બે મિત્રો અને રીંછ – પ્રભુલાલ દોશી

(યશવંત મહેતા અને શ્રદ્ધા ત્રિવેદી દ્વારા સંપાદિત થયેલ પુસ્તક ‘પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’માંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. બાળપણમાં રીંછ અને બે મિત્રોની વાર્તા બધાએ વાંચી અથવા તો સાંભળી જ હશે. રીંછે એક મિત્રન કાનમાં શું કહ્યું હતું તે તો બધા જ જાણે છે. પરંતુ આજે એ જ વાર્તાને એક નવીન રીતે આપણે જોઈએ અને માણીએ.)

કરણ અને ધનેશ બંને મિત્રો. એક શરીરે જાડો, બીજો સુકલકડી. કરણ સુકલકડી અને ધનેશ જાડો. ધનેશનું શરીર ભારે એટલે એ દોડી શકે નહીં, ઝડપથી ચાલી શકે નહીં, જ્યારે સુકલકડી કરણ સ્ફૂર્તિથી દોડી શકે.

બંને વયમાં યુવાન અને ફરવાના ખૂબ શોખીન. એક દિવસ બંને તેમના ગામથી થોડે દૂર જંગલમાં ફરવા ગયા. જંગલનાં ઝાડપાન તેમજ વનસ્પતિની શોભા નિહાળતા મધ્યભાગમાં પહોંચી ગયા. એક બગલથેલામાં ખાવાનું લીધું હતું. તે થેલો કરણ પાસે હતો.

ધનેશ શરીરે જાડો હતો. પણ બુદ્ધિમાં અગમચેતીવાળો હતો. વધુ ચાલવામાં શ્રમ પડે તેથી પોતે બગલથેલાનો ભાર રાખ્યો ન હતો અને કપડાના ગજવામાં દીવાસળીનું બાક્સ તથા કેટલાંક પડીકાંઓ રાખ્યાં હતાં.

બંને મિત્રો આગળ ચાલ્યા જાય છે, તેવામાં એક ઝાડીમાંથી સસલું નીકળ્યું અને ઝડપથી બીજી ઝાડીમાં ઘૂસી ગયું.

ધનેશે કહ્યું, ‘કરણ, આ સસલું દેખાયું એનો અર્થ એ કે હવે બીજાં જંગલી પ્રાણીઓ પણ દેખાશે, માટે સાવચેત રહેવું.’

કરણ કહે, ‘એમાં શું ? કોઈ મોટું પ્રાણી દેખાય, તો દોડીને ઝાડ ઉપર ચડી જવું.’

ધનેશે કહ્યું, ‘બંનેએ અલગ ન પડવું. બંને સાથે રહીશું તો આવેલી આફતનો સામનો થઈ શકશે. એકલા રહીએ તો મુશ્કેલી પડે.’

થોડુંક ચાલ્યા હશે ત્યાં તો તેમની પાછળની ઝાડીમાંથી અચાનક એક રીંછ નીકળી પડ્યું. પાંદડાંનો ખખડાટ થતાં જ કરણ ઝાડ ઉપર ચડવા દોડ્યો.

ધનેશભાઈ તો જાડા, એટલે દોડી શક્યા નહીં, ત્યાં જ ઊભા રહી ગયા. હજુ રીંછે તેમને જોયા ન હતા.

ધનેશે સાંભળેલું કે રીંછ મરી ગયેલા માણસ ઉપર હુમલો કરતું નથી. એટલે તે તો તરત જ ચૂપચાપ જમીન પર સૂઈ ગયો.

આ તરફ ઝાડ ઉપર ચડવાની કોશિશ કરતા કરણને રીંછ જોઈ ગયું. તે કરણ તરફ ધસ્યું, પરંતુ કરણ ચપળતાથી એક આંબલીના ઝાડ ઉપર ચડી ગયો. રીંછે થોડો વખત તે ઝાડની આજુબાજુ આંટા માર્યા, પરંતુ કરણ નીચે ઊતર્યો નહીં. રીંછ કંટાળ્યું.

એવામાં તેની નજર જમીન પર પડેલા ધનેશ તરફ ગઈ. રીંછ તે તરફ ચાલ્યું, એટલે કરણે બૂમ પાડી, ‘ધનેશ સાવધાન ! રીંછ આવે છે.’

