(‘છોકરાં ભણાવવાં સહેલાં નથી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)
‘અરે શ્રુતિ તું ? મનાલી, પ્રિયંકા, ભૂમિકા ? તમે બધાં કેમ આમ વર્ગની બહાર ઊભાં છો ? આ શું ? તમે તો તેજસ્વી વિદ્યાર્થિનીઓ છો. તમે વર્ગની બહાર ? આ શોભે ? હવે તમેય તોફાન કરતાં થઈ ગયાં ? શું વાત છે?’
હજી આટલી વાત કરું છું ત્યાં તો વર્ગની બહાર ઊભેલી એ સાતે ય વિદ્યાર્થિનીઓની આંખમાંથી ડળક – ડળક આંસુ ટપકી રહ્યાં હતાં. મને દૂરથી આવતી જોઈને જ એમનાં મોં શરમથી નીચાં ઝૂકી ગયાં હતાં. અને એટલે મારાથી એ સહન ન થયું.
‘બેટા શું થયું ?’
ખચકાતાં – ખચકાતાં, ડૂસકાં ભરતી પ્રિયંકા બોલી, ‘બહેન ! આજે બી. એડ. ના પાઠ માટે બધાં આવ્યાં છે. વર્ગમાં એમાનાં એક શિક્ષક આવ્યાં. એમણે અમારા વર્ગના ચિંતનને ઊભો કર્યો અને એક પ્રશ્ન પૂછ્યો. ચિંતને એવો તો ખોટો જવાબ આપ્યો, એ સાંભળી અમે સૌ હસી પડ્યાં. એટલે પાછલી બેંચે એમનાં સુપરવાઈઝર બહેન બેઠાં હતાં. તે ગુસ્સે થઈ ગયાં અને અમને સાત જણાંને વર્ગની બહાર કાઢ્યાં. બહેન ! શિસ્તમાં તો અમે પણ માનીએ છીએ પણ ક્યારેય એવું બને કે સાહજિક હસી પડાય તો શું થાય ? બીજા શિક્ષકોના વર્ગમાં અમે ક્યારેય શિસ્ત પાળતાં નથી એવી ફરિયાદ આજદિન સુધી થઈ છે ખરી ? તમે પૂછી જોજો અમારા એ શિક્ષકોને, એટલું જ નહીં પણ બહેન ! અમે એમની માફી પણ માંગી.. “હવે પછી આવું નહીં થાય” એવી આજીજી પણ કરી પણ એ ન માન્યાં તે ન જ માન્યાં…’
‘કોણ હતાં એ સુપરવાઈઝર બહેન ! વર્ગમાં બેઠાં છે ?’ આવી વિદ્યાર્થિનીઓની આંખનાં આંસુ અને એમના હૃદયની વ્યથા જોઈ હું ધ્રૂજી ઊઠી હતી અને એટલે મારાથી પુછાઈ ગયું. ‘બહેન ! એ અત્યારે વર્ગમાં નથી..’ અને નહીંતર પણ ચાલુ વર્ગે, આ શિક્ષકની આમાન્યા જળવાય એ હેતુથી પણ કશું જ કરવું મને ઠીક ન લાગ્યું.
મેં વિદ્યાર્થિનીઓને વહાલથી સમજાવતાં કહ્યું, ‘બેટા ! આવું કંઈ થાય ત્યારે આપણે પક્ષે કોઈ જ ભૂલ ન હોવી જોઈએ. શિક્ષકનું માન જળવાય અને વર્ગનું વાતાવરણ શિસ્તબદ્ધ રીતે ચાલુ રહે એ પણ એટલું જ અગત્યનું છે. હવે આજ પછી આવી ભૂલ ન થાય તે જોજો હોં !…’
આમ કહી હું પ્રાર્થનાખંડ સુધી પહોંચી તો ત્યાં તો એક બહેન એકલા બેઠાં હતાં. મને આશ્ચર્ય થયું.. ‘બહેન ! અહીં એકલાં કેમ બેઠાં હશે !’ અને એટલે મેં પૂછપરછ કરી. તો ખબર પડી કે એ જ પેલાં સુપરવાઈઝર બહેન હતાં, જેમણે મારી વિદ્યાર્થિનીઓને વર્ગબહાર કાઢી હતી.
‘બહેન ! તમે અહીં ? તમે તો સુપરવાઈઝર છો ને !
