અષ્ટાવક્રનું જનક અને બંદીને જ્ઞાન આપવાનું વચન – સ્વામી અમન આનંદ

Jogiya ghar aayo re(‘જોગિયા મોરે ઘર આયો રે !’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

મિથિલાનગરીમાં એક દિવસનો નિયત થયેલો ઉત્સવ જનઉત્સાહને કારણે ત્રણ દિવસ ચાલ્યો. આ ત્રણેય દિવસ રાજા જનક અને અષ્ટાવક્ર સૌને મુક્ત રીતે મળ્યા. સૌએ એક મહાન સદ્‍ગુરુનાં દર્શન કરી પરમ સંતુષ્ટિ અનુભવી. મિથિલા માટે આ ભવ્ય અને દિવ્ય આનંદના અને ઉત્સવના દિવસો હતા. આખી મિથિલા જાણે કે નાચી અને ઝૂમી રહી હતી !

મિથિલાનગરીમાં તો ઠીક કિતું, છેલ્લા સપ્તાહથી ક્રમવાર ઘટનાઓની કથા આજુબાજુનાં રાજ્યોના રાજાઓ, સામંતો અને જાગીરદારો સુધી પહોંચી ગઈ. તેથી જનકને અભિનંદન પાઠવવા અને એક બાળ સદ્‍ગુરુનાં દર્શન માટે આજુબાજુનાં રાજ્યો અને પ્રદેશોમાંથી પણ ભાવિક લોકો ઊમટી પડ્યા.

ઉપરાંત રાજા જનકના ખાસ મિત્રો તથા રાણીઓના પિયર તરફથી સ્વજનો ભેટ સોગાદો લઈ આવી પહોંચ્યા હતા. નગરના નગરજનોની સંખ્યા જેટલી જ મહેમાનોની સંખ્યા થઈ ગઈ હતી, એટલે ઉતારા અને આવાસની વ્યવસ્થા આપમેળે જ નગરજનોના આવાસમાં ગોઠવાઈ ગઈ હતી, કારણ કે સૌનો આનંદ તો એક જ હતો એટલે સુવિધા કે અસુવિધાનું કોઈનું ચિંતન નહોતું. સૌ એક જ રંગમાં રંગાઈ ગયાં હતાં.

ત્રીજા દિવસે મધ્યાહ્‍ન પછી બહારના મહેમાનો તથા અંગત મહેમાનોને સન્માન સાથે વિદાય આપવામાં આવી. સૌ મહેમાનોને રાજ્ય તરફથી કાંઈ ને કાંઈ ભેટરૂપમાં આપવામાં આવ્યું. બ્રાહ્મણોને ઈચ્છિત દાન આપવામાં આવ્યું.

નગરના માર્ગો થોડા ખુલ્લા દેખાવા લાગ્યા, ભીડ ઓછી થઈ. રાજા જનક તેમના શયનખંડમાં અને ગુરુ અષ્ટાવક્ર તેમના આવાસમાં વિશ્રામ કરી રહ્યા હતા.

રાજમહેલમાં પણ મધ્યાહ્‍ન સમયની નિયમિત શાંતિ હતી. આજે અષ્ટાવક્રજી, ઉદ્દાલકમુનિ તથા શ્વેતકેતુની મિથિલામાં છેલ્લી રાત્રિ હતી. આવતી કાલે સવારે તો ત્રણેય પોતાના આશ્રમ જવા નીકળી જવાના હતા. અષ્ટાવક્રજીના પિતા તો ‘નજરકેદ’માંથી મુક્ત થતાં જ સસરા તથા ગુરુ ઉદ્દાલકમુનિની આજ્ઞાથી સીધા જ અશ્રમ જવા રવાના થઈ ગયા હતા, કારણ કે છેલ્લાં ઘણાં વર્ષોથી સુજાતાના પતિ માટેની વિરહવેદનાને ઉદ્દાલકમુનિએ પ્રત્યક્ષ જોઈ હતી. તેથી પોતાના જમાઈને તાત્કાલિક આશ્રમ મોકલી આપ્યા હતા.

