કદરદાન – ઊજમશી પરમાર

Haarohaar(‘હારોહાર’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.)

હીરાભાઈ શેઠને અશફાકની સાથે પ્રથમ મુલાકાત થઈ હતી તે દિવસ આજે પણ બરાબર યાદ છે. અશફાક રહેતો હતો તે વિસ્તાર તો નામ માત્રની સોસાયટી. નાનીનાની ખોલીઓ જેવાં સળંગ ગાળાનાં ઘર. રસ્તા જાણે ઓછા સાંકડા હોય તેમ ઘર બહાર બકરીઓ બાંધી હોય. મરઘાં ચિચિયારીઓ મચાવતાં હોય ને બાકી બચેલી જગ્યામાં પતંગના દોરાને કાચ પવાતો હોય ને કાં તો સૂતરમાંથી દોરડાં વણતાં હોય. કોઠાં અને સૂકી આમલી – તાડફળીની સાથે ઈંડાંનાં સ્ટૅન્ડની લારીઓ અને આ બધાંમાં પાછી મગજ ધમધમાવી દે એવી આમલેટ તળવાની ગંધ… એટલે આવી સાંકડી ગલીઓમાં તેમની ગાડી કેવી રીતે અંદર આવી શકે ? તેથી ગાડીને સોસાયટીની બહાર જ પાર્ક કરીને તે પગે ચાલતા અંદર આવ્યા હતા.

વાત એમ હતી કે બે જ દિવસની કમળાની બીમારીમાં તેમનો ડ્રાઈવર દિલશાદ ભરયુવાનીમાં ગુજરી ગયો હતો. તેમને ખબર હતી કે તેનું કુટુંબ બહુ મુશ્કેલીમાં દિવસો કાઢી રહ્યું હતું, કેમ કે પરિવારમાં તે જ એક માત્ર કમાનાર હતો. તેમના ગુમાસ્તા મણિકાકાએ તો કહ્યું,

“અરે સાહેબ, આવી રીતે તમે કેટલાને મદદ કરશો ? કબૂલ કે એ તમારો ડ્રાઈવર હતો, પણ એ તો બીમારીમાં મૃત્યુ પામ્યો છે, એમાં કોઈ શું કરે ?”

પણ હીરાભાઈ જેમનું નામ, દિલશાદની માને પૈસા દેવા રૂબરૂ આવ્યા અને હાથોહાથ બે હજારનો ચેક આપીને ત્યાંથી વળી નીકળ્યા. પાછા વળતી વખતે થોડી નિરાંત હતી, એટલે આસપાસ બધું જોતાં-જોતાં આવતા હતા, એમાં એક નાનકડી ઓરડીમાં તેમણે જે જોયું તેનાથી તેમના પગ રોકાયા વગર ન રહી શક્યા. વીસ-બાવીસનો એક યુવાન કૅન્વાસ પર પીંછીથી ટચિંગ કરી રહ્યો હતો. પેઇન્ટિંગ પર ઝૂકેલા તેના ધ્યાનમગ્ન ચહેરાનો પોણો ભાગ તો ઝાલરની જેમ લટકતાં તેનાં જુલફાંથી ઢંકાઈ જતો હતો. કેટલીય વાર સુધી તેનું ધ્યાન જ ન ગયું કે છેક તેની નજીક આવીને કોઈ તેની કામગીરી નિહાળી રહ્યું છે. કોઈએ તેનું ધ્યાન આગંતુક પ્રત્યે દોર્યું, ત્યારે તેણે પીંછીને પૅલેટની સાથે બાજુમાં મૂકી. હીરાભાઈએ કહ્યું, “વાહ ! પેઇન્ટિંગ તો સરસ બનાવો છો!”

તેણે તેમને બેસાડવા માટે આજુબાજુ કાંઈક શોધી જોયું,

“નહીં, બેસવું નથી. આ તો અહીંથી પસાર થતો હતો ને તમારા પેઇન્ટિંગ પર નજર પડી ગઈ. આ પેઇન્ટિંગ ક્યારે પૂરું થશે ?”

“એ તો કેવી રીતે કહી શકું ? ક્યારેની વાત ક્યાં કરું. પૂરું થશે કે કેમ એય મોટો પ્રશ્ન છે.”

“કેમ ? એટલો આત્મવિશ્વાસ તો કળાકારમાં હોવો જોઈએ.”

“આત્મવિશ્વાસની વાત નથી ચાચા. પેઇન્ટિંગને કદી પણ પૂરું થયું એમ કહી શકાય નહીં.”

હીરાભાઈએ લિયોનાર્દો-દ-વિન્ચીનું એક વિખ્યાત વાક્ય યાદ આવી ગયું. જે અદલ આને મળતું આવતું હતું.

