મૈત્રીના બે હૂંફાળા અવસરો – ડો. આઈ. કે. વીજળીવાળા

(‘હૂંફાળા અવસર’ પુસ્તકમાંથી સાભાર)

[મિત્રતા માટે માત્ર એક જ દિવસ ન હોય, આખી જિંદગી આ સંબંધ માટે ઓછી પડતી હોય છે. તો રીડ ગુજરાતીએ મિત્રતાના નામે લખેલ આ આખા સપ્તાહમાં આજે માણીએ બે સુંદર દોસ્તીના અવસરો.]

(૧) દોસ્ત

પરદેશના બે મિત્રોએ કૉલેજ પૂરી કરીને એક સાથે જ લશ્કરમાં જોડાવાનું નક્કી કર્યું. નસીબજોગે બંનેને લશ્કરમાં પ્રવેશ મળી ગયો અને એક જ ટુકડીમાં સૈનિક તરીકે સ્થાન મળ્યું.
એ જ અરસામાં યુદ્ધ ફાટી નીકળ્યું. એક રાત્રે આ લોકોની ટુકડી પર જ હુમલો થયો. અચાનક થયેલા હુમલાથી એમની ટુકડીમાં થોડી અંધાધૂંધી ફેલાઈ ગઈ. રાતનો અંધકાર, બૉમ્બશેલ્સનો મારો અને ધાણીફૂટ ગોળીબાર વચ્ચે શું કરવું એ કોઈને સમજાતું નહોતું. એ લોકો પોતાના ટ્રેન્ચ (રક્ષણ માટે બનાવેલી ખાઈ)થી થોડા દૂર હતા. પાછા પગલે ચાલતા માંડ એ લોકો ટ્રેન્ચ સુધી પહોંચ્યા.

બરાબર એ જ વખતે ટ્રેન્ચની બહારથી ખૂબ નજીકથી એક દર્દભર્યો અવાજ આવ્યો, ‘હેરી ! મારા દોસ્ત ! પ્લીઝ મને મદદ કર ! હું ગંભીર રીતે ઘવાયો છું !’

હેરી તરત જ અવાજ ઓળખી ગયો. એ એના દિલોજાન દોસ્ત બિલીનો હતો. એણે એની પાસે જવા માટે ટુકડીના કમાન્ડર પાસે રજા માગી. એની ઈચ્છા કોઈ પણ રીતે બિલીને ટ્રેન્ચમાં લઈ આવવાની હતી.

કંપની કમાન્ડરે એને ઘસીને ના પાડતા કહ્યું કે, ‘બિલકુલ નહીં ! તારે અહીંથી ક્યાંય જવાનું નથી. આમેય આપણા બે-ચાર સાથીઓ માર્યા ગયા છે. આવા વખતે તને જવા દઈને હું વધારે એક વ્યક્તિને ખોવા નથી માગતો. ઉપરાંત જે રીતે બિલીનો અવાજ આવી રહ્યો છે એના પરથી એ ગંભીર રીતે ઘવાયો હોય એવું લાગે છે. એની ઈજાઓ એ લાંબું નહીં ખેંચે એવી લાગે છે. એટલે તારે ત્યાં જવાની કોઈ જ જરૂર નથી.’

હેરી પોતાની પૉઝિશન સંભાળીને બેસી ગયો. થોડી ક્ષણો પછી ફરી વખત બિલીનો કણસતો અવાજ આવ્યો, ‘હેરી ! પ્લીઝ ! મને મદદ કર. હું મારી જાતે હલી શકું એમ પણ નથી, પ્લીઝ!’

હેરી ચૂપચાપ પોતાની જગ્યાએ મોરચો સંભાળીને બેઠો રહ્યો. કમાન્ડરે ના પાડી એ પછી લશ્કરની શિસ્ત મુજબ હવે હલવું પણ શક્ય નહોતું, પરંતુ મદદ માટેનો બિલીનો પોકાર વારંવાર એના કાને અથડાતો હતો.

દસેક મિનિટ એમ જ ચાલ્યું. એ પછી હેરીથી ન રહેવાયું. એ ફરી એક વાર કમાન્ડર પાસે જઈને બોલ્યો, ‘જુઓ કમાન્ડર ! બિલી મારો બાળપણનો મિત્ર છે. વરસોનાં વરસો અમે સાથે રહ્યા છીએ. આજે એને મારી આટલી બધી જરૂર હોય ત્યારે મારે જવું જોઈએ અને તમારે મને મંજૂરી આપવી જ જોઈએ.’

કમાન્ડે અનિચ્છાએ એને જવાની હા પાડી. હેરી તરત જ ટ્રેન્ચમાંથી નીકળીને કોણીના બળે ઘસડાતો ઘસડાતો અને અંધારામાં બધે ફંફોસતો બિલી પાસે પહોંચ્યો. પંદરેક મિનિટ પછી એ જ રીતે એ બિલીને ઘસડતો ટ્રેન્ચમાં લઈ આવ્યો. બધાએ જોયું તો બિલી મૃત્યુ પામ્યો હતો.

