મૈત્રીની મહેક – જયવતી કાજી

(‘સંબંધોના મેઘધનુષ’ પુસ્તકમાંથી સાભાર. મિત્રતાથી મહેકતો આ નિબંધ આપણા હૃદયમાં પણ મૈત્રીનું એક સુંદર પુષ્પ અવશ્ય ખીલવી જાય છે.)

મને મારા મિત્રો યાદ આવે છે. જેઓ મારી સાથે સુખમાં હસ્યા છે, અને દુઃખમાં પડખે ઊભા છે. જેમણે નિરાશામાં મને સંકોરી છે. નાની નાની બાબતોમાં જેમણે મારી કાળજી રાખે છે. જેમણે મને આનંદ અને ઉષ્મા આપ્યાં છે. મારી અનેક મર્યાદાઓને – ક્ષતિઓને જેમણે ઉદારતાથી નિભાવી લીધી છે. જેમની સાથે વાતનો વિષય શોધવો પડતો નથી, પણ વાત આપમેળે ચાલતી રહે છે. જેમને મળતાં અંતરમાં ભાવની ભરતી આવે છે. જેમણે મારાં જીવનને હરિયાળું રાખ્યું છે, એ સૌ મિત્રોની યાદ આવતાં હું ભાવવિભોર બની જાઉં છું, અને મને કવિ યેટ્‍સની પંક્તિઓ યાદ આવી જાય છે. ‘My glory was I had such friends.’

વિદ્યાર્થીકાળની મૈત્રીની સ્મૃતિઓ ગ્રીષ્મ ઋતુમાં શીતળ જળ જેવી આહ્‍લાદક અને શાંતિદાયક હોય છે. ભલે એમને વારંવાર મળતાં ન હોઈએ, પરંતુ એમની યાદ કોઈ ન આપી શકે એટલી હૂંફ આપે છે. આવી ઉષ્મા આપી શકે તે જ મૈત્રી. મૈત્રી કશું જ માંગવા માટે કે લેવા માટે નથી હોતી. એ તો માત્ર શુદ્ધ લાગણીનો અનુબંધ હોય છે.

મને થાય છે કે થોડાક પણ સારા અને સાચા મિત્રો મેળવવા એ પણ મોટા નસીબની વાત છે. જ્યારે કોઈક સાથે સરસ હૃદયનો સંબંધ બંધાઈ જાય છે ત્યારે એમ થાય છે, આ ઋણાનુબંધ નહીં તો બીજું શું ? આ સાચું, પણ આપણે ઈચ્છીએ એટલે કંઈ સારા મિત્રો આપણને મળી જતાં નથી. દોસ્તીનું પણ એક કોમળ છોડની માફક જતન કરવું પડતું હોય છે. સારા મિત્રો મેળવવા માટે સૌથી મહત્વની વાત તો એ છે કે આપણે પોતાને જ એક સન્નિષ્ઠ મિત્ર થતાં આવડવું જોઈએ, એટલું જ નહીં પણ જે માણસ પોતાનો મિત્ર હોય તે જ અન્યનો મિત્ર થઈ શકે. મિત્રો જોઈતા હોય તો જીવનમાં એમને અગ્રતા આપવી જ જોઈએ. એમને માટે ગમે તેમ કરી તમારે સમય કાઢવો જોઈએ. કવિશ્રી સુરેશ દલાલે બહુ સરસ કહ્યું છે, ‘સતત માંજીને ઉજળા રાખવાના સંબંધ પ્રત્યે બેધ્યાન થઈ જવાથી વખત જતાં એને કાટ લાગે છે.’