‘હા બહેન ! થોડી વાર ત્યાં હતી. હવે અહીં બેઠી છું. થોડી વાર સુપરવિઝન કરી લીધું.’
‘બહેન ! પેલી વિદ્યાર્થિનીઓને તમે વર્ગ બહાર કાઢી છે ? એ છોકરીઓની મનોદશા તમે જોઈ ખરી ? મારી શાળાની એ તેજસ્વી વિદ્યાર્થિનીઓ છે. બાળમંદિરથી માંડી એ લોકો અહીંબભણે છે. અત્યારે એ લોકો નવમા ધોરણમાં છે. આજ દિન સુધી એમને માટે ક્યારેય કોઈ ફરિયાદ આવી નથી. શાળાની બધી જ પ્રવૃત્તિઓમાં તેઓ મોખરે છે. સાચું કહું બહેન ! શાળાની પ્રતિષ્ઠા વધારવામાં આવી વિદ્યાર્થિનીઓનો ફાળો નાનોસૂનો નથી. એમનામાં ઘણું હીર પડ્યું છે, તમે એ હીરનેય ન પારખી શક્યાં ? ને એમને વર્ગ બહાર કાઢ્યાં ? એમનાં હૃદય પર કેવો આઘાત લાગ્યો છે તે તમને ખબર છે ? વિદ્યાર્થીને ય સંવેદના હોય છે. એ સમજુ તો હોય છે જ પણ એમની સંવેદનશીલતા પર બહારનાં માણસો આવો પ્રહાર કરે ત્યારે એમને માટે તો એ અસહ્ય બની જાય છે જ પણ મારે માટે પણ એ અસહ્ય બની જાય છે.’
‘બહેન મને ખ્યાલ છે ત્યાં સુધી બી. એડ., એમ. એડ. એ બધામાં માનસશાસ્ત્ર વિષેનું જ્ઞાન પણ આપવામાં આવે છે, ખરું ને ! જેને શિક્ષણ આપવાનું છે તે વિદ્યાર્થીઓ જીવંત છે, કદાચ ઓછું જ્ઞાન તેમને મળશે તો ચાલશે પણ તેમની લાગણી પરનો આ પ્રહાર તેઓ કેમ જીરવી શકશે ! એમનો આત્મવિશ્વાસ તૂટી ન જાય ! એમની આત્મશ્રદ્ધા ડગી ન જાય ?’
‘વિદ્યાર્થી તો વર્ગમાં શિક્ષક પ્રવેશે ત્યારથી એમની આંખમાંથી નીતરતા પ્રેમને શોધતો હોય છે. એમની પાસે તેમને જ્ઞાનની અપેક્ષા હોય છે અને શિક્ષક આ અપેક્ષા પરિપૂર્ણ કરવામાં કાચા પડે તો જ વિદ્યાર્થીઓને વર્ગમાં ભણવામાં રસ પડતો નથી, અને તેઓ તોફાન કરે છે’ બે હાથ વિના તાળી પડે ખરી ? હાં કોઈની જોરથી વાગે તો કોઈની ધીરી… પણ બંને હાથ એમાં જવાબદાર તો હોય જ પછી વિદ્યાર્થીઓને જ એની સજા શાને માટે ?
