ભરોસો – આશા વીરેન્દ્ર

(‘ભૂમિપુત્ર’ના ૦૧/૦૮/૨૦૧૫ના અંકમાંથી)

‘ચિલ્ડ્રન્સ રીમાન્ડ હોમ’માં નોકરી કરવાની વાતથી રોશનીને પરસેવો છૂટી ગયો હતો. ત્યાં તો કેવા કેવા ગુનેગાર છોકરાઓ આવે ! કોઈએ મારામારી કરી હોય તો કોઈએ ચોરી, કોઈક તો વળી આવેશમાં આવીને ખૂન પણ કરી બેઠા હોય. બાપ રે ! એવા છોકરાઓ સાથે કેવી રીતે કામ કરી શકાશે ? પણ પિતાના મૃત્યુ પછી જો એ કમાઈને ન લાવે તો ચાલે એમ જ નહોતું એટલે જે મળી એ નોકરી એણે સ્વીકારી લીધી.

પહેલે જ દિવસે એને છ છોકરાઓની ટોળીની જવાબદારી સોંપાઈ. અને કહેવામાં આવ્યું, ‘આ છએ છના વર્તનની, ચોખ્ખાઈની, શિસ્તની, ભણતરની બધી વાતની તારે દેખરેખ રાખવાની.’

ધારી ધારીને છએ જણના ચહેરા જોતાં જોતાં એની નજર ટીનિયાની આંખો પર સ્થિર થઈ ગઈ. કેટલી નિષ્પાપ અને નિર્દોષ આંખો ! આ છોકરો કોઈ ગુનો કરી જ ન શકે. રિસેસના સમયે એની સાથી મિત્રએ હસતાં હસતાં એને ચેતવી, ‘અરે, મહાબદમાશ છોકરો છે. એના દેખાવ પર જઈને એને ભોળો સમજવાની ભૂલ ન કરીશ.’

બીજીએ કહ્યું, ‘અમે બધાં એનાથી થાકી ગયાં છીએ. કોઈનું કહેવું માને નહીં. પોતાનું ધાર્યું જ કરે અને ગમે તેટલું ધ્યાન રાખવા છતાં અત્યાર સુધીમાં ચાર વાર તો અહીંથી ભાગી ગયો છે. જો કે, દર વખતે થાકીને પાછો પોતાની મેળે જ આવી જાય.’ રોશનીને આ સાંભળીને ગભરાટ થવા લાગ્યો. ત્યાં જ એની માના વારંવાર બોલાતા શબ્દો યાદ આવ્યા, ‘પ્રેમથી ભલભલા જાનવરને પણ વશ કરી શકાય તો માણસને ન કરાય ? એ તો પ્રેમનો ભૂખ્યો હોય છે !’

પછી તો ભલે એ પોતાને ભાગે આવેલા બધા છોકરાઓની કાળજી લેતી પણ એનું ધ્યાન ટીનિયા તરફ વિશેષ રહેતું. એકલા બેસીને કાગળ પર ચિતરામણ કરતા ટીનિયા પાસે જઈ એ એને ખુશ કરવા કહેતી, ‘અરે વાહ, બહુ સુંદર ચિત્ર દોર્યું છે.’

‘મને ખબર છે, તમે અમસ્તું જ કહો છો. આ ચિત્રને કંઈ સારું ન કહેવાય. મારા કરતાં જગુ વધારે સારાં ચિત્રો દોરે છે.’ એ લાપરવાહીથી કહેતો. રોશની એને માથે સ્નેહથી હાથ ફેરવવા જતી તો એ હાથ ઝટકી નાખતો.

‘મારા માથે કોઈ હાથ ફેરવે એ મને પસંદ નથી.’

‘તને શું પસંદ છે ?’

‘અહીંથી દૂર દૂર ભાગી જવાનું.’ એની ભાગી જવાની વાત સાંભળતાં રોશની ચૂપ થઈ જતી. એક દિવસ દાદર ઊતરતાં એ પગથિયું ચૂકી ગયો ને પડ્યો. છેલ્લા પગથિયાની ધાર કપાળમાં વાગી અને ધડધડ કરતું લોહી નીકળવા લાગ્યું. રોશની દોડતી આવી. ફર્સ્ટ એઈડ બૉક્સ લાવીને ડ્રેસીંગ કરીને એને માથે પાટો બાંધી આપ્યો અને પછી ચૂપચાપ બાજુમાં બેઠી. ટીનિયાએ એનો હાથ પકડીને પોતાને માથે ફેરવવા માંડ્યો. રોશનીએ જોયું તો એની આંખના ખૂણેથી આંસુ વહેતાં હતાં. રોશનીનું હૈયું પણ ભરાઈ આવ્યું.

આ પ્રસંગ પછી ટીનિયો રોશનીની નજીક આવવા લાગ્યો. એ કહેતો, ‘દીદી, મારે અહીંથી ભાગીને ક્યાં જવું છે ખબર છે ? જુઓ, સામે પેલી ટેકરી દેખાય છે ને, એ ઊતરીને થોડું ચાલીએ પછી મારું ગામ આવે. ગામમાં દાખલ થતાં જ એક મોટું વડનું ઝાડ આવે. મને એ વડદાદા રાત્રે સપનામાં આવીને બોલાવે છે. મારે ત્યાં જવું છે.’

‘સારું, હું પ્રિન્સિપાલ મેડમની રજા લઈને તને લઈ જઈશ.’

‘ના, મારે એકલા જ જવું છે. મારી મા એ વડદાદાની પૂજા કરતી, મને પણ સાથે લઈ જતી. હું વડવાઈ પર હીંચકા ખાતો. હવે મા તો નથી. કોઈ નથી પણ વડદાદા હાથ પહોળા કરીને મને બોલાવે છે.’