“વાહ !” હીરાભાઈ કળા વિશેની તેની સમજ પર વારી ગયા. તેનો સમગ્ર દેખાવ અને તેના વિચારો એક ધૂની કળાકારની છાપ ઊભી કરતા હતા.

“તમારું નામ ?”

“જી. અશફાક.”

“આ સિવાય બીજું કંઈ કામ ?”

“અરે જનાબ, આનાથી મોટું બીજું કયું કામ હોઈ શકે ?”

હીરાભાઈ પાસે તેના સવાલનો કોઈ જવાબ નહોતો.

“ભાઈ અશફાક, આ પેઇન્ટિંગ પૂરું થાય પછી મને ફોન કરીને જણાવી શકશો ? આ મારું કાર્ડ છે.”

“શાના માટે ? હું સમજ્યો નહીં.”

“આ પેઇન્ટિંગ મારે મારી ચેમ્બરમાં મૂકવા માટે જોઈએ. પેઇન્ટિંગની કિંમત પણ જણાવશો, જેથી મારો માણસ આવીને તે આપી જશે અને પેઇન્ટિંગ લઈ જશે.”

“શુક્રિયા, આપના જેવા કદરદાન બહુ ઓછા મળે છે. માણસ મોકલવાની જરૂર નથી. હું જાતે પેઇન્ટિંગ પૂરું થયેથી લઈને આવીશ.”

હીરાભાઈએ તે પેઇન્ટિંગ ખરીદ્યું અને તેની આંકવામાં આવેલી કિંમત કરતાં એક હજર રૂપિયા વધારે ચૂકવ્યા અને અશફાકની મહિનાઓ સુધીની રોજીરોટી પૂરી પાડી દીધી.

પણ અશફાકને ખબર હતી કે આ તો એક સુખદ યોગ હતો અને આવા યોગ રોજરોજ નથી રચાતા. અને રોજીરોટી તો રોજની રોજ જોઈતી હોય છે. પછી મહિનાઓ સુધી તે ડોકાયો નહોતો અને હીરાભાઈ તો એટલા બધા વ્યસ્ત રહેતા કે તેના ઘર સુધી જઈ શકતા નહીં. પછી તો તેમનાથી તેને યાદ કરવાનુંય વીસરાઈ ગયું.

વચ્ચે એકાદ વાર તે ડોકાયો હતો, પણ ત્યારે હીરાભાઈની ચેમ્બરમાં મિટિંગ ચાલી રહી હતી. તેણે ચિઠ્ઠી મોકલાવી. અને તેને બેસવાનું કહેવામાં આવ્યું, પણ પછી કલાકેક વીતી ગયો, છેવટે કંટાળીને તે જતો રહ્યો.

પછી તો વરસેક નીકળી ગયું. વળી પાછી ફુરસદની ક્ષણે સામેની ભીંતે લટકતા પેઇન્ટિંગ ઉપર તેમની નજર પડી ને તેમને અશફાક યાદ આવી ગયો. કેવો સરસ કળાકાર ! તેની એક જ મહેચ્છા હતી કે તેના પેઇન્ટિંગનો વન મૅન શો આર્ટગેલેરીમાં યોજાય. તેના માટે તેણે તેમને ફોન દ્વારા વિનંતી પણ કરી હતી કે તેમણે ખરીદેલું પેઇન્ટિંગ ફક્ત પ્રદર્શન માટે એક અઠવાડિયા પૂરતું જો તેઓ આપી શકે તો મોટી મહેરબાની. તેમણે તે માટે રાજીખુશીથી સંમતિ પણ આપી હતી, પણ તે સમય વીતી જવા છતાંય આવ્યો જ નહોતો.

“શું કરતો હશે ? તેની પાસે ફોન તો હતો નહીં. હવે તો મણિકાકાને પૃચ્છા કરવા મોકલવા પડશે.” હજી તે વિચાર જ કરતા હતા ત્યાં જ અશફાકની ચિઠ્ઠી અંદર આવી. તેમણે તરત કહ્યું, “અંદર મોકલો.”

તે અંદર આવ્યો ત્યારે હીરાભાઈ ફોન પર વાત કરી રહ્યા હતા. તેમણે તેને બેસવાનો સંકેત કરીને વાત ચાલુ રાખી. હવે પાછાય કેવી રીતે જતા રહેવાય. નાછૂટકે આવીને તેમને ખલેલ ન પડે તેવી રીતે સાચવીને તે એક ખુરશીમાં બેઠો.

