વજ્રાદ્ અપિ કઠોરાણિ… – ગિરિમા ઘારેખાન

(‘નવચેતન’ સામયિકના ઑગસ્ટ-૨૦૧૫ના અંકમાંથી સાભાર)

[વજ્રાદ્‍ અપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાદ્‍ અપિ ।
લોકોત્તરાણાં યેતાંસિ, કોહિ વિજ્ઞાતુમ્‍ અહીંતે ॥
– ‘ઉત્તરરામચરિત’, ભવભૂતિ]

બૅંકની ઘડિયાળમાં હજી દસ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી અને મિસ્ટર મહેતા એમની કૅબિનમાં પ્રવેશ્યા, કોટ કાઢીને બાજુમાં લટકાવેલા હેંગર ઉપર ભરાવીને મૂક્યો અને પોતાની ખુરશીમાં ગોઠવાયા. રોજની જેમ એ હવે કમ્પ્યૂટર ચાલુ કરવા જતા હતા ત્યાં જ કૅબિનનું બારણું એક ઝાટકા સાથે ખૂલવાનો અવાજ આવ્યો અને બેંકની હેડકૅશિયર આરતી હાંફળી-ફાંફળી અંદર દાખલ થઈ, પાછળ એકાઉન્ટન્ટ કુમાર ઐયર પણ હતા. બન્નેના ચહેરા ઉપરથી લોહી ઊડી ગયું હતું.

મિ. મહેતા કંઈ પૂછે એ પહેલાં આરતીએ જ બૉમ્બ ફોડ્યો, ‘સર, કૅશમાં એક હજારનું સો નોટોનું બંડલ ઓછું છે.’ આટલું બોલવામાં પણ એને શ્વાસ ચડ્યો હતો.

‘શું ?’ ઈલેક્ટ્રિક ખુરશીમાં બેઠા હોય અને અચાનક કરંટ લાગ્યો હોય એમ મિ. મહેતા ઊભા થઈ ગયા.

‘હા સર, કૅશમાં લાખ રૂપિયા ઓછા છે’, એકાઉન્ટન્ટ કુમારનો ધીમો, ગભરાયેલો અવાજ આવ્યો.

મિ. મહેતા બંને સામે ફાટી આંખે જોઈ રહ્યા. પણ વળતી જ પળે એમનો ચહેરો યથાવત્‍ થઈ ગયો. કદાચ વર્ષોના વહીવટની અનુભવમૂડી કામ લાગી. એમણે આંખોથી જ કુમાર અને આરતીને સામે પડેલી ખુરશીમાં બેસવા કહ્યું. બંને બેઠાં પણ આરતીના ચહેરા પરનો કંપ-ધ્રુજારી જાણે અટકવાનું નામ નહોતાં લેતાં. મિ. મહેતાએ ત્યાં પડેલી પાણીની બોટલમાંથી બંનેને પાણી આપ્યું, સ્વસ્થ થવાનો સમય આપ્યો અને પછી પૂછ્યું, ‘કૅન વી સ્ટાર્ટ નાઉ?’ કુમાર અને આરતીએ એકબીજાની સામે જોયું અને ધીમેથી ડોકી નમાવી.
‘તો કહો, એક્‍ઝેટલી શું થયું છે?’

પણ આરતી અને કુમારના મૌનની દાબડી ન ઊઘડી. મિ. મહેતા જાણતા હતા કે અમુક સંજોગોમાં માણસોના મોંમાંથી શબ્દો આગળ ઘોડા શબ્દોની સાંકળ બાંધીને ખેંચવા પડે. એટલે એમણે જ શરૂ કર્યું, ‘શનિવારે હું તો ખાસ્સો સમય હેડઓફિસથી આવેલા શર્માસાહેબ સાથે જ રોકાયેલો હતો. મારા ખ્યાલથી એ દિવસે પણ રોજની જેમ તમે બંને જણ કૅશ બરાબર ગણીને, સેફની પોતાની પાસેની ચાવી સાથે પ્યૂન રફીકને લઈને સ્ટ્રૉંગરૂમમાં ગયાં હશો, સેફ ખોલી હશે અને રફીક પાસે કૅશ બરાબર અંદર મુકાવી દીધી હશે, બરાબર ? એ દિવસે જો કૅશ ઓછી હોય તો તમે ત્યારે જ જણાવ્યું હોય કારણ કે રોજેરોજના પૈસા ન મળી જાય ત્યાં સુધી બૅંક બંધ જ ન થઈ શકે.’

