જોઈ હૈયું થોડુંક ભારે થઈ ગયું… ત્યાં હતાં ત્યારે તારા કાકાના જીવતાં કેવું સુખ હતું ? અહીં આવ્યા પછી મનોજ સવારે નોકરીએ જાય અને પાછળ લલિતાનું રાજ ચાલુ થઈ જાય ! સ્વભાવે થોડીક ટૂંકી, નહીં જેવું શાક, ટાઢાં દાળ-ભાત, ટાઢી મોણ વગરની રોટલી, દાંત નથી તોય માંડમાંડ ગળે ઉતારીને પડખેની ઓરડીમાં પડી રહું છું. શું કરું ? સાજી છું કે માંદી મનોજે ક્યારેય લાગણીથી પૂછ્યું નથી. રજાના દિવસેય બેઘડી પાસે બેસી વાત કરી નથી… આમ ને આમ દિવસ-રાત કાઢું છું. લલિતાએ કોણ જાણે કેવા કાન ભર્યા છે તે બાળપણના લાડ છેક જ ભૂલી દીકરો મટી ગયો છે !’

‘કાકી, હવે એ બધું ભૂલી જાવ, હું તમને મારે ત્યાં લઈ જવા જ આવ્યો છું. ત્યાં મારાં બા સાથે આનંદથી રહેજો… ત્યાં તમને ફાવશે ને ?’

‘દીકરા, મારે મન તુંયે મારો દીકરો જ છે… પણ મનોજ ને લલિતા આવવા દેશે ?’

‘તમે એની ચિંતા કરો મા, એ બધું હું એ બેય સાથે ફોડી લઈશ.’

‘ત્યાં તારા ઘરમાં લીલાને…’ માણેકબહેનને હજુ દહેશત હતી.

‘કાકી, લીલાએ અને મારાં બાએ તો મને મોકલ્યો છે.’

દુનિયામાં બધાંય સ્વાર્થી હોતાં નથી એમ માણેકબહેનને લાગ્યું. પછી થોડી વાર કાકી-ભાત્રીજાએ સુખદુઃખની વાતો કરી ત્યાં મનોજ અને લલિતા બેય આવ્યાં. સંજયને આવેલો જોઈ બેયે ખુશી દર્શાવી : ‘ક્યારે આવ્યો સંજય ? ઘરમાં બધાં મજામાંને ?’

‘બસ આવીને આ બેઠો અને પાણી પીધું. હવે ભાભી ચા બનાવે તો પીઉં.’ કહી લલિતા સામે જોઈ હસી પડ્યો.

માણેકબહેનના ગાલ ઉપર લીંપાઈને સુકાઈ ગયેલ આંસુના આછા રેલા જોઈ લલિતાને શંકા થઈ પણ સંજયની હાજરીમાં કંઈ દેખાવા ન દીધું.

‘ખાલી ચા જ શું કરવા, ઘણા વખતે આવ્યા છો તો જમાડીને જ જવા દઈશ.’ કહી રસોડામાં ચા બનાવવા ગઈ.

બંને મિત્રોએ નાનપણની અને અલકમલકની વાતો કરી ત્યાં ચા આવી. પીને સંજયે હળવેકથી વાત મૂકી : ‘ભાઈ મનોજ, ભાભી, તમને એક વાત કરવી છે. ત્યાં ઘરે મારાં બા થોડા વખતથી બીમાર રહ્યા કરે છે. છેલ્લા ચારેક દિવસથી તેણે વેન લીધું છે- કાકીને તેડી આવ્ય ? મારો હવે ભરોસો નથી. એટલે હું માણેકકાકીને તેડવા આવ્યો છું. બેયને જૂનો ઘરોબો એટલે બાનો જીવ કાકી સાથે થોડાક દિવસ રહેવા થયા કરે છે. તમને બેયને વાંધો ન હોય તો…’