હવે ટ્રુપ કમાન્ડરનો પિત્તો ગયો. હેરી પર બરાબરના ગુસ્સે થતા એણે કહ્યું, ‘કેમ ? મેં તને નહોતું કહ્યું કે એ મરી જ જવાનો છે ? તને પણ આમાં ગોળી લાગી શકત અને એવું થાત તો આપણે વધારે એક માણસ ખોઈ બેસત. લશ્કરની શિસ્ત પ્રમાણે તેં બરાબર નથી જ કર્યું. તેં તારી અને સમગ્ર ટ્રુપની જિંદગી જોખમમાં નાખી છે. તેં ખરેખર ખોટું કર્યું છે. તું એને બચાવવા ગયો, પરંતુ તારો દોસ્ત તો મરી જ ગયો હતો.’

હેરી થોડી વાર કમાન્ડરની સામે જોઈ રહ્યો. પછી બોલ્યો, ‘ના, કમાન્ડર ! મેં જરાય ખોટું નથી કર્યું. હું પહોંચ્યો ત્યારે બિલી હજુ જીવતો હતો. મને એની પાસે પહોંચેલો જાણીને એ ખૂબ ખુશ થઈ ગયો હતો. એ બોલ્યો હતો કે, ‘હેરી ! મને ખાતરી જ હતી કે તું મારી મદદે આવીશ જ! આભાર દોસ્ત!’ બસ, આટલું બોલીને એણે પ્રાણ છોડી દીધો. ભલે એને હું બચાવી ન શક્યો, પરંતુ એના છેલ્લા સમયે એની પાસે હાજર તો રહી શક્યો અને એ પોતે નહીં બચે એવી એને ખબર હશે જ, પરંતુ મરતા પહેલા એને કદાચ મારી સાથે એકાદ-બે ક્ષણો ગાળવી હશે અને એની એ ઈચ્છા હું પૂરી કરી શક્યો. બસ, એનાથી વધારે એક મરતા માણસને બીજું શું જોઈએ?’

બોલતા બોલતા હેરીની આંખો નીતરતી હતી.

કમાન્ડર કશું ન બોલ્યા.

(૨) ટેકો

માર્ક નામનો એક છોકરો પરદેશની એક નિશાળમાં ભણતો હતો. એક દિવસ શાળામાંથી છૂટ્યા પછી એ પોતાના ભાઈબંધોની જોડે ઘરે ન ગયો. એકાદ ચોપડી બદલવાની હોવાથી થોડી વાર લાઈબ્રેરીમાં રોકાયો. છેક સાંજ પડી ત્યારે એ ઘરે જવા નીકળ્યો.

રસ્તામાં એણે જોયું કે સ્કૂલથી થોડે દૂર એના જેવડો જ એક છોકરો, ઘણાં બધાં પુસ્તકો, બેઝબૉલનું બૅટ, બેઝબૉલના મોજાં અને અન્ય થોડો સામાન લઈને એની આગળ જઈ રહ્યો હતો. એના હાથમાં એ બરાબર રીતે સાચવીને ઉપાડી શકે એનાથી વધારે વસ્તુઓ હતી એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. અચાનક એ છોકરાનો પગ લથડ્યો અને એના હાથમાંની બધી વસ્તુઓ જમીન પર પડીને વેરવિખેર થઈ ગઈ. એ પોતે પણ નીચે પડી ગયો.

એ જોઈને માર્ક દોડ્યો. એણે પેલા છોકરાને ટેકો આપીને બેઠો કર્યો. એની વસ્તુઓ એકઠી કરીને ગોઠવી આપી. પછી અર્ધી વસ્તુઓ પોતે લઈને બોલ્યો, ‘ચિંતા ન કરીશ, દોસ્ત ! તારો આટલો સામાન હું ઉપાડી લઉં છું. ચાલ, હવે એ બતાવ, આપણે કઈ તરફ જવાનું છે ? અને હા, બાય ધી વે, મારું નામ માર્ક છે !’

પેલા છોકરાના રડમસ ચહેરા પર હાસ્ય ફૂટી નીકળ્યું. પોતાના ભાગનો સામાન ઊંચકતા એ બોલ્યો, ‘મારું નામ જૉન છે. આ રસ્તા પર અહીં નજીકમાં જ મારું ઘર છે. માર્ક, તારો ઘણો આભાર દોસ્ત ! પણ તું મારી સાથે આવીશ અને તારે મોડું થશે તો તારા ઘરે કોઈ ચિંતા નહીં કરે?’

‘ના ! હું મારા ઘરે સવારે કહીને જ નીકળ્યો છું કે મારે મોડું થશે. એટલે ચાલ, આપણે પહેલા તારો સામાન પહોંચાડીએ !’ માર્કે જવાબ આપ્યો.