કુમાર અને આરતીએ ફરીથી એકબીજાની સામે જોયું. એ લોકોના હાવભાવ જોઈને મિ. મહેતાને ક્યાંક કંઈક ગરબડ હોવાની શંકા જાગી. પણ એ બન્નેય જણાં ઘણાં વર્ષોથી બૅંકમાં કામ કરતાં હતાં, ક્યારેય એક પૈસો પણ આઘોપાછો થયો ન હતો, એટલે એમની ઉપર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ ન હતું. પણ તો પછી એ લોકોની જીભ કેમ કૅશની જેમ સ્ટ્રૉંગરૂમમાં પુરાઈ ગઈ હતી ? એમણે પોતાનો પ્રશ્ન જરા જુદી રીતે દોહરાવ્યો, ‘બૅંક રવિ અને સોમ બંધ રહી ત્યારે તમારી ચાવીઓ તો તમારી પાસે જ હતી ને ?’
‘યસ સર’, આ વખતે જુગલબંદીમાં એક ખટાકો બોલ્યો;

‘ઓકે, પછી આજે તમે તમારી પાસેની પોતપોતાની ચાવી લઈને સ્ટ્રૉંગરૂમમાં ગયા, સેફ ખોલી, શનિવારે મૂકેલી કૅશ બહાર કાઢી, ત્યારે તમને ખબર પડી કે એમાં એક લાખ રૂપિયા ઓછા છે?’

‘યસ સર’, એ જ શ્વાસ રૂંધાઈને આવતો હોય એવો અવાજ તાળું ખૂલવાને બદલે ચાવી ત્યાં ને ત્યાં જ ફરી રહી હતા. મિ. મહેતાને થયું – શું કહેવું આ બન્નેને ? આટલો મોટો ગોટાળો થયો હતો, બ્રાન્ચની અને સાથે મિ. મહેતાની આબરૂ દાવ ઉપર લાગી હતી અને આ બે જણ એમની સામે માત્ર બે શબ્દો ‘યસ સર’ની પૂંછડી પકડીને બેસી રહ્યાં હતાં ! અકળામણથી ખૂટી જતી ધીરજને પરાણે સમેટી એમણે આરતી અને કુમારની આંખોમાં આંખ પરોવી અને બોલ્યા, ‘જુઓ, તમને બન્નેને હું ઘણાં વર્ષોથી ઓળખું છું, એટલે તમે લોકોએ કંઈ ગફલત કરી હોય એવું હું માનતો નથી. બૅંકમાં આટલાં વર્ષો કામ કર્યા પછી તમને એટલી સમજણ તો છે જ કે એક પૈસાની ગરબડ કર્યા પછી કોઈ છટકી શકે નહીં.’

બોલતાં બોલતાં અટકી જઈને મિ. મહેતાએ એમની ટેવ મુજબ પોતાના લમણા ઉપર તર્જનીથી ટકોરા માર્યા અને અવાજમાં કડકાઈ ઉમેરીને કહ્યું, ‘હું માનું છું કે આટલી સ્પષ્ટતા પછી હવે તમે ‘યસ સર’, ‘નો સર’માંથી બહાર આવીને ‘આ કેમ થયું છે’ એ અંગે કંઈક કહેશો. તમને ખબર જ છે કે આ બહુ મોટી વાત છે. મારે તરત હેડઑફિસમાં જણાવવું પડશે. ત્યાંથી આ વાત સેન્ટ્રલ ઑફિસમાં જશે. ઈન્ક્‍વાયરી થશે. બ્રાન્ચ અને સાથે સ્ટાફ, ખાસ કરીને તમે બન્ને બદનામ થઈ જશો. તપાસ દરમિયાન ઊલટતપાસ વખતે જણાવવું પડશે. એના કરતાં અત્યારે મને જ જણાવી દો કે શું થયું છે ? જો બ્રાન્ચમાં જ પતતું હશે તો હું રસ્તો કાઢવા જરૂર પ્રયત્ન કરીશ. હું એ પણ જાણું છું કે તમને આ નોકરીની કેટલી જરૂર છે.’