જનકે અને બંદીએ અષ્ટાવક્રજીના કક્ષમાં પ્રવેશ કર્યો. ઉપસ્થિત ઉદ્દાલકમુનિ તથા શ્વેતકેતુ તથા સ્વયં અષ્ટાવક્રે વિવેકપૂર્વક બંનેને આવકાર આપી યોગ્ય આસન ગ્રહણ કરવા કહ્યું. થોડી ઔપચારિક વાતચીત થઈ. ગ્રીષ્મઋતુમાં ઉપયોગી ગુલાબના અર્કનું સ્વાદિષ્ટ પીણું ધીમે-ધીમે પીવાયું. થોડી બીજી ધર્મસભાની વ્યવસ્થા અંગે પણ વાત થઈ. છેવટે રાજા જનકે અષ્ટાવક્રજીને પ્રાર્થનાના સૂરમાં કહ્યું, ‘હે… ગુરુદેવ, આપની અસીમ કૃપા મારી ઉપર ઊતરી છે એ તો હવે જગજાહેર વાત થઈ, પરંતુ મારા રાજ્યના વિદ્વાન તથા અમારા પારિવારિક મિત્ર બંદીનું પણ કાંઈક કલ્યાણ કરવા પ્રાર્થના છે.’

આટલી પ્રાર્થના ગુરુદેવને કરતાં તો જનક ભાવુક થઈ ગયા. જ્યારે બંદી તો બે કર જોડી માત્ર કૃપાર્થીની જેમ જ્ઞાનયાચના કરી રહ્યો હતો. અષ્ટાવક્રજી પોતાના આસનેથી હળવેથી ઊભા થઈ, બંદીની નજીક ગયા, બંદી તો અષ્ટાવક્ર કરતાં ઉંમરમાં મોટો હતો. ઊંચો, દેખાવડો, યુવાન હતો. છતાં અષ્ટાવક્રજીએ ખૂબ જ પ્રેમપૂર્ણ બંદીના મસ્તક ઉપર સ્પર્શ કર્યો. એક ઊર્જાનો ધોધ બંદીના તન-મનમાં પ્રસરી ગયો. બંદીની આંખોમાંથી અશ્રુધારા વિના સંકોચ વહેવા લાગી.

મુનિ ઉદ્દાલકજી ઊઠીને તેમના શયનખંડમાં ગયા. શ્વેતકેતુને હવે ભાણેજથી દૂર થવું ગમતું નહોતું. કારણ કે અષ્ટાવક્રજી પાસે તો એક એક ક્ષણ અમૂલ્ય બની જતી હતી. તેથી તે ત્યાં જ બેસી રહ્યા હતા. અષ્ટાવક્રજી બંદીની અંતઃસ્થિતિ સમજી ગયા કે હવે બંદીને સત્ય કહેવું યોગ્ય છે એટલે તેમણે ધીમેથી કહેવાનું શરૂ કર્યું, ‘પૃથ્વીના દરેક મનુષ્યને પોતાની સ્વંયની સાથે એક પ્રશ્ન તો જરૂર થવો જોઈએ કે આત્મા એટલે શું ? અને તેનાં દર્શનની શી વિધિ છે ? ટૂંકમાં આત્મજ્ઞાન એટલે શું ? મોક્ષ એટલે શું ? અને શાસ્ત્રોમાં જે વૈરાગ્યની વાત જોરપૂર્વક કહેવામાં આવે છે તે વૈરાગ્ય શું છે ? વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય ?’

ગુરુદેવ થોડું અટકી આગળ બોલે છે, ‘સંપૂર્ણ અધ્યાત્મનો સાર આ ત્રણ જ પ્રશ્નોમાં આવી જાય છે. આ માર્ગમાં મનુષ્યના ચિત્તમાં વૈરાગ્ય હોવો જરૂરી છે. વૈરાગ્ય એટલે આસક્તિનો ત્યાગ. અધ્યાત્મમાં ત્યાગ પ્રથમ શરત છે. ત્યાગને લીધે જ આત્મજ્ઞાન થઈ જાય છે, અને આત્મજ્ઞાન દ્વારા જ વ્યક્તિ સશરીર પણ મુક્તિની અવસ્થા ભોગવે છે, જે દરેક મનુષ્યનું અંતિમ લક્ષ્ય છે, દરેકની સર્વોપરી સ્થિતિ છે.’

અષ્ટાવક્રજીએ ખાસ તો બંદી તરફ દ્રષ્ટિ કરી કાંઈક મર્મસહિત વાત કરી.

