ફિંગરપ્રિન્ટ – મનહર રવૈયા

(‘ફિંગરપ્રિન્ટ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.)

સુરભિ એપાર્ટમેન્ટમાં બીજા માળના ફ્લૅટ નંબર ચોત્રીસમાં લાગેલી આગ ફાયર બ્રિગ્રેડના બે જવાનોની સમયસૂચકતા દ્વારા આસાનીથી કાબૂમાં આવી ને બુઝાઈ ગઈ. આગ બેડરૂમથી આગળ નહોતી લાગી. આજુબાજુમાં રહેતા લોકો તેમજ સિક્યુરીટી ગાર્ડના જણાવ્યા પ્રમાણે ફ્લૅટ નંબર ચોત્રીસમાં રહેતા આલોક શેઠનો પરિવાર છેલ્લા પાંચેક વર્ષથી વિદેશમાં રહેતો હોવાથી એમની સ્થાનિક કંપનીની જીપનો ડ્રાઈવર કપિલ રોજ રાત્રે સૂવા આવતો હતો. ફાયર બ્રિગેડના જવાનો આગ લાગવાનું કારણ અને નુકસાનનું તારણ કાઢવા ફ્લૅટમાં પ્રવેશ્યા. બેડરૂમનું દ્રશ્ય જોતાં જ એમના પગ થંભી ગયા. રૂમમાં સેટી પલંગ સાથે સળગીને કાળીમશ થઈ ગયેલી એક લાશ પડી હતી. સેટીની આસપાસ કારપેટ અને ટિપોઈ અર્ધ સળગી ગયેલા હતા. સુરભિ એપાર્ટમેન્ટથી બે કિ.મી. દૂર આવેલા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી જ હતી. તેથી પી.એસ.આઈ. ભરતકુમાર, જે. પ્રભાકરન, હે.કો.રણજિતસિંહ, સ.કો.અમૃત જાદવ અને ફોટોગ્રાફર સુમન પટેલ જીપમાં આવી પહોંચ્યા.

પ્રભાકરન સાહેબે જોયું તો મૃતકનું શરીર આગમાં બળીને ભડથું થઈ ગયેલું હતું. એક ફક્ત મોઢાનો ભાગ રહી ગયો હતો. આગ કેવી રીતે લાગી એ એક રહસ્ય હતું અને પ્રભાકરન માટે બીજું રહસ્ય એ વાતનું હતું કે આગ લાગી, પોતે સળગ્યો હશે, છતાંયે મૃતકે બચવાનો પ્રયત્ન કેમ નહીં કર્યો હોય…? પરંતુ લાશના ફોટોગ્રાફ માટે મૃતકનું મોઢું જરા સીધું કર્યું તો લાશના ગળે બે-ચાર ઘામાંથી લોહી નીકળી આવેલું હતું. એ જોતાં જ પ્રભાકરન સાહેબને મન સમધાન થઈ ગયું. આ અકસ્માત નથી પણ ખૂનનો મામલો છે. ચાલાક ખૂનીએ પહેલાં ખૂન કરીને પછી આગ લગાડી છે. લાશનો ચહેરો જોઈને આજુબાજુવાળાઓએ તેમ જ સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે આ તો રાત્રે સૂવા માટે આવતા ડ્રાઈવર કપિલની લાશ છે. હવે પ્રભાકરન સાહેબને બસ ખૂનીને શોધવાનું જ કામ રહ્યું.

