બાળકો અને કલામચાચા – નટવર ગોહેલ

Unchi udaan(૨૭ જુલાઈ ૨૦૧૫ના રોજ આપણી વચ્ચેથી ચિરવિદાય લીધેલ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ પોતાના વૈજ્ઞાનિક કાર્યોથી, વિચારોથી અને પુસ્તકોના માધ્યમથી આજે પણ આપણી વચ્ચે શ્વસી રહ્યા છે. આ લેખ થકી રીડગુજરાતી.કોમ ભારતના સ્વપ્નદ્રષ્ટાને, મિસાઈલમેનને શબ્દસુમન અર્પે છે. પરમ પિતા પરમેશ્વર તેમના આત્માને શાંતિ બક્ષે. ૐ શાંતિ…

તેમના જન્મદિવસને (૧૫ ઓક્ટોબર) ‘WORLD STUDENTS DAY’ તરીકે જાહેર કરાયો છે. આજનો લેખ – ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ ‘ઊંચી ઉડાન’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે આપવામાં આવી છે.)

કોઈ જગ્યાએ ઉત્સવનો માહોલ હતો. દરેકના ચહેરા ઉપર ઉત્સુકતા સાથેનો આનંદ પથરાયેલો હતો. બાળકો ઘણા દિવસોથી આ દિવસની પ્રતીક્ષા કરી રહ્યા હતા. વડીલોએ બાળકોના પહેરવેશ તરફ ઝાઝું લક્ષ્ય આપ્યું હતું.

કેટલાક મહેનતું બાળકોએ અતિથિ માટે શ્રેણીબદ્ધ ચિત્રો પણ તૈયાર રાખ્યાં હતાં. એ સઘળાં ચિત્રો આવનાર મહેમાનના જીવન અંગેનાં હતાં. કેટલાકે સરસ કવિતાઓ પણ તૈયાર કરી હતી.

આવનાર અતિથિની આસપાસ ઊભા રહી શકે, બોલી શકે તેવાં ખાસ બાળકોને પણ ખાસ પસંદ કરાયાં હતાં. બધાં રોમાંચની લાગણી અનુભવી રહ્યાં હતાં. બધાં આનંદમાં થનગનતાં હતાં.

અગાઉથી તેઓએ હોમવર્ક કર્યું હતું. કેમ બોલવું ? કેટલું બોલવું ? કોણે બોલવું ? વગેરે બાબતો તરફ વિશેષ લક્ષ્ય અપાયું હતું.

ચારેતરફ ઉત્તેજનાનો માહોલ હોય એ સમજી શકાય. એ સમય ધીરે ધીરે આવી રહ્યો હતો અને બધાંની ઈચ્છાનો અંત આવી ગયો. જે મહાનુભવની પ્રતીક્ષા થતી હતી તે વિભૂતિ પ્રસિદ્ધ લોકપ્રિય વૈજ્ઞાનિક ભારતરત્ન ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ હતા અને તેઓ આવી ગયા હતા.

બાળકોની સાથે વડીલ શિક્ષકો પણ સજ્જ હતા. બધાંની આંખોમાં ઉત્સુકતાનો ભાવ તરવરતો હતો. એ બધાં તૈયાર થઈને આવ્યા હતા. સૌને પોતપોતાની ભૂમિકા સમજાવી દેવાઈ હતી. દરેકને પોતાનું કામ મળી રહ્યું હતું.

પ્રિન્સિપાલ બધાંથી વધુ ખુશ અને પ્રસન્ન જણાતા હતા. કેમ કે ડૉ. કલામે તેમના આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. શરૂઆતમાં તેમને એમ લાગ્યું હતું કે ડૉ. કલામ પાયાની વ્યસ્તતા આગળ રાખીને સમારોહમાં આવવાનો ઈનકાર કરશે, પણ એમ બન્યું ન હતું. તેથી ઘણા લોકોની ધારણાઓ ઠગારી નીવડી હતી.

અહીં ડૉ. કલામ બાળકોને સંબોધન કરવાના હતા. વિદ્યાલય તરફથી જ્યારે કલામને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેઓએ તત્ક્ષણ હકારાત્મક સૂર વ્યક્ત કર્યો હતો. ડૉ. કલામ હંમેશાં બાળકોને મળવા માટે તત્પર જ રહેતા હોય છે તે બાબત તેઓ કદાચ વીસરી ગયા હતા.