વાત કરતાં કરતાંય હીરાભાઈ તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા, જોઈને તેમનો જીવ બળી ગયો. તેના હવામાં ફગફગતાં કોરાં ઝુલફાંમાં કેટલાય સફેદ વાળ દેખાઈ રહ્યા હતા. પોતે ઊભા થઈને તેના માથામાંથી એટલા સફેદ વાળ ચૂંટી લે તો ? અરે નહીં નહીં, અશફાકને કેવું લાગશે ? તેની આંખોમાં પણ રતુંબડી ઝાંય હતી. તેના ચહેરાની સમગ્ર મુદ્રા એક ઉદાસીભરી કવિતા જેવી લાગતી હતી. હવે તેમની ફોન પરની વાત ગૌણ અને પ્રત્યક્ષ નિરીક્ષણના કારણે મનમાં ચાલવા લાગેલો સંવાદ મુખ્ય બની ગયો. આ સંવાદમાં ફોનની વાત અંતરાય જેવી લાગતાં તેમણે તે જલદી જલદી ટૂંકાવી દીધી. તેના કારણે વાતમાં થોડી રૂક્ષતા પણ આવી ગઈ. જે તેમના સ્વભાવમાં નહોતી. “જુઓને જીવરાજભાઈ, હમણાં એક તો મંદીનો સમય છે, વળી હાથ પણ થોડો ભીડમાં આવી ગયો છે. હા હા ભઈ, તમને તો મજાક જ લાગે ને, પણ ખોટું શું કામ બોલું ? કેટલાય સમયથી કાર બદલવાનો મારો વિચાર ખોરંભે પડ્યો છે. ફ્રીજ પણ બદલવાનું છે ને તે માટે ઘરવાળાં તકાજો કરી રહ્યાં છે. ના ના ભઈ, હમણાં તો તમે બીજી કાંઈક વ્યવસ્થા કરો, ખોટું ન લગાડતા. ચાલો ત્યારે, મળીએ.”

તેમણે રિસીવર ફોન ઉપર એવી રીતે મૂકી દીધું કે જાણે છાતી ઉપરથી પહાડ ઉતાર્યો હોય. આટલી ઉદાસીમાંય અશફાકના મોં ઉપર જરાક મલકાટ આવી જ ગયો. બસ, એ મલકાટ જોઈને હીરાભાઈને એટલી બધી રાહત વળી ગઈ કે પેલા થોડાક સફેદ વાળ જોવા પડ્યાનું દુઃખ વિસારે પડી ગયું.

“શું ખબર છે અશફાક ?” તેમની આંખોમાં હરખનો ચમકારો વરતાયો. “આજ તો હું ખરેખર બહુ કંટાળી ગયો. પણ તું આવ્યો એટલે હળવો થઈ ગયો. બોલ, શું લઈશ, ચા પીએ ?”
અશફાક કંઈ બોલ્યો નહીં, પણ એવી રીતે ડોક હલાવી કે તેમને લાગ્યું કે તે ચા પીશે. તેમણે કેશુને બોલાવીને ચાનું કહ્યું, “હવે બોલ, તારું પેઇન્ટિંગ કેમ ચાલે છે ? તને બહુ દિવસો પછી જોયો, એટલે લાગે છે કે વન મૅન શો યોજાઈ જાય એટલાં પેઇન્ટિંગ તો થઈ જ ગયાં હોવાં જોઈએ.”

અશફાકનો ચહેરો જેવો સફેદ રૂ થઈ ગયો. તેણે એવી રીતે આંખોમાં ને આંખોમાં જ નકાર ભણ્યો કે હીરાભાઈનું કાળજું બળી ગયું.

એમાં મણિકાકા અંદર આવ્યા.

“અરે મણિકાકા, આ છોકરાને થયું છે શું ? તે આવ્યો ત્યારે ઘડીક તો લાગ્યું કે હવે બધો કંટાળો ગાયબ. હા, કંટાળો તો ગાયબ થયો પણ સવાલો કેટલા બધા ઊભા થઈ ગયા !”
“કેમ ભઈલા.” મણિકાકાએ અશફાકના ખભે પ્રેમથી હાથ મૂક્યો. “ક્યાં હતો આટલા દિવસ ?”

“મણિકાકા, તમે અને હીરાભાઈ સાહેબ મારા પર કેટલો બધો પ્રેમ દર્શાવો છો ! બસ, તેનાથી જ મારું પેટ ભરાઈ જાય છે. શું પેઇન્ટિંગમાં આપ લોકોનો મારા પ્રત્યેનો પ્યાર હું ચીતરી શકું ? વાલિદ તો જન્નતનશીન થઈ ગયા, પણ આપ લોકોએ તે ખોટ ભરપાઈ કરી દીધી છે. રહી વાત પેઇન્ટિંગની, તો જે દસ-બાર થઈ ગયાં તે બહુ થઈ ગયાં, હવે એ બધાંથી હું ધરાઈ ગયો છું.”

“અચ્છા, તો હવે પેઇન્ટિંગ નથી કરતો, તો પછી કરે છે શું ?” હીરાભાઈ અકળાયા.