એમણે સિક્યુરિટી ગાર્ડ પાસેથી જાણ્યું તો કપિલ પહેલાં તો ફ્લૅટનું ધ્યાન રાખવા રાત્રે નિયમિત સૂવા આવતો હતો. જોકે હમણાંથી બે-ત્રણ દિવસે આવતો હતો. તે ક્યારેક તેની સાથે સીમા નામની છોકરી પણ આવતી હતી અને વહેલી સવારે ચાલી જતી હતી. બાકી કપિલના ઘરનું સરનામું કે તેના કોન્ટેક નંબરની ગાર્ડને જાણકારી હતી નહીં પછી પ્રભાકરને રૂમનું પુનઃ બારીકાઈથી નિરીક્ષણ કર્યું. આગમાં ડેમેજ થયેલી ટિપોઈ પર કાચના બે ખાલી ગ્લાસ અને રમની ખાલી બૉટલ પડ્યાં હતાં. અને તેની પાસેથી ખુરશી નજીક ફર્શ પરથી એક સફેદ લેડીઝ રૂમાલ મળી આવ્યો. પ્રભાકરન સાહેબે બે ગ્લાસ, બૉટલ અને રૂમાલ પરના ફિંગરપ્રિન્ટ માટે એક પોલીથીન બૅગમાં લેવડાવ્યાં. પંચનામું અને ફોટોગ્રાફી બાદ લાશ પી.એમ. માટે રવાના કરવામાં આવી અને સૌ નીકળવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં આલોક શેઠની સ્થાનિક કંપનીનો મૅનેજર સુખલાલ આવ્યો. એને આ દુર્ઘટનાની જાણ ન હતી. એ તો એપાર્ટમેન્ટમાંથી કોઈએ ફોન કર્યો ને સુખલાલ આવ્યો. પ્રભાકરને સુખલાલને કપિલ બારામાં પૂછ્યું તો એણે કહ્યું, ‘સાહેબ… કપિલ આલોક શેઠનો જૂનો અને વિશ્વાસુ ડ્રાઈવર હતો. તેનો પરિવાર બાજુના ગામડે રહે છે. કપિલ અહીં એકલો જ રહેતો હતો. તેથી શેઠજી વિદેશ જતાં પહેલાં એને ફ્લૅટનું ધ્યાન રાખવા માટે સૂવાનું કહીને ગયા હતા. આમ કપિલ રોજ રાત્રે ફ્લૅટમાં સૂતો હતો અને સવારે નોકરી પર આવતો. પણ આજ ન આવ્યો. મેં એને ફોન કર્યો તો સ્વીચ્ડઑફ હતો. ત્યાં મને આગ અને કપિલની હત્યાના સમાચાર મળ્યા.’

સુખલાલે કહ્યું, ‘સાલું, બહુ ખોટું થયું. કપિલને કોઈની સાથે દુશ્મની પણ નહોતી.’

ત્યારે પ્રભાકરને વાત કાપતાં કહ્યું, ‘મેં જાણ્યું છે કે કપિલ સાથે એક સીમા નામની છોકરી તેની સાથે આવતી હતી. તે એ સીમા કોણ છે…?’

‘સીમા કપિલની પ્રેમિકા છે અને થોડા સમય પહેલાં જ કપિલની ભલામણથી મેં તેને અમારી કંપનીમાં સેલ્સ ગર્લ તરીકે નોકરીમાં રાખી છે. પણ મને એ છોકરી સારી નથી લાગતી.’

‘સારું, સીમા ક્યાં મળશે…?’

‘આજે તો એને રેસ્ટ છે તેથી પરા વિસ્તારમાં આવેલ કુબેરનગર પહેલી લેન ઘર નં.૧૮૦ પર, એ ઘરે જ હશે.’ આમ વાતવાતમાં પ્રભાકરન સાહેબનું ધ્યાન સુખદેવના જમણા પોંચા પર બાંધેલ પાટા પર ગયું.

‘મિ. સુખલાલ… આ તમારા હાથે શું વાગ્યું છે ?’

‘એ તો મારું સ્કૂટર સ્લિપ થઈ ગયું હતું ને તેથી મારો હાથ જરા છોલાઈ ગયો છે.’

‘ઓકે મિ.સુખલાલ હવે તમે એક કામ કરજો – સાંજે પોલીસ સ્ટેશને આવીને એફ.આઈ.આર.માં સહી કરીને તેની કૉપી લઈ જજો. તમારે શેઠના ફ્લૅટ માટે ઇન્સ્યોરન્સના ક્લેઈમની જરૂર પડશે.’

અને પ્રભાકરન ત્યાંથી નીકળી સીધા સીમાના નિવાસસ્થાને આવ્યા. કપિલની હત્યાના સમાચાર સાંભળાતાં જ સીમા ઢગલો થઈને રડી પડી. તે માંડ માંડ કંટ્રોલ થઈ.

‘મિસ સીમા…! કપિલ છેલ્લો તમને ક્યારે મળ્યો હતો…?’

‘ગઈ રાત્રિની આગલી રાત્રિ એટલે કે બે દિવસ પહેલાં કપિલ મારા ઘરે મળવા આવ્યો હતો. પણ તે ખૂબ જ ગભરાયેલો હતો. એ કહેતો હતો કે મારા પર ખતરો છે. મારો જીવ જોખમમાં છે માટે મારે આલોક શેઠને ફોન કરવો પડશે. આખરે એ કહેતો હતો એમ એનો ભોગ લેવાયો.’ સીમાની વાતમાં પ્રભાકરનને સત્યનો રણકો સંભળાયો. ફરી મળવાનું તેમ જ કપિલના ખૂનીને શોધવામાં સહાય થવાનું સીમાને કહી પ્રભાકરન સાહેબ નીકળી ગયા.