કલામ હંમેશાં બાળકો વિશે અભ્યાસ કરતા રહે છે. બાળમાનસ વિશે પણ તેઓ સદૈવ અભ્યાસરત રહેતા. તેઓ નાનામાં નાના મુદ્દાઓને ધ્યાનમાં રાખતા. બાળકોને હળવાશથી પાયાની વાતો કહેતા. પ્રશ્નો પણ કરતા.

ભાષણ માટેના વિષય અને વસ્તુ અંગે ડૉ. કલામ ચોક્કસ રહેતા. બાળકોના ગમા-અણગમાનો તેઓને ખ્યાલ રહેતો. ચાચા નહેરુને પણ પણ નાનાં કુમળાં બાળકો ખૂબ ગમતાં, એ રીતે કલામને પણ બાળકો ઘણાં પ્રિય હતાં. બાળકોને મળવાનું હોય ત્યારે તેઓ સજ્જ બની જતા.

ડૉ. કલામ અને બાળકો વચ્ચેનો પ્રેમ જરાયે અજાણ્યો રહ્યો નથી. રહી શકે પણ નહીં. કલામને જોઈને બાળકો તેમને દોડીને ઘેરી લેતાં અને વાતોમાં ગૂંથાઈ જતાં. તેઓ કદી કંટાળતા નહીં. ગમે તે રીતે બાળકોને મળવા માટેનો સમય મેળવી લેતા હતા. કદી થાકતા નહીં. કંટાળો દર્શાવતા નહીં.

કલામ માનતા હતા કે નાના બાળકોને તો હંમેશાં નાની ઉંમરથી જ પ્રેરિત કરવાં જોઈએ જેથી તે કંઈક જાણી શકે, સમજી શકે. તેમની જિજ્ઞાસાવૃત્તિ હંમેશાં સતેજ હોય છે. ભાવકપ્રિય પણ હોય છે. ડૉ. કમાલ ઘણા લાંબા સમયથી બાળકોને મળતા રહેતા હતા.

આ મહાન વિભૂતિએ ભાગ્યે જ કોઈ વિદ્યાલયનું આમંત્રણ ઠુકરાવ્યું હશે, મોટે ભાગે તેઓ તૈયાર રહેતા અને ક્યારેય પીછેહઠ કરતા નહીં. તેઓએ એક વર્ષમાં એક લાખ બાળકોને મળવાની સજ્જતા બતાવી હતી. એ માટે તેઓ સદૈવ ઉત્સુક રહેતા હતા.

ડૉ. કલામ જાણતા હતા કે એકમાત્ર બાળકો જ એવી સંપત્તિ છે જેઓ દેશમાં આત્મસન્માન વિકસિત કરવાની જરૂરિયાતનો ઉપયોગ કરી શકતા હતા, તેના પ્રચારમાં શ્રેયદાન આપી શકતા હતા અને તેથી તેમને બાળકો વિશેષ ગમતાં હતાં. તેમને અવારનવાર થતું કે એકમાત્ર બાળકો જ પ્રૌદ્યોગિકી વિકાસની દિશામાં પોતાની દ્રષ્ટિ માંડી શકે છે. તેઓ તેમને વિચારવા માટે પ્રેરિત કરતા હતા.

તેઓ માનતા હતા કે ‘નાનું લક્ષ્ય એક અપરાધ છે’ આ એમનું હંમેશાં એક વાક્ય રહ્યું હતું. એમણે દેશના ખૂણે ખૂણે બાળકો માટે આ સંદેશો વહેતો કર્યો હતો અને બાળકોએ તે સંદેશો સહર્ષ ઝીલ્યો પણ હતો. બસ, સ્વપ્ન, સ્વપ્ન અને સ્વપ્ન જ પંપાળતાં રહો. આ સ્વપ્ન તમારા વિચારોને એક ચિત્રરૂપે રજૂ કરે છે. આ વિચારો કાર્યોમાં પરિણમે છે.

ખાસ કરીને બાળકો આવા સંદેશા બહુ ઓછા કિસ્સામાં ઝીલતાં હોય છે, પણ કલામ એમાં અપવાદ હતા. તેમના પ્રત્યેક સંદેશને બાળકો હર્ષભેર ઝીલી લેતાં હતાં.