આરતીએ કંઈ કહેવા માટે હોઠ ખોલ્યા પણ મિ. મહેતાની કડકાઈથી ડરીને બહાર ન આવવા માગતા શબ્દો પાછા હોઠના તાળામાં પુરાઈ ગયા.

હવે મિ.મહેતાએ છેલ્લો ચાબુક વીંઝ્‍યો, ‘કુમાર, આવતા મહિને તમારી દીકરીનાં લગન છે, નહીં ? પૈસાની તાત્કાલિક જરૂર હતી તો મને કહેવું હતું ને ! આરતી, તમારે દીકરાના એન્જિનિયરિંગમાં ઍડમિશન માટે ડોનેશન આપવાનું છે ?’

એમનું આ તીર નિશાન ઉપર લાગ્યું. એમને ખાતરી હતી કે કુમાર અને આરતી જેવા પ્રમાણિક કર્મચારીઓ આવો આક્ષેપ સહન ન જ કરી શકે. કુમારનો હાથ એકદમ ધ્રૂજવા લાગ્યો. કપાળમાં તાણેલી ભસ્મની આડી રેખા ઉપર-નીચે થવા માંડી. મિ. મહેતાને થયું કે મારે આ બ્લડપ્રેશરના દર્દીને આવું નહોતું કહેવું જોઈતું. પણ એમના મૌનની અભેદ્ય દીવાલને તોડવા આવા એક બ્લાસ્ટની જરૂર હતી. આંસુના ઘોડાપુર સાથે આરતીની વાણીને બાંધી રહેલાં બંધન તૂટી ગયાં હશે, એટલે એણે જ બોલવાનું ચાલુ કર્યું, ‘સર, તમે જાણો છો એમ શનિવારે મારો આસિસ્ટન્ટ કૅશિયર રજા ઉપર હતો. કામ એટલું હતું કે આખો દિવસ માથું ઊંચું કરવાનો ટાઈમ જ ન હતો. કૅશ મેળવ્યા પછી પણ પાછળનું બધું જ કામ મારે જ કરવાનું હતું. એટલે એ દિવસે કૅશ મેળવ્યા પછી મેં કૅશ મૂકવા મારી ચાવી અને કૅશ રફીકને જ આપી દીધાં. મને હતું કે કુમાર સર સાથે જઈને એ કૅશ મૂકી આવશે. આઈ એમ સૉરી સર. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ.’
આરતીનાં આંસુ દુપટ્ટાને ભીંજવવા માંડ્યાં.

મિ. મહેતાએ આંખથી જ ઊલટતપાસ કરતા હોય એમ હવે કુમાર સામે જોયું.

‘સર, સર, મને ખ્યાલ ન હતો કે આરતીબેન રફીક સાથે નથી જવાનાં. એમણે મને જણાવ્યું પણ ન હતું. એટલે કામના ઘણા ભારણને લીધે મારાથી પણ એ જ ભૂલ થઈ ગઈ. પણ સર, અમારા બેમાંથી એક જ જણ જાય એવું તો કોઈ કોઈ વાર બનતું હોય છે. અમે એકબીજાને સાચવી લઈએ અને ચાવી પાછી સોંપી દઈએ. પણ એ દિવસે તો અમે બંનેએ ભૂલથી રફીકના જ ભરોસે બધું સોંપી દીધું અને રફીક… સર, અઠવાડિયા પહેલાં એણે મારી પાસે ઈદ માટે એડવાન્સ પૈસા માગ્યા હતા, પણ મેં ના પાડી હતી. શનિવાર પછી એ કૅશ મૂકીને સીધો ઘેર જવા નીકળી ગયો હતો. આ લોકો ના સુધરે, સર, મને તો લાગે છે કે એણે જ…’