કરણની બૂમ સાંભળી રીંછ સમજી ગયું કે, સૂતેલો માણસ મર્યો નથી, પરંતુ જીવતો છે અને મરી ગયો હોવાનો ઢોંગ કરે છે.

રીંછ મનોમન હસ્યું. તેણે વિચાર્યું કે અગાઉ એક વખત મરી ગયો હોવાનો ઢોંગ કરીને જાડો માણસ તેને છેતરી ગયો હતો, તેનો બદલો આજે લઈ લેવો.

રીંછ કિકિયારી કરતું, કૂદતું-કૂદતું ધનેશ તરફ ગયું.

થોડી વાર શ્વાસોચ્છ્‍વાસ રોકીને સૂઈ રહેલો ધનેશ લાંબો સમય શ્વાસ રોકી શક્યો નહિ. તેનાથી મોટેથી શ્વાસ લેવાઈ ગયો. રીંછને ખાતરી થઈ ગઈ કે આ માણસ જીવતો જ છે. ધનેશ પણ સમજી ગયો કે પોતે જીવતો છે, તેની રીંછને ખબર પડી ગઈ છે.

ધનેશે વીજળીની ઝડપે ખિસ્સામાંથી બાક્સ કાઢી દીવાસળી સળગાવી. ભડકો દેખીને હુમલો કરવા જતું રીંછ જરા ખચકાયું. એટલી વારમાં તો ધનેશે ખિસ્સામાંથી પડીકું કાઢ્યું અને તે ખોલીને રીંછ ઉપર ફેંક્યું.

પડીકામાં છીંકણી તથા મરચાંનો ભૂકો હતો. બંને ચીજો રીંછની આંખો અને નાકમાં પેસતાં જ તે છીંકો ખાવા લાગ્યું અને આંખો ચોળવા લાગ્યું.

બસ, ધનેશને સમય મળી ગયો. બને તેટલી ઝડપથી ચાલીને તે નજીકના વડ ઉપર ચડી ગયો.

થોડી વારે રીંછને કળ વળી એટલે તે વડ તરફ ગયું અને ઘૂરકાટી કરી, પરંતુ ધનેશ તેના સપાટામાં આવ્યો નહીં.

કંટાળીને, ચીસો પાડતું રીંછ ધનેશ તરફ જોતું-જોતું છેવટે ત્યાંથી ચાલ્યું ગયું.

રીંછ ગયું એટલે કરણ ઝાડ ઉપરથી ઊતરી નીચે આવ્યો. ધનેશ પણ નીચે ઊતર્યો. કરણે ધનેશને પૂછ્યું, ‘અલ્યા, રીંછ સાથે આટલો બધો સમય શી વાતો કરી ?’

‘મેં રીંછને કહ્યું કે. તું સરકસમાં ચાલ. પ્રાણીઓ સરકસમાં રહીને માણસ પાસેથી ઘણું શીખે છે અને પછી માણસથી છેતરાતાં નથી.’ ધનેશે કહ્યું.

‘રીંછે તને શું કહ્યું ?’ કરણે પૂછ્યું.

‘તેણે કહ્યું કે, માણસો પાસેથી પ્રાણીઓ કંઈ શીખી શકતાં નથી, પરંતુ માણસો પ્રાણીઓને છેતરીને તેમની પાસેથી ઘણું શીખી જાય છે. માટે હું સરકસમાં આવીશ નહિ.’ ધનેશે કહ્યું.

બંને મિત્રો સાવચેતીથી ચાલતા જંગલની બહાર નીકળી ગયા.

[કુલ પાન ૧૫૨. કિંમત રૂ.૧૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મિત્રતા હરરોજ – અનિલ ત્રં. આચાર્ય ‘નિલ’
દોસ્તીની ગઝલો.. – સંકલિત Next »   

2 પ્રતિભાવો : બે મિત્રો અને રીંછ – પ્રભુલાલ દોશી

  1. Kanaiyalal Patel says:

    Good Story

  2. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

    દોશીસાહેબ,
    નવીન સંદેશ આપતી સારી બાલવાર્તા આપી. આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.