ૐ तत् सत् – ડૉ. મૃદુલા મારફતિયા

Geeta(‘ગીતા જીવનની આચારસંહિતા’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

અહીં સુધી શ્રીકૃષ્ણે સાત્વિક, રાજસી અને તામસી પ્રકૃત્તિનાં આહાર, યજ્ઞ, તપ, દાન ઈત્યાદિનો ભેદ સમજાવ્યો : હવે યજ્ઞ, દાન, તપ વગેરે ક્રિયાઓ કરતી વખતે પ્રારંભમાં ‘ૐ तत् सत्’ જે સામાન્યતઃ બોલાય છે તેનું પ્રયોજન અને એ બે શબ્દોનું રહસ્ય સમજાવે છે.

‘ૐ तत् અને सत्’ એ ત્રણે પરમાત્માનાં જ નામ છે – અર્થાત્ ‘ૐ’ પણ બ્રહ્મ છે, तत् દ્વારા પણ બ્રહ્મનો જ સંકેત કરવામાં આવે છે અને सत् યા સત્ય પણ બ્રહ્મવિષયક ભાવનું સૂચન કરે છે. નામ અને વ્યાખ્યાથી પર એવા બ્રહ્મને કાંઈક સંજ્ઞા આપવા કાજે, ‘અ’કાર, ‘ઉ’કાર અને ‘મ’કારના બનેલા ‘ૐ’નું વરણ પ્રાચીનકાળથી થયેલું જોવા મળે છે. વાસ્તવમાં, વર્ણમાલાના સર્વે ઉચ્ચારો આ અકાર, ઉકાર અને મકારનાં ઉચ્ચારણ સ્થાનો માંહે સમાવિષ્ટ થાય છે અર્થાત્‍ કંઠસ્થાનથી બોલાતા ‘અ’ કરતાં વધારે નીચલા સ્થાનેથી કોઈ વર્ણનો ઉચ્ચાર થતો નથી, હોઠ દ્વારા બોલાતા ‘ઉ’કાર કરતાં વધુ બહારના સ્થાનથી અન્ય કોઈ વર્ણ બોલાતો નથી; અને નાસિકા દ્વારા બોલાતા ‘મ’થી વધારે ઊંચા સ્થાનથી કોઈ વર્ણ ઉચ્ચારાતો નથી. આમ, ભાષાના પ્રત્યેક ઉચ્ચાર માત્રનો ‘ૐકાર’માં અંતર્ભાવ યા સમાવેશ થાય છે, એમ કહી શકાય. આથી ‘ૐ’એ સર્વે ઉચ્ચારોનો સમ્રાટ હોઈ ‘બ્રહ્મ’નો નિર્દેશ કરવા કાજે પસંદગી પામ્યો છે. વિનોબાજી કહે છે કે ‘ૐ’ એ એક ગૂઢ સંકેત છે અને તેમાંથી કશો જ લૌકિક કે ઐહિક અર્થ સમજી શકાતો નથી – એટલે અલૌકિક, વૈદિક કે પારમાર્થિક કર્મોમાં રહેલું ઈશ્વરીય સ્વરૂપ સૂચવવા મટે ઋષિઓએ ‘ૐ’ જેવી ઉત્તમ નિશાની કે સંજ્ઞાનું વરણ કર્યું. પ્રાચીન સમયથી ઋષિઓ સ્વાધ્યાય, યજ્ઞ, તપ, દાન આદિ સર્વ વૈદિક કે પારમાર્થિક કર્મો ૐકારનો ઊંચા સ્વરે ઉદ્‍ઘોષ કરીને શરૂ કરતા તેનું આ જ કારણ છે.