એની વાતો સાંભળીને રોશનીનું મન કરુણાથી છલકાઈ જતું. એને સમજાતું નહીં કે, આ છોકરાની ઈચ્છા પૂરી કરવા એ શું કરી શકે?

રોશની છએ છોકરાઓને બગીચામાં લઈ જઈને છોડ રોપતાં શીખવતી હતી. બધાને મજા પડતી હતી. માટીથી ખરડાયેલા હાથ ધોવા સૌ દૂરના નળ પાસે જઈને પાછા આવ્યા ત્યારે જગુએ કહ્યું, ‘દીદી, ટીનિયો ક્યારનો દેખાતો નથી. એ ભાગી ગયો લાગે છે.’

‘શું?’ રોશનીનું હૈયું જાણે ધબકારો ચૂકી ગયું. મેં કેટલો વિશ્વાસ મૂક્યો હતો એના પર ! મને કહ્યા વિના તો એ ક્યાંય જાય જ નહીં એવો ભરોસો હતો ને મને અંધારામાં રાખીને ભાગી ગયો ?
પ્રિન્સિપામ મેડમ ખૂબ ગુસ્સે થયાં, ‘મેં તને જવાબદારી સોંપી હતી ને ? ત્રણ દિવસનો સમય આપું છું. ગમે ત્યાંથી મને છોકરો જોઈએ.’

રોશની બધે ભટકીને, રઝળીને થાકી. ટીનિયાનો ક્યાંય પત્તો નહોતો. નોકરી તો જશે જ પણ કાયમ માટે કાળી ટીલી ચોંટી જશે. અચાનક એને ટીનિયાની કહેલી વાત યાદ આવી. ટેકરી પાર કરીને ટીનિયાનું ગામ આવે. ત્યાં ગયો હશે ? રાત્રે થાકીને સૂતી ત્યારે એણે બીજે દિવસે ત્યાં જવાનું નક્કી કર્યું. એને ટીનિયાનું સપનું આવ્યું. એ કહેતો હતો, ‘દીદી, મેં તમને કહ્યું હતું ને કે એક વખત મારે જવું છે, મને જવા દો. પણ કોઈએ મારું સાંભળ્યું નહીં. તમે પણ નહીં. એટલે મારે ભાગવું પડ્યું. પણ હું પાછો આવી જઈશ.’

રોશનીની આંખ ખૂલી ત્યારે સવાર થવાની તૈયારી હતી. એણે દોડીને દરવાજો ખોલ્યો તો સામે ટીનિયો ઊભો હતો. રોશનીને જોતાં એ રડવું રોકી ન શક્યો.

એનાં આંસુ લૂછતાં રોશનીએ પૂછ્યું, ‘મળી આવ્યો વડદાદાને?’

‘ના, વડદાદા વચ્ચે આવતા હતા ને એટલે એમને… એમને બધાએ મળીને કાપી નાખ્યા. એ લોકોને રસ્તો મોટો બનાવવો હતો.’ એ ડૂસકાં ભરતો બોલ્યો.

‘વડદાદા તો ન મળ્યા એટલે હું તમારી પાસે આવ્યો. મને તમારા વગર જરાય નહોતું ગમતું. મને માફ કરશોને દીદી?’ રોશનીએ ખેંચીને એને ગળે વળગાડ્યો.

(અન્ના લ્યુપાનની રશિયન વાર્તાના આધારે)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અષ્ટાવક્રનું જનક અને બંદીને જ્ઞાન આપવાનું વચન – સ્વામી અમન આનંદ
રોલ નં. ૨૪ – કિરણસિંહ ચૌહાણ Next »   

8 પ્રતિભાવો : ભરોસો – આશા વીરેન્દ્ર

 1. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  આશાબેન,
  વતનની કોઈપણ વસ્તુનું વળગણ અદ્વિતીય હોય છે.તેમાં પણ આવાં સમાજે તરછોડેલાં,વગોવેલાં ભૂલકાં તો વતન માટે ઝૂરતાં હોય છે ! તેમણે કરેલ ગુનો તેમની મજબૂરી જ હોય છે.
  લાગણીસભર વાર્તા આપવા બદલ આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. kashmira says:

  Khub j saras

 3. Arvind Patel says:

  પ્રેમ ને કોઈ ભાષા નથી લાગણી ને કોઈ ભાષા નથી. દરેક ભાષા માં પ્રેમ અને લાગણી ના અર્થ સમાન છે. પ્રેમ આપોતો પ્રેમ જ મળે. શુદ્ધ લાગણી બતાવો તો સન્માન જ મળે. આપણે આપણા વ્યહવારિક જીવન માં ફક્ત પ્રેમ ને જ પ્રાધાન્ય આપીએ તો ક્યારેય ગેર સમાજ કે કોઈ મોટી મુશ્કેલી આવતી જ નથી. ખુબ સુંદર વાર્તા છે.

 4. Hitesh Ghoda says:

  ખુબ સુંદર વાર્તા, આભિનન્દન્!

 5. sandip patel says:

  અતિ સુન્દર.લાગણેીવશ કરેી દેનાર વાર્તા. આભાર આશા બેન સુન્દર વાર્તા આપવા બદલ.

 6. Urvi says:

  Trust and love is everything in life

 7. GAURANG KOSHTI says:

  Really Nice Artical… I Like this story……
  Heart Touching story..

 8. SHARAD says:

  in oreder tomodernise the village, man destroys the atural wealth and children’s dream world . WHO SHOULD BE TRUSTED ?

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.