તાવ – પૂજા તત્સત્

(‘ગતિ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.)

Gati‘જય શ્રીકૃષ્ણ, કેમ છો?’

ઍરપોર્ટ પહોંચતાં જ લેવા આવેલ સૌને બે હાથ જોડીને આદિત્ય સસ્મિત બોલ્યો.

‘તમે વૈદેહીભાભી ને ? સાક્ષાત દુર્ગા…’

વૈદેહી સામે જોઈને એ બોલ્યો. વૈદેહી થોડું શરમાઈને હસી. ‘આવો આવો આદિત્યભાઈ, વેલકમ ટુ ઈન્ડિયા-’ એને આજે સવારથી પાછું થોડું તાવ જેવું…

પછી પગે લાગવાનો વિધિ ચાલ્યો. બૅગો ગાડીમાં ગોઠવાઈ. ઘરે પહોંચતાં થાકેલા ઊંઘરેટા સૌ ગોઠવાયા. એક મોટા સંયુક્ત કુટુંબમાં એનઆરઆઈ જમાઈરાજ દીકરી અને બાળક સહિત પધાર્યા હતા. છ ફૂટ હાઈટ, ગોરો વાન અને એની સાથે શોભતો સાલસ સ્વભાવ. ક્યાંક કશી કમી નહીં. કશી આછકલાઈ નહીં. માત્ર સભરતા, સરળતા. યુએસમાં જ ગર્ભશ્રીમંત એનઆરઆઈ કુટુંબમાં જન્મીને ઊછરેલ આદિત્ય હજી બે વર્ષ પહેલાં જ વૈદેહીની પિતરાઈ નણંદ સોહા સાથે પરણ્યો હતો. વર્ષ પહેલાં એમને ત્યાં એક સુંદર બાળકી જન્મી હતી. આખું ઘર આનંદમાં મગ્ન હતું એમાંય નમણી કળી જેવી પૂર્વાને જોવા તો સૌ આતુર હતા.

બીજા દિવસે સવારે શોટ્‍ર્સ અને વ્હાઈટ ટીશર્ટ સજ્જ આદિત્ય ધડધડ દાદરા ચડીને ડાઈનિંગ રૂમમાં અને પછી સીધો રસોડામાં ધસી ગયો. પૌંઆ, ટોસ્ટ સેન્ડવિચ, ચા, કૉફી તૈયાર કરીને વૈદેહીને મદદ કરાવવા લાગ્યો.

‘લાવો ભાબી, અમારા ઘરમાં આ બધું હું જ કરું છું. પૂર્વાના જન્મ પછી તો એ જ ક્રમ બની ગયો છે.’

નિખાલસતાથી હસતા આદિત્યના હાસ્યમાં દાડમની કળીઓ ચમકી રહી. એ બોલતી વખતે શબ્દેશબ્દ છૂટો પાડીને વચ્ચે એક પણ શબ્દ અંગ્રેજીનો ન આવે તેનો ખ્યાલ રાખતો.

‘તમારું ગુજરાતી ખૂબ સુંદર છે-’

વૈદેહીએ એના હાથમાંની નાસ્તાની ટ્રે લેવા હાથ લંબાવ્યા. ‘લાવો મને આપી દો. અમેરિકા જઈને આ બધું કરજો. અહીં અમને તમારી સરભરાનો લાભ લેવા દો.’

વૈદેહી હસતાં-હસતાં બોલી.

‘ના બિલકુલ નહીં. હું અહીં છું ત્યાં સુધી કામ કર્યા વિના નહીં રહી શકું. આદત પડી ગઈ છે. ને ગુજરાતી બોલવું અમારા ઘરમાં ફરજિયાત હતું એટલે આવડે છે.’

