મિત્રતાના કાવ્યો.. – સંકલિત

(મિત્રોની, મિત્રતાની અનેકવિધ વાતો હોય છે. બધી વાતો જ કરવા માંડીએ તો આ જન્મારો પણ ઓછો પડશે એવું લાગે. અહીં એવી જ કેટલીક વાતો કવિતારૂપે આપની સામે પ્રસ્તુત છે.
કોઈ કવિતામાં કવિ મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, તો ક્યાંક મિત્ર ગુમાવ્યાનો રંજ છે. કોઈ કલમ મિત્ર એટલે કોણ ? એનો પરિચય આપે છે, તો વળી મિત્ર બનવાના મરમની વાત પણ અહીં જ છે. મિત્રાચારી કોને કહેવાય એ પણ સમજાય છે, તો આ ઘડીક સંગમાં મિત્રતાનો લાગેલો રંગ આપણને રંગી નાખે છે…)

(૧) કૃતજ્ઞતાને ઊજવી રહ્યો – નિરંજન ભગત

આજે સિત્તેર વર્ષનો થયો.
તે કોને કારણે ?
દેવોને કારણે ? ગ્રહોને કારણે ?
દેવો ? એમને તો મેં જોયા નથી ને જાણ્યા નથી.
સૌ ક્યા સ્વર્ગમાં વસે છે ? કોણ જાણે છે ?
ગ્રહો ? એમણે તો મને જાણ્યો તો શું, જોયો પણ નથી
એટએટલા દૂર વસે છે.
એમણે મને જિવાડ્યો નથી,
એમને કારણે આજે સિત્તેર વર્ષનો થયો નથી.
મારી પાસે, મારી આસપાસ તો છે મિત્રો,
એમને મેં જોયા છે, જાણ્યો છે;
એમણેય મને જોયો છે, જાણ્યા છે;
એમણે મને જીવનનો રસ પિવાડ્યો છે,
એમણે જ મને જિવાડ્યો છે;
એમને કારણે તો આજે સિત્તેર વર્ષનો થયો છું.
એથી જ મારા કૅલેન્ડરમાં
દેવો અને ગ્રહોનાં નામ પરથી નહીં,
મિત્રોનાં નામ પરથી વાર ને મહિનાનાં નામ છે.
આજે હું માત્ર મારા જન્મને જ નથી ઊજવી રહ્યો,
મારાં સિત્તેર વર્ષોને જ નથી ઊજવી રહ્યો;
મિત્રોએ જિવાડ્યો એથી તો આટલું જીવ્યો,
આજે મિત્રોને ને એમની મૈત્રીને મારી કૃતજ્ઞતાને ઊજવી રહ્યો.
(‘મૈત્રીનો સૂર્ય’ પુસ્તકમાંથી)

(૨) સુરેશ દલાલ

એક પછી એક થયા મિત્રો વિદાય :
અને મૈત્રીને જીવતેજીવ ચાખી લીધી.
આંસુને સૂકવવા મૂકવાં અગાશીએ,
ને આંખોને ભોંયતળિયે દાટી દીધી.

આવે છે યાદ કોઈ વીજળીની જેમ,
કોઈ વૈશાખી સૂરજ થઈ ઊગે.
ક્યારેક તો કોઈનો સંભળાયે સાદ,
ક્યારેક નાખી નજર નહીં પૂગે.
યાદ વિના ક્યારેક તો દિવસો વહી જાય,
ને ક્યારેક તો પળપળની પિયાલી મેં પીધી.
એક પછી એક થયા મિત્રો વિદાય :
અને મૈત્રીને જીવતેજીવત ચાખી લીધી.

કદીક એવું પણ થાય કે આજે કોઈ હોત તો
કહેવાની કરતે બધી વાત.
મિત્રો વિના અહીં શું શું થયું છે ને શું શું રહ્યું છે
ને શું શું ગયું તે સમજાવત.
મારા તે શ્વાસમાં સ્મૃતિનું તપોવન છે,
ને વનની આ કેડી સાવ સીધી.
એક પછી એક થયા મિત્રો વિદાય :
અને મૈત્રીને જીવતેજીવત ચાખી લીધી.
(‘મૈત્રીનો સૂર્ય’ પુસ્તકમાંથી)