મનોજે લલિતા સામે જોયું. લલિતાના ચહેરા પર થોડો અણગમો ઊપસી આવ્યો પણ તરત કોઈને કળાવા દીધા વગર તેણે ભાવ બદલી નાખ્યો. બેયને ના પાડવાનું કોઈ કારણ ન હતું. લલિતાની નજરમાં સંમતિ જણાતાં મનોજે કહ્યું : ‘મારાં બાએ માંદાં જેવાં તો છે, તારે એક બીમાર સાથે બે બીમારની ચાકરી કરવી પડશે. છતાંય બાની મરજી હોય તો ખુશીથી તેડી જા.’
‘બાને તો પૂછી લીધું, તમને પૂછવાપણું હતું.’

* * *

સંજયને ઘેર આવ્યા પછી માણેકબહેનને પોતાનું ઘર હોય એવો અહેસાસ થવા લાગ્યો. બેય ટાણાં સારો અને તાજો ખોરાક, કોઈ માનસિક ચિંતા નહીં. સંજયની પત્ની લીલાનો સ્વભાવ બહુ માણસીલો અને મીઠો. પોતાની સાસુથીયે માણેકબહેનનું માન વધારે રાખે.

‘હાશ ! આખો દિવસ મોં બગાડતી લલિતાના ત્રાસમાંથી છૂટી !’ એવી લાગણી થઈ આવતી.

બેય વૃદ્ધાઓ ઘરમાં થાય એવો ટાંકોટેભો કરી લીલાને કામમાં મદદ કરાવે, ક્યારેક પાડોશમાં કે સવાર-સાંજ મંદિરે જાય. શરીરે સારું થતાં સંજયે માણેકબહેનને આંખે મોતિયો ઊતરાવતાં અને મુખમાં બત્રીસી નખાવતાં હવે સૂઝવા અને ખાવાનો પ્રશ્ન ઊકલી ગયો.

આમ જ અઢી-ત્રણ મહિના નીકળી ગયા.

એક દિવસ માણેકબહેને સંજય આગળ વાત મૂકી : ‘ભાઈ, હવે હું મારે ઘેર જાઉં તો ! અહીં હવે કેટલા દિવસ ?…તમે બધાંએ મારું બહું રાખ્યું…’

‘કાકી, આ પણ તમારું જ ઘર છે, હવે ક્યાંય નથી જવાનું ! અહીં મારાં બા પાસે સુખેથી રહો. સાજે-માંદે અમે સંભાળીશું…’

‘મનોજ ને લલિતાને ઠીક નહીં લાગે… એ કહેશે તો ?’

‘હું એને સમજાવી દઈશ ! તમે કોઈ જાતની ચિંતા કરો મા !’ સંજયે ભાર દીધો.

સંજય અને લીલાની લાગણી જોઈ કાકીનું હૈયું ગદ્‍ગદ થઈ ગયું.

થોડો સમય જતાં સાચે જ મનોજ એક દિવસ તેડવા આવ્યો. ત્યારે સંજયે ભાર દઈને મીઠાશથી કહ્યું : ‘ભાઈ, આ કોઈ ઉપકારની વાત નથી. આ તો રખતરખાં છે. માણેકકાકીએ નાનપણમાં મને સાચવ્યો, હવે ઘડપણમાં હું એને સાચવું… એ તારાં બા છે એટલાં જ મારાં છે !…મેંય તારા જેટલો જ એનો ખોળો ખૂંદ્યો છે. અહીં એમને ફાવી ગયું છે તો રહેવું હોય ત્યાં સુધી રહેવા દે. મારા ઉપર એનું બહુ મોટું ઋણ છે !…થોડુંક ઓછું થાય તો મનેય…’
બેય મિત્રોએ સામસામે હસી લીધું…

– રણછોડભાઈ પોંકિયા
(સંપર્ક : મુ.પો.મજેવડી, તા. જિ .જૂનાગઢ-૩૬૨ ૦૦૧ મો.૯૮૯૮૨ ૨૬૨૨૦)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “રખતરખાં – રણછોડભાઈ પોંકિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.