- ReadGujarati.com - http://www.readgujarati.com -

મિત્રતા હરરોજ – અનિલ ત્રં. આચાર્ય ‘નિલ’

(મિત્રતાના સુગંધનો અનુભવ કરવતો આજનો આ લેખ ‘ખૂશ્બૂ જિંદગીની’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.}

દરેક સંબંધનું અલગ સ્થાન, આગવી પહેચાન હોય છે અને સાથે સાથે આપોઆપ બંધાતી આવતી અપેક્ષા હોય છે. તે અપેક્ષા દરેક સંબંધની નિર્બળ કડી છે. અપેક્ષા જ્યારે તૂટે છે ત્યારે મજબૂત સંબંધો પણ ધરાશાયી થઈ કાટમાળ સમા બની જાય છે.

આમ સૂર છે જે સંવાદોમાં, ચર્ચાઓમાં કહેવત કક્ષાએ ઊછળતો રહે છે – “દરેક વસ્તુનો આરંભ હોય છે તેમ અંત પણ હોય છે.” કદાચ આશ્વાસનની શોધની ક્ષણોમાં વપરાતું આ વાક્ય છે જે પૂર્ણ સત્ય નથી. આરંભ અને અંતનાં દ્વંદ્વંથી પરની પણ એક દુનિયા છે, સંબંધ છે, ભાવ છે અને તે છે – ‘મિત્રતા’.

મિત્રતા ખરી શકે ? જવાબ ના છે. હા, મિત્રો જુદા પડી શકે છે. સંબંધોની મધુરતામાં ક્યારેક કટુતા જન્મે, પૂર્વગ્રહો, અહમ, ગેરસમજૂતીનાં વહેણમાં મિત્રો દૂર દૂર ફેંકાઈ જાય. પણ તે તો વ્યક્તિઓની વાત છે, મિત્રતાની નહીં.

હૈયામાં સ્થાયી થયેલ, મુલાયમ પણ નક્કર મિત્રતાનો છોડ, વિશેષ તો દુનિયાદારીની નાદાનીના સમયમાં બંધાયેલી ‘મિત્રતા’નો ભાવ, વ્યવહાર જગતના વ્યવહારની બે-દિલી વચ્ચે પણ અકબંધ હોય છે.

અપેક્ષા વિના, નિર્વ્યાજ પ્રેમ વહાવવાની ભાવના એટલી તો તીવ્ર હોય છે કે પોતાને સંપૂર્ણ ખાલી કરી દેવાની તમન્નાનો ઉન્માદ, શરત વિના, પૂર્વગ્રહ વિના કિનારા તોડીને ફેલાતો જ રહે છે. અસ્ખલિત, અદ્રશ્ય. આ પ્રવાહ મોસમનો મોહતાજ નથી. તે સ્વયંભૂ છે, મનથી સ્વીકારેલો, ચાહેલો છે માટે ‘સ્વ’ સિવાયનાં ‘રવ’ને ક્યાં ગ્રહે છે ? અને કેમ ગ્રહે ?
વ્યક્તિ તો માધ્યમ છે આ ભાવના પ્રકટ, વ્યક્ત, પ્રવાહિત થવા માટે. મિત્ર નિમિત્તે ખીલેલ આ સંવેદના કદી નિરાધાર નથી હોતી, મુરઝાતી નથી.

આ મિત્રતા અંતે તો શું છે ? ઠંડીભરી ઠૂંઠવાતી રાતની એકલતામાંનું તાપણું છે. મિત્રતાનું કદી મૃત્યુ ન હોઈ શકે. ભાવની વાત છે, આપણી મરજી નહીં પણ હિતને ચાહે, સુખ અને દુઃખના કિનારા વચ્ચે અથડાતી રહેતી જિંદગીમાં ‘હાલ’ પામવાનો મુકામ એટલે ‘મિત્રતા’.

જ્યાં અનાવૃત થઈ શકાય, મન મૂકી રડી શકાય, સ્મિત જ નહીં ખુલ્લું હાસ્ય વહેતું કરી શકાય, કૃત્રિમતાની સરહદથી પરની આ દુનિયા છે. વૈભવ નિર્ધનતાને ભેટવા ઉન્માદી બની, કૃષ્ણ બની – સુદામાને મળવા, ભેટવા વ્યાકુળ બની ઊઠે, આ છે – ‘મિત્રતા’.