‘વાસ્તવમાં આત્મજ્ઞાનપ્રાપ્તિ માટે કાંઈ જ વિધિ કે ક્રિયાઓ કરવાની જરૂર નથી, કારણ કે દરેક ક્રિયા બંધનનું કારણ જ બને છે ! અહંકારને જન્મ આપે છે. કર્તાને જન્મ આપે છે. ક્રિયા સાથે ફળની ઈચ્છા હંમેશાં જોડાયેલી જ રહે છે, અને દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય જ છે. કોઈ પણ કર્મ કે ક્રિયા ફળ આપ્યા વિના જતાં નથી. ફળ વહેલું કે મોડું મળી શકે છે. કિંતુ મળે છે અવશ્ય. એ જ કર્મનો સિદ્ધાંત છે અને એ જ મુક્તિ માટે બાધારૂપ છે. એ જ જન્મોજન્મની દીવાલ બની જાય છે.’

રાજા જનક અને બંદી બંને ગ્રાહ્યભાવપૂર્વક ગુરુદેવની અમૃત સમ વાણી સાંભળી રહ્યા હતા. ગુરુદેવે આગળ કહ્યું, ‘સીધી વાત તો એ છે કે આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન માટે શાસ્ત્રોમાં દર્શાવેલ ધ્યાન, ધારણા, સમાધિ, અનુષ્ઠાન, મંત્ર-તંત્ર વગેરે પણ બાધારૂપ છે, અવરોધરૂપ છે, કારણ કે આત્મજ્ઞાન તો માત્ર બોધ (ઉપદેશ)થી પણ સંભવે છે. બોધ દ્વારા વ્યક્તિ જાગી જાય તો કાંઈ જ કરવાનું રહેતું નથી.’

સામે બેઠેલા બંને વિદ્વાન મિત્રો તો આવી ઘોષણા સાંભળી મનોમન નાચી ઊઠ્યા, જેમાં રાજા જનકનો અનુભવ તો હજુ તાજો જ હતો, જ્યારે બંદી અનુભવની કલ્પના માત્રથી આનંદિત હતો. અષ્ટાવક્રજીએ મનુષ્યના અહંકારનું દૂષણ સમજાવતાં કહ્યું, ‘દરેક મનુષ્ય મન, બુદ્ધિ અને અહંકારમાં જ જીવે છે, અને તેના કારણે જ તે જીવનમાં સુખ-દુઃખ તથા અનુકૂળતા-પ્રતિકૂળતાનો અનુભવ કરે છે, અને આ મુખ્ય દરવાજેથી પછી કામ, ક્રોધ, લોભ અપ્રામાણિકતા વગેરેની ભીડ આવે છે, કારણ કે આ બધાં અહંકારનાં સદાયનાં સાથી છે, અને એને લીધે મનુષ્ય ભોગોમાં ફસાઈ જાય છે… અને જીવન વ્યર્થ જાય છે.’

અષ્ટાવક્રજી થોડી ક્ષણો અટકી વાતને સમજાવે છે. કેટલાક અજ્ઞાનીઓ માને છે કે જીવન બંધન છે, પરંતુ જીવન સમસ્યા નથી. જીવનથી ભાગી જંગલમાં જવાની પણ જરૂર નથી, કિંતુ મનુષ્યના ખોટા દ્રષ્ટિકોણે જીવનને સમસ્યારૂપ બનાવ્યું છે. જેમ કરોળિયો તેના જ મુખમાંથી નીકળેલી લાળની જાળમાં ફસાઈ જાય છે, એને ફસાવવાનું બીજું કોઈ કારણ નથી. એવી જ સ્થિતિ મનુષ્યની છે કે જે તે પોતાનાં જ રચેલાં બંધનોમાં સ્વયં જ ફસાઈ છે, અને અનેક જન્મના ફેરામાં પડી જાય છે.’

‘હે… ગુરુદેવ, આ શરીર દ્વારા મુક્તિનો ઉપાય શો છે ? વાસ્તવમાં મારું સ્વરૂપ શું છે ?’ બંદીએ અધીરાઈથી પૂછી તો લીધું, કિંતુ ક્ષોભથી થોડો સંકોચાઈ ગયો.