મૈત્રી જાળવી રાખવા માટે આપણે સમય-શક્તિ અને પૈસાનો વિચાર કર્યા કરવાનો ન હોય. મૈત્રીનું મૂલ્ય એથી ઘણું વિશેષ છે. સમય બદલાય છે. જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. તાળીમિત્રો અને થાળીમિત્રો તમને છોડીને જતાં રહેશે, પણ સાચો મિત્ર એ વખતે તમારે પડખે ઊભો રહેશે. એ તમારું તૂટેલું જીવન ફરી ઊભું કરવામાં સહાય કરશે ! આ તો છે જીવનભરની ગાઢ મૈત્રીનું રહસ્ય.

મૈત્રી રાખવી હોય તો ત્રણ વસ્તુનો સંકોચ રાખવાનો નહીં. પૈસા, સમય અને શક્તિ ! તમે એનો સતત વિચાર કરતાં રહો અને કંજૂસાઈ કરો તો ન ચાલે. મૈત્રીનું મૂલ્ય એથી ઘણું વિશેષ છે. મૈત્રી હોય કે કોઈ પણ માનવીય સંબંધ હોય તે એકમાર્ગી ટકી ન શકે. મૈત્રીના ગાઢ સંબંધમાં કોણે કેટલું કર્યું, કોને કેટલું આપ્યું એની ગણતરી ન હોય ! મૈત્રી એ કંઈ દુનિયાદારીનો વ્યાવહારિક સંબંધ નથી. એથી ઘણો અદકેરો પ્રેમભીનો સંબંધ છે. મૈત્રીનો ઉત્તમ પ્રકાર એ ગણાય કે જેમાં બે વ્યક્તિ પરસ્પર ઘણી આશા રાખતી હોય પણ કદી એની માંગણી કરતી ન હોય. મૈત્રી એ તો શીળી છાયા આપતું વૃક્ષ છે. મૈત્રી ઉદાર હોય છે. એ દોસ્તને જેવો છે એવો જ સ્વીકારી લે છે અને ચાહે છે. તમે મિત્રોની ખામીઓ સ્વીકારો અને તેઓ તમારી ખાસિયતો અને વિચિત્રતાઓ સહી લેશે. મૈત્રીઓ અર્થ જ આ છે.

કૌટુમ્બિક સંબંધો, લોહીની સગાઈ આપણા હાથમાં નથી હોતા, જ્યારે મિત્રો આપણે પસંદ કરી શકીએ છીએ. કહે છે કે સોબત તેવી અસર. સંગ તેઓ રંગ. આપણા મિત્રો આપણને ઘડે છે. એમનો ઘણો પ્રભાવ આપણા પર જાણે-અજાણે પડતો હોય છે. ખાસ કરીને કિશોરાવસ્થામાં તો મિત્રની અસર ખૂબ જ પ્રગાઢ રીતે પડતી હોય છે. સજ્જનની દોસ્તી જીવનને ઉજમાળે છે, તો ખરાબ સંગત આપણને દુરાચાર તરફ અને કુમાર્ગે દોરી જાય છે. સંસ્કૃત ભાષાના વિખ્યાત કવિ ભર્તુહરિએ દુર્જન અને બેવફા મિત્રો અને સજ્જનની મૈત્રી વચ્ચેનો ભેદ દર્શાવતો એક સુંદર શ્લોક રચ્યો છે :

‘દુર્જન શરૂઆતમાં મૈત્રીની મોટી મોટી વાત કરે છે અને જરૂરને સમયે જ પીછેહઠ કરી જાય છે, જ્યારે સજ્જન અને સાચો મિત્ર મૈત્રીમાં ધીમે ધીમે આગળ વધે છે – શરૂઆત કદાચ નાનીસૂની લાગે પણ એ દોસ્તીના પાયાને વધારે ને વધારે દ્રઢ કરતો જાય છે.’ કેટલાયે આશાસ્પદ યુવાનો કુસંગે ચઢી જતાં જીવનને પાયમાલ કરી નાંખે છે. સાચી દોસ્તી એટલે કૃષ્ણ-સુદામાની દોસ્તી, કૃષ્ણ અને અર્જુનની દોસ્તી, ખરાબ સંગત એટલે કૈકેયી અને મંથરાની દોસ્તી, દુર્યોધન અને શકુનિની દોસ્તી. ધીમેધીમે પાંગરતાં પાંગરતાં મૈત્રી ગાઢ બનતી જાય છે, અને પછી પૈસા-પદવી-પ્રતિષ્ઠા બધું જ ગૌણ બને છે અને મહત્વ રહે છે માત્ર વ્યક્તિનું.