ભગવદ્‍ગીતાકાર કહે છે ‘ૐ तत् सत्’ એ બ્રહ્મનો ત્રિવિધ નિર્દેશ ઉલ્લેખ છે, ને એ ત્રણેય રૂપે પરમાત્મા કર્મમય સૃષ્ટિમાં વ્યાપી રહેલો છે. સૃષ્ટિના આરંભમાં એમાંથી વેદ, યજ્ઞ અને ઉપાસક ઉત્પત્તિ પામ્યા. તેથી જ બ્રહ્મવાદીઓ દ્વારા યજ્ઞ, દાન, અને તપરૂપી ક્રિયાઓની શરૂઆત ‘ૐ’ના ઉચ્ચારણથી કરવામાં આવતી. વળી, મોક્ષની અભિલાષા રાખવાવાળા મનુષ્યો ‘तत्’નો ઉચ્ચાર કરીને, ફળાશા સેવ્યા વિના, યજ્ઞાદિ ક્રિયાઓ કરે છે. ‘सत्’ સંજ્ઞાના પ્રયોગથી સત્ય (સત્તા) તથા કલ્યાણ સૂચવાય છે અને તે ઉપરાંત, યજ્ઞાદિ શુભ વિષયોમાં સેવેલી દ્રઢતા (‘स्थितिः’) તેમ જ આવાં ઉદાત્ત પ્રયોજનથી કરેલું કાર્ય સુધ્ધાં ‘सत्’ કહેવાય છે (શ્લોક ૨૭). કાકા કાલેલકર સમજાવે છે કે ઉપરોક્ત ત્રણ શ્લોકોનો ભાવાર્થ એ છે કે કર્મ માત્ર ઈશ્વરને સમર્પિત કરીને કરવું જોઈએ, કેમ કે ૐકાર જ ‘सत्’ છે. – આથી વિરુદ્ધ, યજ્ઞાદિ કે અન્ય કોઈ કાર્ય શ્રદ્ધા રાખ્યા વિના કરવામાં આવે તો તે ‘असत्’ યા મિથ્યા ગણાય છે – એનાં વડે નથી ઐહિક લાભ મળતો કે નથી મળતો પારલૌકિક લાભ (શ્લોક ૨૮).

*

અધ્યાય ૧૭ને અંતે ‘ૐ तत् सत्’ રૂપ જે ત્રિસૂત્રી મંત્ર આવે છે તેનું અત્યંત સુરેખ અને સ્પષ્ટ વિવેચન વિનોબાજીએ ‘स्थितप्रज्ञ-दर्शन’માં કર્યું છે – જે સર્વથા મનનીય છે.
તેમના મતે વેદ અને ઉપનિષદોના સારરૂપ આ મંત્ર ‘ચિંતામણિ’ જેવો છે, જેના દ્વારા લોકોને સ્થિતપ્રજ્ઞના ઉદાત્ત જીવન પ્રત્યે લગાવ યા અભિરુચિ જાગે… અને તેને આદર્શરૂપ સમજીને તેનું અનુકરણ કરે. સ્થિતપ્રજ્ઞ/જ્ઞાની પુરુષની ભાવાવસ્થા, જ્ઞાનાવસ્થા અને ક્રિયાવસ્થા એ ત્રિવિધ અવસ્થા આ મંત્રના ત્રણ પદ દ્વારા સૂચિત થાય છે. જોકે આ ત્રણ અવ્સ્થાને ભિન્નભિન્ન ન સમજવી જોઈએ, કેમ કે તે સર્વ જ્ઞાની પુરુષના જીવનના અંશરૂપ જ છે.

તેઓ કહે છે કે જ્ઞાની પુરુષની ભાવાવસ્થા જેવી અવસ્થાની પ્રપ્તિ માટે ‘ૐ’ શબ્દ મનનીય (‘भावनीय’) છે. ‘ૐ’ એટલે ઈશ્વર-તત્વ. વિરાટ, સર્વવ્યાપક અને બધાંનો સમાવેશ કરનાર બ્રહ્મનું તે સગુણ રૂપ છે. ૐકાર એ અક્ષર (letter) પણ છે અને શબ્દ (word) પણ : શબ્દ તરીકે ૐનો અર્થ ‘હા’ ‘છે’ (‘अस्ति’). વાસ્તવમં બ્રહ્મ શું નથી ? પૂછો કે સાકાર છે ? – તો જવાબછે ‘હા’ ‘છે’; ‘નિરાકાર’ છે ? હા; શુભ છે, અશુભ છે, અણુ છે, મહાન છે… વગેરે સર્વ પ્રશ્નોનો ઉત્તર ‘હા’ અર્થાત્‍ ‘છે’માં આવે છે. કહ્યું છે ‘इदं-मयः, अदोमयः’, અર્થાત્‍ તે ‘આ’ પણ એ અને ‘તે’ પણ છે. સાચું પૂછો તો ‘ૐ’ શબ્દ એવો છે જે કલ્પ્ય અને અકલ્પ્ય એમ સર્વ કાંઈને પોતાની માંહે સમાવિષ્ટ કરી શકે એવા વ્યાપક, વિશાળ અને ભવ્ય રૂપનો વાચક છે. આથી સ્થિતપ્રજ્ઞાની ભાવાવસ્થા જેવી લબ્ધિ માટે ‘ૐ’ શબ્દ ભાવનીય બની રહે છે.