ગુરુદેવે સ્મિત સાથે કહ્યું, ‘તમે સ્વંય આ શરીર નથી. પરંતુ શુદ્ધ ચૈતન્ય માત્ર છે. દરેક મનુષ્ય શરીર, મન કે અહંકારનું પૂતળું માત્ર નથી કે નથી માત્ર પંચમહાભૂતનું મિશ્રણ ! કિંતુ મનુષ્ય તો તેના શરીરમાં સ્થિત ચૈતન્ય રૂપ શુદ્ધ આત્મા છે, અને વિશ્વના સમસ્ત આત્માઓના એકત્વ ભાવ જ બ્રહ્મ કહેવાય છે ! એ જ પરમાત્મા… એ જ આત્મા…. એ જ ઈશ્વર છે… એ જ તું છે. બધું એક જ છે. અભિન્ન અને અતૂટ છે. આત્મા અને પરમાત્મા એક જ છે.’

બંને શિષ્યોમાંથી એકેયને કાંઈ પણ પૂછવાની સૂધબૂધ ન રહી. અષ્ટાવક્રે આ વાતને સરળતાથી સમજાવવાના હેતુથી કહ્યું,

‘સમુદ્રનું પાણી ઘડામાં હોય ત્યારે એ ઘડાનું પાણી છે, પરંતુ એ ઘડો ફૂટી જાય ત્યારે ઘડાનું અને સમુદ્રનું પાણી એક જ છે. ઘડાના પાણીને શરીરસ્થિત આત્મા જુઓ, જ્યારે સમુદ્રના જળને બ્રહ્મ સમજો.’

જનક અને બંદીના ચહેરા પર સમજનું તેજ દેખાતું હતું, જનકે પૂછ્યું, ‘ભગવાન, આ આત્મા કરે છે શું ?’

‘આ ચૈતન્ય આત્મા નથી કાંઈ ભોગવતો કે નથી એ કર્તા બનતો એટલે નથી એનું કોઈ બંધન કે નથી કોઈ એનો મોક્ષ થતો, એ તો સૌનો સાક્ષી, નિર્વિકાર, નિરંજન, ક્રિયારહિત અને સ્વયં પ્રકાશિત છે. આકાશમાં પ્રકાશિત સૂર્ય, ચંદ્ર, તારાઓ અને ગ્રહોને પ્રકાશિત રાખનાર એ જ પ્રકાશ છે. આ આત્મા સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, કણકણમાં એ છુપાયેલો છે.

અષ્ટાવક્રજી થોડું રોકાયા, કિંતુ વાણી અવિરત ચાલુ જ રહી,

‘સમગ્ર સૃષ્ટિનો આધાર માત્ર એ જ પરમ ચૈતન્ય છે. આ સૃષ્ટિ અને સંસાર તો એ પરમ ચૈતન્યની માત્ર અભિવ્યક્તિ જ છે.

આ સૃષ્ટિ તો અનિત્ય છે. આજે છે ને કાલે નથી. સૃષ્ટિ તો સતત બદલાતી રહે છે, પરંતુ એ પરમ ચૈતન્ય તત્વ તો નિત્ય છે, શાશ્વત છે, સદાય છે. એ તો પહેલાં પણ હતું અને પછી પણ હશે. અને વર્તમાનમાં પણ છે, એ જ સૃષ્ટિનું મૂળ તત્વ છે. સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિમાં મૂળ એ જ પરમ ચૈતન્ય છે અને પરમ ચૈતન્યનો બોધ થઈ જાય એને જ મુક્તિ કહેવામાં આવે છે, એ જ મોક્ષ છે.

અષ્ટાવક્રજીએ જનક સામે જોઈને કહ્યું, ‘રાજન, તું મુક્તિ અને વૈરાગ્યની ચાવી ઈચ્છે છે તો તને એક જ વાતમાં સર્વ કહી દઉં કે સંસારના વિષયો પ્રતિ આસક્તિ છે તેને વિષ (ઝેર) સમજી છોડી દે, તથા સ્વયંને શુદ્ધ ચૈતન્ય માની પછી નિષ્ઠાપૂર્વક તેમાં સ્થિર થા, આને જ વૈરાગ્ય કહેવાય ને એ જ જ્ઞાન અને મુક્તિનું રહસ્ય છે.’

સદ્‍ગુરુ અષ્ટાવક્રજીએ પૂરા અધ્યાત્મનો નિચોડ અને રહસ્ય એક જ વાક્યમાં જનક અને બંદીને કહી દીધું.