મિ. મહેતાએ તરત હાથ ઊંચો કરીને કુમારને આગળ બોલતાં અટકાવ્યો. એમને ખબર હતી કે એને આમેય રફીક સાથે ઓછું ફાવતું હતું. એટલે જ એમણે તરત પોતાનો પક્ષ રજૂ કર્યો, ‘ના કુમાર, આટલાં વર્ષોમાં રફીક બૅંકમાંથી એક ટાંકણી પણ ઘેર નથી લઈ ગયો. પણ હવે તમારા બંનેની વાત ઉપરથી તો ઓળઘોળ બધું એની ઉપર જ આવે છે. હું જોઉં છું, ચાલો જાઓ, પોતપોતાનું કામ સંભાળો. પણ જુઓ, બહાર કોઈને કશી જ વાત ન કરતાં. હો હો થશે તો વાત વધી પડશે અને પછી કશું જ હાથમાં નહીં રહે. હું રફીકને બોલાવીને પૂછું છું. એને પૈસાની જરૂર હતી, એમ ને ? જો બને તો બ્રાન્ચની વાત બ્રાન્ચમાં જ પતાવવાનો પ્રયત્ન કરીશ. નહીં તો પછી…’, એમના અવાજમાં પાછી સખ્તાઈ આવી, ‘તમે બે જણ આગળ જવાબ આપવા તૈયાર રહેજો અને હા, રફીકને અંદર મોકલો.’

આરતીએ દુપટ્ટાથી નાક લૂછીને લાલ થયેલા નાકને વધારે લાલ કર્યું અને સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરતાં ઊભી થઈ.

બંનેના બહાર ગયા પછી મિ. મહેતા વિચારમાં પડ્યા, ‘હવે શું કરવું ? કુમાર અને આરતી પાસે તો વર્ષોથી સેફની ચાવી રહેતી હતી. ક્યારેય કોઈ ગફલત નહોતી થઈ. પોતે સ્ટાફને ક્યારેય જણાવતાં નહીં, પણ જાણતાં તો હતાં જ કે આવું એકબીજાને ભરોસે રહેવાનું તો રોજિંદા કામમાં દરેક જગ્યાએ ચાલ્યા કરે. પોતે જ્યારે એકાઉન્ટન્ટ હતા ત્યારે આવું ઘણી વાર કર્યું હતું. કૅશ જોડે રોજનું ડીલિંગ હોય, નાની બ્રાંચમાં એકબીજાને બરાબર ઓળખતા હોય એટલે ઘણી વાર નિયમો બાજુએ મુકાઈને વિશ્વાસથી વહાણ ચાલતું હોય, પણ રફીક ! આમ તો એ પણ એટલો જ ભરોસાપાત્ર હતો, પણ અત્યારના સંજોગોમાં તો… પાછું એણે એડવાન્સ પૈસા માગ્યા હતા એ પણ એક વિચારવા જેવો મુદ્દો હતો.

મિ. મહેતા રફીકની રાહ જોતા હતા, ત્યાં જ આરતીએ કૅબિનનો દરવાજો ખોલ્યો અને કહ્યું, ‘સર, રફીક તો આજે આવ્યો જ નથી. એનો મોબાઈલ પણ બંધ છે.’ એના અવાજનો રણકો થોડો બદલાયેલો હતો. કારણ કે આ બે બાબતો જાણે સાબિત કરી દેતી હતી કે ગુનેગાર રફીક જ છે. પાછળ ઊભેલા કુમારે ઉમેર્યું, ‘સર, તમે માનો કે ના માનો પણ આ લોકો…’ મિ. મહેતાએ માત્ર એક નજરથી એને બોલતો અટકાવ્યો અને બહાર જવાનો ઈશારો કર્યો.