કલામ બાળકોને સાંભળવા તત્પર રહે છે, તેમના પ્રશ્નો સાંભળે છે, અને તેમને દિશા-દર્શન પણ કરાવે છે. કલામને તેમનું હાસ્ય ગમે છે. વાતો પણ ગમે છે. અહીં એક પ્રશ્ન થાય છે કે એવી તે કઈ બાબત છે કે જે ડૉ. કલામને મહાન બનાવે છે ? તેઓ બાળકોની વચ્ચે આટલા બધા મહાન કેમ છે ? આ પ્રશ્નનો ઉત્તર જાણવો-સમજવો રહ્યો, તેનો ઉત્તર ઘણો કઠિન છે.

બીજા લોકોની તુલનામાં કલામ સાવ અલગ અને અનોખા લાગે છે. કેમ કે તેઓ બાળકો સુધી સીધા જ પહોંચે છે. તેઓ સરળતાથી બાળકો સાથે વાત કરે છે. ત્યાં નથી કોઈ દંભ કે આડંબર કે અહમ પોષક ભાવના..
તેઓ સ્પષ્ટ છે.
તેઓ સુરેખ છે.
સાવ સરળ છે.

તેઓ ઘણીબધી બાબતોને યોગ્ય રીતે સમજે છે અને તેની ઉપર પ્રકાશ પાથરે છે. તેઓ બાળકોને ઘણી બાબતોની અગત્યતા વિશે સમજાવતા રહે છે. એ પ્રકારની પ્રક્રિયામાં તેઓ ક્યારેય પીછેહઠ કરતા નથી.

ડૉ. કલામ બીજા નેતાઓની જેમ પોતાનું ભાષણ ઉતાવળમાં પતાવી દેતા નથી. પોતાનો સમય કીમતી છે એવો દેખાવ સુધ્ધાં કરતા નથી. તેમની વાતો પણ હળવીફૂલ બની રહે છે.

કલામ બાળકોને પ્રશ્ન કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કરે છે. બાળકો હળવાં બને, ગભરાય નહીં તેનો તેઓ ખ્યાલ રાખે છે. તેઓ ઉત્તર આપ્યા પછી તરત જ કહે છે : ‘શું તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે ખરો…?’

આ એમની દર્શનીય અભિવ્યક્તિ છે, તેઓ એ સુનિશ્ચિત કરવા ચાહે છે કે બાળકોને ઉત્તર ગમ્યો છે. તેઓ કોઈ પ્રશ્નને ટાળતા નથી. તેઓ બાળકોને અને તેમના પ્રશ્નને માન આપે છે.
તેઓ બાળકોને માન આપે છે.
અને પોતે માન મેળવે છે.
બાળકો તેમને સ્નેહ કરે છે.
પોતે પણ બાળકોને સ્નેહ કરે છે.

કલામ બાળકો પ્રત્યે સાચો શુદ્ધ પ્રેમ પ્રગટ કરે છે, બાળકોની ઉપસ્થિતિમાં ડૉ. કલામ બુદ્ધિમત્તા અને સકારાત્મક ઊર્જા મેળવે છે. તેમના માટે આ આનંદપ્રેરક સ્થિતિ છે.

બાળકો અને કલામ વચ્ચેનો તાલમેલ તમારે જોવો-સમજવો હોય તો તમારે એમને બાળકોની વચ્ચે જોવા પડે. આ બાબત ઘણી જ આવકાર્ય અને અતુલીય ગણી શકાય. કેવળ પંડિત જવાહરલાલ નહેરુ જ આવો તાલમેલ મેળવી શકતા હતા. આથી ‘ચાચાકલામ’ બાળકોના હૃદયમાં વસેલા છે.

બીજો પ્રશ્ન એ થાય છે કે પોતાની જિંદગીના આ ચરણમાં બાળકોને લક્ષ્ય બનાવવા માટે એમને શું પ્રેરિત કરે છે ? શું તેઓ મોટાઓથી મોહભંગ હશે ? તેઓ આજના સાર્વજનિક જીવનની વિશેષતા વિશે ‘તેજસ્વી મન’માં લખે છે : ‘વાતચીતનું છીછરું સ્તર, અહંકાર, લાલચ, ઈર્ષ્યા, ઘૃણા, ક્રૂરતા, કામુક્તા, ભય, ચિંતા અને અશાંતિ ! મેં મારી અંદર એક નવા સંકલ્પ ને નવી શક્તિનો અનુભવ કર્યો છે.’

