ગુરુના પાંચ લક્ષણ.. – મૃગેશ શાહ

(રીડગુજરાતી.કોમની શરૂઆત કરી તે પહેલાં મૃગેશ શાહે આધ્યાત્મના ક્ષેત્રમાં વિવિધ વિષયો પર લખ્યું છે. આ લેખમાં વેદાંતગ્રંથ અનુસાર ગુરુના પાંચ લક્ષણોને દર્શાવીને વિસ્તૃત સમજ આપી છે. આ ભાગ ‘ગુરુ શિષ્ય યોગ પરંપરા (ખંડ-૩)’માંથી લીધો છે. આજના આ લેખ અને મોરારિબાપુએ દર્શાવેલ ગુરુના પાંચ તત્વો થકી ગુરુને સમજીએ અને ગુરુ પૂર્ણિમાને સાર્થક કરીએ.)

વેદાંતગ્રંથો ગુરુના પ્રથમ પાંચ લક્ષણો બતાવે છે.
(૧) જે ગુરુ વેદના અર્થને સંપૂર્ણ રીતે જાણતા હોય.
(૨) આત્માને બ્રહ્મને એક જાણતા હોય.
(૩) જે ગુરુ પાંચ પ્રકારની ભેદ બુદ્ધિનો નાશ કરે.
(૪) દ્વૈતરહિત ને નિર્મળ બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવે.
(૫) જે ગુરુ ‘સંસાર મૃગતૃષ્ણા સમાન મિથ્યા છે.’ એમ વારંવાર કહ્યા કરે તેવા ગુરુ જ ઉપદેશ આપવાને યોગ્ય છે અને સાધકે તેવાને જ ગુરુ કરવા જોઈએ.

આ પાંચ લક્ષણો જરા વિસ્તારથી જોઈએ.

(૧) પ્રથમ લક્ષણ છે વેદના અર્થને જાણતો હોય તેવાને જ ગુરુ કરવા. વેદના અર્થને જે સારી રીતે જાણે તે જ વિદ્વાન. વેદ ચાર છે, ઋગ્વેદ, યજુવેદ, સામવેદ, અથર્વવેદ. આ ચારે વેદને જે બરાબર જાણે તે ગુરુ થવાને યોગ્ય છે. વેદોમાં સંપૂર્ણ બ્રહ્મજ્ઞાન સચવાઈ રહ્યું છે. વેદો બ્રહ્મજ્ઞાનની ખાણ છે. અધિકારી વ્યક્તિ જ વેદને તથા વેદોના રહસ્યને જાણે છે. ગુરુ કરતા પહેલા શિષ્યે ગુરુમાં આ લક્ષણ છે કે નહિ તે જોવું જરૂરી છે.

(૨) આત્માને, બ્રહ્મને એક જ જાણતા હોય તેવાને ગુરુ કરવા જોઈએ. આમ કહી દર્શનશાસ્ત્રો ગુરુ બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ તેમ ભાર મૂકે છે. વેદો ભલે હજાર વાર ભણેલ હોય પણ તે ભણીને તેનામાં જીવ-બ્રહ્મ એક છે એવું જ્ઞાન ન આવ્યું તો તેનું બધું જ જ્ઞાન કાણા ઘડામાંથી દૂધ નીકળી જાય એમ નીકળી જાય છે. માટે ગુરુ બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ.

પ્રથમ લક્ષણ દ્વારા દર્શનશાસ્ત્રો એવું કહે છે ગુરુ વેદ ભણેલા અર્થાત્‍ શ્રોત્રિય હોવા જોઈએ અને બીજા લક્ષણ દ્વારા શાસ્ત્રો એવું જણાવે છે કે ગુરુ બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ. અર્થાત્‍ સાધકે એવું સમજવું કે ગુરુ હંમેશા શ્રોત્રિય-બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. મુંડકઉપનિષદ આ બાબત પર પ્રકાશ પાડે છે.

तद्‍ज्ञानार्थ स गुरुमेवाभिगच्छेत् ।
सम्तिपाणिः श्रोत्रिय ब्रह्मनिष्ठम् ।।
(મુંડક ઉપનિષદ, મુંડક-૧, ખંડ-૨, શ્લોક-૧૨)

“જ્ઞાન પ્રાપ્તિ માટે સાધકો શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠમ્‍ ગુરુ પાસે હાથમાં સમિધનું કાષ્ઠ લઈને જાય છે.”