ત્યાં સુધીમાં ઘરના બધા સભ્યો તોતિંગ ડાઈનિંગ ટેબલની ખુરશીઓ પર ગોઠવાઈ ચૂક્યા હતા. વૈદેહીનો પતિ શશી ખુરશી પર ગોઠવતાં વૈદેહી તરફ જોઈને બોલ્યો, ‘આ ક્યું બટર છે ? આપણે રોજ લો-કૅલરી બટર ખાઈએ છીએ. ખબર તો છે તને ! આદિત્ય પણ કૅલરી કોન્શિયસ છે. અત્યારે જ મોકલ શ્રવણને લો કૅલરી બટર લેવા-’

વૈદેહીનું મોં તરત લેવાઈ ગયું.

‘હા પણ ગઈ કાલે નીચેની શોપમાં લો કૅલરી ન મળ્યું એટલે-’ એ સંકોચથી – સરખી ડરથી થોથવાતી બોલી.

‘-અરે અમૂલ ઓરિજિનલ બટરની વાત જ ન થાય. મારે કંઈ લો-કૅલરી બટર ખાવું નથી. ભારત આવ્યા પછી કેલરીની ઐસીતૈસી બેસો ભાભી, જરૂર નથી.’

આદિત્ય બ્રેડ પર બટર-નાઈફ વડે ઢગલાબંધ બટર કુશળતાપૂર્વક લગાવતાં બોલ્યો. ઝંખવાયેલી વૈદેહી જોઈ રહી. આદિત્ય બટર લગાવીને ત્વરાથી સૌની ડિશમાં બ્રેડ મૂકી રહ્યો.

વૈદેહીએ હાથમાં ચાનો કપ પકડીને ધીમેથી પીવાનું શરૂ કર્યું. અચાનક એની નજર સામેનું દ્રશ્ય બદલાઈ ગયું. મિડલ ક્લાસ ફ્લૅટનો નાનકડો સાદો ડ્રોઈંગ રૂમ. ટેબલ પર પપ્પાએ બનાવેલી ચા ને આગલી સાંજની ભાખરી.

‘ચલો બધા ચા પીવા મજાની કડક ને મીઠી-’

પપ્પાનો સંગીતમય લહેકો.

અચાનક પૂર્વાનો રડવાના અવાજે વૈદેહીની વિચારમાળા અટકાવી.

‘સોહા, તું બ્રેકફાસ્ટ કરી લે. મારું પતી ગયું છે. હું પૂર્વાનું ડાયપર બદલું છું-’ કહેતો આદિત્ય પૂર્વાને સોહા પાસેથી લઈને બહાર ગયો.

ઘરના સૌ સભ્યોને આદિત્યની સરળતા સ્પર્શી રહી. દીકરીને આવો સર્વગુણ સંપન્ન વર મળવા બદલ માતાપિતા ધન્યતા અનુભવી રહ્યાં. વૈદેહી પણ નવાઈથી જોઈ રહી હતી. પુરુષપ્રધાન એ સંયુક્ત કુટુંબમાં છેલ્લાં અઢાર વર્ષમાં આદિત્ય જેવા પુરુષપાત્રનો સૌપ્રથમ વાર પ્રવેશ થયો હતો. રોજ સવારે બ્રેકફાસ્ટ સમયે વાતાવરણમાં છવાયેલી તંગદિલી આજે જાણે કે ગેરહાજર હતી. હવામાં જાણે કે હળવાશની નવી સુગંધ ઉમેરાઈ હતી.

શશી અને એના પિતા વચ્ચે છેલ્લા લગભગ છ માસથી અબોલા હતા. પિતાપુત્ર ડાઈનિંગ ટેબલ પર એકબીજાની બાજુમાં બેસવાનું પણ પસંદ ન કરતા. સામસામે પણ પરાણે બેસતા. આજે જાણે કે એ ક્રમ પણ તૂટ્યો હતો. બંને બાજુ બાજુમાં બેઠા હતા. વૈદેહીનું હમણાં જ એ તરફ ધ્યાન ગયું હતું. આવું કેમ કરતાં બન્યું હશે ? આદિત્યનું આગમન…?

