આંખે જોયેલું સત્ય પણ અસત્ય હોઈ શકે – અમિતા મહેતા

Stri-Samvedna(‘સ્ત્રી-સંવેદનાની કશ્મકશ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકમાં સ્ત્રી જીવનને સ્પર્શતા વિવિધ વિષયો પર લેખિકાએ પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

જીવનમાં તહેવાર આનંદ અને ઉમંગને લઈને આવે છે. જીવનને હર્યુંભર્યું બનાવે છે. નવી આશા અને અપેક્ષાઓનો સંચાર કરે છે. રૂટિન લાઈફનો કંટાળો દૂર કરે છે, પરંતુ ઘણી વાર એવું બને કે તહેવાર જીવનમાં ખુશીને બદલે ગમ લઈને આવે એટલું જ નહીં જીવનને છિન્નભિન્ન બનાવી દે.

મારો સ્વભાવ પહેલેથી જ મળતાવડો, કોઈની પણ સાથે આસાનીથી ભળી જાઉં. હસી-મજાક કરવી પણ ગમે. એટલે મારી સાથે બધાંને જ ફાવે. મારા પતિના મિત્રોને પણ મારી સાથે ફાવે. બધા મિત્રો અને તેમની પત્નીઓ મળીને ઉત્તરાયણ – હોળી – ધુળેટી જેવા તહેવારો રંગે-ચંગે ઊજવીએ અને આનંદ માણીએ.

આ વખતે ધુળેટીનું આયોજન અમારા ઘરે જ કરવામાં આવ્યું હતું. મારા પતિના બધા મિત્રો અને કેટલાંક સગાંઓ સવારથી જ મારા ઘરે ભેગાં થયાં હતાં. હસી-મજાક મસ્તી, રંગ અને ખાણી-પીણી… સહુ એકબીજાને રંગતાં હતાં. સહુ એકબીજાને ઓળખતાં હતાં એટલે કોઈ છોછ નહોતો. રંગની પિચકારીઓ અને પાણીની ડોલો… ચિચિયારીઓ અને કિકિયારીઓ… સહુ પોતપોતાનાં તાનમાં હતાં. જાણે રંગોનો નશો ચડ્યો હતો. પણ આ રંગોના નશાએ મારા જીવનમાં એક જબરજસ્ત આંધી સર્જી દીધી. કોઈ પણ જાતના ગુના વગર હું આરોપીના પિંજરામાં આવી ગઈ. મને ખબર નહીં મને એની કેવી સજા મળશે ?

સહુ એકબીજાને રંગતાં હતાં ત્યારે અચાનક મારા મોબાઈલની રિંગ વાગી… ફોન લઈને હું મારા ફ્લૅટની પાછળની ગૅલેરીમાં ગઈ. જેથી મને અવાજ સંભળાય. હું ફોન પર વાત કરતી હતી ત્યાં જ મારા પતિના બે-ત્રણ મિત્રો આવ્યા. અને મને રંગવા માંડ્યા… હું ફોન પર વાત કરતી હતી એટલે મેં તેઓનો વિરોધ કર્યો તો તેઓ જબરજસ્તીથી મને રંગવા માંડ્યા. એક મિત્રે મારા બંને હાથ પકડી લીધા અને બીજો મિત્ર મારા ગાલ પર રંગ લગાડવા માંડ્યો. મારું બૅલેન્સ જતું રહ્યું અને હું પેલા બીજા મિત્રના હાથમાં જઈને પડી. એટલે અન્ય મિત્ર મારા આખા શરીર પર હાથ ફેરવતો રંગ રંગવા માંડ્યો. હું હાથમાંથી છૂટવા મથતી હતી એ જ ક્ષણે મારાં સાસુ ત્યાં આવી પહોંચ્યાં. મને આ રીતે પતિના મિત્રો સાથે જોઈને ગુસ્સાથી સમસમી ગયાં. બસ, મારા જીવનમાં હોળી-ધુળેટીએ એ જ ક્ષણે હોળી પ્રગટાવી દીધી. આંખે જોયેલું સત્ય પણ કેટલીક વાર અસત્ય હોય છે, એ વાત હું સહુને કઈ રીતે સમજાવું ?