ગુરુ બ્રહ્મનિષ્ઠ ભલે ના હોય પણ શ્રોત્રિય તો હોવા જ જોઈએ. અર્થાત્‍ ગુરુને જીવ-બ્રહ્મની એકતાનું જ્ઞાન ભલે ના હોય પણ વેદ વાક્યોથી જ્ઞાનપ્રાપ્તિ સમજેલી હોવી જોઈએ. ઈતિહાસમાં ઘણા એવા દાખલા છે કે જેમના ગુરુ માત્ર શ્રોત્રિય હોવાથી ઉપદેશ આપતા અને શિષ્યો એ ઉપદેશ માત્રથી જ બ્રહ્મમાં એકાગ્રતા કેળવી શકતા. માટે ગુરુ શ્રોત્રિયને બ્રહ્મનિષ્ઠ બંને હોવા તો જોઈએ પણ માત્ર શ્રોત્રિય હોય તો પણ સાધક વહેલા-મોડા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ જરૂર કરી લે છે.

(૩) દિવાલ ચોખ્ખી, શુદ્ધ છે પણ સૂરજ સામે અરિસો ધરીને તે દિવાલ તરફ પ્રતિબિંબ પાડવાથી સૂરજનો પ્રકાશ દિવાલ પર સ્પષ્ટ જણાશે. તેવી જ રીતે જીવ પણ બ્રહ્મસ્વરૂપ નિત્ય શુદ્ધ જ છે પણ અવિદ્યા કે અજ્ઞાનથી તે પોતાને અલ્પ, નાશવંત અને દુઃખી સમજે છે. આ અવિદ્યા કે અજ્ઞાન જીવમાં પાંચ ભેદ ઉત્પન્ન કરે છે. અભેદ છે ત્યાં પરમેશ્વર છે. ભેદ હોય ત્યાં આત્મજ્ઞાન થતું નથી. આથી બ્રહ્મનિષ્ઠ ગુરુને તેના મનમાં રહેલા પાંચ ભેદ તોડીને તેના અજ્ઞાનનો નાશ કરવો પડે છે.

અજ્ઞાનથી ઉત્પન્ન થતા પાંચ ભેદો છે.

૧. જીવ-ઈશ્વરનો ભેદ : બહુધા સંસારમાં આ જ ભેદ વ્યાપી રહ્યો છે. દરેક સંસારી વ્યક્તિ ઈશ્વરને પોતાનાથી અલગ સમજે છે. ઈશ્વર વૈકુંઠ, ગોલોકમાં રહેવાવાળો છે એ બધાનો સ્વામી છે એવું અજ્ઞાની લોકો સમજે છે. મૂર્ખ લોકો એવું સમજે છે. ઈશ્વર શાશ્વત છે અને આપણે નાશવંત છે. ઈશ્વર કાયમી છે આપણે તો અલ્પ આયુ છીએ. ઈશ્વર પાસે વિશાળ શક્તિ છે અને આપણે કુંઠિત શક્તિવાળા છીએ. ઈશ્વર હજાર હાથવાળો છે અને આપણે બે હાથવાળા છીએ. આવા વચનો માયાથી મોહિત થએલા અજ્ઞાની લોકોના છે.