વર્ષોથી કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા પિતા પુત્રની ધંધાવૃત્તિથી નાખુશ હતા. પુત્રને પોતાના જ વ્યવસાયમાં જોતરવાનું એમનું સ્વપ્ન નિષ્ફળ ગયું હતું. એ જ કારણ હતું જેનાથી છેલ્લાં પંદર વર્ષથી પોતાના ધંધાને સ્વતંત્ર રીતે ટોચે પહોંચાડવામાં સફળ થયેલા શશી પ્રત્યે હજુ પણ પિતાની નારાજગી અકબંધ રહી હતી. પિતા સાથેના અણબનાવથી વ્યથિત શશીનો બધો ગુસ્સો વાત વાતમાં વૈદેહી પર ઊતરતો. ક્યારેક શબ્દો દ્વારા. ક્યારેક અકળામણ થાય તેવા મૌન દ્વારા.

એક બીજું પણ કારણ હતું. વૈદેહી અઢાર વર્ષના લગ્નજીવનમાં શશીને પુત્રસંતાન આપવામાં નિષ્ફળ ગઈ હતી. દેવની દીધેલ કાચની પૂતળી જેવી તેર વર્ષની નિયતિને પિતાનો પ્રેમ તો મળતો. પણ નિયતિના જન્મ પછી વૈદેહી બીજી વાર માતા બનવામાં નિષ્ફળ રહી હતી. વિજ્ઞાન કે ભગવાન બંને આ બાબતે કશું કરી શક્યાં ન હતાં. કેટકેટલી રાતો એણે ધૂંધવાયેલા પતિની પડખું ફરેલી પીઠ જોતાં ઓશીકાં ભીંજવીને પસાર કરી હતી. પતિપત્ની વચ્ચે ક્યારેક દિવસો સુધી ચાલતા અબોલા એક સ્વાભાવિક બાબત બની ગઈ હતી. વૈદેહી દીકરીના ભણતરમાં અને વસ્તારી ઘરની જવાબદારીઓમાં પરોવાયેલી રહેતી અને શશી ધંધામાં ગળાડૂબ. પરિણામે અઢાર વર્ષનું લગ્નજીવન શીતકટિબંધના પ્રદેશમાં પ્રવેશી ચૂક્યું હતું. જેની એક મનોશારીરિક અસરરૂપે વૈદેહી દર ત્રીજા દિવસે શરીરમાં વિચિત્ર ઝીણો તાવ અનુભવતી. એનો તાવ જાદુઈ રીતે ચડતો અને ઊતરતો.

રાત્રે ભોજન બાદ સૌ કુટુંબીજનો વિશાળ ડ્રૉઈંગરૂમમાં દીકરી-જમાઈની આસપાસ ટોળે વળ્યા. ‘આદિત્ય બહુ સરસ ગાય છે. ઈન્ડિયન કોમ્યુનિટીનાં બધાં ફંક્શનમાં એને ગાવાનું નક્કી જ હોય-’ સોહા અચાનક બોલી.

‘હા હા ગાઓ આદિત્યભાઈ’ સૌ એક અવાજે બોલી ઊઠ્યા. ‘ના, ગાવું જ પડશે.-’

‘તમે નહીં કહો તોય હું ગાઈશ. સોહાએ ના કહ્યું હોત તો હું જાતે જ કહેવાનો હતો કે મને ગવડાવો. મને તો ગાવાનું વ્યસન છે.-’

આદિત્યના અવાજમાં ટીખળ અને સરળતા છલકી રહી. ને અત્યંત ભાવવાહી અવાજે એણે ‘ભક્ત સૂરદાસ’ ફિલ્મનું જૂનું ગીત ‘નૈનહીન કો રાહ દિખા પ્રભુ’ રજૂ કર્યું ત્યારે સૌ અવાચક હતા. વિદેશમાં વસતા અને ઊછરેલા ત્રીસ વર્ષના યુવકમાં આટલું ભાવવાહીપણું, એની ગીતની પસંદગી, શબ્દોની આવી રજૂઆત… સરળતા, પ્રતિભા, દેખાવ બધું એક વ્યક્તિમાં એકસાથે કઈ રીતે શક્ય બને ? વૈદેહી ભાવમાં ભીંજાઈ રહી. ઘરના સૌ કોઈ પણ.

