અધ્યાત્મમાર્ગના સહજયાત્રી શ્રી ભાણદેવજી… – ભદ્રાયુ વછરાજાની

(‘મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

100 manavratnoદસ વર્ષની ઉંમરે એક છોકરો ઝાડ નીચે ખાટલામાં બેસી પુસ્તક વાંચતો હતો. ધ્રુવનો પાઠ હતો. તેમાં લખેલું કે ધ્રુવજી તો પાંચ વર્ષે ઘર છોડી નીકળી પડ્યા સંન્યાસ માર્ગે ! છોકરાને થયું કે : ‘મને તો દસ વર્ષ થઈ ગયાં અને હજી હું બેઠો છું ?’ જે પાઠ વાંચતો હતો તે જ રાખી છોકરાએ ચોપડી મૂકી ઊંધી ને ચાલવા મંડ્યો ઉત્તરમાં. ખબર એટલી હતી કે ઉત્તરમાં હિમાલય છે ! થાકી થાકીને જે જગ્યાએ ઊંઘ આવી ત્યાં લંબાવ્યું. પાસેના ગામનું શિવમંદિર હતું. છોકરાના પિતાજી ચતુર શિરોમણિ. એમણે જોયું કે ક્યો પાઠ વાંચતાં વાંચતાં આ પગલું ભર્યું છે !? શોધખોળ ચલાવી, દીકરો મળી ગયો, સમજાવીને ઘરે પાછો લાવ્યા. પિતાજીએ કહ્યું : ‘બેટા, સંન્યાસી થવું હોય તો થજે. મારે પણ થવું’તું પણ ન થઈ શક્યો. તું સંન્યાસી થઈશ તો મને આનંદ થશે. પણ બેટા, અભણ સાધુ ન થવાય.’ પિતાજીના આ શબ્દોને માન આપીને એમણે એમ.એ. વીથ ફિલૉસૉફી સુધી અભ્યાસ કર્યો ! દસ વર્ષે ધ્રુવજીના માર્ગે ભાગનાર ‘ભાણજી’ તે આજના અધ્યાત્મમાર્ગના અવિરત યાત્રી સંન્યાસી ‘શ્રી ભાણદેવજી.’

મોરબીથી ઉત્તરદિશામાં આવેલું નાનું ખોબા જેવડું ગામ ખાખરાળા એમનું વતન. ૧૯૪૩ના જાન્યુઆરીમાં જન્મ. પિતા ભૂરાભાઈ અને માતા હરખીબહેન ખેડૂત, ઓછું પણ મૃદુ બોલનારાં, પ્રેમાળ, ભક્તિથી ભરપૂર. પિતાજી તો એકતારાની સંગાથે લાંબી હલકથી ગંગાસતીનાં ભજનો ગાતા એટલે ‘ભગત’ કહેવાતા. ભાણજીને રોજ સવારમાં ભજન ગાઈને ઉઠાડતા. બાપુ ગામ બહાર હોય તો ભજન સંભળાવી ભાણજીને ઉઠાડવાનો વારો માનો. ગામમાં મોટું તળાવ. ઘર ‘પાણીવાળી શેરી’માં એટલે કે તળાવની બાજુમાં. શ્રી ભાણદેવજી કહે છે : ‘જ્યારથી યાદ છે ત્યારથી અમે તર્યા છીએ, તળાવમાં ધુબાકા માર્યા છે. ચાર ધોરણ તો ગામમાં જ. ઉચ્ચકોટિના શિક્ષક સવજીભાઈ પ્રેરક અને માર્ગદર્શક. એ મારા પૂજ્ય અને હું એમનો લાડકો. ચોથા ધોરણમાં હતો ત્યારે મને શીતળાનું દર્દ થયું. પરીક્ષાના દિવસો. હું ગભરાઉં કે હવે શું થશે ? સવજીભાઈ પટેલ મારી પથારી પાસે બેઠા રહે. માથા પર હાથ મૂકીને કહે : ‘બેટા, ચિંતા નહીં કર. તારું વરસ નહીં બગડે. તું સાજો થઈશ પછી તારી પરીક્ષા લેશું.’ સવજીભાઈ ચાર ધોરણની શાળાના એક માત્ર શિક્ષક. એ બહાર જાય ત્યારે શાળા ભાણજીને સોંપીને જાય. ભાણજી ડિક્ટેશન આપે, દાખલા ગણાવે, શાળા વ્યવસ્થિત ચલાવે ! ભાણજી રોજ સવારે તાજું દોયેલું દૂધ લઈને સવજીભાઈના ઘરે નિયમિત પહોંચાડે. સવજીભાઈના પ્રેમભર્યા વ્યવહારથી ભાણજીમાં મનુષ્યત્વ અને શિક્ષકત્વનું બીજ રોપાયું. ભણતરમાં ભાણજીને રસ બહુ, વાચનનો ય શોખ. એ સમયે નાનાભાઈ ભટ્ટનાં નાનાં નાનાં પુસ્તકો બહાર પડેલાં, રામાયણ અને મહાભારતનાં પાત્રો વિષે. ભાણજીએ જીવનનું સૌથી પહેલું પુસ્તક વાંચ્યું તે આમાંનું ‘હનુમાનજી !’