એક વસ્તુ ખાસ જીવનમાં ઊતારવા લાયક છે. સાધનાનો ક્રમ શું છે ? સાધનાનો ક્રમ એ છે કે પ્રથમ તમારા ઈષ્ટદેવની પૂજા કરો, ભક્તિ કરો, મંત્રજાપ કરો, મંદિર જાઓ, દેવદર્શન કરો. ભગવાનને સ્નાન, ધૂપ, દીપ આદિ કરો. આ ભક્તિનું પ્રથમ પગથિયું છે. આ બહિરંગ સાધના છે. બીજું પગથિયું એ છે કે આ બધુ કરતાં કરતાં એ તમારા ઈષ્ટદેવ તમારા હૃદયમાં વાસ કરી રહ્યા છે તેવો અનુભવ કરો. જે નિખિલ બ્રહ્માંડનાયક, સર્વોચ્ચ સત્તા છે તે તમારા હૃદયકમળમાં બિરાજેલા છે તેવો અનુભવ કરો. તે જ તમારા શરીરને ચલાવે છે, તમારા અન્નને પચાવે છે તે જ તમારામાં શક્તિરૂપે છે. આવી અનુભૂતિ આવશ્યક છે. આ બીજું પગથિયું છે. ત્રીજું પગથિયું છે કે જે તમારા હૃદયમાં વાસ કરી રહ્યો છે તે દરેકના હૃદયમાં વાસ કરી રહ્યો છે. તમને મળતા મિત્રો, સગા સંબંધી દુનિયાના દરેક માનવીના હૃદયમાં તમારા હૃદયમાં છે તેવો જ પરમેશ્વર વાસ કરી રહેલો છે. આ ત્રીજું પગથિયું છે. ચોથું પગથિયું એ છે કે “મારો આત્મા એટલે એ હું પોતે જ બ્રહ્મસ્વરૂપ છું, હું જ પરબ્રહ્મ પરમેશ્વર છું. (अयमात्मा ब्रह्म – વેદ) મારી ઉત્પત્તિ કે નાશ શક્ય જ નથી. (चिदानंदरूप शिवोहम् शिवोहम्) અત્યાર સુધી હું ભ્રાંતિમાં હતો. મારી શક્તિઓ વિશાળ છે. હું જ પરમેશ્વર છું. (अयं मे भगवद्‍तरः – વેદ) હું જ સૃષ્ટિની ઉત્પત્તિ, રક્ષા ને પ્રલય કરનાર છું. બ્રહ્મા, વિષ્ણુ કે શંકર હું પોતે જ છું. હું શાશ્વત છું. હું જ સર્વમાં સમાનરૂપે વ્યાપિ રહ્યો છું. સૂરજ, ચંદ્ર મારા થકી જ ચાલે છે.” આવી અનુભૂતિ તે સાધનાની પૂર્ણાવસ્થા છે. આ જ સાચું જ્ઞાન છે. આ સાધનાનું અંતિમ પગથિયું છે. આવું જાણનાર વ્યક્તિ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. ભારતના અનેક યોગીઓ અને સંતોએ આવી અનુભૂતિ મેળવી છે. એનો અર્થ એવો નથી કે પૂજા, સેવા કરવી, પાઠ કરવા વગેરે નકામું છે. એ પણ પ્રથમ પગથિયું છે. દાદર ચઢવા દરેક પગથિયાની જરૂર પડે છે. તેમ જ્ઞાન પ્રાપ્તિ માટે ઉપર કહેલા ત્રણે પગથિયાની જરૂર તો છે જ. પણ એ પગથિયા પર અટકી જવાનું નથી ત્યાંથી આગળના પગથિયા પર પગ મૂકીને ઉપર ચઢવાનું છે તો જ જ્ઞાન પ્રાપ્તિ શક્ય બનશે. પ્રથમ કહેલો જીવ-ઈશ્વરનો ભેદ દૂર કરવા આવું જ્ઞાન જરૂરી છે. ગુરુ જ આ ભેદને ભાંગે છે તો કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ-ઈશ્વરનો ભેદ એ પહેલો ભેદ છે.

૨. જીવ-જીવનો ભેદ : પહેલા જ બતાવી દીધું છે કે ત્રીજું પગથિયું એ જ છે કે “જે તમારા હૃદયમાં વાસ કરી રહ્યો છે તે સર્વના હૃદયમાં વાસ કરી રહ્યો છે.” નદીમાંથી ભરીને દશ ઘડા એક લાઈનમાં મૂક્યા હોય તો એક ઘડાનું પાણી બીજા કરતા જુદું નથી. બધામાં પાણીનું તત્વ તો એક જ છે તેમ પરમાત્માનું તત્વ તો બધામાં એક જ છે પણ સંસારમાં રહેવાથી અજ્ઞાની મનુષ્ય કેટલાકને દુશ્મન તો કેટલાકને મિત્ર માની લે છે. જેથી તે અજ્ઞાન વશ જીવ-જીવમાં ભેદ જાણી લે છે. ગુરુનું એ લક્ષણ હોવું જોઈએ કે આવા ભેદને દૂર કરે.

૩. જીવ-જડનો ભેદ : કેટલીક વસ્તુ એવી હોય છે કે ખાતી-પીતી, હાલતી-ચાલતી, જતી-આવતી, ઊંઘતી-જાગતી વગેરે દેખાતી નથી. જેથી અજ્ઞાનવશ જીવ એમ સમજી લે છે કે આ તો જડ છે.