‘ભાભી પણ સરસ ગાય છે. ભાભી ગાઓ-’ સોહા.

‘અરે મને તો કોઈએ કહ્યું જ નહીં ! વૈદેહીભાભી ગાઓ-’

આદિત્ય ઉત્સાહથી બોલી ઊઠ્યો.

‘મને તો યાદ પણ નથી. છેલ્લે ક્યારે ગાયું હતું-’ વૈદેહી.

‘સૂર ગળામાંથી એટલો જ નીકળે છે જેટલો ભગવાન સાથેના જોડાણથી. ભૂલી જાઓ કે ઘણા વખતથી ગાયું નથી. બસ એક ક્ષણ તાર જોડાય એટલી રાહ જુઓ અને ગાવાનું શરૂ કરો.’ આદિત્ય.

થોડી ક્ષણો વૈદેહી જોઈ રહી. આ તો ગુરુજીના જ શબ્દો. થોડા સમય પહેલાં એણે શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. પણ જવાબદારીઓના બોજા હેઠળ રિયાજ ઘણી વાર ચૂકી જવાતો. પછી કંટાળીને મૂકી દીધેલું. પછી તો ગાવાની ઈચ્છા પણ મરી પરવારી. પણ કોણ જાણે આજે એને પણ એકદમ ગાવાનું મન થયું. પેલો તાવ જાણે કે અંદરઅંદર દમ તોડી રહ્યો હતો. એણે દેસ રાગમાં ગુરુજીએ શીખવેલ ‘મન તોસો કીતી કહી સમુજાઈ-’ અત્યંત સુરીલા અવાજમાં ગાયું.

સાંભળનારા સૌ મગ્ન હતા. આદિત્ય ગુલતાન થઈને ‘અતિસુંદર’ બોલી ઊઠ્યો. ‘તમારે ગાવાનું ચાલુ રાખવું જ જોઈએ. ભગવાને આપેલી ટેલેન્ટને અવગણવી એ તો પાપ છે. તમારા અવાજ પરથી કોઈ ન કહે કે ઘણા વખતથી ગાયું નથી-’

વૈદેહી મુગ્ધભાવે સાંભળી રહી. ગુરુજી બાદ પહેલી વાર કોઈએ એની પ્રશંસા કરી હતી.

મોડી રાત્રે કુટુંબસભા વીખરાઈ. આદિત્યનું ગાયન અને એના શબ્દો મનમાં દોહરાવતી, મમળાવતી એ પથારીમાં આડી પડી ત્યારે શશી સૂઈ ગયેલો. એ ક્યાંય સુધી જાગતી પડી રહી. આજે ન જાણે ક્યાંથી એક આનંદનું, લાગણીઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. એક મિડલ ક્લાસ કુટુંબમાં એનો જન્મ અને ઉછેર. બાવીસ વર્ષે ધનાઢ્ય સંયુક્ત પરિવારના શશી સાથે લગ્ન. પ્રથમ પાંચ વર્ષનું નિઃસંતાન લગ્નજીવન અને છેલ્લાં તેર વર્ષથી દીકરીને જન્મ આપ્યાના અપરાધભાવથી કચડાતું જીવન. આ બધામાં સંગીત તો ક્યાંય વીસરાઈ ગયેલું. લગ્ન પહેલાં પિતાગૃહે એક સંગીતશિક્ષક ઘરે સંગીત શીખવવા આવતા. પણ હજી તો તેની શરૂઆત થઈ ત્યાં જ લગ્ન… મોડી રાત સુધી કાન માંડીને રેડિયો પર વિવિધ ભારતીનાં ગીતો સાંભળતી ત્યારે પપ્પા પોરસતા. મિરઝા ગાલિબની ગઝલોમાં ગળાડૂબ વૈદેહી ગઝલના અર્થો સમજવા મનોમંથન કરતી ત્યારે પપ્પાએ ઉર્દૂ ડિક્શનરી લાવી આપી. પણ અહીં આ ઘરમાં આવ્યા પછી લાગ્યું કે જાણે કોઈ જુદા ગ્રહ પર આવી ચડી છે. બહોળું કુટુંબ, મહેમાનોની સતત અવરજવર. નોકરચાકર ખરા પણ સંગીત માણવાની ફુરસદ કે શાંતિ ક્યારેય ન મળતી. ને હવે તો મન પણ મરી ગયું હતું. એનો દબાયેલો સંગીતપ્રેમ હવે શરીરમાં ઝીણો તાવ બનીને પ્રસરી રહ્યો હતો.