સ્વસ્થતાના આવરણ નીચે મિ. મહેતા થોડા હાલી તો ગયા જ હતા. એમની આખી કેરિયર દરમિયાન આવો અનુભવ તો ક્યારેય નહોતો થયો. મૅનેજર થયા પછી છેલ્લાં વીસ વર્ષ દરમિયાન એમની ચાર-પાંચ જુદી જુદી શાખાઓમાં બદલી થઈ હતી. એમના સાલસ, મદદગાર થવાના સ્વભાવથી જ્યાં જાય ત્યાં સ્ટાફનું મન જીતી લેતા અને પછી બધું કામ સરળ થઈ જતું. બસ, કામમાં ક્યરેય ઢીલ ન ચલાવતાં, જો કોઈની બેદરકારીથી ભૂલ થાય તો એ કર્મચારીનું આવી બનતું. એટલે જ કર્મચારીઓ કોઈ ભૂલ થાય તો એમનાથી ઘણા જ ડરતા. પણ એ ક્યારેય ખોટી ‘સાહેબગીરી’ ન બતાવતાં. અરે, દિવાળીના દિવસે આખા સ્ટાફને સહકુટુંબ પોતાને ઘેર બોલાવી દરેકને નાનીમોટી ભેટ પણ આપતા. એમની પત્નીનો પણ એમાં એટલો જ સહકાર રહેતો. આવી સમસ્યા તો પહેલી વાર ઊભી થઈ હતી. રફીકની મતિ અચાનક કેમ ફરી ગઈ ? એવું તે શું થયું ? પોતે પહેલાં પણ એને જરૂરિયાત વખતે પૈસા આપ્યા છે, ક્યારેય ઉઘરાણી પણ કરી નથી, તો અત્યારે અચાનક શું થયું ?

હવે વિચાર એ પણ કરવાનો હતો કે રફીક જો નામક્કર જાય તો શું કરવું ? કંઈ પુરાવો તો હતો જ નહીં. વાંક તો કુમાર અને આરતીનો પણ એટલો જ હતો. ફસાશે તો બધા જ ફસાશે. પણ આ ત્રણમાંથી કોઈનીય નોકરીને આંચ આવે તો…?

મિ. મહેતાએ એક દિવસ રાહ જોવાનું નક્કી કર્યું. એમણે કુમાર અને આરતીને ફરીથી અંદર બોલાવ્યાં, ‘જુઓ, હું આજનો દિવસ રાહ જોઈશ. આજે કંઈ જ રિપોર્ટ કરતો નથી. પણ તમારે બંનેએ એક લાખની રકમ ઓછી છે એ તો ભરી જ દેવી પડશે. એટલા પૈસાની વ્યવસ્થા તો તમે કરી જ લેશો. કુમાર, આપણે આશા રાખીએ કે તમારી દીકરીનાં લગ્ન પહેલાં, અરે જલ્દીથી આ પૈસા તમને પાછા મળી જાય.’

આરતી અને કુમાર ઉતરેલાં મોંએ બહાર ગયાં.

જોકે મિ. મહેતાને વળતો વિચાર એમ પણ આવ્યો કે હું એમને મારા ખાતામાંથી પૈસા આપી દઉં. પણ પછી થયું કે ‘ના, એમણે પણ થોડી બેકાળજી તો બતાવી જ છે. એક વ્યક્તિ ન જઈ શકે એમ હોય તો બીજાને જણાવવું તો જોઈએ જ. આટલું ટેન્શન થશે તો ફરીવાર બરાબર ધ્યાન આપશે.’

આખો દિવસ મિ. મહેતાની બુદ્ધિ અને લાગણી વચ્ચે રફીકના મુદ્દે સંઘર્ષ ચાલતો રહ્યો. કામમાં પણ બહુ મન લાગ્યું નહીં. ઘેર જઈને પત્ની માલતીને બધી વાત જણાવીને અંદર ઊકળતી બેચેની વહેંચવાનો પ્રયત્ન કર્યો, પણ અજંપો ઓછો ન થયો. સ્ટાફથી પરિચિત માલતી તો આખી ઘટનાથી વધારે વિચલિત થઈ ગઈ.