બંને જણા વાતો કરતાં કરતાં જૉનના ઘરે પહોંચ્યા. જૉનની માતાએ નાસ્તો અને ચા તૈયાર કર્યા એટલી વારમાં બંને છોકરાઓએ ચેસનો એક દાવ પણ ખેલી નાખ્યો. માર્કનો સ્વભાવ એટલો રમૂજી અને મળતાવડો હતો કે થોડી વારમાં જ એ જૉનની માતા સાથે પણ સરસ રીતે વાતો કરવા માંડ્યો. એ બંને જણને માર્ક સાથે વાતો કરવાની મજા પડી ગઈ. માર્કે ઘણા બધા જૉક્સ કહીને બધાંને ખૂબ હસાવ્યાં પણ ખરાં.

એ દિવસ પછી તો માર્ક અને જૉન બંને પાકા ભાઈબંધ બની ગયા. બંને એક જ બેન્ચ પર બેસતા અને લગભગ દરેક કાર્યક્ર્મ, સ્પર્ધા કે રમતમાં જોડે જ રહેતા. એમ કરતા શાળાના દિવસો પૂરા થયા. એક દિવસ બંનેને છૂટા પડવાનો સમય પણ આવી ગયો.

છૂટા પડવાની આગલી સાંજે જૉને માર્કને ફોન કરીને પૂછ્યું કે, ‘માર્ક ! હું તને મળવા માગું છું. શું અત્યારે હું તારા ઘરે આવી શકું ખરો?’

માર્કે હા પાડી. જૉન માર્કના ઘરે આવ્યો. બંને જણ માર્કના રૂમમાં બેઠા. થોડીક વાર આડીઅવળી વાતો થઈ એ પછી જૉન બોલ્યો, ‘માર્ક ! તને આપણી પ્રથમ મુલાકાત યાદ છે ? તેં મને ચોપડા-બૅટ વગેરે મારા ઘરે પહોંચાડવામાં મદદ કરેલી, યાદ આવ્યું ?’

‘હા! તું ઘણો સામાન લઈ જઈ રહ્યો હતો, એ મને બરાબર યાદ છે.’ માર્ક બોલ્યો.

‘પણ એ બધું હું શું કામ લઈ જઈ રહ્યો હતો એ તેં મને નહોતું પૂછ્યું, ખરું ને ? હકીકતે એ બધું હું મારું શાળાનું લૉકર ખાલી કરીને ઘરે લઈ જઈ રહ્યો હતો, જેથી મારા ગયા પછી બીજા કોઈને એ ખાલી કરવાની ઝંઝટ ન રહે!’

‘તારા ગયા પછી એટલે?’ માર્કે નવાઈ સાથે પૂછ્યું.

‘દોસ્ત !’ જૉન ગંભીર બની ગયો, ‘વાત એમ છે કે એ દિવસે હું આપઘાત કરવાનો હતો. મારી માતાની ઊંઘની ગોળીઓની આખી ડબ્બી એ દિવસે મારા ખિસ્સામાં હતી. હું જિંદગીથી સાવ હતાશ અને નિરાશ થઈ ગયો હતો. મારા પિતાજીના અવસાન પછી અમે આ શહેરમાં આવ્યા હતા. મારે કોઈ મિત્ર કે સગાંવહાલાં કે ભાઈબહેન નહોતાં. અરે, દિવસોના દિવસો સુધી મારી સાથે મારી માતા સિવાય વાત કરવાવાળું પણ બીજું કોઈ નહોતું. અમારી આર્થિક સ્થિતિ પણ ખૂબ નબળી હતી. મારી માતાને મારા અભ્યાસની તેમ જ ઘરની એમ બેવડી જવાબદારી પૂરી કરવા માટે રાત-દિવસ કામ કરવું પડતું. એ બધી તકલીફોથી કંટાળીને મેં જિંદગીનો અંત લાવવાનું નક્કી કરી નાખ્યું હતું, પરંતુ માર્ક ! એ દિવસે તેં મને ટેકો કરેલો એ હકીકતે થોડોક સામાન ઊંચકવા માટેનો નહીં, પરંતુ મારી બાકીની જિંદગી હું ઉપાડી શકું એ માટેનો ટેકો બની ગયો હતો. એ નાનકડા ટેકાએ જ મારી જિંદગી બચાવી છે, દોસ્ત ! તારો આભાર કઈ રીતે…!’

જૉન આગળ ન બોલી શક્યો. એની આંખમાંથી અવિરત આંસુ વહેતાં હતાં, તો સામે માર્કની આંખો પણ ક્યાં કોરી હતી ? એ જૉનનો હાથ પકડીને ચૂપચાપ બેઠો હતો.

[કુલ પાન : 80. કિંમત રૂ.50. પ્રાપ્તિસ્થાન : આર.આર.શેઠ ઍન્ડ કંપની પ્રા.લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380 001 ફોન : + 91 79 25506573.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “મૈત્રીના બે હૂંફાળા અવસરો – ડો. આઈ. કે. વીજળીવાળા”

Copy Protected by Chetan's WP-Copyprotect.