પણ આજે ન જાણે કેમ આખા શરીરમાં સુખ લોહી બનીને નસોમાં દોડી રહ્યું હતું. રાતના બે વાગ્યા હતા પણ રોજ રાતની કંટાળા અને થાકથી ભરેલી એ સુસ્તતા ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. આવું કેમ કરતા… આજે ઘણા દિવસે ગાયું એટલે…. કે પછી આદિત્યભાઈના શબ્દો… અચાનક સંકોચથી એણે પોતાના મોં પર હાથ ઢાંકી દીધા.

બીજા દિવસે સવારે એ ટેબલ પર ચાના કપ વગેરે તૈયાર કરતાં આનંદથી ગણગણી રહી હતી. શશી ડાઈનિંગ રૂમમાં આવ્યો ત્યારે થોડી ક્ષણો એ પણ ઊભો રહી ગયો. ‘કેમ આજે શું છે સવાર સવારમાં સંગીત-’ સહેજ હસતાં એ બોલ્યો. વૈદેહી ચમકી. ‘કંઈ નહીં અમસ્તું એક જૂનું ગીત યાદ આવી ગયું-’

રાત પડ્યે વળી પાછી કુટુંબ-મહેફિલ જામી.

‘ચાલો ભાભી, આજે પાછું ગાવાનું છેને ?’

ઝભ્ભાલેંઘામાં આદિત્ય નખશિખ સંગીતકાર જેવો દીપી રહ્યો હતો.

‘એને તો ભાવતું’તું ને વૈદે કી’ધું. એને ક્યાં તું ચણાના ઝાડ પર ચડાવે છે ? તું જઈશ પછી અમારે બધાને તકલીફ થઈ જશે-’ શશી.

‘ના, ખરેખર ભાભી અદ્‍ભુત ગાય છે. એમણે ચાલુ રાખવું જ જોઈએ-’ આદિત્ય.

વૈદેહી બંને સામે વારાફરતી જોઈ રહી. થોડી વારે આદિત્ય ડ્રૉઈંગહૉલની વિશાળ બારી પાસે જઈને ઊભો રહ્યો. ઊંધા ઊભેલા આદિત્યના છટાદાર વ્યક્તિત્વને વૈદેહી થોડી ક્ષણો અનિચ્છા છતાં જોઈ રહી.

કુંવારી હતી ત્યારે ઘણી વાર લગ્નભાવિ પતિ એના સ્વભાવ-દેખાવ વિશે વિચારતી. આંખો બંધ કરતી ત્યારે દરિયાકિનારે ઊભેલ ગીતની પંક્તિઓ ગણગણતા એક ઝભ્ભાધારી પુરુષની પીઠ એને ઘણી વાર દેખાતી. એ એનો સ્વપ્નપુરુષ…

‘ચલો ભાભી, મહેફિલ શરૂ થઈ ગઈ-’

સોહાના અવાજે એને ઢંઢોળી. સહુ ગોઠવાયા.

‘ભાભી તમને આ ગીત આવડે છે ?’ આદિત્યએ પોતાની ડાયરીમાંથી કમ્પ્યૂટર પર પ્રિન્ટ કરેલ ખૂબ જૂનું સુમધુર ગીત વૈદેહીને આપ્યું.

‘અરે આ તો મારૂં ફેવરિટ ગીત છે. પહેલાં હું બહુ ગાતી પણ ઘણા વખતથી મેં ગાયું નથી-’

‘પાછું ઘણા વખતથી ? અરે ગાઓ એટલે ગવાશે-’ આદિત્ય બોલ્યો.