ઉદાહરણ તો ઘણા બધા છે પણ એક ઉદાહરણ છે વૃક્ષ. વૃક્ષ દેખાવમાં તો જડ છે. ખાવું-પીવું, હરવું-ફરવું, હસવું-રડવું વગેરે તેનામાં બાહ્યરૂપે જોવામાં આવતું નથી. તેથી ઘણા તેને જડ માની લે છે. પણ આપણી પ્રાચીન પરંપરા વૃક્ષને પણ ચેતન જ ગણે છે. કારણ એક પરમ ચૈતન્યમય (ભગવાન) માંથી જ બધું જ જડ-ચેતન ઉત્પન્ન થએલું છે. જેથી પ્રાચીન ઋષિ, મુનિઓ એક વૃક્ષની ડાળીનો ઉપયોગ કરવા માટે પણ તેને બે –ત્રણ વખત પગે લાગીને વિનંતી કરતા. કારણ તેઓ જાણતા કે બધું જ જડ-ચેતન પરમાત્મામાંથી જ ઉત્પન્ન થયેલું છે તો વૃક્ષો પણ જડ હોવાથી પરમાત્મ સ્વરૂપ જ છે. વળી, આજનું સાયન્સ (science) પણ એ જ સાબિત કરે છે કે વૃક્ષો જડ નથી ચેતન છે. ફૂલ, છોડ, ઝાડ, પાન વગેરે ચેતનથી ભરેલા છે તે પણ વૃદ્ધિ પામે છે તે પણ મૂળમાંથી ખાય છે.

આપણા શરીર પર કે માથા પર વાળ આવેલા છે. વાળને કાપવાથી શરીર દુઃખતું નથી વાળ જડ છે પણ તેની ઉત્પત્તિ તો શરીરરૂપી ચેતનમાંથી જ થઈ છે. આમ, જો શરીરરૂપી ચેતનમાંથી જડ વાળની ઉત્પત્તિ થઈ છે તો પરમચૈતન્ય પરમાત્મામાંથી જ જડ સૃષ્ટિ વૃક્ષ, પથ્થર, ખડક, પર્વત આદિની ઉત્પત્તિ થઈ છે. સંતો તો માને જ છે “પથ્થર એટલા પરમેશ્વર.” स्थावराणां हिमालयः । ભગવાન ગીતામાં કહે છે સ્થાવર, સ્થિર હિમાલય પણ મારી જ વિભૂતિ છે. જડ પણ ભગવાનનું જ રૂપ છે. આ રીતે જ્ઞાની લોકો જીવ-જડનો ભેદ કરતા નથી. ગુરુનું લક્ષણ છે કે જે શિષ્યને આવા ભેદથી દૂર કરે છે.

૪. ઈશ્વર-જડનો ભેદ : ઉપરના ભેદમાં જણાવ્યું તેમજ ઈશ્વરમાંથી જ સઘળી જડ-ચેતન વસ્તુ ઉત્પન્ન થઈ છે. બ્રહ્માથી માંડીને ધૂળ સુધી બધું જ ઈશ્વરનું જ સર્જન છે. ઈશ્વર-જડ વચ્ચેનો ભેદ એ તો કલ્પિ છે, અજ્ઞાનથી ઉત્પન્ન થએલો છે.

૫. જડ-જડ વચ્ચેનો ભેદ : અંધારામાં દોરડું પડેલું હોય અને તેને લાકડી માની લઈએ તો, છે બંને જડ જ વસ્તુ પણ અજ્ઞાનથી દોરડાને બદલે લાકડી માની લઈએ છીએ અને જડ-જડ વચ્ચે ભેદ માની લઈએ છીએ.

અજ્ઞાનથી બુદ્ધિમાં થતા આ પાંચ ભેદો છે. ગુરુ આ ભેદોથી શિષ્યને મુક્ત કરીને અભેદમય બનાવે છે. ગુરુ ભેદદ્રષ્ટિ દૂર કરીને मम आत्मा सर्वभूतात्मा (મારો આત્મા છે તે જ બધાનો છે.) તેવી અભેદ દ્રષ્ટિ પ્રાપ્ત કરાવે છે. ગુરુ જ આ બધા ભેદોનો નાશ કરે છે.