રાત્રે બેડરૂમમાં ગયા પછી એ બન્ને આંખમાંથી દૂર જતી રહેલી ઊંઘને પોતપોતાની વાંચવાની ચોપડીઓમાં શોધવાનો પ્રયત્ન કરતા હતા. ત્યાં જ ડોરબેલ વાગી. ‘આટલું મોડું કોણ હશે ?’ બન્ને જણ સાથે જ દરવાજા સુધી ગયાં. ત્યાં સુધીમાં તો ઘંટડી બીજી બે વાર વાગી ચૂકી હતી. આવનારની અધીરતા પારખીને મિ. મહેતા એ સીધો દરવાજો ખોલી જ નાંખ્યો અને એમનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું. દરવાજાની બહાર રફીકની બીબી સલમા ઊભી હતી… થરથર ધ્રૂજતા શરીરમાં શિયાળો અને નીતરતા પરસેવામાં ઉનાળો લઈને.

માલતીબહેને તરત જ હાથ પકડીને સલમાને અંદર ખેંચી અને સોફા ઉપર બેસાડી. મિ. મહેતા પણ બન્ને બાજુ નજર કરીને, દરવાજો બંધ કરીને અંદર ગયા. થોડી વાર સુધી એ કંઈ બોલ્યા વિના સલમા સામે જોઈ રહ્યા પણ એમની નજરમાંથી તકાતો પ્રશ્ન, ‘રફીકે આવું કેમ કર્યું ?’ સલમાની ચારેબાજુ ઘુમરાવા માંડ્યો. એ ઘુમરાતા પ્રશ્નના ચક્રવાતે જાણે સલમાના હૃદયને તોડી નાંખ્યું અને તૂટેલા હૃદયની રજકણોનો વરસાદ આંસુ થઈને આંખોમાંથી વરસવા માંડ્યો. માલતીબહેન રસોડામાં જઈને પાણી લઈ આવ્યાં પણ સલમાના મનમાં મચેલા ધરતીકંપથી એણે પકડેલો ગ્લાસ પણ થરથર ધ્રૂજતો હતો. માલતીબહેનના પીઠ ઉપર અવિરત ફરતા હાથના સ્પર્શે એને થોડી સ્વસ્થતા આપી અને એણે પોતાની સાથે લાવેલી એક જૂની થેલીમાંથી નોટોનું બંડલ અને એક કાગળ કાઢીને મિ. મહેતાના પગ પાસે મૂકી દીધાં.

મિ. મહેતાએ રફીકે લખેલી લાંબી ચિઠ્ઠી મોટેથી વાંચવા માંડી, ‘સાહેબ, મારા દીકરાને ડેન્ગ્યૂ થઈ ગયો છે. ચાર દિવસથી અસ્પતાલમાં છે. રોજ કેટલાયે ટેસ્ટ થઈ રહ્યા છે. એક દિવસ પછી જ જુદા જુદા ટેસ્ટના નામે અસ્પતાલવાળાની પૈસાની ઉઘરાણી ચાલુ થઈ ગઈ. એટલા પૈસા ક્યાંથી લાવું સાહેબ ? તમારી પાસેથી પહેલાં જ બહુ પૈસા લઈ ચૂક્યો છું. હવે વધારે માગતા જબાન ઊપડતી નહોતી. મારાથી દીકરાની માના મોં સામું પણ નહોતું જોવાતું. દીકરાને સરખી સરવાર નહીં મળે ને કંઈ થઈ જશે તો ? શનિવારે પહેલી વાર મારા હાથમાં તિજોરીની બન્ને ચાવીઓ અને પૂરી કૅશ હતી. બસ, પછી તો… પણ ખોટું નહીં બોલું સાહેબ, હાથ તો ઉતાવળા થઈ ગયા’તા પણ દિલ ના પાડતું હતું, ને તોય સાહેબ, દીકરાના પ્રેમ સામે મારું મન હારી ગયું. મને થયું ખુદાએ રહેમ કરીને જ મને આ તક આપી છે. મારે વધારે પૈસા નહોતા જોઈતા. મેં એક બંડલ કાઢીને ખીસામાં મૂકી દીધું અને કુમારસાહેબને કહીને સીધો બૅંકમાંથી નીકળી ગયો. ત્યારે તો મેં વિચારેલું કે સોમવારે મને બૅંકમાં પૂછે તો સાવ નામક્કર જઈશ.