વૈદેહીએ ખૂબ ભાવ સાથે ગીતને પૂરો ન્યાય આપ્યો. થોડાં ગીતો, જોક્સ, પૂર્વાનું રુદન. ઘરની સ્ત્રીઓની ગુસપુસ, બગાસાં, ચા-કૉફીના કપ સાથે ફરી એક રાત્રિ-મહેફિલ પૂરી થઈ.
વૈદેહી આદિત્યને એનું અંગ્રેજીમાં ગીત પ્રિન્ટ કરેલ કાગળ આપવા ઊભી થઈ. કંઈક વિચારીને એણે કાગળ વાળીને મુઠ્ઠીમાં પકડી રાખ્યો. રાત્રે સૂવા ગઈ ત્યારે કબાટમાં પડેલી જૂની સંગીતની ડાયરીની વચ્ચે સાચવીને મૂકી દીધો. પછી બાથરૂમના અરીસામાં થોડી વાર પોતાની સામે જોઈને હસી રહી.

બીજા દિવસે સવારે નિયતિ સ્કૂલે જવા તૈયાર થતી હતી. એને દૂધનો ગ્લસ આપતી વખતે થોડી વાર એ વૈદેહી સામે જોઈ રહી.

‘મમ્મી, હમણાંથી તું બહુ ખુશ અને બ્યુટિફુલ લાગે છે. તારાં લગ્નના ફોટામાં લાગતી હતી એવી-’

‘મમ્મી, આદિત્યફુઆ કેટલા સરસ છે, નહીં ? કેવું સરસ ગાય છે, નહીં ? પૂર્વાને નવડાવવાનું-બવડાવવાનું બધું કામ એ જ કરે છે. ને કાલે તો પપ્પાને કહેતા હતા કે મારી દીકરીએ મારા જીવનને સંપૂર્ણ બનાવ્યું છે. હવે બીજા બાળકની ઈચ્છા જ નથી રહી-’

સોહા-આદિત્યના આગમનને એક અઠવાડિયું થઈ ગયું હતું. વૈદેહીનો ઝીણો તાવ જાણે કે ગાયબ જ થઈ ગયો હતો. એની કુંઠિત ચેતના ફરી જાગ્રત થઈ ગઈ હતી. એના વ્યક્તિત્વમાં, એની ચાલમાં એક નવો વિશ્વાસ છલકતો હતો. જેની તેર વર્ષની નિયતિએ પણ નોંધ લીધી હતી. માળિયામાં એક ખોખામાં મૂકી રાખેલ સંગીતની સીડી, કૅસેટો પર વર્ષોથી લાગેલી ધૂળ હવે સાફ થઈ ગઈ હતી. વૈદેહીના મનમાં અને રૂમમાં સંગીતના સૂર ફરી રેલાયા હતા. રોજ સવારે એ બપોરની રાહ જોતી કે જ્યારે એ પોતાના રૂમમાં ભુલાયેલા સંગીત અને ખોવાયેલી યાદોને ફરી સજીવન કરી શકે. બપોર પૂરી થાય એટલે રાત પડવાની રાહ જોતી કે જ્યારે કુટુંબસભા મળે અને આદિત્ય એને ગાવાનું કહે. આદિત્યએ જાણે કે જાદુઈ લાકડી વડે એને સિન્ડ્રેલાની ફેરી ગોડમધરની માફક એક સુસ્ત ગભરાયેલી સ્ત્રીમાંથી એક સુંદર પતિભાશાળી ગાયિકામાં પરિવર્તિત કરી દીધી હતી.

હમણાંથી રોજ રાત્રે સૂતાં પહેલાં એ એક વાર અચૂક પેલી જૂની ડાયરીમાંથી આદિત્યના કમ્પ્યૂટર પ્રિન્ટેડ ગીતના કાગળને જોઈ લેતી. વાંચી લેતી. પછી પાછો મૂકી દેતી. એને અજબ શાંતિ મળતી.

