રોલ નં. ૨૪ – કિરણસિંહ ચૌહાણ

(‘કવિતા’ સામયિકના જુલાઈ-ઓગસ્ટ, ૨૦૧૫ના અંકમાંથી)

એ નટખટ છોકરીએ કહ્યું :
સર, મને ખાલી જગ્યાઓ પૂરતા નથી આવડતું
હું એમ કરીશ ખાલી જગ્યાઓ ખાલી જ રાખીશ
તમે એ પૂરી દેજો.
મેં કહ્યું ‘જો દીકરા, તારી ખાલી જગ્યા તો તારે જ પૂરવી પડે…’
‘ઓ સર…!’ કહીને છણકો કરી એ નીકળી ગઈ.
બીજે દિવસે છાપાના છેલ્લા પાને વાંચ્યું
‘કૌટુંબિક ઝઘડામાં એક વિદ્યાર્થિનીનો ગળાફાંસો’
અરે આ તો…
હું સ્તબ્ધ થઈ ગયો
બીજે દિવસે વર્ગમાં હાજરી પૂરતા
‘રોલ નં.૨૪’
કોઈ બોલ્યું નહિ
‘રોલ નં.૨૪’
ફરી વર્ગમાં મૌન…
ક્યાં છે રોલ નં.૨૪…?
‘સર એ તો…’ એક વિદ્યાર્થિની રડમસ અવાજે બોલી.
આખા વર્ગખંડમાં એક સન્નાટો ફરી વળ્યો.
હું મારી જાતને ધિક્કારતો રહ્યો
એને અભ્યાસનું મહત્વ સમજાવતો રહ્યો
પણ જીવનનું મહત્વ સમજાવવાનું તો રહી જ ગયું.
પરીક્ષામાં એના નંબરવાળી બેંચ ખાલી
ઉત્તરવહીના બંડલમાં એક ઉત્તરવહીની ખોટ
પ્રવાસે ગયાં
બધા બાળકો બસમાં બેસી ગયાં
તોય મને કહે, ‘મારી એક દીકરી તો હજી આવવાની બાકી…’
બોલ.
મારે ક્યાં ક્યાં તારી ખાલી જગ્યાઓ પૂરવાની…!
મેં તને કહ્યું’તુંને… કે તારી ખાલી જગ્યા તો તારે જ…!
સૌ જાણે છે કે
ટેબલના ખાનામાં પડેલા હાજરીપત્રકમાં
કોઈના જવાથી પડેલી ખાલી જગ્યા
બીજા મહિને બીજા કોઈ દ્વારા પુરાઈ જાય
પણ બહુ ઓછા જાણે છે કે
એક હાજરીપત્રક અમારા હૃદયમાં હોય છે
એમાં ખાલી પડેલી જગ્યા ક્યારેય પુરાતી નથી.
આચાર્યાબેને મિટિંગ બોલાવી
પૂછ્યું
‘પ્રશ્નપત્રના માળખામાં કોઈએ કોઈ ફેરફાર કરાવવો છે ?’
મેં કહ્યું,
‘ખાલી જગ્યાવાળો પ્રશ્ન કાઢી નાખો’
આચાર્યાબેને મારી સામે જોયું.
મને એમની આંખમાં દેખાયા અનેક પ્રશ્નાર્થો
અને એ પ્રશ્નાર્થોની પાછળ
અનંત ખાલી જગ્યાઓ…

– કિરણસિંહ ચૌહાણ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “રોલ નં. ૨૪ – કિરણસિંહ ચૌહાણ”

Copy Protected by Chetan's WP-Copyprotect.