પૈસા લેતાં તો લઈ લીધા સાહેબ, પણ ખીસામાં તેજાબ ભરીને ફરતો હોઉં એવું લાગતું હતું. એને હું હાથ જ ન લગાવી શક્યો. સોમવારે તો દીકરાની તબિયત એવી બગડી કે હું એની પાસેથી ખસી જ ન શક્યો. અસ્પતાલમાં ફોન પણ બંધ રાખવો પડે. સાંજે બૅંકમાંથી છૂટીને કુમારસાહેબ અને આરતીમૅડમ મારે ઘેર ગયાં હતાં. ઘર તો બંધ હતું એટલે પડોશમાં તપાસ કરીને અસ્પતાલ આવ્યાં, મારા દીકરાની ખબર પૂછવા. કેટલાં બધાં ફળ લઈને ! મને ફિકર ન કરવાનું કહેતાં હતાં પણ એમની જ ફિકર થાય એવું હતું. બેઉ જણાં જાણે કબરમાંથી ઊઠીને આવ્યાં હોય એવાં ફીક્કાં ફસ લાગતાં હતાં. મને ખબર છે સાહેબ કે કુમારસાહેબની દીકરીની આવતા મહિને શાદી છે અને આરતીમૅડમનું તો ઘર જ એમના પગારથી ચાલે છે. એમના ગયા પછી સલમાએ મને ફિટકાર આપતાં કહ્યું કે જ્યાં સુધી આ પૈસા આપણી પાસે હશે ત્યાં સુધી આપણો દીકરો સાજો જ નહીં થાય ! મને માફ કરી દો સાહેબ. આ પૈસાનો ભાર નથી સહેવાતો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ.’

ચિઠ્ઠી વાંચીને મિ. મહેતા અચાનક બહાર ગયા અને બારણા પાસે ઊભા રહીને બૂમ પાડી, ‘રફીક, ઘરમાં આવ. મને ખબર છે કે આટલી રાત્રે તું સલમાને એકલી તો ન જ મોકલે.’ ગ્રહણ લાગેલા ચંદ્ર જેવો, ખૂણામાં લપાયેલો રફીક અંધારાના વાદળમાંથી બહાર આવીને મિ. મહેતાના પગમાં પડી ગયો. મિ. મહેતા એને બાથમાં લઈને અંદર આવ્યા. પણ રફીકનાં ધ્રુસકાં એમનેય ઘેરી વળ્યાં. એ કહેવા માગતો હતો એ વાત ‘સાહેબ… સાહેબ…’ થી આગળ વધતી જ નહોતી.

મિ. મહેતાએ એને રડવા દીધો. પસ્તાવાનો એ પ્રવાહ વહી જાય એ જ સારું હતું. રફીકનાં વહેતાં આંસુ જોતાં અને સલમાનાં ધીમાં ડૂસકાં સાંભળતાં – એ જાણે થોડા સમય માટે અંદર ઊતરી ગયો. કૅન્સર સામેના જંગમાં હારી ગયેલો એમનો એકનો એક દીકરો એમના માનસપટ ઉપર તરવરી રહ્યો… માલતીબહેને બધા માટે બનાવેલી કૉફી પીને સ્વસ્થ થયા પછી મિ. મહેતા જ એ અશાંત શાંતિનો ભંગ કરતાં બોલ્યા, ‘રફીક, હવે આ આખી વાત ભૂલી જજે. પણ જો બીજી વાર આવું થયું તો…’ પણ તરત જ હાથ જોડીને ડોકું ધુણાવતા રફીકને જોઈને, જાણે અવાજથી એને પંપાળતાં હોય એમ કહ્યું, ‘ચાલો, ચાલો, ગાડીમાં તમને હૉસ્પિટલ મૂકી જઉં. દીકરા પાસે કોને બેસાડીને આવ્યા છો ?’

હૉસ્પિટલ પાસે એ બન્નેને ઉતારતી વખતે મિ. મહેતાએ ઘેરથી નીકળતા પહેલાં સલમાની થેલીમાં મૂકીને માલતીબહેનને ધીમેથી એમના હાથમાં સરકાવેલું નોટોનું બંડલ રફીકના હાથમાં મૂકીને ઝડપથી ગાડી ઘર તરફ વાળી લીધી.