* * *

સાંજે કંપનીનો મૅનેજર સુખલાલ પોલીસ સ્ટેશન આવ્યો. એણે આવીને સહી કરતાં કરતાં પૂછ્યું, ‘શું સાહેબ કપિલના હત્યારાનું પગેરું મળ્યું…?’

‘હત્યારાનું પગેરું તમારી કંપનીના સ્ટાફ તરફ નીકળે છે માટે તમારા સૌના ફિંગરપ્રિન્ટ લેવા પડશે.’

પ્રભાકરનની વાત સાંભળી સુખલાલ તુરત બોલ્યો, ‘પણ અમારા સ્ટાફમાંથી કોણ હોય સાહેબ…?’

‘હું ક્યાં કહું છું કે તમારા સ્ટાફનો જ કોઈ હત્યારો છે. આ તો તપાસનો દોર શરૂ કરતાં ફિંગરપ્રિન્ટ લેવી જરૂરી છે. તમે આવ્યાં જ છો તો શરૂઆત તમારાથી જ કરીએ…’

સુખલાલના ચહેરાના ભાવ બદલાઈ ગયા. એણે ગુસ્સે થઈને કહ્યું, ‘કપિલની હત્યામાં મને કશી જ જાણ નથી અને હું મારા ફિંગરપ્રિન્ટ નહીં આપું.’ પરંતુ આમ વાતવાતમાં પ્રભાકરન સાહેબના સવાલોની ગૂંચમાં સુખલાલ ફસાઈ ગયો.

એણે ગુનો કબૂલ કરતાં લખાવ્યું, ‘સાહેબ, જ્યારે મારા દસ લાખના કૌભાંડની કપિલને ખબર પડી ગઈ ત્યારે હું મૂંઝાણો. મને ભય લાગ્યો કે હવે કપિલ જરૂર મોં ખોલશે અને શેઠજીને ફોન કરી મારા કૌભાંડનો ભાંડો ફોડશે. તેથી તેનું મોં બંધ કરવા હું ગઈ રાત્રે રમની બૉટલ અને બે લાખ રૂપિયા લઈને સુરભિ એપાર્ટમેન્ટમાં કપિલ પાસે ગયો. રૂપિયા લેવા એ તૈયાર ન થયો એટલે મેં એને હંમેશાં માટે બોલતો બંધ કરી દેવાનો નિર્ણય કર્યો. રમના બે પાંચ પેગ મેં પહેલાં કપિલને પાયા. એ હોશ ગુમાવી બેઠો. સેટી પલગમાં જ ઢળી પડ્યો. પછી સફરજન સુધારવાની છરીના મેં કપિલના ગળે બે-ચાર વાર ઝીંકી દીધા ને કપિલ તરફડીને શાંત પડી ગયો. એટલે મેં બૉટલમાં બચેલો રમ તેની પર છાંટી દીવાસળી ચાંપીને હું ચૂપચાપ સૌની નજર બચાવતો નાસી ગયો. હત્યામાં સીમાને સપડાવવા મેં તેનો લેડીઝ રૂમાલ ત્યાં ટિપોઈ પાસે મૂક્યો જે મારી ચેમ્બરમાં એ ભૂલી ગઈ હતી. પણ કાચના ગ્લાસ અને બૉટલ પરથી મારા ફિંગરપ્રિન્ટ નાશ કરવાનું હું ભૂલી ગયો. બસ એ જ ભૂલ મને નડી.’

[કુલ પાન ૧૫૦. કિંમત રૂ.૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રખતરખાં – રણછોડભાઈ પોંકિયા
બાળકો અને કલામચાચા – નટવર ગોહેલ Next »   

5 પ્રતિભાવો : ફિંગરપ્રિન્ટ – મનહર રવૈયા

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  મનહરભાઈ,
  આપની રહસ્યકથા સારી રહી.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. Chetan says:

  Not great at all!!
  This is basic plot from so many thriller you can find on youtube.
  Sorry Mr. Manhar, at the best I would call it as piracy.

 3. Mahendra Shah says:

  Waste of time for publisher and reader

 4. parmar pradip says:

  story bahu chila chalu lagi…..
  maja na avi….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.