બી. એડ. કરેલા કેટકેટલાં શિક્ષકોની હું Clasaa-control ની કચાશનો અનુભવ કરું છું ! અને એ અનુભવ કરું છું ત્યારે મને એ પણ ખ્યાલ આવે છે કે આજના વિદ્યાર્થીને ઘણું Exposure મળે છે. તેની બુદ્ધિએ ઘણો વિકાસ સાધ્યો છે. તેનામાં ઘણી જિજ્ઞાસાવૃત્તિ હોય છે, અને એ જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા માટે તે ઝંખે છે. પણ શિક્ષક જો તે સંતોષી ન શકે તો તે હતાશા અનુભવે છે, તેને અભ્યાસમાં રસ પડતો નથી. ને વર્ગમાં શિસ્તના પ્રશ્નો ઊભા થાય છે. વર્ગમાં શિક્ષક પ્રવેશે એ પહેલાં જ એણે પૂર્વ તૈયારી સાથે જ પ્રવેશવું પડે. આટલા બધા વિદ્યાર્થી વર્ગમાં હોય અને જો શિક્ષક પૂરેપૂરી તૈયારી વિના વર્ગમાં જાય તો કેટલા બધા વિદ્યાર્થીના કીમતી સમયનો બગાડ થાય ! આજનો બુદ્ધિશાળી વિદ્યાર્થી આ કેવી રીતે સહી શકે ! વર્ગમાં શિક્ષક પ્રવેશે ત્યારે જ એની ચાલમાં, એના posture માં જો આત્મવિશ્વાસ પ્રગટ થતો હોય. ખૂબ સરસ રીતે ભાણાવી શકતો હોય તો વિદ્યાર્થીને ક્યારે ય તોફાન કરવું ગમતું જ નથી, આખરે વિદ્યાર્થી પણ સ્કૂલમાં ભણવા માટે જ તો આવે છે. એમને અહીં આવીને કંઈક મેળવવાની, કંઈક શીખવાની ઈચ્છા છે, ધગશ છે પણ એમાં શિક્ષક જ્યારે ઊણા પડે છે ત્યારે જ વિદ્યાર્થીનું ધ્યાન ચલિત થાય છે. આખરે આ વિદ્યાર્થીઓ જીવંત માનવો છે, એમનામાં સંવેદના છે, ચેતના છે, આપણે રોબોટ નથી સર્જવાના, આપણે જીવંત માણસ બનાવવાનાં છે. પહેલ પાડી તેમને હીરા બનાવવાનાં છે. શિક્ષકે વિદ્યાર્થીઓના માનસને ખૂબ સમજીને તેને માવજત આપવાની જરૂર છે. ફક્ત પુસ્તકમાંથી જ્ઞાન કે હકીકતોનાં કે માહિતીના ઢગ વિદ્યાર્થીઓના આગળ ખડકી દેવાથી શિક્ષણકાર્ય થતું નથી, વિદ્યાર્થીને એ વિષયમાં રસ પડે એવું વાતાવરણ ઊભું કરવું એ મહત્વનું છે. અને વર્ગમાંથી જ્યારેજ્યારે વિદ્યાર્થીને બહાર કઢાય છે તે વાસ્તવમાં તો શિક્ષકની નિષ્ફળતાનું જ પરિણામ છે. શિક્ષકનો પ્રેમ અને શિક્ષક પાસેથી વિદ્યાર્થીની બુદ્ધિને પોષણ મળે એવું જ્ઞાન મળે તો વિદ્યાર્થી આમ વર્તે જ નહીં એવી મને શ્રદ્ધા છે.
[કુલ પાન ૨૧૨. કિંમત રૂ.૧૬૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]
4 thoughts on “વિદ્યાર્થીની ગેરશિસ્ત માટે જવાબદાર કોણ ? – ડૉ. ઊર્મિલા શાહ”
“ખુબ ખુબ સરસ લે એક્ શિક્ષક માટે”
આભાર્………………….
ઊર્મિલાબેન,
ખૂબ જ સુંદર રીતે પ્રકાશ પાડ્યો કે વિદ્યાર્થીની ગેરશિસ્ત મોટે ભાગે અણઘડ શિક્ષક થકી જ હોય છે.ભણાવવામાં નિષ્ફળ જતા શિક્ષકના વર્ગમાં જ તોફાન થતાં હોય છે, નહીં કે વિદ્વતાપૂર્વક સરસ અને વિષયને ન્યાયપૂર્વક ભણાવતા શિક્ષકના વર્ગમાં. સાચુ અને સારુ જણાવવા બદલ આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
દરેક વિદ્યાર્થિ તોફાનિજ હોય ચ્હે તેવિ માનસિક્તા તજિને જ જો શૈક્ષક શરુઆત કરે અને વિદ્તય્યર્થિઓને પન મન ગમતા પાથ તેમને ગમતિ રિતે સમજાવવામા આવે તો વિદ્યાર્થિ સામેથિ જ કહેશે કે હજુ ભનાવ્વવુ ચાલુ રાખો ઉર્મિલાબેન્ને અભિનન્દન્
વધુ પડતો આગ્રહ શિસ્ત માટેનો !!! આ જ કારણ છે કે વિદ્યાર્થીઓ માટેની ફરિયાદો હોય. આજ ના વખતમાં બાળકનો કુદરતી વિકાસ થાય તેની રાહ પણ જોવી પડે અને તેને જરૂરી સમય પણ આપવો પડે. વધુ પડતો શિસ્ત હી કોઈનું ભલું થવાનું નથી.