પદ્યરચનાઓ.. – કુલદીપ કારિયા, તેજસ દવે

(‘કવિતા’ સામયિકના મે-જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

બે ગઝલ – કુલદીપ કારિયા

(૧) નોખો ફાલ

રાજા કહો કહો કે આમ-માણસ બેઉ જણ બેહાલ છે
ખભ્ભા ઉપર જે ઊંચક્યું છે બેગ એ વેતાલ છે.

કિરણો વડે ચાદર બની બ્રહ્માંડ એને સૌ કહે
આવી રીતે પણ એક વિરાટ અવતારમાં ગોપાલ છે.

અસ્તિત્વ વાવ્યું જેમણે ખેડૂત એ કેવો હશે !
નોખા ઊગે છે ફળ સતત, નોખો નિરંતર ફાલ છે.

મારી તરફ આવી રીતે છુટ્ટી નજર ફેંકો નહીં
મેં આંખ પર પ્‍હેર્યા છે એ ચશ્માં નથી, પણ ઢાલ છે.

આઘાત એવો આપ કે તત્કાલ પરસેવો વળે
ઠંડી બહુ લાગી રહી છે, ને આ ટૂંકી શાલ છે.

હું ક્રોસ છું ને ઇશુ મારી સ્વીકારો પ્રાર્થના
અવતાર લેતા નહીં હવે આજે ભલે નાતાલ છે.

કુલદીપના આંસુ હવે સેકન્ડમાં લૂછાય છે
તડકો નથી જાણે સૂરજના હાથમાં રૂમાલ છે.

(૨) આરપાર

જોઈ શકાતું હોય જો ધુમ્મસની આરપાર
તો દ્રશ્ય પણ વહી શકે નસનસની આરપાર

અજવાળું ઊગશે, હજારો વાર ઊગશે
અંધારું નીકળ્યું ભલે ફાનસની આરપાર

એણે કહેલો માર્ગ ક્યાં સમજી શક્યું કોઈ
ખીલાની જેમ સૌ ગયા જીસસની આરપાર

પૂછો નહીં કે એ પછી આકાર શું થયો
ચારેય રેખા વિસ્તરી ચોરસની આરપાર

સાચી ગઝલ હશે તો કશું પણ થશે નહીં
તલવાર જઈ શકે નહીં તાપસની આરપાર

સંબંધ આપણો કદી જાહેર ના થયો
એક આગ આવી નૈ કદી બાક્સની આરપાર

– કુલદીપ કારિયા

ધ્યાન કદી દેજો – તેજસ દવે

ફૂટપાથે સૂતેલા ભૂખ્યા કોઈ બાળકની આંખો પર
ધ્યાન કદી દેજો
છાતીના મૂળ સુધી એની એ ભૂખ પછી તમને
ના વાગે તો કહેજો

ફૂટપાથે સૂતેલા ભૂખ્યા કોઈ બાળકની આંખો પર
ધ્યાન કદી દેજો
ઈંટ અને સિમેન્ટે ભીંતો બંધાય એમ લાગણીઓ
થોડી બંધાય છે

ભીંતેથી પોપડા ખરે ને એમ રોજ અહીં માણસ પણ
જર્જરિત થાય છે
ડામરના રસ્તા પર કાળીધબ ઈચ્છા ના એકલા
નિસાસા ના લેજો

ફૂટપાથે સૂતેલા ભૂખ્યા કોઈ બાળકની આંખો પર
ધ્યાન કદી દેજો
સૂરજ ડૂબે ને પછી ટળવળતી સાંજ રોજ ટોળે વળી
ને મૂંઝાય છે
અહીં નાનકડા રોટાલાનો ટુકડો પણા માણસની આંખોનું
સપનું થઈ જાય છે

કાચ સમી જિંદગીને સાચવતા માણસના આંસુની
ધાર કદી સહેજો
છાતીના મૂળ સુધી એની તરસ પછી તમને
ના વાગે તો કહેજો

– તેજસ દવે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “પદ્યરચનાઓ.. – કુલદીપ કારિયા, તેજસ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.