લીમડાના રસમાંથી બાસુંદી ન બનાવી શકાય – દિનેશ પાંચાલ

Sansaar ni sitar(‘સંસારની સિતાર’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

અર્ધજાગ્રત મનની અદ્‍ભુત ક્ષમતાઓ વિશે આપણે સૌએ સાંભળ્યું જ છે. જીવનમાં પોઝિટીવ એટિટ્યૂડ (હકારાત્મક વિચારસરણી) કેટલી ઉપયોગી નીવડે છે તે અંગે થોડી વાતો કરીએ. હકારાત્મક વિચારસરણી અર્થાત્‍ શુભ વિચારો કોને કહેવાય ? ભર ચોમાસે આકાશમાંથી લૂ વરસતી હોય તોય એમ વિચારવું કે આ કામચલાઉ તડકો છે. ટૂંક સમયમાં જ વરસાદ પડશે. અને ખૂબ સારો પાક થઈ શકશે એવો આશાવાદ રાખવો એ પોઝિટિવ એટિટ્યૂડ કહેવાય. આપણને રોજબરોજ સમાજમાં એવા માણસો મળે છે જેઓ નકારાત્મક વિચારસરણી ધરાવતા હોય છે. નકારાત્મક વિચારસરણી ધરાવતા હોય છે. નકારાત્મક વિચારો એટલે કેવા વિચારો ? ‘હળહળતો કળિયુગ ચાલે છે… દુનિયા બહુ બગડી ગઈ છે… હજી દહાડા બહુ ખરાબ આવવાના છે… તમે લખી રાખજો ફલાણાનો દીકરો પરીક્ષામાં જરૂર નાપાસ થશે…’ સતત આવા વિચારો કરનારા માણસો કાળક્રમે નિરાશાવાદી બની જાય છે. દોસ્તો, નિરાશા, હતાશા, રંજ, ઉદાસી આ બધાં દુઃખવર્ધક વ્યસનો છે. એવી વિચારધારાને કારણે માણસના અર્ધજાગ્રત મનમાં નેગેટિવ પ્રોગ્રામિંગ થઈ જાય છે. માણસના માનસિક બંધારણને તે ભારે નુકસાન પહોંચાડે છે. માણસ જેવું વિચારે તેવું જ બને છે. મનોવિજ્ઞાનીઓ ભારપૂર્વક સૂચવે છે – માણસે સુખી થવું હોય તો હંમેશા પોઝિટિવ થિંકિગ કરવું જોઈએ. નિસ્વાર્થ પ્રેમ, દયાભાવ, સહિષ્ણુતા, માનવતા, આનંદી સ્વભાવ, વિશ્વસનિયતા, ક્ષમાભાવ વગેરે ગુણો પ્રત્યેક માણસ કેળવે તો સમાજમાં સામૂહિક રીતે એક શુભ માહોલ સર્જાય છે. આપણે જોઈએ છીએ સમાજમાં સોમાંથી એકાદ માણસમાં ઉપરના થોડાક ગુણો હોય છે. બહુમતિ લોકો નકારાત્મક વિચારસરણી ધરાવતા હોય છે. એથી સમાજની સામૂહિક છબી રાજી થવાય એવી સ્વચ્છ બની શકતી નથી. પંદર કપ પાણીમાં પા કપ દૂધ રેડવામાં આવે તો પાણીનો રંગ સફેદ થઈ શકે, પણ તે વડે બનેલી ચા સારી લાગતી નથી. સમાજમાં નકારાત્મક વિચારોનું પ્રભુત્વ પંદર કપ પાણી જેટલું હોવાને કારણે થોડાક માણસોના શુભ વિચારોથી સમાજ બદલાઈ શકતો નથી.

