ગુરુ – મોરારિબાપુ

થોડા દિવસો પહેલાં કેન્યામાં યોજાયેલ રામકથામાં પૂજ્ય મોરારિબાપુએ ગુરુ કોને કહેવાય એ વાતને સમજાવતા કહ્યું છે કે જે બુદ્ધ પુરુષ પાંચ તત્વો સાથે જોડાયેલ હોય તેને ગુરુ માનવો. તેમના મતે ગુરુ એ માનવીનું કવચ છે. ફેસબુક પરથી આ સાંભળી અને એ હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી રીડગુજરાતી આ પ્રસ્તુત કરી રહ્યું છે. આજે ગુરુપૂર્ણિમાએ તેમણે કહેલા ગુરુમાં રહેલા આ પાંચ તત્વોને સમજીએ.

૧) અગ્નિતત્વ :

અગ્નિતત્વ સાથે જોડાયેલ હોય તે વ્યક્તિ. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી દીવો પ્રગટાવી રાખે અને કાર્ય પૂર્ણ થતાં જ દીવો ઓલવી નાખે તે નહીં. પણ જેની અંદરનો અગ્નિ કાયમ પ્રજ્વલિત હોય તે. પારસીઓની અગ્નિ એ આનું પ્રતીક છે કે ભીતરમાં આગ સદા પ્રજ્વલિત રહેવી જોઈએ. અગ્નિ એ પ્રકાશ અને પવિત્રતાનું પ્રતીક છે. અગ્નિ સાધકને જાગ્રત રાખવાનું કામ કરે છે. જે વ્યક્તિની ચેતના, અસ્તિત્વ આ અગ્નિતત્વ સાથે જોડાયેલ હોય તેને બુદ્ધ પુરુષ માનવો.

૨) વાયુતત્વ :

જે પવન સાથે જોડાયેલ હોય તે. પવન એટલે હનુમાન, પવન એટલે પ્રાણતત્વ. વાયુને ન હિન્દુ કહી શકાય કે ન મુસલમાન. જીવવા માટે બધાએ હવા લેવી જ પડે છે. હિંદુસ્તાનમાં રહેતા મુસ્લિમો એમ નથી કહેતા કે અમે હવાને શ્વાસમાં નહીં લઈએ કેમકે આ હવા હિંદુસ્તાનની છે, ના. પાકિસ્તાનમાં રહેનાર હિંદુઓ નથી કહેતા કે અમે પાકિસ્તાનમાં રહીએ છીએ તો અમે પાકિસ્તાનની હવા નહીં લઈએ કેમકે અમે હિંદુ છીએ. લેવી જ પડે. કેમકે વાયુ બિનસાંપ્રદાયિક હોય છે અને અસંગ હોય છે. જેની ચેતના આ વાયુ તત્વથી જોડાયેલી હોય છે તેને બુદ્ધ પુરુષ કહેવાય છે.

૩) આકાશતત્વ :

જે આકાશતત્વ સાથે જોડાયેલ હોય છે એ મારી દ્રષ્ટિએ બુદ્ધ પુરુષ છે. જે આકાશ તત્વથી જોડાયેલ હોય અને સીમાઓમાં બંધાયેલ ન હોય. આકાશની જેમ ફેલાયેલ હોય, અસીમ હોય, ગગનસિદ્ધાંત હોય. કોઈ સિદ્ધાંતમાં એ સંકોચાય ન જાય એ બુદ્ધ પુરુષ છે.

૪) જળતત્વ :

જે જળતત્વથી જોડાયેલ હોય છે, જેની આંખો હંમેશાં ભીની હોય. સૂકી આંખોને ડોળા કહેવાય, એને આંખ ન કહેવાય. તે આંખો સાધનાથી ભરેલી હોય, બંદગીથી ભરેલી હોય. ફરીરની આંખો ભીની હોય છે.

એ ઝમઝમનું પાણી પીને જળતત્વ સાથે જોડાયેલ હોય કે ગંગાજળ પીને જોડાયેલ હોય. તે માર્ગદર્શક છે, સંદેશવાહક છે. જે જળતત્વ સાથે સીધો સંબંધ ધરાવે છે તે બુદ્ધ પુરુષ છે.

૫) પૃથ્વીતત્વ :

જેનો પૃથ્વીતત્વ સાથે સંબંધ છે તે બુદ્ધ પુરુષ છે. ઊંચાઈ ભલે ગમે તેટલી મળી જાય પણ જે ધરતી ન છોડે, પાંખો કેટલી પણ આવી જાય પણ જે પૃથ્વીથી ઉપર ઊઠીને ફુલાય ન જાય, અહંકારી ના હોય, જમીન પર કાયમ જેના ચરણ ટકેલા હોય તે બુદ્ધ પુરુષ છે.

આ પાંચ તત્વો સાથે જે જોડાયેલ છે એને જ ગુરુ સમજવો. ગુરુ જ આપણું અભેદ્ય કવચ છે.

– મોરારિબાપુ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ગુરુ – મોરારિબાપુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.