દુનિયાદારીનાં તમામ પરાજયો, અન્યાયો, અભાવો, સંઘર્ષ, ઉપેક્ષા, કરુણતાને ‘દોસ્તી’ નામના મુકામે જઈને ભૂલી શકાય છે.

બચપનની આંખોમાં ઉછરેલી મિત્રતા, શૈશવનાં, યુવાનીનાં ઘૂઘવતા સમુદ્ર અને વૃદ્ધત્વનાં શિથિલ પગનાં શિથિલ પગલાંઓમાં દોસ્તી તો અકબંધ અને બધું સમેટી જવાની વેળા આવે અને છતાંય તે મુકામે પણ વિસ્તરેલી જ રહે, સમેટી ન શકાય તે છે ‘દોસ્તી’, તે છે ‘મિત્રતા’.

સ્વપ્નો આંખોનો વૈભવ છે, ઉમંગો દિલની ધડકન છે. સ્મિત ગાલ પરનાં ખંજનનાં પતંગિયાં છે. આ બધું ગમે છે પણ અસ્થાયી છે, બે-ઈમાન છે, ગમે ત્યારે ખસી જાય છે, ખરી જાય છે, ક્ષીણ થઈ શકે છે, થઈ જાય છે, પણ ‘મિત્રતા’ વણથંભી યાત્રાનું પ્રતીક છે. થાક્યા વિના પંથ પર પાડતાં રહેતાં, અટક્યા વિના ચાલતા રહેતા ‘જિપ્સી’ની જેમ. મિત્રતાને સમયની અવધિ નથી હોતી. પગલાંઓ અંકિત થતાં રહે. દૂર દેખાતો તારો નહીં પણ પ્રવાસ જ તેની મંઝિલ, મઝા તે જ તેની ઉપલબ્ધિ અને તે જ પરિતૃપ્તિ.

હા, ત્યાં જીદ છે. રિસામણા મનામણા છે. પણ તે ઘડીમાં રિસાવું છે તો મનાવું પણ ઘડીમાં જ ઘડાય છે. મોટી ભૂલ માફ થઈ જાય છે. નાની ભૂલનો પહાડ બનાવી દેવાય છે, પણ તે ક્ષણિકમાં ઓગાળી દેવાય. ‘સૉરી’ કહ્યા વિના માફી મળી જાય છે.

અહીંયા ઉન્માદનો આફતાબ રચાય છે, જિવાય છે. ભૌતિક આપ-લેથી પરની આ દુનિયા છે.

