દોસ્તીની ગઝલો.. – સંકલિત

(અહીં કેટલીક સુંદર ગઝલો દોસ્તીના સંબંધને વધુ ગાઢ બનાવી જાય છે. તો આજે એના પર એક નજર નાંખીએ.)

(૧) દોસ્ત – મુકુલ ચોક્સી

એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત;
આ ખાલી જામનુંય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત;
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

દરિયામાં મોજાં આવે, બધે આવતાં નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો,
નાની ચબરખીઓમાં પ્રણયને સમાવ દોસ્ત.

તાજાકલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.
(‘મૈત્રીનો સૂર્ય’ પુસ્તકમાંથી)

(૨) દોસ્ત – મરીઝ

એ રીતે સાથે દે છે સદા એક ક્ષણના દોસ્ત,
પગલાં બની ગયાં છે તમારા ચરણનાં દોસ્ત.

ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,
શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.

એના લીધે નિભાવી લીધી કંઈક દોસ્તી,
બાકી અમે અહીં હતા બસ એક જણના દોસ્ત.

હિંમતની એ ઊણપ હો કે કિસ્મતની વાત હો,
ખાબોચિયામાં તર મેં દીઠા છે ઝરણનાં દોસ્ત.

એનું થવાનું એ જ કે પટકાશે આમતેમ,
દરિયાનાં મોજેમોજાં થયાં છે તરણનાં દોસ્ત.

તારા લીધે ખુવાર થયો છું જહાનમાં,
ઢાંકણ એ ભેદનાં છે બૂરા આચરણના દોસ્ત.

ઓ દોસ્ત, કોઈ દોસ્તનો એમાં નથી કસૂર,
વાતાવરણ બનાવે છે વાતાવરણના દોસ્ત.

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
(‘મૈત્રીનો સૂર્ય’ પુસ્તકમાંથી)

(૩) મિત્રો

સારા અને નરસા પ્રસંગે જાન છે મિત્રો
ઈશ્વર સ્વરૂપે અવતર્યું વરદાન છે મિત્રો

મક્કમ રહેલી વાત ઉપર છેક છેવટે-
ઓસરવું ઊતરી જાય એ ફરમાન છે મિત્રો,

જ્યારે તમે હળવા થઈને હોશમાં હશો,
ત્યારે બચેલી આબરૂનું ભાન છે મિત્રો.

એવા ને એવા આપણે સુદામા થઈ જીવ્યા
એવા ને એવા આંખ, હૈયું કાન છે મિત્રો

અમથી નવાબી હોય ના સંબંધની કદી-
મળ્યાને તે દિવસથી જાજરમાન છે મિત્રો…

(અંકિત ત્રિવેદી સંકલિત ‘જીવનના હકારનો ફોટોગ્રાફ’ પુસ્તકમાંથી)

(૪) દોસ્તો – ગની દહીંવાલા

કેટલાં હૈયાં મહીં કીધો વિસામો, દોસ્તો !
યાત્રીએ જોવાં મજાનાં તીર્થધામો, દોસ્તો.

સંસ્મરણનાં પુષ્પો હું સૂંઘી રહ્યો, વાંચી રહ્યો;
પાંદડીઓ પર હતાં અગણિત નામો, દોસ્તો !

હોઠ પર હરદમ બિરાજો સ્મિતની થઈને લહેર;
પાંપણે બિંદુ બની ક્યારેક ઝામો, દોસ્તો !

મારી દુનિયામાંય ધરતી છે, ને અવકાશ પણ,
પગ મૂકો, પ્રગતિ કરો, વિસ્તાર પામો દોસ્તો !

પ્રેમ જેવા શસ્ત્રથી ઘાયલ થવું સહુને ગમે,
એ ગમે ત્યાં ને ગમે ત્યારે ઉગામો, દોસ્તો !

(‘યુવા હવા’ પુસ્તકમાંથી)

‘મૈત્રીનો સૂર્ય’ – સંપાદન : સુરેશ દલાલ [કુલ પાન ૩૧૨. કિંમત રૂ.૩૦૦/- પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા.લિ. ૧-૨, અપર લેવલ, સૅન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૬ ફોન : ૨૬૫૬૦૫૦૪, ૨૬૪૪૨૮૩૬]

‘યુવા હવા’ – જય વસાવડા [કિંમત રૂ.૨૧૦/- પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧]

‘જીવના હકારનો ફોટોગ્રાફ’ – અંકિત ત્રિવેદી


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બે મિત્રો અને રીંછ – પ્રભુલાલ દોશી
મિત્રતાના કાવ્યો.. – સંકલિત Next »   

4 પ્રતિભાવો : દોસ્તીની ગઝલો.. – સંકલિત

 1. gita kansara says:

  એક એક્થેી મિત્રયતાના ઉત્કન્થ ભાવને દિલોજાન ભાવ વય્ક્ત કરતેી ગઝલોના દર્શન કરાવ્યા.

 2. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  દોસ્તીની મસ્ત ગઝલો આપી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 3. Jay Dobariya says:

  આ ગઝલ વાચિ ને ખુબજ આનન્દ નો અનુભવ થયો છે. આ દરેક ગઝલ મા મિત્રતા ના નવા રુપ જોવ મલ્યા હોય એવુ લાગ્યુ.
  આવી ગઝલો આપવા બદલ અપનો ખુબ ખુબ આભાર.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.