તો સમજવાનું એટલું જ છે કે ગુરુના લક્ષણોમાં ત્રીજું લક્ષણ છે કે ગુરુ પાંચ પ્રકારની ભેદ બુદ્ધિનો નાશ કરે છે.

(૪) ગુરુનું ચોથું લક્ષણ છે કે દ્વૈતરહિત, નિર્મળ બ્રહ્મનો તે સાક્ષાત્કાર કરાવે છે.

ગંદા પાણીમાં સૂર્યનું સ્વચ્છ પ્રતિબિંબ પડતું નથી તેમ ભેદયુક્ત જીવમાં ચૈતન્ય પ્રકાશતો નથી. ગુરુ અભેદરૂપી ફટકડી શિષ્યની બુદ્ધિમાં ફેરવીને પાણીની જેમ તેની બુદ્ધિ નિર્મળ કરી દે છે. તેથી આપોઆપ જ સાક્ષાત્કાર થાય છે.

સાધકનો આવરણ દોષ (જુઓ ખંડ-૧, પાન-૨) દૂર કરીને તેને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે છે. પ્રથમ અથવા દ્વિતીય ખંડમાં એ વિષે જણાવ્યું છે કે પરમાત્મા અદ્વૈત છે. દ્વૈત મહત્વનું નથી. દ્વૈત તો એક સામાન્ય માણસ પણ જાણે છે. ગુરુ દ્વૈતરહિત, નિર્મળ બ્રહ્મનો સાક્ષાત્કાર શિષ્યને કરાવે છે. અદ્વૈત જ અમૃત છે. ‘ગીતાધ્યાન’માં કહ્યું છે, ‘अद्वैतामृतवषीणां’ ગીતામાતા અદ્વૈતરૂપી અમૃતની વર્ષા કરનાર છે. તો આ ગુરુનું ચોથું લક્ષણ છે.

(૫) જે સંસાર મૃગતૃષ્ણા સમાન મિથ્યા છે એમ વારંવાર કહ્યા કરે તે ગુરુનું લક્ષણ છે. સાધકે તેવાને ગુરુ બનાવવા જોઈએ.

તમે સંસારમાં રહો પણ સંસારને તમારા મનમાંથી કાઢી નાખો તો જ મુક્તિ મળશે. રાગ-દ્વૈષ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષ્યા, અભિનિવેષ જેવા અગણિત અવગુણોનું ઘર સંસાર છે. સંસારમાં રહેનાર અજ્ઞાની માણસોને આ બધા અવગુણો ઘેરી લે છે. જીભના સ્વાદ, વ્યસનો, ઈર્ષ્યા, સ્પર્ધા, અશાંતિ જેવા અનેક દુર્ગુણો સંસારમાં વસે છે.

જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી તેને માટે કબીર સાહેબ કહે છે, “સ્મશાનમાં રહેવા વાળા મુર્દા (મડદા)ની સમાન સંસારના અજ્ઞાનીઓ છે.” કામ, ક્રોધ, લોભમાં તેમજ પૈસા કમાવવાની ઈચ્છાઓમાં, બંગલા બાંધવાની ઈચ્છાઓમાં રાત-દિવસ કૂતરાની જેમ ફાંફા મારીને જન્મ વેડફનારાઓ જીવે તો પણ શું ? અને મરે તો પણ શું ? એવા લોકો જીવતા છતાં મરેલા જ છે. મૃગતૃષ્ણામય સંસારને તેઓ શાશ્વત સમજી બેઠા છે. આવા લોકો સંસારમાં વારંવાર ગોથા જ ખાય છે.

ભગવાન આદિ જગદ્‍ગુરુ શંકરાચાર્ય મહારાજ કહે છે;
बालस्तावक्रीडासक्त-
स्तरुणस्तावतरुणीसकतः ।
वृद्धस्तावच्चिन्तासक्तः
परमेब्रह्मणि कोहपि न सक्तः ॥ ભજગોવિંદમ્.

का ते कान्ता कस्ते पुत्रः
संसारेडयमतीव विचित्रः ।
कस्य त्वं कः कुत आयात-
स्तत्वं चिन्तय वदिह भ्रातं ॥ ભજગોવિંદમ્.