‘આ બધાંથી અગત્યના નિર્ણયમાં મેં બાળકોને ભારતની સાચી તસવીર શોધવામાં મદદ કરવાનો નિર્ણય લીધો. મારું પાયાનું કામ એક માનવના રૂપમાં સ્વયં હું પૃષ્ઠભૂમિ પર ચાલ્યો ગયો. મારી વૈજ્ઞાનિક કૅરિયર, મારી ટીમ, મારા પુરસ્કાર આ બધાં ગૌણ બની ગયાં, મેં હંમેશાં એ શાશ્વત મેધાના અંગજૂથ બનવાનું સ્વીકાર્યું, જે ભારત છે. મેં હંમેશાં કિલ્લોલ કરતાં બાળકોની સાથે મારો તાલમેલ વધારીને ખુદ ઉપર થઈને પાયાની અંદર વિદ્યમાન આત્મશક્તિને શોધવાનો પ્રારંભ કર્યો…!’

ડૉ. કલામે લગભગ ચાળીસ હજાર વિદ્યાર્થીઓને સંબોધ્યા છે. તે પછી જ તેઓ લખે છે : ‘મેં હજારો વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા છે, છેલ્લી ગણતરી લગભગ ચાળીસ હજારની છે, મેં જોયું છે અને અનુભવ્યું છે કે હું આ વય જૂથની સાથે સારી રીતે ઓળઘોળ થઈ શકું છું. આપણી કલ્પના સમાન છે, સૌથી વિશેષ મહત્વપૂર્ણ એ છે કે એમની સાથે પોતાના વિચારોના આદાનપ્રદાન દ્વારા હું એમના મસ્તિષ્કમાં વિજ્ઞાનના માટે પ્રેમ અને એમના દ્વારા એક વિકસિત ભારત મેળવવા માટે મિશનની ભાવના પ્રજ્જવલિત કરી શકું છું !’

આ મહાન વિભૂતિ ડૉ. કલામ એ તથ્યથી પૂરી રીતે પરિચિત છે કે આજનાં બાળાકો જીવનની ચીજો માટે ખાસ ઈચ્છા રાખે છે. તેઓ એમ માને છે કે આ મુદ્દો બાળકોની વિદેશ જવાની ઈચ્છાનું એક કારણ છે… જ્યાં ભૌતિક અર્થોમાં જીવનનું સ્તર અહીં કરતાં સરસ પ્રતીત થાય છે. તેઓ કંઈ સન્યાસી નથી કે બાળાકોને તમામ ઈચ્છાઓ છોડી દેવા માટે દબાણમાં મૂકે… તેઓ આનાથી વિપરીત લખે છે : ‘એમનાં સ્વપ્નાંને જાણવા અને એમને બતાવવું કે એક સારું જીવન, એક સમૃદ્ધ-સંપન્ન જીવન, ખુશીઓ તથા સુવિધાઓથી પૂર્ણ જીવનનું સપનું જોવું અને એ સ્વર્ણિમ યુગના માટે કાર્ય કરવું બિલકુલ જરૂરી છે. તમે જે પણ કરો, તે દિલથી કરો, રસ અને રુચિથી કરો, પોતાનો ઉત્સાહ અભિવ્યક્ત કરો અને આ પ્રકારે તમે તમારી આજુબાજુ પ્રેમ તથા ખુશીઓને ફેલવતતા રહો.’ તેઓ એમને કેવળ એ બતાવવા ઈચ્છે છે જે ભારતમાં જ સંભવ છે, જો આપણામાં આત્મવિશ્વાસ હોય તો…

સ્કૂલનાં બાળકો માટે ડૉ. કલામના એક પારંપરિક પ્રવચનનું નિમ્નલિખિત પાસું હોય છે : તેઓ એમને એ બતાવવા ઈચ્છે છે કે ભારતમાં એમની આયુજૂથના, એમના જેવાં ત્રીસ કરોડ બાળકો છે, તે ઈચ્છે છે કે તે સંદેશ ગ્રહણ કરે અને બીજાં બાળકો સુધી એનો ફેલાવો કરે. તેઓ એ ‘ભારતના ભવિષ્યો’થી આગળનું વિચારવા તથા એક વિકસિત દેશમાં રહેવાનું સપનું જોવાની ઈચ્છા રાખે છે. એવો દેશ, જે સેંકડો અન્ય વિકાસશીલ દેશોની સાથે અમુક વર્તુળમાં ઘેરાયેલ ના હોય, પણ જી-૮ દેશોની બરાબરીમાં હોય.