અહીંયા દંભ નથી. તમે જેવા છો તેવા જ પેશ થઈ શકો છો માટે ભાર નથી. કશું જ છુપાવવાનું નથી. અહીંયા તમારી હથેળીને મળેલી છઠ્ઠી આંગળીનો પણ સ્વીકાર છે. ઈસ્ત્રી ટાઈટ કપડા, દંભી એટિકેટ નથી. તમારું ઈન્શર્ટ અડધું બહાર આવી ગયું છે કે દાઢીનાં વધી ગયેલા વાળ છે કે અસ્ત-વ્યસ્ત તમારા ઝુલ્ફો છે કે તૂટી ગયેલા તમારા સ્લિપર છે કે તમને ગમતી છોકરી તમને ભાવ નથી આપતીની વાત છે. પિતા માટેનો આક્રોશ છે કે MTV ચૅનલની કોઈ ઉન્માદી ડાન્સર માટેનો ઉન્માદ છે – બધાથી બધા જ જાણકાર છે, બધું શેર થાય છે એને માટે હળવું હળવું રહેવાય છે. દિવાસ્વપ્નો અને શમણાંઓ રચાય છે, ચર્ચાય છે, ભુલાય છે. તૂટેલા દિલના દર્દની એક એક કરચ ભેગા મળીને એકઠી કરી ‘ડસ્ટબીન’માં નાખે છે. તે તૂટેલાં સ્વપ્નોની કરચ વચ્ચે ભેગા મળીને ગવાય છે. “હમ હોંગે કામયાબ એક દિન…” આ છે મિત્રતા. આ છે મિત્રતાની મધુરતા. ત્યાં બધી મર્યાદાનો સ્વીકાર છે. ત્યાં તમે જેવા છો તેવા પૂરેપૂરાનો સ્વીકાર છો માટે ખચકાટ નથી. ખામી સહિતનો સ્વીકાર ‘મિત્રતા’માં જ હોય માટે મિત્ર અપંગ હોઈ શકે મિત્રતા નહીં. મિત્ર નિર્ધન હોઈ શકે મિત્રતા નહીં, મિત્ર નબળો હોઈ શકે મિત્રતા નહીં. અહીંયા મહેફિલમાં દરેક રંગો, દરેક મિજાજ, દરેક મુકામને સ્થાન છે. બધાને જેવા છે તેવા જ પેશ થવાનું છે. માટે તો કૃષ્ણને ગમતી ક્ષણો સુદામા કે રાધા સાથેની છે. દેશનાં સૌથી શ્રીમંત વ્યક્તિ થયા પછી પણ નિરાંતનું સરનામું તો વતનના મિત્રો રહે છે. દેશના બે ભાગલા પડ્યા પછીયે મિત્રોની મિત્રતા અખંડ રહે છે. અહીંયા મિત્રતા એ જ ભાગવત, રામાયણ, કુરાન કે બાઈબલ છે. માંદગીની પથારીએ પડેલ માટે ‘મિત્ર’નું સાથે હોવું તે તેના દર્દની દવા છે, દિલાસો છે, હૂંફ છે. ફિક્કા ચહેરા પર જે સ્મિત જન્મે છે તે ‘મિત્રતા’નું પ્રતિબિંબ છે. એક બીડીમાં બે સામેલ થઈ શકે છે, એક રૂમમાં પણ સંકળામણ નથી. બે મિત્રો વચ્ચે શેર થતી એક રકાબી ‘ચા’માં પૂરા કપ ચા પીધાની પરિતૃપ્તિ છે. મિત્ર જેવો તેના ઘેર પરત થાય છે કે તે ક્ષણથી તેનું ફરી આવવાનું COUNT DOWN મનમાં શરૂ થઈ જાય છે. મિત્રતાને ભરેલા ગજવા નહીં પણ ભર્યાભર્યા હૃદયથી નિસબત છે. મિત્રતાને બોલકી ચંચળતા કરતાં મૌન હૂંફથી નિસબત છે. મિત્રતાને આકાશની વિશાળતા કરતાં હથેળીના સંગમમાં રચાતા ‘પોતાપણા’ના અહેસાસથી નિસબત છે. મિત્રતાને પદ, પૈસો, સત્તા, ભૌતિક વૈભવ, રાજમાર્ગોનાં ઠાઠ કરતા ધૂળિયા રસ્તે બસ એમ જ સાથે સાથે ચાલતા રહેવા સાથે નિસબત છે, સાથસાથની રઝળપટીથી નિસબત છે. મિત્રતાને કિનારાની સલામતી કરતાં મઝધારમાં મિત્ર સાથેની મસ્તી સાથે નિસબત છે. મિત્રો ભાવને જીવતા, ભાવમાં જીવતાં ઈન્સાનો છે. તેઓ સતત સાથે હોય ત્યારે કે દૂર દૂર હોય તોપણ મિત્રતાના આફતાબમાં જીવે છે.

દોસ્તો, મિત્રતા સુખનું સરનામું છે, મહેકનો બાગ છે. માટે મિત્રતા એ જ ગાન.
“હવે વ્યવહારનો લાગ્યો છે મને થાક,
કે મને ‘મિત્રતા’નું આપો વરદાન.
મારે ક્યાં જોઈએ ધોધમાર વરસાદ,
કે મને મિત્રતાનાં અમી-છાંટણાની આશ.”

આપણે મિત્રતા પામીએ, પામતા રહીએ.

ઈતિ : “મૃત્યુ મિત્રનું હોઈ શકે, હોય છે, મિત્રતાનું નહીં.”

[કુલ પાન : ૧૧૯. કિંમત રૂ.૧૦૦/- પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ–૩૮૦ ૦૦૧]

સંપર્ક :
એ-૬, સંસ્કાર ટેનામેન્ટ્‍સ, સી.એચ.વિદ્યાલય સામે, હાઈ ટેન્શન લાઈન રોડ, પો.સુભાનપુરા વડોદરા-૩૯૦ ૦૨૩ ફોન નં.: (૦૨૬૫) ૨૩૮૯૨૦૮ મો.નં.: ૯૯૯૮૦ ૧૦૩૭૯