બંને મિત્રો ગુરુદેવની બધી જ મર્યાદા ત્યાગીને સાષ્ટાંગ દંડવત્‍ પ્રણામ કર્યા, અને કહ્યું, ‘ભગવાન, હજુ તરસ છિપાતી નથી, થાય છે અમૃતપાન કર્યા જ કરીએ, પરંતુ આપનો પણ વિશ્રામનો સમય થઈ ગયો છે, અને આવતીકાલે વહેલી પ્રભાતે આપ મિથિલાથી પ્રસ્થાન અપણ કરિઓ છે. જેનો પૂર્ણ પ્રબંધ થઈ ગયો છે… કિંતુ ગુરુદેવ…’

જનક સંકોચવશ રોકાઈ ગયા.

અષ્ટાવક્રજીએ આંખોથી જ પોતાના પ્રિય શિષ્યને નિઃસંકોચ કહેવા કહ્યું, ત્યારે જનકે ક્ષોભ સાથે કહ્યું, ‘હે… ગુરુદેવ, હું આપની ગુરુ-દીક્ષાનો આકાંક્ષી છું. હું આપનો વિધિવત્‍ શિષ્ય બનવા ઈચ્છું છું, આપ મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો…’

સદ્‍ગુરુ તો પૂરી સમષ્ટિના રહસ્યથી પરિચિત હોય છે. દરેક રહસ્યો જાણતા હોય છે, તેમણે કહ્યું, ‘હે… રાજવી, થોડા સમય તો આશ્રમમાં પરિવારજનો તથા ગુરુભાઈઓ સાથે રહીશ, અને નજીકના સમયમાં પવિત્ર ચતુર્માસ આવે છે ત્યારે તમારી દીક્ષાનું આયોજન કરીશું, અને ત્યારે હું તમને પૂર્ણ બ્રહ્મનો બોધ કરીશ, કારણ કે, આત્મજ્ઞાન થયા પછી, તે જ્ઞાનમાં સતત સ્થિર રહેવું જરૂરી છે. નહીંતર ફરી જન્મ લેવાની સંભાવના બની રહે છે. એ માટે ગુરુ-દીક્ષા અને સતત સ્વયંનું ચિંતન જરૂરી છે.’

અષ્ટાવક્રજીએ સમય અને સંજોગો અનુસાર રાજા જનક મહાવશી અને પોતાના ભક્ત બંદીને જ્ઞાન આપવાનું વચન આપ્યું, ત્યારે આકાશમાંથી દેવતાઓ આ ગુરુ-શિષ્યના પરમ પ્રેમ પર પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા.

* * *

અષ્ટાવક્રજી મિથિલાનગરીથી સન્માન અને કીર્તિ પ્રાપ્ત કરી તેમના આશ્રમમાં આવી માતા સુજાતાને મળ્યા. માતા સુજાતા તો પોતાના કુરૂપ પુત્રનું કામદેવ જેવું રૂપ જોઈ મુગ્ધ થઈ ગઈ. અષ્ટાવક્રજીના ચહેરા પર જ્ઞાન અને કીર્તિનું તેજ છવાયેલું હતું, કિંતુ ક્યાંય પણ અહંકાર કે આત્મશ્લાઘા જેવું દેખાતું નહોતું. સુજાતા તો અષ્ટાવક્રજીને જોઈને પણ તૃપ્ત થતી નહોતી, એને મિથિલાનગરીની, તથા રાજા જનક સાથેનાં દિવસોની વાતો પેટ ભરીને પૂછવી હતી.

અષ્ટાવક્રજીના ગુરુભાઈઓ તો અષ્ટાવક્રજીથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે પહેલાંની જેમ તેઓ સહજતાથી અષ્ટાવક્રજી સાથે ભળતા પણ નહોતા, અને મર્યાદાપૂર્વક દૂર દૂર રહેતા હતા. આ ફેરફાર જ્ઞાની અષ્ટાવક્રની દ્રષ્ટિમાં આવી ગયો. તેથી તેમણે પોતાની કુનેહથી ફરી બધા મિત્રો અને ગુરુભાઈઓને એકત્ર કરી સામાન્ય જીવન શરૂ કર્યું. પૂરા આશ્રમના અધ્યયનનો કાર્યબોજ અષ્ટાવક્રજી પર નાખી દેવામાં આવ્યો, અને આશ્રમનું કાર્ય નિયમિત શરૂ થઈ ગયું.