આમ ને આમ આનંદના નશામાં બીજું એક અઠવાડિયું પસાર થઈ ગયું. અને આખરે એ દિવસ આવી પહોંચ્યો જે સવારથી જ ગમગીનીનું મોજું લઈને આવ્યો હતો. સોહા-આદિત્યના ભારતપ્રવાસનો એ છેલ્લો દિવસ હતો. ને વૈદેહીને આગલી રાતથી તાવ જેવું… આજે તો સવારથી જ આંખો બળતી હતી. મૂઓ આ તાવ પાછો… સુદર્શનની બે ગોળી લઈ લીધી. ક્યાંક વધી ન જાય.

બૅગો ભરાઈ. પંદર દિવસ પહેલાં ખાલી કરેલ સામાન બીજા ઉમેરાયેલા સામાન સાથે પાછો ગોઠવાયો. જમતી વખતે વાતો થઈ.

‘આદિત્ય પાછું આવવાનું ક્યારે થશે ?’

‘હવે તો ત્રણેક વર્ષ કદાચ નીકળી પણ જાય. આ વખતે પૂર્વાની તબિયત થોડી બગડી હતી એટલે. હમણાં તરત આવવાનું રિસ્ક નથી લેવું.’ આદિત્ય.

સલાહો અપાઈ. ફરી પાછો પાયલાગણ વિધિ.

વિદેશ પછી ફરી રહેલી કન્યાની માતાની આંખો છલકાઈ. પિતાને ગળે ડૂમો ભરાયો. નાનકડી પૂર્વાને છેલ્લી વાર સૌએ વહાલથી નવડાવી.

વિદાયનાં આંસુના વરસાદમાં વૈદેહીનાં આંસુ પણ ભળીને વહી ગયાં. વૈદેહીના અસ્વાભાવિક રીતે વહેતાં અવિરત આંસુ સામે પણ કોઈને પ્રશ્ન ન થયો. ઍરપોર્ટથી પાછા આવ્યા બાદ મોડી રાત્રે છેલ્લા ચોવીસ કલાકથી આંસુ વહાવીને થાકેલી એની આંખોએ ઊંઘવાની ના પાડી. પણ આજના ઉજાગરામાં છેલ્લા પંદર દિવસની રાતોનો આનંદનો નશો ગેરહાજર હતો.

બીજો દિવસ પણ ઊગ્યો. સવાર પણ પડી. રાબેતા મુજબ સૌ ઊઠ્યા. ચા-પાણી, ભોજન, વ્યવસાય, નોકરી યંત્રવત્‍ કામકાજમાં લાગેલી વૈદેહીની રડીને લાલઘૂમ આંખોમાં કોઈને કશું અજુગતું ન લાગ્યું.

પણ એક વાત માત્ર નિયતિ જાણતી હતી કે એને સ્કૂલે મોકલવા રોજ સવારે વહેલી ઊઠતી વૈદેહી આજે હંમેશાં કરતાં વધારે વહેલી ઊઠી હતી. ભગવાનના મંદિરમાં દીવો કરીને પોતાના કબાટમાંથી કોઈ ડાયરીમાં પડેલ કોઈ કાગળ લઈને એણે આંખમાં આંસુ સાથે દીવા વડે એ આખો કાગળ બાળ્યો હતો. અને એની રાખ પોતાના બંને હાથ ને મોં પર લગાવીને હાથ-મોં ધોઈ નાખ્યાં હતાં.

– પૂજા તત્સત્

[કુલ પાન ૧૩૬. કિંમત રૂ.૧૨૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કદરદાન – ઊજમશી પરમાર
અધ્યાત્મમાર્ગના સહજયાત્રી શ્રી ભાણદેવજી… – ભદ્રાયુ વછરાજાની Next »   

12 પ્રતિભાવો : તાવ – પૂજા તત્સત્

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  પૂજાબેન,
  ખૂબ જ હ્રદયસ્પર્શી અને સંવેદનાસભર વાર્તા આપી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. sejal shah says:

  Its fantastic story.i like very much

 3. sandip says:

  અદભુત્…………….