અશફાકના મોઢે જાણે તાળું લાગી ગયું. નીચે ઢળી પડેલી નજર જાણે ઉપાડી ઊપડતી નહોતી. પછી હળવેક રહીને બોલ્યો, “થોડાક સમય પહેલાં સાઈનબોર્ડનું થોડું કામ મળ્યું હતું.”

“એમ કહેને ત્યારે, આ સાઈનબોર્ડનું કામ કરવામાં જ હવે પેઇન્ટિંગને તિલાંજલિ આપી દીધી લાગે છે !”

“ખરું તો એ છે કે પેઇન્ટિંગે હવે મને છોડી દીધો છે, તેનાથી એક ખોટો માણસ પસંદ થઈ ગયો હતો.”

“અરે ભઈ, તું મને નાહકનો ગુસ્સો ના અપાવ.” હીરાભાઈ ચિડાઈને બરાડી ઊઠ્યા. તેમના અવાજની ઊંચી માત્રાએ ચેમ્બરના કાચની આરપાર દેખાતા બહાર કામ કરતા લોકોનાં મોં ઊંચાં કરાવી દીધાં. “મને શું પેઇન્ટિંગમાં ખબર નથી પડતી એમ તું માને છે ? મણિકાકા, સમજાવો આને, પણ રહેવા દો, કોઈનો સમજાવ્યો એ થોડો સમજવાનો છે ?”

મણિકાકાએ એક વાર ફાઈલમાંથી ઊંચું જોઈને બન્નેની તરફ જોયું અને ફરી પાછા કેલક્યુલેટરમાં ધ્યાન પરોવ્યું.

હીરાભાઈએ હવે અશફાક જાણે હાજર ન હોય તેવી રીતે પોતાની ફાઈલ જોવા માંડી, જાણે ઘણું અગત્યનું કોઈ કામ તાત્કાલિક આવી પડ્યું હોય. જોકે ઘણા અગત્યનાં કહી શકાય તેવાં કેટલાંય કામકાજ સતત તેમના માથે ગાજતાં જ રહેતાં, પણ અત્યારે તેમાંનું એક પણ તેઓ નહોતા કરતા ! થોડીક વાર તો જાણે ચેમ્બરમાં સોપો પડી ગયો.

“તમે સમજો સાહેબ.” અશફાકે ધીમેધીમે વાત શરૂ કરી, “પેઇન્ટિંગ બહુ ખર્ચાળ થઈ ગયું છે, વળી તેના ખરીદનારા હજારે એકાદ માંડ હોય, અને રોજ કમાઈને રોજ ખાવાનું હોય ત્યારે વન-મૅન શોના ધખારા કેવી રીતે પોસાય. ક્યારેક મને એક લાગે છે કે થાળીમાંની લૂખીસૂકી ભાખરી અને થોડુંક શાક ચીતરવાનું વધારે અઘરું છે…!”

હીરાભાઈએ ડ્રૉઅરમાં હાથ નાખીને ચેકબૂક લીધી અને લખવા માટે પેન ઉઠાવી, પણ અશફાકની મક્કમ આંખો અને ભીડાતાં જતાં જડબાં જોઈને તેમણે હતાશામાં ચેકબૂક પાછી ડ્રૉઅરમાં મૂકી દીધી.

હવે જરાક હસીને અશફાકે આગળ ચલાવ્યું,

“એક સાઈનબોર્ડનું મોટું કામ મળી ગયું છે. રંગ લાવવાના પૈસા ખૂટી પડ્યા. એડવાન્સ માટે કહ્યું છે. કદાચ મળશે તો કામ શરૂ થઈ શકશે. બીજા પેઈન્ટરોને પણ કામે લગાડવા પડશે. અહીંથી જતો હતો તે થયું કે આપ લોકોને મળતો જાઉં…”

ચા પીને તે ઊઠ્યો. તેના ગયા પછી હીરાભાઈએ પાંચ હજારનું બંડલ કાઢીને મણિકાકાને આપ્યું.

“ખરી વાત એ છે કે મારી જીવરાજભાઈ સાથેની વાતચીત ફોન પર સાંભળીને તે પૈસા નથી માગતો. પણ તમે આ લઈ જાવ; એને કહેજો કે આ પૈસા તમે તેને આપી રહ્યા છો ને ઉછીના છે એટલે પાછા લેવાના છે. શું સમજ્યા ? હું પિક્ચરમાં ના આવવો જોઈએ. છેવટ ના જ માને તો નહીં જેવું વ્યાજ નક્કી કરી દેજો, બરાબર ?” મણિકાકા તેમની સામે એકીટસે જોઈ જ રહ્યા.

– ઊજમશી પરમાર

[કુલ પાન ૨૦૦. કિંમત રૂ.૧૭૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “કદરદાન – ઊજમશી પરમાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.