હવે, ‘ૐ’ને અક્ષર માનવા પાછળનું કારણ દર્શાવતા વિનોબાજી સમજાવે છે કે ૐકાર વર્ણમાત્રનું પ્રતીક (symbol) છે. તેની શરૂઆત ‘अ’થી અને અંત ‘म’થી થાય છે. આ બંનેને જોડનારી કડીરૂપ ‘उ’ મધ્યમાં છે. આપણી વર્ણમાલાનો આરંભ ‘अ’થી થઈને ‘म’માં સમાપ્તિ પામે છે. (આપણે ય, ર, લ અને વ વગેરે વર્ણની ગણતરી ‘મ’ પછી ભલે કરીએ છીએ, પરંતુ તે આંતર સ્થાનમાંથી – એટલે કે કંઠ અને હોઠની વચ્ચેના સ્થાનમાંથી – ઉત્પન્ન થનારા વર્ણ છે) – વર્ણોની ઉત્પત્તિ (પ્રારંભ) કંઠમાંથી થઈને, હોઠમાં સમાપ્તિ પામે છે. વર્ણોના પ્રારંભમં આવતો ‘अ’ એ કંઠમાંથી નીકળે છે, જ્યારે હોઠ દ્વારા બોલાતો ‘म’ અંતમાં આવે છે. (म्નું ઉચ્ચારણ કરતી વેળાએ આપણે બંને હોઠ ભેગા કરીએ છીએ અને નાસિકાનો પણ થોડોક ઉપયોગ કરીએ છીએ.)

વળી, ૐકાર પરમાત્માનું વાંગમય સ્વરૂપ મનાય છે. વેદકાલીન ઋષિઓના વિશ્વાસની જ્યોતને પ્રદીપ્ત કરનારો કહો – કે તેમની શ્રદ્ધાના દીપકમાં દિવ્ય-તૈલ પૂરનારો – આ ભવ્ય સંદેશ તે ‘ૐકાર’ છે. ડૉ.રાધાકૃષ્ણન તેને ‘आध्यात्मिक उद्‍गार’ (‘Mysarical utterance’) કહી બિરદાવે છે.

*

આ મંત્રનું બીજું પદ છે ‘तत्’ અર્થાત્ ‘ते’. જે सत् નથી અને असत् પણ નથી ‘તે’. ‘તે’ એટલે જે ‘આ’ નથી, જે પાસેનું-નજદીકનું નથી, એટલે કે કલ્પનાની બહારનું છે ‘ते’.

આ ‘तत्’નાં ચિંતન-મનન દ્વારા જ્ઞાની પુરુષોની જ્ઞાનાવસ્થા સિદ્ધ થતી. ‘तत् त्वं असि’એ મહાકાવ્યનો અર્થ છે : ‘तुं ते (तत्)’ – આ ઔપનિષદ મહાકાવ્યમાં, तत् સાથીના જીવાત્માનાં તાદાત્મ્યરૂપ સિદ્ધાવસ્થા સૂચવી છે. તું આ ત્રિગુણાત્મક જગત નથી, તું તો તેની બહારનો છે. જેને જાગતિક કોઈ પણ પદાર્થનો સ્પર્શ નથી – એવો મર્મ આ ‘तत् त्वं ससि’ મહાકાવ્યનો સૂચવાયો છે… અને તે જ છે આ ‘तत्’-