તેઓ એમને એક વિકસિત ભારતની આંતરદ્રષ્ટિ આપવા ઈચ્છે છે. તે એમને એ પ્રગતિની બાબતમાં બતાવે છે, જે આપણા દેશે વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં કરી છે. હવે આપણો દેશ ખાદ્યની બાબતોમાં આત્મનિર્ભરતાની ખૂબ જ નજીક છે.

સફેદ ક્રાંતિએ દેશમાં દૂધની નદીઓ વહેતી કરી દીધી છે. સરેરાશ ઉંમરમાં વૃદ્ધિ થઈ છે. લઘુઉદ્યોગ સકલ ઘરેલૂ ઉત્પાદનમાં જ્યારે વૃદ્ધિ કરે છે, ભારત વિશ્વસ્તરીય જિયો સ્ટેશનરી તથા સૂર્યના સમયકાલીન દૂરસ્થ ઉપગ્રહોને ડિઝાઈન, વિકસિત તથા લોન્ચ કરી શકે છે.

પરમાણુ વૈજ્ઞાનિકોની પાસે આપણા પરમાણુ પાવર પ્લાન્ટોને ડિઝાઈન કરવા, એને બનાવવા, તથા જરૂરી ઊર્જાનો ઉપયોગ કરવા અને વિકિરણ ઊર્જાના પ્રયોગ દ્વારા ખાદ્ય પદાર્થોના સંરક્ષણની ક્ષમતા છે અને તે સૂચિ અંતહીન છે.

ટૂંકમાં ઘણુંબધું કરવું બાકી છે. એ પછી એ બાળકોને વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકી દ્વારા વિકાસની ભાવિ સંભાવનાઓની યાત્રા પર લઈ જાય છે. ‘સૂચના પ્રૌદ્યોગિકીથી પ્રેરિત ઉત્પાદનો તથા પ્રણાલીઓ, જૈવ-પ્રૌદ્યોગિકી તથા અંતરિક્ષ પ્રૌદ્યોગિકી દ્વારા જનજીવન સમૃદ્ધ બનશે.

એક ભાવિ ક્રાંતિના રૂપમામ એવી ભવિષ્યવાણી કરાઈ રહી છે કે માનવ જાતિ કોઈ ગ્રહ પર રહીને અને અંતરિક્ષની સૌર ઊર્જાને પૃથ્વીની ઈલેક્ટ્રોનિક ઊર્જામાં વિકસિત થતી જોઈ શકશે. એની સથે પુનઃ ઉપયોગમાં લેવાતા અતિધ્વનિક (હાઈપરસોનિક) વાહન મહા દ્વીપોની વચ્ચે ઊડી શકશે અને તેને શસ્ત્ર વિતરણ માટે પણ ઉપયોગમાં લઈ શકાશે. જિનોમિક તથા જૈવ-પ્રૌદ્યોગિકી શોધનાં પરિણામો દ્વારા માનવજીવન વધુ લાંબું થઈ શકશે.

આ ઉપરાંત નાની પ્રૌદ્યોગિકી વિભિન્ન પરિવહન પ્રણાલીઓની નિયંત્રણ પ્રણાલીઓ, ચિકિત્સા પ્રૌદ્યોગિકી ઉપકરણ તથા ઍરોસ્પેસ પ્રણાલીઓમાં માનવ દ્વારા ઉપયોગમાં લેવાશે.

તે કૃષિ સમાજથી લઈને ઔદ્યોગિક સમાજ, સૂચન તથા અંતતઃ જ્ઞાન આધારિત સમાજ સુધી આર્થિક વિકાસના સંદર્ભમાં સભ્યતાના વિકાસની તરફ ધ્યાન આકર્ષિત કરે છે, તે આજના યુવાનો સામે એક પડકારરૂપ છે. જ્ઞાનની આધારભૂત સંરચનાને નિર્મિત કરવા તેમ જ એને ટકાવી રાખવા જ્ઞાનના ક્ષેત્રમાં કામ કરનારાઓને વિકસિત કરવા અને નિર્માણ, વિકાસ તેમ જ નવા જ્ઞાનના દોહન દ્વારા એની ઉત્પાદકતા વધારવા આ જ્ઞાન આધારિત સમાજની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાના મહત્વપૂર્ણ તત્વ છે. એનાથી રોજગારનું પ્રારૂપ પણ પરિવર્તિત બનશે.