સંપર્ક : ગિરિમા ઘારેખાન, ૧૦, ઈશાન બંગ્લોઝ, સુરધારા, સતાધાર રોડ, થલતેજ, અમદાવાદ – ૩૮૦ ૦૫૪ ફોન : ૨૭૪૦૦૧૦૩


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અધ્યાત્મમાર્ગના સહજયાત્રી શ્રી ભાણદેવજી… – ભદ્રાયુ વછરાજાની
જીવન સમૃદ્ધ કઈ રીતે બને ? – અવંતિકા ગુણવંત Next »   

13 પ્રતિભાવો : વજ્રાદ્ અપિ કઠોરાણિ… – ગિરિમા ઘારેખાન

 1. sejal shah says:

  Girima,fantastic story,super

  • girima Gharekhan says:

   Thank you very much.Such positive comments from readers like you will encourage me to write good stories. Girima Gharekhan

 2. sandip says:

  માનસ નેી મજબુરેી માનસ ને કેવુ કરવા પ્રેરે છે.

  આભાર્………………

 3. fahmida shaikh says:

  Good one.
  “Muflisi saari bahar khoti hai
  Mard ka aitbar khoti hai.”

  Kuch to majbooriya rahi hogi aese hota nahi gunehgar koi…..

 4. jignisha patel says:

  ૧૦૦/૧૦૦.પુરેપુરા ગુણ આપવા પડે તેવી સ્ટોરી છે.
  આ વાર્તા મા દર્શાવેલ દરેક માણસ જરુરિયાત વાળો છે પણ તોય સાચી નીતિ થી ચાલે છે આ વાત જ દિલ ને બહુ સ્પર્શી ગઈ.

 5. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  નાના માણસોની ઈમાનદારી બહુ મોટી હોય છે. આવા માણસાઈ વાળાં મનેખથી જ આ દુનિયા જીવવા જેવી લાગે છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 6. Arvind Patel says:

  ખરાબ માં ખરાબ સંજોગો માં પણ માણસાઈ દાખવવી કેટલી જરૂરી છે. આ મેનેજર કોઈ પણ પગલું લઇ શક્ય હોત !! ચોરી ની સજા પણ કરી શક્ય હોત !! પણ આ મેનેજરે જમાનો જોયો છે. તે ફક્ત નામના જ મેનેજર નથી. માણસાઈ ને મૂલવતા આવડે છે. ખરેખર જોવા જૈયે તો આવા પ્રકારની પ્રકૃતિ ખુબ ઓછા લોકો માં હોય છે. ગુના ના મૂળ સુધી જઈ યોગ્ય નિર્ણય લેવું કેટલી અઘરી વાત છે. આવા અફસર ને પ્રણામ.

 7. Shital nanavati says:

  Garima ben nice story.aavij varta no khajano aapta rhejo
  Shital
  Sohar

 8. Hitesh Ghoda says:

  સુન્દર્! ગિરિમાબેન્,ખુબ જ સરસ્ વાર્તા આભાર્.

 9. જયમીન ગોસ્વામી says:

  Sache j khub sundar plot puro padyo varta na ant ma

 10. Vaishali Maheshwari says:

  Wow…Brilliant story…Enjoyed reading it.

  This story has so many qualities described…Truth, Honesty, Need and Compassion. Each of the characters in the story justified the role that they played.

  The climax of the story is very touchy. Would love to read more from you Ms. Girima Dharekhan. These kind of stories are feel good stories…All the best to you for writing more stories of this kind and may God bless you always.

 11. jyoti says:

  સુન્દર્! ગિરિમાબેન્,ખુબ જ સરસ્ વાર્તા!
  ખુબ ખુબ આભાર!
  તમારી કલમમા કશુ અલગ જ છે જે પકડી રાખે છે!

 12. મનસુખલાલ ગાંધી says:

  નાના માણસોની ઈમાનદારી બહુ મોટી હોય છે. આવા માણસાઈ વાળાં મનેખથી જ આ દુનિયા જીવવા જેવી લાગે છે.

  મનસુખલાલ ગાંધી

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.