ચોથા ધોરણ પછી ખાખરાળામાં ભણવાની સગવડ નહીં એટલે મોરબીમાં ધોરણ પાંચથી અગિયાર ભણ્યા. ત્રણ વર્ષ દીપચંદ મોદી સ્કૂલ અને પછી વી.સી. હાઈસ્કૂલ ખાખરાળાથી મોરબી બાર કિ.મી. ટ્રેનમાં આવવું ને જવું. શનિવારે તો પગે ચાલીને ! પ્રિય વિષય ગણિત, અત્યારે અજન્તા ઘડિયાળના માલિક અને મોટા ઉદ્યોગપતિ છે તે ઓ. આર. પટેલ ગણિત ભણાવતા. પાઘડી બાંધેલા બનારસથી ભણીને આવેલા શાસ્ત્રીસાહેબ સંસ્કૃત શીખવે. એમને તો પૂછીએ કે : “સાહેબ, પુસ્તકમાં તો આ રૂપ ‘આમ’ લખ્યું છે ને આપ તો ‘આમ’ કહો છો ?” તો તરત જ વિશ્વાસથી કહે : ‘જો એમ હોય તો પુસ્તક ખોટું !’ કૉલેજવાળાને ભણાવી શકે એવા વિદ્વાન શિક્ષકો, ભાણજીને ગણિત ગમતું. ઈજનેર થઈ શકાયું હોત. ડોક્ટર પણ થઈ શકાત. પણ એને તો તત્વજ્ઞાન ભણવું હતું, મનોવિજ્ઞાન શીખવું હતું, સંસ્કૃતમાં પારંગત થવું હતું, એટલે આર્ટ્સ તરફ વળવાનું થયું. જો કે, રજામાં ઘરે આવીને ભાણજી સાતી ચલાવે, ખેતીકામ કરે, વાંસળી વગાડતાં વગાડતાં ગાયો ચરાવે, બળદ પાવા લઈ જાય. વચ્ચે છઠ્ઠા ધોરણ પછી એક વર્ષ ભણવાનું છૂટી ગયેલું. ઘરનાં સૌને થયું કે હવે બસ, ઘણું ભણ્યા, ખેતી ને ગાયો સાચવો ! ભાણજી ભાઈબંધો પાસે ચોપડીઓ મંગાવે ને શેઢે બેસી વાંચ્યા કરે. ખેતરની બાજુમાં સ્કૂલ. તેમાં ઘંટ પડે, પ્રાર્થના થાય તો ભાણજીનું મન ત્યાં દોડે. પ્રેમાળ શિક્ષક સવજીભાઈ મદદે આવ્યા ને ભાણજીનો અભ્યાસ આગળ ચાલ્યો.