જ્ઞાન ઉદ્યોગ ઘટકની સાથે સેવા ક્ષેત્રમાં પૂર્ણ રોજગારના અમુક ટકા સુધી પહોંચી જશે. જે સન ૧૯૮૦માં ફક્ત અગિયાર ટકા હતા. આપણે આ વિશાળ પરિવર્તન માટે પ્રશિક્ષણના સંદર્ભમાં તૈયાર રહેવું જોઈએ. આજના યુવાનોએ પોતાના અધ્યયનના વિષય પસંદ કરતી વખતે જ્ઞાન-કર્મીઓની વિશાળ માગણીના એ પરિપ્રેક્ષ્ય પર નજર નાખવી જોઈએ. વર્ષ ૨૦૨૦ સુધી રાષ્ટ્રના માટે બીજી અંતર્દ્રષ્ટિ વિભિન્ન ક્ષેત્રોમાં પ્રૌદ્યોગિકીના વિસ્તૃત ઉપયોગ પર આધારિત છે, વિઝન દસ્તાવેજ પાંચસો વિશેષજ્ઞો દ્વારા તૈયાર કરાયો હતો અને પૂર્ણરૂપથી વ્યવહારિક છે. તે એને સંભવ બનાવવા માટે બાળકોને પ્રેરિત કરે છે. તે પાયાના પુસ્તક ‘ભારત-૨૦૨૦ : નવનિર્માણની રૂપરેખા’માં વણાયેલ કેટલાંક મહત્વપૂર્ણ પ્રૌદ્યોગિકી મિશનોની બાબતમામ વિસ્તારથી સમજાવે છે. તેઓ એને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી તે સર સી.વી. રમણનાં પ્રેરક, પ્રસિદ્ધ વિધાનોનાં ઉદાહરણો પણ આપે છે. જે તેમણે ૮૨ વર્ષની ઉંમરમાં સ્નાતકોના સમૂહને સંબોધિત કરતી વેળાએ વ્યક્ત કરેલાં.

[કુલ પાન : ૧૭૨. કિંમત રૂ.૧૯૦/- પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન ૫૮/૨, બીજે માળે, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૨૧૧૦૦૮૧, ૨૨૧૧૦૦૬૪]

નટવર ગોહેલ, ૪૦, પુરાણી સોસાયટી, ગીતામંદિર માર્ગ, અમદાવાદ-૨૨

બિલિપત્ર

(એ.પી.જે.અબ્દુલ કલામના પુસ્તક ‘પ્રજ્વલિત માનસ’માંથી આ કાવ્ય)

યૌવનનું ગીત

‘હું અને મારો
દેશ – ભારત.’

હું ભારતનો યુવા… નાગરિક
તકનિકી જ્ઞાનથી સજ્જ
છું હું દેશપ્રેમથી ભરપૂર
મને સમજાયું !
જો લક્ષ્ય નાનું ?
તો એ જ ગુનો મારો.
સખત પરિશ્રમ અને પરસેવો નિતારું
પામવા દ્રષ્ટિ મહાન.
બને ભારત એક રાષ્ટ્ર વિકસિત
આર્થિક રીતે તાકાતવાન
અને મૂલ્યો પ્રણાલીગત
છું હું રાઈનો કણ,
એના અબજ નાગરિકોમાંનો
શ્રદ્ધા મને !

પ્રજ્વલાવશે આત્મા અબજોને, એ દ્રષ્ટિ
જે પ્રવેશી ચૂકી છે, મારા અંતરે
પ્રજ્વલિત મન છે, સૌથી શક્તિશાળી,
અન્ય સાધનની તુલનામાં
ધરતી પર, ધરતીની ઉપર (આકાશમાં !)
અને ધરતીની અંદર પણ
રાખીશ પ્રજ્વલિત જ્ઞાનદીપ મારો
જેથી થાય સ્વપ્ન સિદ્ધ મારું
બને વિકસિત
દેશ મારો બને ભારત મહાન.

– ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ

ડૉ. કલામના ભારતના ભવિષ્ય વિશેના વિચારોને મૂર્ત સ્વરૂપમાં લાવવામાં તેમના વિચારો અને માર્ગદર્શક વાત ખૂબ મહત્વનો ભાગ ભજવશે એ ચોક્કસ. આવનારી અનેક પેઢીઓ આ લોકલાડીલા રાષ્ટ્રપતિને યાદ કરશે, તેમના બતાવેલા ભારતના સ્વપ્નને પામવાનો યત્ન કરશે. રીડગુજરાતી પરના ડૉ. કલામના અને તેમના વિશેના લેખો આપ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “બાળકો અને કલામચાચા – નટવર ગોહેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.