‘ૐ तत् सत्’ એ મંત્રનું ત્રીજું પદ છે ‘सत्’. શુભનું વરણ કરીને અશુભને ટાળનારું યા ત્યાગનારું જે તત્વ છે તે ‘सत्’ કહેવાય છે. ‘सत्’ એટલે ‘શુદ્ધ’ બ્રહ્મ.
સંક્ષેપમાં કહીએ તો ‘ૐ तत् सत्’ એ મંત્ર વ્યાપક, અલિપ્ત અને પરિશુદ્ધ એવાં જીવનનો વાચક છે. ‘ૐ’થી વ્યાપક બ્રહ્મનો, ‘तत्’થી નિર્ગુણ બ્રહ્મનો અને ‘सत्’ દ્વારા શુદ્ધ બ્રહ્મનો બોધ થાય છે. વ્યાપક, અલિપ્ત અને પરિશુદ્ધ અર્થાત્‍ સત્યમય જીવન એટલે બીજું કાંઈ નહીં પણ એક પરિપૂર્ણ જીવન. અગાઉ જણાવ્યા અનુસાર ૐ તત્‍ અને સત્‍ એ ત્રણ પદ દ્વારા જ્ઞાની પુરુષના જીવનની ભાવાવસ્થા, જ્ઞાનાવસ્થા અને ક્રિયાવસ્થા એ ત્રિવિધ અવસ્થા સૂચવાય છે.

‘ૐ तत् सत्’

અહીં અધ્યાય ૧૭ની સમાપ્તિ થાય છે.

[કુલ પાન ૧૮૬. કિંમત રૂ.૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વિદ્યાર્થીની ગેરશિસ્ત માટે જવાબદાર કોણ ? – ડૉ. ઊર્મિલા શાહ
અષ્ટાવક્રનું જનક અને બંદીને જ્ઞાન આપવાનું વચન – સ્વામી અમન આનંદ Next »   

3 પ્રતિભાવો : ૐ तत् सत् – ડૉ. મૃદુલા મારફતિયા

 1. કાલિદાસ વ.પટેલ {વાગોસણા} says:

  એટલું તો જરૂર સમજમાં આવ્યું કે — સત્યમય જીવન = એક પરિપૂર્ણ જીવન.
  પરંતુ એક સહજ પ્રશ્ન ઊઠે છે કે … આપણું વેદ જ્ઞાન, આપણા વેદ મંત્રો, બધુ જ વૈદિક જ્ઞાન … આટલુ બધુ અઘરૂ કેમ? લોકભોગ્ય, લોકસહજ કેમ નહિ? કદાચ આ જ કારણથી તે જનસાધારણમાંથી લુપ્ત થતુ જાય છે ને?
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 2. shirish dave says:

  આપણા વેદનું તત્વ જ્ઞાન વિસ્તારથી ઉપનિષદોમાં છે. અને તેથી સરળ રીતે ગીતામાં છે. અને ગીતાને અત્યંત સરળ રીતે વિનોબા ભાવેએ “ગીતા-પ્રવચન” ના પુસ્તકમાં સમજાવી છે. એથી સરળ ગીતા રવિશંકર મહારાજે લખેલી છે. આ સૌ પુસ્તક ઉપલબ્ધ છે. આદિ શંકરાચાર્યે વેદોમાંથી અદ્વૈત ને તારવીને અદ્વૈત લખ્યો છે. અદ્વૈતની માયાજાળ મારા ઉપરોક્ત બ્લોગ સાઈટ ઉપર સાવ સરળ ભાષામાં વાંચવા મળશે.

 3. Arvind Patel says:

  આપણા શાસ્ત્રો એ આપણી સંસ્કૃતિ ની ધરોહર છે. ભગવત ગીતા તથા અન્ય ગ્રંથો જીવન જીવવાનો રાહ બતાવે છે. સામાન્ય રીતે એવું કહેવાય : શબ્દાર્થ, ભાવાર્થ અને ગુઢાર્થ. વાંચનની શરૂઆત માં શબ્દાર્થ સમજાશે. વધુ વાંચનથી ભાવાર્થ સમજાશે. વારંવારના વાંચન પછી જ તેનો ગુઢાર્થ સમજાશે. ઈશ્વરકૃપા પણ ત્યારેજ થશે જયારે તમારામાં સમજવાની તીવ્ર ઈચ્છા જાગે. ઈશ્વર ખુબ જ દયાળુ છે. જેને જે જોઈએ તે જરૂર આપશે પણ તમારે તેને માટે યોગ્ય થવું પડશે. શાસ્ત્રો નું ખુબ ઊંડું અધ્યયન અને સંપૂર્ણ વિશ્વાસ સાથે, જરૂર જ્ઞાન આપશે. ત્યાર બાદ જરૂર છે તે જ્ઞાન ને અનુભવ માં એટલેકે જીવનમાં ઉતારવાની. નહીતર બધું નિરર્થક છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.