પિતાજીના ગુરુ બટુક મહારાજ. એમનો ઉતારો વારંવાર ઘરે રહેતો. તેમની સેવાચાકરી ભાણજી હસ્તક. અગિયાર વર્ષે બટુક મહારાજે મંત્રદીક્ષા આપેલ. બટુક મહારાજ સરસ રસોઈ બનાવી ભાણજીને જમાડતા. ઘરમાં ત્રણ ગ્રંથો : ‘રામચરિતમાનસ’, ‘શ્રીમદ્‍ ભાગવત’ અને ‘પારસમણિ ભજનસંગ્રહ.’ આ ત્રણને તો પચાવેલાં જ પણ બાજુનાં ગામ બગથળાની શાળા લાઈબ્રેરી પણ ભાણજીએ વાંચી કાઢેલ ! દસમાં ધોરણમાં સમાજશાસ્ત્રનું પેપર એવું લખાયેલું કે ભાણજીના શિક્ષક ઉત્તરવહી લઈને આચાર્ય અજિતરામ પ્રિ. ઓઝા પાસે ગયેલા અને કહેલું કે, હું પણ આવું લખી ન શકું તેવું આ પેપર છે. બોલો હું કેટલા માર્ક આપું ? શ્રી ભાણદેવજી ભાવવંદન કરતાં કહે, ‘શ્રી અ. પ્રિ. ઓઝાસાહેબ સંત જેવા આચાર્ય ! આટ્‍ર્સ ભણવા ગંગાજળા વિદ્યાપીઠ અલીઆબાડા જવાનું થયું. કારણ શું ? જાણવા જેવું છે. છાપામાં તેની જાહેરાત આવેલી. તેમાં લખેલું : ‘આ સંસ્થામાં વિદ્યાર્થી પર પૂર્ણ વિશ્વાસ મૂકીને કોઈપણ પ્રકારની ડિપૉઝિટ લેવામાં આવતી નથી.’ બસ આ વાક્ય દિલમાં વસી ગયું ને બે વર્ષ અલીઆબાડા ખાતે વિતાવ્યાં. ‘કુમારસંભવમ્‍’ ડોલરરાય માંકડ પાસે ને ‘સ્વપ્નવાસવદત્તા’ યાજ્ઞિકસાહેબ પાસે ભણ્યા. ડોકાકા ભાણદેવજીના હૃદયમાં સ્થાન જમાવી ગયા. તેમની પ્રાર્થના-છાત્રાલય-પુસ્તકાલય ઉત્તમોત્તમ. અહીં મનોવિજ્ઞાન નહોતું ભણાવતું એટલે પછીનાં બે વર્ષ અમદાવાદ એલ. ડી. આટ્‍ર્સમાં પ્રિન્સિપાલ માવલંકરજીની નિશ્રામાં. ત્યારે જાણે પૈસા ખર્ચાતા જ નહીં. ફી + ગાડીભાડું + ચોપડા + ભોજન બધું મળીને પહેલા વર્ષનો ખર્ચ ૪૯૫ રૂપિયા ને દસ પૈસા થયેલો ! રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આટ્‍ર્સ કૉલેજમાંથી એમ.એ. ફિલૉસૉફી કર્યું યુ.ડી.ભટ્ટસાહેબ પાસે. એ બન્ને વર્ષ નજીકના ગામ સરપદડમાં ભાણદેવજી શિક્ષક થયા. પોતે રાતોડિયા અને વાતોડિયા છે એવું કબૂલનાર શ્રી ભાણદેવજી રાત્રે એકથી છ વાંચે, પછી સ્નાન કરી સ્કૂલે જાય અને ત્યાંથી કૉલેજે !