સમાજની સામૂહિક નકારાત્મક વિચારધારાથી કેવાં પરિણામો ઉદ્‍ભવી શકે એનો સર્વે કરવો હોય તો રજિસ્ટર લઈને નીકળવાની જરૂર નથી. અખબારોના સમાચારો પર નજર કરશો તો સમાજમાં કેટલી બહોળી સંખ્યામાં અશુભ ઘટનાઓ બને છે તેનો ખ્યાલ આવશે. (બાવળના ઝાડ નીચે કાંટાનો ગાલીચો પથરાયેલો જોઈ કોઈને આશ્ચર્ય થતું નથી.) કાળા રીંછનું બચ્ચું કાળું હોય તેમાંય કોઈને આશ્ચર્ય થતું નથી. તે રીતે આખો સમાજ નકારાત્મક અને નિરાશાવાદી વિચારસરણી ધરાવતો હોય એવા સમાજમાં સુખનો સૂર્યોદય ઝટ ન થઈ શકે. વિજ્ઞાનીઓ કહે છે – સારા સમાજની રચના સારા માણસો વડે જ થઈ શકે. વિકાસમાં નકારાત્મક વિચારસરણી ભારે અવરોધક બની રહે છે. (બાસુંદી દૂધમાંથી બનાવી શકાય – લીમડાના રસમાંથી નહીં !) ક્રોધ, ભય, ઘૃણા, નફરત, અવિશ્વાસ, વેરવૃત્તિ આ માનવજાતના મહાન શત્રુઓ છે. એ સઘળા તમારા અર્ધજાગ્રત મનમાં ઘર કરી જશે તો ભૂગર્ભીય ભૂકંપ થશે. પાક આતંકવાદીઓ ચોરીછૂપીથી ઘૂસી જઈ દેશને કરોડોનું નુકસાન પહોંચાડે છે તેવી દુર્ઘટના માણસની ભીતરમાં બનશે. એક બૉમ્બવિસ્ફોટથી સેંકડો માણસોની જાનહાનિ થાય છે તે જોઈ શકાય છે. પણ હિંસા, વેરવૃત્તિ કે વિશ્વાસઘાત જેવાં મન ભીતરના અદ્રશ્ય એટમબૉમ્બથી સમાજની જે છૂપી બરબાદી થાય છે તે ઝટ નજરે ચડતી નથી. (જાહેરમાર્ગો પર થતી છેડતી જોઈ શકાય છે. ઘરઆંગણે કુટુંબીઓ દ્વારા થતાં બળાત્કારો જોઈ શકાતા નથી.)

દોસ્તો, માણસના મનની અગાધ ક્ષમતાઓ વિશે આટલું જાણ્યા પછી આપણા ક્લુષિત મનને ધોઈધોઈને રિફાઈન કરી તેમાં નવેસરથી હકારાત્મક વિચારોની સ્થાપના કરવાની જરૂર છે. સુંદર સાથિયો પૂરતાં પહેલાં ઓટલો વાળી-ઝૂડીને સાફ કરવો પડે છે. મનની દુરસ્તી માટે પ્રથમ મન માંહેના નકારાત્મક વિચારોનાં જાળાં સાફ કર્યા પછી જ તેમાં હકારાત્મક વિચારોનું પ્રત્યારોપણ કરી શકાશે. એ પણ ભૂલવા જેવું નથી કે મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ તેની નિત્ય પૂજા કરવી પડે છે. મન ભીતરના શુભ સંકલ્પોને સાકાર કરવા માટે પણ તે પ્રમાણે જીવવું જરૂરી છે. (ડૉક્ટરને ત્યાંથી આણેલી દવા શીશીમાં પડી રહે તેનો ફાયદો થઈ શકતો નથી.)

એથી સૌએ હકારાત્મક સંકલ્પો કરવા જોઈએ. અને જીવનમાં આશાવાદ કેળવવો જોઈએ. જેને તરતાં ન આવડતું હોય એવો માણસ પાણીમાં ગબડી પડે તો તે શું કરે તે વિચારો. પોતાને તરતાં નથી આવડતું એ વાતની તેને ખબર હોય છે. છતાં તે પાણીમાં હાથ-પગ હલાવી બહાર નીકળી જવાની કોશિશ કરે છે. (તે એવું નથી વિચારતો કે મને ક્યાં તરતાં આવડે છે. એથી હાથપગ હલાવવાનો કોઈ અર્થ નથી.) તે હાથપગ હલાવે છે તેમાં પોઝિટિવ એટિટ્યૂડનો સંદેશો વ્યક્ત થાય છે. જિજીવિષાની પ્રબળ ભાવના એ જ પોઝિટિવ એટિટ્યૂડનો ઉત્તમ નમૂનો છે. મરણસંમુખ જઈ પડેલો માણસ તેની અંદર રહેલા પોઝિટિવ એટિટ્યૂડને કારણે મરણ સાથે બાથ ભીડે છે. દુનિયાના દરેક માણસને એ વાતમાં વિશ્વાસ હોય છે કે દરેક રાતને એક સવાર હોય છે. અને દરેક સાંજની પાછળ એક રાત આવે છે. જીવનનાં સુખદુઃખો પણ રાતદિવસ જેવી હકારાત્મક વિચારધારા છે એને કારણે માણસ જીવનમાં દુઃખનો દરિયો તરી જાય છે.