એલેક્ઝાડંર ડુમાએ મૈત્રીની વ્યાખ્યા કરી છે : Forget what one gives and remember, what one receives.’ મૈત્રીમાં આપણે કરેલું – આપણે આપેલું ભૂલી જવાનું હોય, શું મળ્યું તે જ યાદ રાખવાનું હોય.

એક મિત્ર માટે ઘણું બધું ન્યોછાવર કરનાર મિત્રના દાખલા આપણે જાણીએ છીએ. મૈત્રીનો આવો જ સુંદર પ્રસંગ મને આ લખતી વખતે યાદ આવે છે.

નિમાઈ જેમને આપણે ચૈતન્ય પ્રભુ તરીકે જાણીએ છીએ તેઓ એક વખત બોટમાં એમના ખાસ મિત્ર રઘુનાથ સાથે જતા હતા. તે વખતે એમણે સંસાર છોડ્યો નહોતો. બોટમાં નિમાઈએ પોતે જે એક વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ રચ્યો હતો તે વાંચી બતાવ્યો. એ સાંભળીને એમના મિત્ર રઘુનાથનું મોં પડી ગયું.

‘શું થયું મારા દોસ્ત ? જે હોય તે મને સાચું કહે.’ નિમાઈએ રઘુનાથને પ્રેમપૂર્વક પૂછ્યું.

‘ખાસ કશું જ નહીં.’ મિત્રે જવાબ આપ્યો.

‘ના, ના. કંઈક જરૂર છે. તારે મને કહેવું જ પડશે !’

‘તારો બહુ જ આગ્રહ છે તો તને કહું, મેં પણ આ જ વિષય પર ગ્રંથ લાખ્યો છે, પરંતુ તારા આ મહાન ગ્રંથ આગળ એ કશું જ નથી. મને થાય છે કે મેં ન લખ્યો હોત તો સારું થાત !’

‘હું પણ એમ જ ઈચ્છું છું.’ નિમાઈ મનમાં બોલ્યા અને રઘુનાથ સમજે તે પહેલાં એમણે પોતાનો ગ્રંથ નદીમાં પધરાવી દીધો ! રઘુનાથની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા એટલે જ કદાચ બે માનવીઓ વચ્ચે મૈત્રી સૌથી ઘનિષ્ઠ સંબંધ હશે. બે ખોળિયાં પણ જીવ એક !

કેટલાક મિત્રો સૂર્યમુખીનાં ફૂલ જેવાં હોય છે. આપણો સૂર્ય તપતો હોય ત્યારે આપણી સામે જુએ, નહીં તો મોં ફેરવી લે ! વિપત્તિનું આછું વાદળ પણ આપણાં પર આવે એટલે તેમની મૈત્રીની છાયા અદ્રશ્ય થઈ જાય છે ! આ જ વાતનું સમર્થન કરતાં એક કવિએ કહ્યું છે :

False friends are like our shadows
keeping close to us
But leaving us the instant
we cross into shade.

આપણો પડછાયો આપણી સાથે રહે છે, પણ જે ઘડીએ આપણે છાયામાં આવી જઈએ તે ક્ષણે એ ચાલ્યો જાય છે તેવી જ રીતે ખોટા સ્વાર્થી મિત્રો તમારું બધું સારું ચાલતું હોય ત્યાં સુધી જ તમારી સાથે રહે છે.