એમ.એ. થયા પછી ભાણદેવજીએ કાકાસાહેબ કાલેલકરને પત્ર લખી પૂછ્યું : ‘ગાંધી ચીંધ્યા રાહે અને ગીતાએ કહ્યા માર્ગે જીવન જીવવું છે તો ક્યાં જઉં ?’ જવાબ આપ્યો : ‘લોકભારતી જાવ.’ મનુભાઈ પંચોળીને પત્ર લખ્યો. તરત જવાબ આવ્યો : ‘ભગવાનની ઈચ્છા લાગે છે કે તમે અહીં આવો.’ મનુદાદાના ઘરમાં જ અનૌપચારિક ઈન્ટરવ્યૂ થયો. દાદાએ પ્રશ્ન એકમાત્ર પૂછ્યો : ‘શિક્ષકનું કર્મ શું ?’ ભાણદેવજીએ ટૂંકો જવાબ આપ્યો : ‘ચકલીમાંથી બાજ બનાવવાનું.’ દાદા તો રાજી થઈ ગયા. તેમનાં ધર્મપત્નીને રસોડામાંથી બૂમ પાડી બોલાવ્યા અને કહ્યું સાંભળો, આમનો સરસ જવાબ. ભાણદેવજી પાસે ફરી બોલાવ્યું ને નિયામક કુમુદભાઈને આંગળી પકડાવી દીધી. શિક્ષણશાસ્ત્ર અને માનસશાસ્ત્ર, જગતનાં ધર્મો અને સંસ્કૃત ભણાવ્યા. ગૃહપતિ થયા. કુલ સાડા છ વર્ષ લોકભારતીમાં અધ્યાપક રહ્યા. વચ્ચે બે વર્ષ કૈવલ્યધામ યોગાશ્રમ, લોનાવાલા ખાતે યોગાભ્યાસ માટે ગયા. લોનાવાલાની આ શાસ્ત્રીય યોગ સંસ્થાના આચાર્ય શ્રી દિગંબરજીનો ભાણદેવજીના જીવન પર ગહેરો પ્રભાવ છે. યોગવિદ્યા, યજ્ઞવિદ્યા અને મૌન ગાંઠે બાંધી, લોકભારતી ભાણદેવજી પરત આવ્યા. શ્રી ભાણ્દેવજી ૠણભાવે કહે છે : ‘લોકભારતીને આપ્યું તેના કરતાં પામ્યો ઘણું. ગ્રામસહવાસ, ગૌશાળા, ખેતી, તારાદર્શન, તરવાનું, પ્રવાસ, જીવનશિક્ષણ કેટલું ગણાવું ? ગૃહપતિ હો છો ત્યારે તમે પણ વિકસો છો. Your work is your mirror. અહીં મેં એક પુસ્તક વાંચ્યું. સાંઈ મકરંદ લિખિત ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ એકીબેઠકે પૂરું થયું પુસ્તક અને એ જ બેઠકે અધ્યાત્મમાર્ગની યાત્રા શરૂ થઈ. લોકભારતી છૂટ્યું, સંસાર છૂટ્યો ને જીવ હાલ્યો ગોંડલ, યોગીશ્રી નાથાભાઈ જોશીના શરણમાં. પહેલી વખત મળ્યા ત્યારે ગુરુમહારાજે ઈજન આપ્યું હતું : ‘આવતા રહેજો.’ એક વખત ગાઢ સ્વપ્નમાં આદેશ આપ્યો : ‘આવી જા.’ ૧૯૮૨થી વીસ વર્ષ શ્રી ભાણદેવજી ભગવત્‍ સાધન સંઘ, ગોંડલના ગુરુમહારાજના અંતેવાસી તરીકે રહ્યા. આ સમયની અનુભૂતિ વિષે તેઓશ્રી મૌન સેવવાનું પસંદ કરે છે. કહે છે : ‘અનુભૂતિની અનભિવ્યક્તિ અધ્યાત્મપથની શિસ્ત છે.

પચાસ વર્ષ સુધી કંઈ લખ્યું નહીં, પોસ્ટકાર્ડ પણ નહીં. ગુરુમહારાજે કહ્યું : ‘મા વચને લખ.’ છેલ્લાં વીસ વર્ષોમાં એંશી પુસ્તકો લખાયાં ! ગુરુદેવ ભગવાનને ‘મા’ કહેતા, તે ‘મા વચને’ લખાયું બધું ! અઢી વર્ષનું મૌન હતું તે દરમ્યાન માતુશ્રીએ દેહ છોડ્યો. માતાની ઈચ્છા હતી કે મારી પાછળ ભાણજી તું ભાગવત કથા કરજે. પહેલી કથા કરી. પિતાશ્રીની પાછળ બીજી. ‘હું કથા કરું છું ત્યારે તેમાં રહેલું અધ્યાત્મ ખોલું છું. ભાગવત્‍ એ કથા નથી, સાંગોપાંગ અને સાદ્યંત વિદ્યાનો અધ્યાત્મ ગ્રંથ છે. આચાર્ય દિગંબરજીએ શીખવ્યું કે હિમાલય તો અધ્યાત્મભૂમિ છે. હિમાલયને હર પળ વાંચ્યો છે. એકાંતમાં એકલા હિમાલયને મળવા માટે મને ઊંઘ નથી આવતી. હિમાલયમાં રાત્રે તમે સૂઈ જાઓ તો હિમાલયને તમે ગુમાવો છો. આ ભવમાં હિમાલય ગુમાવવો મને પાલવે નહીં.’ મોરબી પાસેની જોધપર નદીના કાંઠે સરસ્વતી નિકેતન આશ્રમમાં સફેદ વસ્ત્રધારી યોગી અને યાજ્ઞિક શ્રી ભાણદેવજી પીપળાના ઝાડને બે નવાં પાન ફૂટે તો સૌને ભેગા કરે છે, કારણ કે એમને મન આખું અસ્તિત્વ આપણું ગુરુ છે.’

[કુલ પાન ૪૦૬. કિંમત રૂ.૩૨૫/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “અધ્યાત્મમાર્ગના સહજયાત્રી શ્રી ભાણદેવજી… – ભદ્રાયુ વછરાજાની”

Copy Protected by Chetan's WP-Copyprotect.