  આભાર્……………….

 4. pragnya kamal bhatt. says:

  પૂજા બેન,
  અભિનંદન .જાણે કોઈ વાસ્તવિકતા જ ,હકીકત જ વાર્તા ના સ્વરૂપે આકારાઈને આવી હોય એવી હર્દયસ્પર્શી અને નાજુક ગુથણી વાળી તમારી વાર્તા ખૂબ ગમી.સમાજ માટે પ્રેરણા દાઈ છે.આદિત્ય જેવાં નિર્દંભ અને નિર્ભેળ પાત્રો સમાજને માટે અતિ આવશ્યક છે.સમાજ માં અત્રતત્ર વૈદેહીઓ
  માનસિક ભારણ નો શિકાર થઇ ઉદાસ બેઠેલી છેત્યારે જરૂર છે એની શક્તિઓ ને સમજીને સધિયારો આપીને ઉજાગર કરવાની.તમે વાર્તા માં એ બાબત
  સુપેરે સમજાવી છે..

 5. Arvind Patel says:

  અંગ્રેજી માં એવું કહેવાય છે : Do what you Love & Love what you do. જો કે આવું સારું નસીબ બધું નું નથી હોતું. હમેશા ગમતું જ કરવાનું હોય. તો કેવી મઝા પડી જાય. જયારે પોસિટીવ વાતાવરણ ઘરમાં હોય ત્યારે ઘરમાં રહેતા બધાયનો ઉત્સાહ અનેરો હોય છે. તેવી જ રીતે, જયારે ઘરનું વાતાવરણ જ જાણે કે ના કહેવાય અને ના સહેવાય જેવું હોય ત્યારે આવી વૈદેહી બેન ના તાવ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. સામાજિક જીવન માં પ્રશ્નો તો હમેશા રહેવાના જ. પરંતુ તે પ્રશ્નો ને સમાજ પૂર્વક ઉકેલી નાખવા. પ્રશ્નો ના ભાર માં જ જો જીવન જીવવાનું હોય હમેંશા તો તેવી પરિસ્થિતિ ખુબ જ ખરાબ પરિણામો લાવે છે.
  ઈશ્વરે આપેલી આ જિંદગી પ્રસાદ જેવી છે. તેને વેડફી નહિ નાખવી. ઘરના વાતાવરણ માં સરળતા, સહજતા, એક બીજા પ્રત્યે પ્રેમ નું વાતાવરણ , આપના ઘર ને સ્વર્ગ બનાવશે.

 6. Mahesh Patel says:

  It was very nice story but ending disapointed me a lot. Since readers always want themselves to join with a story so perhaps positive ending may create some hopes in reader’s mind and soul.

  rest of the things are properly written and decorated with words. . . .

 7. Vaishali Maheshwari says:

  Beautiful story Ms. Pooja Tatsat. Filled with so many feelings and emotions. Enjoyed reading every bit of it.

  A little motivation and positive words can make a huge difference in the lives of the people around us. We need more people like Aaditya in the society who are pure souls, believe in equality of men and women and spread positive vibes around themselves.

  I, as a reader, could stay connected with the story until the end. Thank you for describing it so wonderfully. Would love to read more from you. Thank you!

 8. Jatin says:

  Wow very find story..(Y)

 9. pjpandya says:

  બહુ સરસ માનસિક શાન્તિ આપે તેવિ વાર્તા ચ્હે દરેકે એકબિજાને અનુકુલ થાય તેવુ વરતન રાખિએ તો જ ઘર ઘર બને પુજાબેને ખુબ ખુબ અભિનન્દન

 10. Ravi says:

  અદભુત્…………….

  મને લાગે છે, લાગે છે નહિ પણ વિશ્વાસ છે કે આ વાર્તા સત્યઘટના આધારિત છે.

  કેમ સાચું કહ્યુંને ?

 11. Kirtika Macwan says:

  અદ્ભુત વાર્તા. દિલને સ્પર્શી ગઈ. જાણે કોઈ હકીકત જોઈ લો. ઉત્તમ વાર્તા.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.