બીજી બાજુ જનક ને તેનો મિત્ર બંદી ગુરુ વિના વ્યાકુળ હતા. હજુ ચાતુર્માસને બે માસ બાકી હતા. હજુ બે માસ ગુરુના મિલાપની પ્રતીક્ષા કરવાની હતી. બંને મિત્રોની હાલત એકસરખી હતી, પરંતુ ગુરુની આજ્ઞાને અવગણીને આશ્રમ જઈ ગુરુદર્શન પણ ન કરી શકાય એવી સ્થિતિ હતી.

પરંતુ એક દિવસ સમંગા નદીકિનારે સ્વયં વરુણદેવતાએ પોતાના પુત્રને આજ્ઞા કરી કે, “હે… પુત્ર, તું ત્વરિત ઉદ્દાલકમુનિના આશ્રમે જઈ ગુરુનાં તેમનાં દર્શન કરી હિમાલયમાં બદરીક્ષેત્રમાં પહોંચે, ત્યાં એક યજ્ઞમાં તારે ઉપસ્થિત રહેવાનું છે.”

પિતાજીની આજ્ઞાની વાત બંદીએ જ્યારે રાજા જનકને કરી ત્યારે જનકે બંદીને ઉદ્દાલકમુનિના આશ્રમે જવાની સલાહ આપી. બંદી જનકની સલાહ અને પિતાની આજ્ઞા મુજબ ઉદ્દાલકમુનિના આશ્રમે પહોંચ્યા, અને મિત્ર જેવા થઈ ગયેલ શ્વેતકેતુ, માતા સમાન સુજાતા, પરિવારના સભ્યો જેવા આશ્રમના સ્વાધ્યાયીઓ વગેરેને મળ્યા. અને ત્યારે અષ્ટાવક્રજીએ બંદીને દીક્ષા બાબતે માર્ગદર્શન આપ્યું. અષ્ટાવક્રજીએ કહ્યું કે, “હે… બંદી, અસ્તિત્વે દરેક ઘટનાઓ પ્રથમથી જ નિર્માણ કરી જ હોય છે. આપ મારા મિત્ર અને બંધુ સમાન છો, કારણ કે આપના પિતાએ મારા પર પણ પિતાતુલ્ય કૃપા કરી છે. મારા કુરૂપ શરીરને નવો જન્મ આપ્યો છે. એ અર્થમાં પણ પિતા છે. એટલે આપણે તો ભાઈઓ થઈએ, તેથી આપની દીક્ષાની વ્યવસ્થા મારા નાના અને ગુરુ ઉદ્દાલકમુનિના સાંનિધ્યમાં અને માર્ગદર્શનમાં થઈ છે, તેથી તમારા ગુરુ મહર્ષિ ઉદ્દાલકજી બનશે, અને તમે મારા ગુરુ-ભાઈ બનશો.”

આ પ્રમાણે સાંભળી બંદી હર્ષ સાથે તૃપ્ત થયો, અને ઉદ્દાલકજી દ્વારા શિષ્યત્વ ગ્રહણ કરી જ્ઞાનનું નવું તેજ લઈ હિમાલય તરફ પ્રસ્થાન કરી ગયો.

હવે, ચાતુર્માસના દિવસો દૂર નહોતા, અને ગુરુ અષ્ટાવક્રજીએ તેમના વચન મુજબ પોતાના શિષ્ય રાજા જનક મહાવશીની મિથિલામાં જવાનું હતું, જ્યાં ગુરુ-શિષ્યનો દિવ્ય સત્સંગ પ્રારંભ થવાનો હતો અને એક મહાગીતાનો જન્મ થવાનો હતો.

– સ્વામી અમન આનંદ
[કુલ પાન ૩૩૩. કિંમત રૂ.૨૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

નોંધ : આ પુસ્તક હાલમાં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં ઉપલબ્ધ નથી. જે કોઈ વાચક આ પુસ્તક મેળવવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ કાર્યાલયનો સંપર્ક કરી પુસ્તકના પુનર્મુદ્રણ માટેની વાત કરી પુસ્તક માટે નામ નોંધાવી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “અષ્ટાવક્રનું જનક અને બંદીને જ્ઞાન આપવાનું વચન – સ્વામી અમન આનંદ”

Copy Protected by Chetan's WP-Copyprotect.