(૩) મિત્ર એટલે – પન્ના નાયક

મિત્ર એટલે પરમ આત્મીય અને જેની સાથે
નિર્વ્યાજ સખ્ય માણી શકાય.
જે મનથી અને વાણીથી સતત આપણી સાથે હોય.
જેના સહવાસમાં હાશ અને નિરાંતની ક્ષણોનો
અનુભવ થાય.
જેની સાથે અંગતમાં અંગત પ્રશ્નથી માંડીને જગતની
સમસ્યાઓ વિશે વાદ કે વિવાદ વિના વાત થઈ શકે.
જે આપણી સાથે હસે અને આપણને હસાવી શકે.
જે આપણા અવગુણને ઓળંગી આપણને
અપનાવી શકે.
જે આપણા એકાંતની રક્ષા કરે.
જે આપણામાં રહેલી ગોપિત શક્તિને પ્રગટ કરે.
જે આપણને સુખમાં છકી જવા ન દે.
જે આપણને આપણા દુઃખમાં હારવા ન દે.
મિત્ર એટલે જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ,
મિત્ર એટલે મિત્ર.
(‘મૈત્રીનો સૂર્ય’ પુસ્તકમાંથી)

(૪) “હે, મિત્ર !” – અનામી

હું તને પ્રેમ કરું છું. માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.
હું તને પ્રેમ કરું છું તે તારી જાતને જે રીતે આકારી છે.
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.
હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો
જીવ બનાવવા માટે…
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી
શક્યા હોત એના કરતાં તેં મારા માટે વધારે કર્યું છે.
તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.
(‘જીવનના હકારનો ફોટોગ્રાફ’ પુસ્તકમાંથી)

(૫) મિત્રાચારી તહાં કહેવાય – નર્મદ

સુખદુઃખની વાતો બને, નહિ છાનું કંઈ કોની કને,
કોઈનું દિલ ના કહોવાય, મિત્રાચારી તહાં કહેવાય.
જાત-રંગથી જે જે ભેદ, તેથી નહિ કો કોને ખેદ,
જીવ એક ને જૂજવી કાય, મિત્રાચારી તહાં કહેવાય.
સ્વાર્થ ન બીજો પ્રીતિ વિના, પ્રીતિ વણ સહુ અનમના,
રાતદિવસ પ્રીતિ જમાય, મિત્રાચારી તહાં કહેવાય.
સુખમાં દૂર દુઃખમાં પાસ, એકબીજાની પૂરે આશ,
તનમનધનથી મદદો થાય, મિત્રાચારી તહાં કહેવાય.
એક વિચારે થાયે કામ, મન વળગેલાં આઠે જામ,
વાત જહાં ન ઉથાપાય, મિત્રાચારી તહાં કહેવાય.
એકનું કર્યું સહુને ગમે, કો’ના ભમાવ્યા ન ભમે,
મિત્રનું ભૂંડુ ન સંખાય, મિત્રાચારી તહાં કહેવાય.
લાલચમાં લપટાયે નહિ, જીવ જતે ના જુદા સહી,
આડી વેળાએ પ્રાણ અપાય, મિત્રાચારી તહાં કહેવાય.
ચડતા સહુ વાતે ભરપૂર, પડતાને ન મૂકે દૂર,
મિત્ર દેખી શમે લાય, મિત્રાચારી તહાં કહેવાય.
દુશ્મન દોડે ચારે પાસ, ના તોડે પ્રીતિનો પાશ,
પ્રેમરસેય નીતિ રખાય, મિત્રાચારી તહાં કહેવાય.
(‘યુવા હવા’ પુસ્તકમાંથી)

(૬) ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ, ભાઈ, આપણો ઘડીક સંગ
‘આતમ’ને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !
ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનવેળા
વાટમાં વચ્ચે એક દી નક્કી આવશે વિદાયવેળા
તોયે કેમે કરીને કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હેમાળો ગાળીને વહાવીશું હેતની ગંગ !
કંટકપંથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી
એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી
ક્યાંય ન માય એટલો આજ તો ઉરને થાય ઉમંગ !
(‘યુવા હવા’ પુસ્તકમાંથી)

‘મૈત્રીનો સૂર્ય’ – સંપાદન : સુરેશ દલાલ [કુલ પાન ૩૧૨. કિંમત રૂ.૩૦૦/- પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા.લિ. ૧-૨, અપર લેવલ, સૅન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૬ ફોન : ૨૬૫૬૦૫૦૪, ૨૬૪૪૨૮૩૬]
‘યુવા હવા’ – જય વસાવડા [કિંમત રૂ.૨૧૦/- પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧]
‘જીવના હકારનો ફોટોગ્રાફ’ – સંકલન અંકિત ત્રિવેદી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “મિત્રતાના કાવ્યો.. – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.