वयसि गते कः कामविकारः
शुष्के नीरे कः कासारः ।
क्षीणे वित्ते कः परिवारो
साते तत्वे कः संसारः ॥ ભજગોવિંદમ્.

ઓ મૂઢ ! સંસારમાં આસક્ત ! ઊઠ ! જાગ ! જરા વિચાર. બાળપણમાં તું રમતો રમવામાં રહ્યો. યુવાની આવી ત્યારે યુવતીઓમાં આસક્ત થયો. વૃદ્ધાવસ્થામાં ‘મારા પછી મારા છોકરાનું શું થશે ?’ એવી ચિંતામાં મગ્ન રહ્યો. તારા વાળ ધોળા થયા, આંખોએ દેખાતું નથી, દાંત પડી ગયા છે છતાં અરેરે ! હજી પણ તું પરબ્રહ્મમાં ચિત્ત પરોવતો નથી. અરે મૂઢ હવે તો જાગ.
કોણ તારી પત્ની ? તું મરીશ પછી તારી પત્ની તારા શબથી ૧૦ ફૂટ દૂર બેસશે. આવી પત્નીમાં તું આસક્ત થાય છે ? મૂઢ ! સંસાર અતિ વિચિત્ર છો. હમણાં જે તારા છે તે થોડા જ સમયમાં પરાયા થઈ જશે. અરે ઓ ભાઈ ! તું કોનો છે ? ક્યાંથી આવ્યો છો ? તેવા તત્વનો જરા વિચાર કરતા શીખ. ઉંમર જતી રહે પછી ભોગોની ઈચ્છા ક્યાંથી ? તેવી રીતે તારી પાસે પૈસા ઓછા થશે તો તારા પરિવાર વાળા થૂં-થૂં કરશે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આ મૃગજળ સમાન સંસારમાંથી તરી જા. લાભની આશા હોય ત્યાં સુધી જ સગા-સંબંધી આગળ – પાછળ ફર્યા કરે છે.

મૃગતૃષ્ણા સમાન સંસારમાંથી મન કાઢવા માટે જે ગુરુ શિષ્યને આવો ઉપદેશ કરે છે તે જ સાચા ગુરુ છે. તેવા ગુરુને શિષ્યે દ્રઢપણે પકડી રાખવા.

આ ગુરુ, સદ્‍ગુરુ આદિના પાંચ લક્ષણો છે. જેમ બે હાથ, બે પગવાળો મનુષ્ય ઓળખાય છે. તેમ ઉપરના પાંચ લક્ષણોવાળો ગુરુ કહેવાય છે. આમાં શિષ્યએ ગુરુની પરીક્ષા કરવી તેમ નથી કહેવાનું. શિષ્યને આ પાંચ ગુણો સ્વાભાવિક રીતે જેમાં દેખાઈ આવે તેવાને ગુરુ કરવા. ગુરુ સાક્ષાત્‍ નર-રૂપ હરિ છે. ‘પંચ ત્યાં પરમેશ્વર’ એમ હોવાથી જે ગુરુમાં આ પાંચ લક્ષણ હોય તે પરમેશ્વર જ છે. ગુરુના ચરણ ભવસાગર તરવા માટેનું સાધન છે. જે શ્રદ્ધા, વિવેક આદિથી યુક્ત થાય છે તેમને અમુક સમયે ગુરુ મળી જ જાય છે. આ તો એક ઓળખાણ માટે પાંચ લક્ષણો જણાવ્યા છે. પણ ગુરુ તો અનેક ગુણોથી યુક્ત હોય છે. આ તો ઓળખવાનો એક માત્ર પ્રયાસ છે. જેમ સુથાર એક જ ઝાટકે લાકડાના બે કટકા કરી નાખે છે. તેમ ગુરુ એક જ ઝાટકે શિષ્યના બધા જ ભવબંધનો કાપી તેને મુક્ત કરી દે છે. શાસ્ત્રો તો કહે છે, ‘નિષ્કામીને જોઈને દ્રવિત થઈ જાય અને સકામીને જોઈને દૈવ મુજબ વર્તન કરે.’ એ પણ ગુરુનું લક્ષણ છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુના અનેક લક્ષાણો છે. શિષ્યને ગુરુ કરવામાં સરળતા રહે તે માટે આ લક્ષણો જણાવાય છે.

– મૃગેશ શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ગુરુના પાંચ લક્ષણ.. – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.