એથી કેટલીક પ્રતિજ્ઞા કરવા જેવી છે. કઈ પ્રતિજ્ઞાઓ…? કંઈક આવી હોય શકે એ પ્રતિજ્ઞાઓ. (૧) જીવનમાં ગમે તેટલાં દુઃખો આવે કે નિષ્ફળતા મળે અમે કદી હિંમત હારીશું નહીં. કેમ કે કુદરતે એવી કોઈ રાત્રિ નથી ઘડી જેના ભાગ્યમાં સૂર્યોદય ન હોય. (૨) તમારી આસપાસ બધાં સુખી હોય અને તમે એકલા જ દુઃખી હો તોપણ કોઈની ઈર્ષા કરશો નહીં. (ગામ આખાને મેલેરિયા થયો હોય તો મારો પાડોશી શા માટે બચી જવો જોઈએ એવી નકારાત્મક ભાવના રાખશો નહીં.) (૩) બધાં તમને દગો દઈ રહ્યાં છે, તમારું ભાગ્ય બહુ ખરાબ છે, તમે કદી સફળ થઈ શકવાના નથી એવું વિચારવાને બદલે તમે ખૂબ ભાગ્યશાળી છો અને જરૂર એક દિવસ સફળ થવાના છો એવા શુભ વિચારો જ કરો. (આંસુ લૂછીને ગાલ સાફ રાખવા કરતાં આંસુને ટપકવા ન દેવાનું વધુ સલાહભરેલું છે) (૪) કૂંડામાં રોપેલા છોડવાને ખાતર-પાણીની જરૂર હોય તેટલી જ તમારા આત્માને સદ્‍વિચારોના ખાતરની જરૂર હોય છે, એથી નિયમિત સારું વાંચો, સારા મિત્રો બનાવો, સારાં કામ કરો, ખરાબ મિત્રોથી ક્ષણિક ફાયદો થતો હોય તોપણ તેનાથી દૂર રહો, કેમ કે તેનામાં નેગેટિવ વાયરસ હોય છે. (દુર્યોધન જોડેની દોસ્તી કરતાં કૃષ્ણ જોડેનો કજિયો સારો !) (૫) તમે ખૂબ નબળા અને અન્ય કરતાં ઊતરતા છો એવું માની લઈ તમારા મનમાં તમારા વિશે નબળી છબી ફીટ કરશો નહીં. કહે છે કે જેવું વાવે તેવું લણે. તમે જેવું વિચારશો તેવા જ બની જશો. યાદ રાખો તમારે સ્વહસ્તે જ તમારું સુંદર ચિત્ર દોરવાનું છે. (એ મેન ઈઝ ઓન આર્કિટૅક્ચર ઑફ હીઝ ફ્યુચર !) તમે નિરંતર રામ બનવાનાં સ્વપ્નો જોશો તો છેવટે લક્ષ્મણ જરૂર બની શકશો. પણ રાવણને તમારો આદર્શ બનવશો તો ચંગેઝખાન ભલે નહીં બની શકો, ‘ચૌદશિયા’ જરૂર બની જશો…! સંતો, વિદ્વાનો અને મનોવિજ્ઞાનીઓ કહે છે કે દરેક માણસે પોતાની જાતને ઈશ્વરના જવાબદાર અને શ્રેષ્ઠ સંતાન ગણવું જોઈએ. આપણે બધા નિષ્ફળ જવા સર્જાયા નથી. ક્યારેક સફળ તીરંદાજોનું પણ કોઈ તીર નિષ્ફળ જાય છે. તેથી ભવિષ્યમાં તે સફળ ન થઈ શકે તેવું બનતું નથી. નાપાસ થનારાઓ તેમની એ નિષ્ફળતાથી હતાશ થઈને અટકી જતા હોત તો તેઓ કદી પાસ થઈ શક્યા ન હોત. કોઈકે સાચું જ કહ્યું છે અંત સુધી હિંમત હારશો નહીં. ઘણી વાર ઝૂડાની છેલ્લી ચાવી તાળું ખોલી આપે છે.’

[કુલ પાન ૨૧૨. કિંમત રૂ.૨૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

– દિનેશ પાંચાલ, સી-૧૨, મજૂર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-૩૬૯ ૪૪૫ મો. ૯૪૨૮૧ ૬૦૫૦૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “લીમડાના રસમાંથી બાસુંદી ન બનાવી શકાય – દિનેશ પાંચાલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.