એ સમયે તો મારાં સાસુ મારી સામે આંખો કાઢીને જતાં રહ્યાં, પણ સાંજે બધાંના ગયા પછી એમણે પોત પ્રકાશ્યું. ઘરમાં મારા પતિ સહિત બધાની હાજરીમાં હું કેવી રીતે એમના મિત્રો સાથે હોળી રમતી હતી એ આખી વિગતનું બયાન કર્યું… હું હજુ કંઈ કહેવા જાઉં એ પહેલાં જ મારા પતિએ મને બધાની વચ્ચે ઊભા થઈને બે તમાચા ચોડી દીધા… અને બોલ્યા… નાલાયક, મારાં જ મિત્રો સાથે મારા ઘરમાં રંગરેલિયાં કરે છે ? આજથી મારી અને તારી વચ્ચે કોઈ સંબંધ નથી. જા, તારા પિયર જતી રહે, અચાનક આ પ્રકારના હુમલાથી હું તો આઘાતથી દિગ્મૂઢ બની ગઈ. મારી હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી હતી. શરમ અને ગુસ્સાથી મારી આંખોમાં પાણી આવી ગયાં. હું ચોધાર આંસુએ રડી પડી… તો મારાં સાસુ કહે કે હું નાટક કરું છું. મેં સહુને ખૂબ સમજાવ્યાં કે જે કંઈ બન્યું એમાં મારો કોઈ જ વાંક નથી. એમના મિત્રોએ મારી સાથે બદતમીઝી કરી હતી. અગર સંબંધ તોડવો હોય તો એમની સાથે તોડો, મારી સાથે શા માટે ? જે ઘટના માટે હું બિલકુલ જવાબદાર નથી એની સજા મને શા માટે ? હું એક લાખ ટકા નિર્દોષ છું, પરંતુ નિર્દોષતાની સાબિતી હું કઈ રીતે આપું ? હું સીતા માતા નથી કે ધરતી માર્ગ આપે અને એમાં હું સમાઈ જાઉં. મને ગુસ્સો મારી સાસુ પર આવે છે કે વાતની ચકાસણી કર્યા વિના તેઓ મારી સામે આક્ષેપો કઈ રીતે કરી શકે ? અને મારા પતિએ દસ વર્ષના લગ્નજીવનના વિશ્વાસનું એક ક્ષણમાં એમની માતાના કહેવાથી નિકંદન કાઢી નાખ્યું ? આટલાં વરસોમાં તો અમારી વચ્ચે કોઈ અવિશ્વાસની દીવાલ ચણાઈ નથી ? અને એક ઉત્સવ સમયની નાનકડી ઘટનાએ વિશ્વાસની ઈમારતને ધરાશાયી કરી દીધી ? કોઈ પણ ઘટનામાં વાંક હોય કે ન હોય સજા સ્ત્રીઓએ જ ભોગવવાની ? પુરુષોની ઈશ્કી વૃત્તિની સજા સ્ત્રીઓ ક્યાં સુધી સહન કરતી રહેશે ? અને મારા પતિ એમના મિત્રોની પત્નીઓની છેડતી ક્યાં નથી કરતા ? હવે અમારા લગ્નજીવનમાં સર્જાયેલા ભંગાણનું પરિણામ શું આવશે ? સંબંધોમાં એક વખત તિરાડ સર્જાય પછી લાખ પ્રયત્નો છતાં એ સંઘાતી નથી… મજા અને મસ્તીના નામે ઊજવાતા ઉત્સવોમાં મર્યાદા ન રખાય તો મારી જેવી કેટલીય સ્ત્રીઓનું જીવન બરબાદ થતું હશે ?

[કુલ પાન ૧૫૨. કિંમત રૂ.૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગુરુના પાંચ લક્ષણ.. – મૃગેશ શાહ
ભાઈબંધ – નવનીત સેવક Next »   

7 પ્રતિભાવો : આંખે જોયેલું સત્ય પણ અસત્ય હોઈ શકે – અમિતા મહેતા

 1. pratik says:

  BAD STORY.

 2. Urmila says:

  This story is interesting
  Many times not only women but men also get misunderstood and life is ruined

  This happens all the time in everybody’s life

  Each individual, should be given chance to explain the situation they are in and not to be judged
  Without explanation

  In this particular story,husband is the weak mind person,who after married for so many years,could not trust his wife!
  Or was there an underlying problem he was facing with his wife – regarding talking freely to his friends

 3. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  અમિતાબેન,
  ” આંખે જોયેલું સત્ય પણ અસત્ય હોઈ શકે છે ” આ સત્યને લાઘવમાં સરસ રીતે સમજાવવા બદલ આભાર. … અને દરેક ગેરસમજણમાં સ્ત્રી જ જવાબદાર ?
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 4. vinod says:

  ઈશ્વર તમને શક્તિ આપે એજ….

 5. sandip says:

  “મજા અને મસ્તીના નામે ઊજવાતા ઉત્સવોમાં મર્યાદા ન રખાય તો મારી જેવી કેટલીય સ્ત્રીઓનું જીવન બરબાદ થતું હશે ?”

  આભાર્……………

 6. Shaikh fahmida says:

  “If you do not have a seat at the table bring your own chair”

 7. Arvind Patel says:

  વાત સાચી છે. જ્યાં સંબંધો માં વિશ્વાસ ના હોય ત્યાં પ્રેમ જળવાતો નથી. શંકા, કુશંકા માણસનું જીવન બગડી નાથે છે. ખેર, સાસુ ને તો વિશ્વાસ નહોતો, તે આંખે દેખ્યું માણી લે. પણ પોતાનો ધણી, જેને ૧૦ વર્ષ સાથે સહજીવન જીવ્યું છે. તેને જો તમારા માં વિશ્વાસ ના હોય તો ખુબ ખરાબ કહેવાય, આ કિસ્સા માં પતિ સાહેબ માફી ને લાયક નથી. આવતા દિવસો માં પતિ સાહેબ ને સબક શીખવાડવો જરૂરી છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.