આજના માનવીને એક મોટો અભિશાપ છે- એકલતાનો. અસંખ્ય માનવીઓ વચ્ચે પણ એ એકલો પડી જાય છે. આમાંથી ઊગરી જવાનો એક સોનેરી ઉપાય એ છે કે થોડાક સારા સન્નિષ્ઠ દોસ્તો મેળવીએ અને હવે તો ઈન્ટરનેટની મદદથી દેશદેશના મિત્રો થઈ શકે છે. એમની સાથે વાતચીત કરી શકાય. આમ ‘ઈ ફ્રેન્ડ’ થઈ શકે છે. હવે વૈશ્વિક મિત્રતાની આ નવી વિભાવના આપણી સમક્ષ આવીને ઊભી છે.

હું જાણું છું કે સન્નિષ્ઠ મિત્રો મેળવવા એ એટલું તો સહેલું નથી જ. એમાં ઘણાં વિઘ્નો નડે છે. સૌમિલ કહે છે કે પતિપત્ની બન્નેને સરખા ગમે તેવા દંપતી મિત્રો મેળવવા દુર્લભ છે ! પતિને ગમે તે કદાચ પત્નીને ન ગમે તેવું બને ! અરે ! ઘણાં પતિપત્ની વર્ષોનાં વર્ષો સાથે રહેવા છતાં એકબીજાંના અંતરંગ અને જીગરી દોસ્ત બની શકતાં નથી !

મૈત્રી કરવા માટે અને જાળવવા માટે ઘણું બધું કરવું પડતું હોય છે, પણ મૈત્રીના સ્નેહસભર આત્મીય સંબંધ માટે કોઈ કિંમત વધારે નથી. મૈત્રી જીવનની અમૂલ્ય મૂડી છે. જીવનનું એ મોટું સદ્‍ભાગ્ય અને ઐશ્વર્ય છે. કોઈ મને પૂછે કે તમારે તમારી જાતને જો કોઈ ખૂબ જ સુંદર ભેટ આપવાની હોય તો તમે શું પસંદ કરો ? રોબર્ટ લુઈ સ્ટીવન્સનની માફક હું પણ કહી દઉં કે મારી જાતને સરસ મિત્રની ભેટ આપું, કારણ કે, માણસની સફળતાનો માપ માત્ર સંપત્તિથી કાઢવાનો ન હોય. દોસ્તીની ફોરમે જીવનો ફાલ્ગુન મ્હોરતો રહે છે. ટૂંકમાં કહું તો ભલે ને બહોળો મિત્ર સમુદાય હું મેળવી ન શકું પણ બે ચાર અંતરંગ ગાઢ મિત્રો મારે માટે બસ છે ! કવિશ્રી રાજેશ વ્યાસે (મિસ્કીન) કેટલું સરસ કહ્યું છે :

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે,
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે.
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે.

એટલું જ કહીશ કે જન્મથી મૃત્યુ સુધીની સફરમાં બેચાર ગણ્યાંગાંઠ્યાં પણ સાચા મિત્રો ન બનાવી શકીએ તો આપણે સમજવું કે આપણાંમાં કશુંક ખોટું છે. જીવનમાં આપણે ઊણાં ઊતર્યા છીએ. જીવનના એક સુંદર સંબંધથી વંચિત રહી ગયાં છીએ. કવિ મેઘબિંદુએ મૈત્રીભાવ વિષે સરસ કહ્યું છે :

‘ધન્ય જીવનની અનુભૂતિનો થયો રે સાક્ષાત્કાર
મૈત્રી ભાવથી ઝળાંહળાં આ હૈયાનો દરબાર !’

– જયવતી કાજી

[કિંમત રૂ.૧૨૫/- પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧]

સંપર્ક : 11/બી જીવનઆશા, ૬૦-એ પેડર રોડ, મુંબઈ-૪૦૦ ૦૨૬.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “મૈત્રીની મહેક – જયવતી કાજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.